શાહજહાં/ત્રીજો પ્રવેશ2

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રીજો પ્રવેશ

અંક ત્રીજો


         સ્થળ : અલાહાબાદમાં ઔરંગજેબની છાવણી. સમય : રાત્રિ.


ઔરંગજેબ : કેવો અજોડ વીર આ જશવંતસિંહ! ખાજુવાના જંગમાં, છેલ્લી રાતે મારા જનાનખાનાને પણ લૂંટી લઈ એક મહાસાગરના જુવાળની માફક મારી ફોજ ઉપર થઈને ચાલ્યો ગયો! અદ્ભુત! ગમે તેમ, પણ સૂજાની સાથેના આ યુદ્ધમાં હું ફતેહ તો પામ્યો છું... પણ સામી દિશામાં વળી વાદળ ઘેરાય છે. વળી એક તોફાન જાગશે. શાહનવાજ અને દારા, સાથે જશવંતસિંહ : ભયંકર મામલો. જશવંતને ફોસલાવવાનું તો મેં મહારાજા જયસિંહને સોંપી દીધું છે. પરંતુ આજ આ બેટા મહમ્મદનો મને બહુ શક પડી ગયો છે. એનો ચહેરો બહુ ઓછી વાતો કરે છે. એના દિલમાં મારા પ્રતિ અવિશ્વાસનું બીજ કોણે વાવી દીધું! શું જહાનઆરાએ? ઓ આવે મહમ્મદ.

[મહમ્મદ પ્રવેશ કરે છે.]

મહમ્મદ : મને બોલાવ્યો હતો, પિતા?
ઔરંગજેબ : હા, હું કાલે રાજધાનીમાં જાઉં છું ને તારે સૂજાનો પીછો લેવાનો છે. મીરજુમલાને તારી મદદમાં રાખી જાઉં છું.
મહમ્મદ : જેવો હુકમ!
ઔરંગજેબ : સારું, જા. ઊભો કાં રહ્યો? કાંઈ કહેવું છે?
મહમ્મદ : ના, પિતા! આપનો હુકમ જ બસ છે.
ઔરંગજેબ : ત્યારે?
મહમ્મદ : મારી એક અરજ છે.
ઔરંગજેબ : શું છે! ચૂપ કાં રહ્યો?
મહમ્મદ : ઘણા દિવસથી દિલમાં હતું કે પૂછું, ને હવે તો આ સવાલને દિલમાં દબાવી રાખી શકતો નથી. મારી ઉદ્ધતાઈ માફ કરજો.
ઔરંગજેબ : બોલ!
મહમ્મદ : પિતા! શહેનશાહ શાહજહાં શું કેદ છે?
ઔરંગજેબ : ના! કોણ કહે છે?
મહમ્મદ : તો પછી એમને મહેલમાં રોકી રાખ્યા છે શા માટે?
ઔરંગજેબ : એવી જરૂર પડી છે.
મહમ્મદ : અને છોટા ચાચા — એને આ રીતે કેદ કરી રાખવાની શું જરૂર પડી છે?
ઔરંગજેબ : હા.
મહમ્મદ : અને દાદાજી જીવતાં આપ તખ્ત પર બેઠા. એની પણ જરૂર પડી છે?
ઔરંગજેબ : હા, બેટા.
મહમ્મદ : પિતા!

[એટલું કહી મોં નીચું ઢાળે છે.]

ઔરંગજેબ : બેટા! રાજનીતિ બહુ અટપટી હોય છે. એ તું આટલી નાની ઉંમરે ન સમજી શકે. એમાં તારે માથું ફોડવું જ નહિ.
મહમ્મદ : પિતા! દગાથી ભોળા ભાઈને કેદ પકડવો, દગાથી પ્રેમાળ પિતાને પદભ્રષ્ટ કરવા, અને ધર્મને નામે આ તખ્ત પચાવી પાડવું — એનું નામ જો રાજનીતિ હોય, તો એ રાજનીતિ મારે ન ખપે.
ઔરંગજેબ : મહમ્મદ! તારી તંદુરસ્તી કાંઈ બગડી છે?
મહમ્મદ : [કંપતે સ્વરે] ના, પિતા. મારા જેવી તંદુરસ્તી તો મને લાગે છે કે સારા હિન્દમાં બીજા કોઈની નહિ હોય.
ઔરંગજેબ : તો પછી—

[મહમ્મદ ચૂપ રહે છે.]

ઔરંગજેબ : મારા ઉપરનો તારો અડગ ઇતબાર આજે કોણે ડગમગાવી દીધો, મહમ્મદ!
મહમ્મદ : આપે પોતે જ, પિતા! બની શક્યું તેટલા દિવસ હું આપના ઉપર ઇતબાર રાખતો આવ્યો છું. પરંતુ હવે એ બનશે નહિ. અવિશ્વાસનું ઝેર મારી નસોને તોડી રહ્યું છે.
ઔરંગજેબ : આ જ તારી પિતૃભક્તિ કે? — હોય, એમ જ હોય. વધુમાં વધુ અંધારું દીવાની નીચે જ હોય. વાહ પિતૃભક્તિ!
મહમ્મદ : પિતૃભક્તિ! પિતા, પિતૃભક્તિ શું આજ મારે આપની પાસેથી શીખવી પડશે! પિતૃભક્તિની વાત આપને મોંએથી! આપ આપના પિતાને કેદ કરી એનું જે તખ્ત ઝૂંટવી લીધું છે, તે જ તખ્તને મેં મારી પિતૃભક્તિને ખાતર લાત મારી ઠેલી દીધું છે. પિતૃભક્તિ! હું જો પિતૃભક્ત ન હોત, તો દિલ્હીના તખ્ત પર આજે ઔરંગજેબ નહિ પણ મહમ્મદ જ બેઠો હોત.
ઔરંગજેબ : એ હું જાણું છું, બેટા! તેથી તાજુબ થાઉં છું — એવી પિતૃભક્તિ ગુમાવી ન બેસતો, બચ્ચા!
મહમ્મદ : ના, હવે તો એ નહિ બને! પિતૃભક્તિ તો બહુ મહાન, બહુ પવિત્ર વસ્તુ છે. પરંતુ એ પિતૃભક્તિની ઉપર પણ એવી એક વસ્તુ છે, કે જેની પાસે પિતા, માતા, ભાઈ, તમામ ડુલ થઈ જાય.
ઔરંગજેબ : હું કહું છું કે બેટા, તું આ પિતૃભક્તિ ગુમાવી બેસતો નહિ. સમજ કે ભવિષ્યમાં આ રાજ્ય તારું છે.
મહમ્મદ : મને શું રાજ્યની લાલચ દેખાડો છો, પિતા! મેં ન કહ્યું કે કર્તવ્યને ખાતર આ સામ્રાજ્યને લોઢાના ટુકડા તુલ્ય ગણી મેં દૂર ફગાવી દીધું છે? તે દિવસ દાદાજીએ રાજ્યની લાલચ દીધી હતી, ને આજ આપ પણ એ જ રાજ્યની લાલચ બતાવો છો! હાય! દુનિયાનું સામ્રાજય શું આટલું બધું દુર્લભ! અને વિવેકબુદ્ધિ શું આટલી બધી સસ્તી! સામ્રાજ્યને ખાતર વિવેક હારું, પિતા! વિવેક ગુમાવીને આપે જે સામ્રાજ્ય મેળવ્યું છે, તે સામ્રાજ્યને શું કબરમાં સાથે લઈ જઈ શકશો? પણ વિવેક તો સાચેસાચ સાથે આવત, હો!
ઔરંગજેબ : મહમ્મદ!
મહમ્મદ : બોલો, પિતા.
ઔરંગજેબ : આનો અર્થ શો?
મહમ્મદ : એનો અર્થ એટલો જ કે, જે પિતાને ખાતર મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું, તે પિતાનો જ હવે મારા હૃદયની અંદર ક્યાંય પત્તો નથી. એને યે હું હારી બેઠો છું. હવે મારા જેવો ભિખારી કોણ? અને આપ — આપ આ હિન્દની સલ્તનત પામ્યા છો ખરા! પણ એનાથી મોટી શહેનશાહત આપ આજે ગુમાવી બેઠા છો.
ઔરંગજેબ : એ શહેનશાહત કઈ?
મહમ્મદ : મારી પિતૃભક્તિ! કેવું અણમોલ એ રત્ન! કેવી અખૂટ એ દૌલત! આજ આપે શું ગુમાવ્યું છે એ નહિ સમજાય. એક દિવસ કદાચ સમજાશે.

[જાય છે. ઔરંગજેબ પણ ધીરે પગલે બીજી બાજુ ચાલ્યો જાય છે.]