zoom in zoom out toggle zoom 

< શાહજહાં

શાહજહાં/પહેલો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પહેલો પ્રવેશ

અંક બીજો


[દિલદાર એકલો]

દિલદાર : મુરાદ! કેવો આસ્તે આસ્તે તું બગડતો જાય છે! શરાબના પૂરમાં તું ઘસડાઈ રહ્યો છે. એ ઉપર વળી વારાંગનાઓનાં લટકાંએ તોફાન મચાવ્યાં છે. હવે તારે ડૂબવાની વાર નથી; મુરાદ! તારા બેહાલ જોઈને કદી કદી મારું દિલ બળે છે. તું આટલો બધો ભોળો! શાહજાદીને ખુશ કરવા તું કપટથી ઔરંગજેબને કેદ પકડવા ગયો, મુરખા! પાણીમાં રહેવું ને મગરમચ્છ સાથે વૅર! આજ હવે મગરમચ્છનો વારો આવ્યો છે, હો. આ આવે એ અભાગી.

[મુરાદ આવે છે.]

મુરાદ : ભાઈ શું હજીયે નમાઝ પઢી નથી રહ્યા? ભાઈને પણ પરલોકની જ લત લાગી ગઈ છે? આ જિંદગી તો એણે ભોગવી જ ન જાણી. કેમ, શો વિચાર કરે છે, દિલદાર?
દિલદાર : વિચાર તો એ થાય છે, ખુદાવંદ, કે માછલાંને ગીલને બદલે પાંખો હોત તો કદાચ એ ઊડી પણ શકત.
મુરાદ : અરે ગંડુ, માછલાંને પાંખ હોત તો એ પંખી જ ન કહેવાત?
દિલદાર : [પોતાના કાન પકડીને] કાનની બૂટ. અગાઉ મને એ સૂઝ્યું જ નહોતું એટલે ગોટાળે ચડેલો. હવે તો દીવા જેવું ચોખ્ખું થઈ ગયું. ઠીક, પણ જહાંપનાહ, હંસના જેવું તો કોઈ જાનવર જ ન જોયું. મારું બેટું પાણીમાં તરે, ધરતી પર હાલે ને વળી આસમાનમાં ઊડે!
મુરાદ : પણ બેવકૂફ, એ વાતને આ ચાલુ વાત સાથે શી નિસ્બત?
દિલદાર : ખુદાતાલાએ પગ જે નીચે બનાવ્યા, તે તો ચાલવા માટે જ હશે, ખરું ને નામવર?
મુરાદ : હા જ તો.
દિલદાર : પણ પગ જો ચાલવાની સાથોસાથ વિચાર પણ કરવા લાગે તો તો માથું ઠેકાણે રાખવું મુશ્કેલ બની જાય હો! એ તો ઠીક, પણ અલ્લાએ જાનવરોને માથું અગાડી અને પગ પછાડી બનાવ્યા તે શા માટે, જહાંપનાહ!
મુરાદ : અરે ગમાર! એનાં મોં જો પછવાડે હોત તો પછી એ અગાડી બાજુ જ ગણાત ને!
દિલદાર : બરાબર કહ્યું, નામવર! પણ ત્યારે કુત્તા પૂંછડી શા માટે પટપટાવે ખબર છે? એનું કારણ બહુ ભારી છે.
મુરાદ : શું?
દિલદાર : કુત્તો પૂંછડી પટપટાવે છે, કેમ કે પૂંછડી કરતાં કુત્તામાં વધુ જોર છે. જો કુત્તા કરતાં પૂંછડીમાં વધુ જોર હોત તો પૂંછડી જ કુત્તાને પટપટાવત.
મુરાદ : હા...હા...હા...હા. આ ભાઈ આવે.

[ઔરંગજેબ આવે છે.]

ઔરંગજેબ : આવી પહોંચ્યા છો ને, ભાઈ! તમારા વિદૂષકને પણ સાથે જ લાવ્યા છો ને શું?
મુરાદ : હા ભાઈ, આપણે તો સરખી ઉમ્રના દોસ્તો પણ જોઈએ, ને વારાંગના પણ જોઈએ.
ઔરંગજેબ : હા, જોઈએ જ તો. કાલે એકાએક કોઈ લોકો એક અજબોગજબ ખૂબસૂરત વારાંગનાને મારી પાસે આવેલા. પણ તું તો જાણે છે કે મને કાંઈ એનો શૉખ નથી. હું તો મક્કે જાઉં છું, એટલે લાગ્યું કે તને એ ખુશ કરી શકશે તેથી આંહીં મોકલી દીધી. આ શરાબના શીશા પણ ગોવાના ફિરંગીઓ પાસેથી તારે માટે મંગાવી લીધા છે. જો તો ખરો, કેવાક છે?

[આપે છે.]

મુરાદ : લાવો જોઉં! [રેડીને પીએ છે.] વાહ! તોફા! વાહ! દિલદાર, તું શું વિચાર કરે છે? તારે જરા ચાખવો છે?
દિલદાર : હું એવો વિચાર કરતો હતો, જહાંપનાહ, કે તમામ જનાવર આગળ પગલે શા માટે ચાલતાં હશે!
મુરાદ : શા માટે? પાછળ પગલે ચાલતાં નથી તેટલા માટે.
દિલદાર : ના, હજૂર, એટલા માટે કે તેઓની આંખો મોખરે આવેલી છે. બાકી જેઓ આંધળાં છે, તેઓને તો આગળ પગલે ચાલવું કે પાછળ પગલે, એ એક જ સરખું.
મુરાદ : વાહ! તોફા! આ ફિરંગીઓ પણ શરાબ ફક્કડ બનાવી જાણતા લાગે છે. [પીએ છે.] તમે થોડો લેશો, ભાઈ?
ઔરંગજેબ : ના, ભાઈ, તું જાણે છે કે હું તો પીતો જ નથી. કુરાનમાં પીવાની મના છે ખરી ને!
દિલદાર : જાગો! અંધાઓ, જાગો! જુઓ જુઓ, દિવસ છે કે રાત!
મુરાદ : કુરાનની બધી મનાઈઓ માનવા જઈએ તો તો દુનિયા ચાલે જ નહિ.

[વધુ પીએ છે.]

દિલદાર : આહા! હાથીમાં જેટલું કૌવત છે, એટલી જ જો અક્કલ હોત, તો એ કેવું અક્કલમંદ જાનવર બનત! તો તો હાથીની ઉપર મહાવત બેસવાને બદલે મહાવત ઉપર જ હાથી બેસત. આહા! આવડી નાનકડી શક્તિ આવડા જબરદસ્ત દેહને સૂંઢ સાથે કેવી ફાવે ત્યાં ફેરવી રહી છે! વાહ!
ઔરંગજેબ : તારો વિષૂદક પણ ભારે રસિક લાગે છે હો!
મુરાદ : એ તો હીરો છે હીરો! પણ ક્યાં છે — વારાંગનાઓ ક્યાં છે?
ઔરંગજેબ : આ રહી આ તંબૂમાં, તું પોતે જ જઈને એને બોલાવી લાવને, ભાઈ!
મુરાદ : ભલે, ઝપાટાબંધ જાઉં, એમાં શું? જંગમાં કે રંગમાં મુરાદની પીછેહઠ હોય જ નહિ.

[મુરાદ જાય છે.]

દિલદાર : જાગો, અંધ, જાગો!

[એટલું બોલીને પાછળ જવા જાય છે, ત્યાં તો ઔરંગજેબ એને અટકાવે છે.]

ઔરંગજેબ : ઊભો રહે. વાત કહેવી છે.
દિલદાર : મને મારશો મા હો, બાપા! મારે તખ્ત પણ નથી જોઈતું. મક્કા પણ નથી જવું.
ઔરંગજેબ : સાચું બોલ, તું કોણ છે? સિર્ફ વિદૂષક નથી. બોલ, કોણ છે તું?
દિલદાર : હું તો એક જૂનો ગઠિયો છું, ધાડપાડુ છું, ચોર છું, બાપા! મારો સ્વભાવ જ ખુશામત, ચાંદુડિયાવેડા, વેવલાઈ અને દોઢડહાપણની એક સામટી કચૂંબર જેવો છે. હું તો ઇયળથીયે એદી, કૂતરાથીયે પેટભરો, અને કૌવાથીયે લબાડ છું.
ઔરંગજેબ : સાંભળ, હું મજાકનો શૉખીન નથી. બોલ, તું શું કામ કરી શકીશ?
દિલદાર : કાંઈ જ નહિ, જનાબ! હામાં હા કરી જાણું, સોંપેલું કામ ધૂળ મેળવી જાણું, બહુ બહુ તો ગાળો દો તો એ સમજી જાણું, બાકી કાંઈ ન જાણું, ખુદાવંદ.
ઔરંગજેબ : બસ કર. સમજી લીધું. તારે મારી જરૂર પડવાની. કંઈ ભય નથી.
દિલદાર : કાંઈ ભરોસોયે, નથી જનાબ.

[વારાંગનાની સાથે મુરાદ દાખલ થાય છે.]

મુરાદ : વાહવા! તોફા! ભભકેદાર!
ઔરંગજેબ : ત્યારે તું હવે આનંદ કર. હું જાઉં છું. તારા વિદૂષકને પણ લઈ જાઉં છું. એની વાતચીતમાં મને પણ ગમ્મત પડે છે.
મુરાદ : હાં! પડે છે ને? હું તો કહું છું કે એ એક હીરો છે. ભલે, લઈ જાઓ. મને તો એનાથી વધુ ખુશકારક સાથી મળી ગયાં છે.

[દિલદારની સાથે ઔરંગજેબ જાય છે.]

મુરાદ : હાં! નાચો! ગાઓ!

[નૃત્યગીત]
આજે લાવી છું, પ્યારાજી, તારી પાસ, નવલ સુહાસ,
મારાં રૂપ રંગ રાસ તારે પાયે ધરવા;
સારી જિંદગીની સકલ સુવાસ, સકલ મીઠાશ,
મારા હૈયાના હુલાસ તારે પાયે ધરવા.
આજે જીવન-પુષ્પોની થાળી
તારાં ચરણોમાં ઢાળી
કંઠે તારે આરોપું છું માળ
પ્યારા ચાતક! તું થાજે ના ઉદાસ, છિપાવી લે પ્યાસ,
લાવી હૈયાની સુધા હું તારે હોઠે ધરવા
— આજે લાવી છું.
આજે હૈયાની સકળ આશા
પ્રીતિની કાળી પિપાસા
શોક મોહ વેદના નિઃશ્વાસ
સર્વ શામી જાજો તારા સ્નેહ પાસ, સુખના ઉજાસ
તારે મિલને પ્રગટ થાજો તમ હરવા.
— આજે લાવી છું.
આજે મહેકે છે જોબન-વાડી
ઝૂલે છે જીવન-વારિ
છોળો એની છલ છલ થાય,
આજે ચંદ્રિકાનાં મુખ મલકાય, બપૈયાઓ ગાય
મન મરવા લોભાય તારે ખોળે ઢળવા.
— આજે લાવી છું.
સાંજે લાવી છું.
આજે તારા ઉર-પારાવારે
પ્રાણ પડવા પોકારે
ડૂબીને જો નીરવ થવાય;
તારે નયન-બિછાને જો પોઢાય, સ્વરગ પમાય
એવી આશાએ આવી છું તારો શ્રમ હરવા
— આજે આવી છું.

[સાંભળતો સાંભળતો મુરાદ શરાબ પીએ છે અને પછી નીંદમાં પડે છે. નાચનારીઓ ચાલી જાય છે, અને પહેરેગીરો સાથે ઔરંગજેબ પ્રવેશ કરે છે.]

ઔરંગજેબ : બાંધી લો.
મુરાદ : કોણ ભાઈ! આ શું? દગો!

[મુરાદ ઊઠે છે.]

ઔરંગજેબ : જો સામો થાય, તો સર ઉડાવી દેતાં અચકાશો નહિ.

[પહેરેગીર મુરાદને કેદ કરે છે.]

ઔરંગજેબ : લઈ જાવ એને આગ્રા. મારા બેટા મહમ્મદ તથા શાયસ્તખાંના કબજામાં રાખજો. હું કાગળ લખી આપું છું.
મુરાદ : આનું ફળ તું એક દિવસ ચાખીશ. હું તને જોઈ લઈશ.
ઔરંગજેબ : લઈ જાઓ.

[પહેરેગીર સાથે મુરાદ જાય છે.]

ઔરંગજેબ : મારો હાથ ઝાલીને તું મને ક્યાં ઉપાડી જાય છે, ખુદા! મારે આ તખ્ત નથી જોઈતું. તેં જ મારો હાથ પકડીને મને આ તખ્ત પર બેસાડ્યો! શા માટે તે તો તું જ જાણે!