શાહજહાં/પહેલો પ્રવેશ3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પહેલો પ્રવેશ

અંક ચોથો


         સ્થળ : ટોન્ડામાં સૂજાનો મહેલ. સમય : સંધ્યા.

[પિયારા ગાય છે. સુજા પ્રવેશ કરે છે.]

સૂજા : સાંભળ્યું, પિયારા? દારા તો ઔરંગજેબ સાથેની છેલ્લી લડાઈમાં પણ હારી ગયો.
પિયારા : હારી ગયો ને?
સૂજા : ઔરંગજેબનો સસરો હાથમાં તલવાર લઈ દારાની ભેરે લડતો લડતો કામ આવ્યો — અજાયબીની વાત, ખરું?
પિયારા : એમાં શી અજાયબી!
સૂજા : નહિ? એક બુઝુર્ગ વીર પોતાના જમાઈની સામે ફક્ત નેકીને ખાતર લડીને ખપી જાય — સોભાનઅલ્લા!
પિયારા : બહુ બહુ તો એને હું ‘ક્યા બાત’ કહી શકું. એથી વધુ કાંઈ જ નહિ.
સૂજા : જો જશવંતસિંહે આ વખતે દારાનો સાથ લીધો હોત! પણ ન લીધો. દારાને મદદ કરવાનો કોલ દઈને આખર જાતો એ હટી ગયો.
પિયારા : અજબ!
સૂજા : એમાં શી અજાયબી છે, પિયારા! અજાયબ થવા જેવું તો કાંઈ નથી.
પિયારા : નથી કે? અરેરે, મેં જાણ્યું કે છે. તેથી જ અજાયબ થઈ!
સૂજા : એણે તો જેમ ખીજુવાના જંગમાં ઔરંગજેબનો વિશ્વાસઘાત કર્યો હતો, તેમ આ વખત વળી દારાને ફરેબ દીધો; એમાં અજાયબી શી બળી છે!
પિયારા : કેમ નહિ? હું તો અજાયબ થાઉં છું.
સૂજા : વળી પાછી અજાયબી!
પિયારા : ના ના. એમ નથી. પ્રથમ છેવટ સુધી સાંભળો તો ખરા!
સૂજા : શું?
પિયારા : મને તો અજાયબ એ વાતની થાય છે કે પ્રથમ હું અજાયબ જ શું સમજીને થઈ!
સૂજા : અજાયબી થવા જેવો એક મામલો બન્યો છે ખરો, હો!
પિયારા : શો વળી?
સૂજા : એ કે ઔરંગજેબનો બેટો મહમ્મદ આપણી દીકરીને ખાતર એના બાપનો સાથ છોડીને આપણા પક્ષમાં શું સમજીને ભળ્યો હશે!
પિયારા : એમાં અજાયબી શી! પ્યારને ખાતર તો લોકો આથીયે મોટાં સાહસ ઉઠાવે છે. પ્યારને ખાતર તો ઇન્સાને અગાસીમાંથી પડતું મૂકેલ છે. નદીઓ ઓળંગી છે, આગમાં ઝંપલાવ્યું છે. ઝેર ખાઈને પણ જીવ કાઢેલ છે! આ તો એને મુકાબલે એક મામૂલી વાત કહેવાય. બાપને છોડી દીધો! ઓહોહો, ભારી મોટો મીર માર્યો! એ તો બધા કરે. માટે હું તો એટલી અજાયબ થવા ખુશી નથી.
સૂજા : પરંતુ — ના — આ તો સરસ અજાયબી લેખાય! ગમે તેમ હો, પણ મેં અને મહમ્મદે મળીને ઔરંગજેબની ફોજને આ વખતે બંગાળામાંથી તો નસાડી છે.
પિયારા : તમારી પાસે આ લડાઈ સિવાયની કાંઈ વાત બળી છે કે નહિ! જેમ હું તમને ભુલાવવા મથું છું તેમ તેમ તમે તો વધુ ઠેકડા મારો છો! લગામને ગણકારતા જ નથી.
સૂજા : લડાઈમાં તો કોઈ બેહદ મોજ છે. તે ઉપરાંત —

[બાંદી પ્રવેશ કરે છે.]

બાંદી : એક ફકીર મળવા માગે છે, ખુદાવંદ.
પિયારા : કયો ફકીર — લાંબી દાઢી છે?
બાંદી : હા મા, કહે છે કે બહુ જરૂરી કામ છે. આ પલકે જ.
સૂજા : સારું, આંહીં તેડી લાવ. પિયારા, તું અંદર જા.
પિયારા : વાહ, મને હાંકી કાઢો છો, ખરું? બહુ સારું, જાઉં છું.

[પિયારા જાય છે.]

સૂજા : પિયારા તો જાણે હાસ્યનો ફુવારો — અર્થહીન વાક્યોની જાણે એક નદી. એમ કરીને મને એ બિચારી લડાઈના વિચારો ભુલાવી દે છે —

[દિલદાર આવે છે.]

દિલદાર : બંદગી, શાહજાદા! શાહજાદા સાહેબનો એક કાગળ છે.

[પત્ર આપે છે.]

સૂજા : [પત્ર લઈને ખોલી વાંચે છે] આ શું? તું ક્યાંથી આવે છે!
દિલદાર : કેમ, કાગળમાં અક્ષરો નથી, કુમાર! ચહેરો જોતાં જ કુમાર સાહેબની કરામત સારી પેઠે પામી જવાય છે! ભારી બાજી ગોઠવી છે, હો!
સૂજા : બાજી વળી શી?
દિલદાર : કુમાર સાહેબ, સુજાની બેટી સાથે શાદી કરીને પછી — ઓહ — ભારી તરકીબમાં પડી ગયા છો, હો. સામી છાતીએ તીર મારવાને બદલે પછવાડેથી — હં! બાપ તેવો બેટો ખરો ને!
સૂજા : પછવાડેથી તીર કોણ મારશે?
દિલદાર : ડરો છો શીદ! હું કાંઈ આ વાત સુલતાન સૂજાને કહી દેવા થોડો જવાનો છું! જોજો હો, શાહજાદા, એને આ કાગળ દેખાડી દેતા નહિ.
સૂજા : અરે, કપાળ તારું. હું જ સુલતાન સૂજા છું; મહમ્મદ તો મારો જમાઈ છે.
દિલદાર : અરે, હોય! ચહેરો તો જુવાનના જેવો ફાંકડો રાખ્યો છે! સાંભળો. હવે ચાલાકી રહેવા દો. અને જો સુલતાન જ હો, તો પછી જે કાંઈ હું બોલ્યો છું એને અક્ષરેઅક્ષર ખોટું સમજજો.
સૂજા : સારું, તું હમણાં જા. હું હમણાં જ એની ગોઠવણ કરું છું. તું આરામ કર, જા.
દિલદાર : જેવી આજ્ઞા.

[જાય છે.]

સૂજા : આ તો ભારી સમસ્યા! એક તો બાહેરના શત્રુઓથી આકુળવ્યાકુળ છું. તે ઉપર વળી ઔરંગજેબે મારા ઘરમાં પણ શત્રુ ઘુસાડ્યો. પણ જવાનો છે ક્યાં? હાથોહાથ એને ઠેકાણે પાડું છું. નસીબદાર કે આ કાગળ મારા જ હાથમાં આવ્યો. આ આવે મહમ્મદ.

[મહમ્મદ પ્રવેશ કરે છે.]

સૂજા : મહમ્મદ! આ કાગળ વાંચ.
મહમ્મદ : [વાંચીને] આ શું! કોનો કાગળ?
સૂજા : તારા પિતાનો! એના અક્ષર જોતો નથી? તેં ખુદાની સાક્ષીએ શું એને નહોતું લખેલું કે એના વિરુદ્ધ તેં જે ગેરવર્તણૂક ચલાવી છે તેનું નિવારણ તારા સસરા સાથે દગો રમીને કરી આપીશ?
મહમ્મદ : ના, મેં તો મારા પિતાને કશોય કાગળ નથી લખ્યો! આ કાગળમાં કપટ છે.
સૂજા : ના. હું વિશ્વાસ કરી શકતો નથી! તું અત્યારે જ મારે ઘેરથી ચાલ્યો જા.
મહમ્મદ : શું બોલો છો! હું ક્યાં જાઉં?
સૂજા : તારા પિતાની પાસે.
મહમ્મદ : પણ મેં શપથ કર્યા છે —
સૂજા : બહુ થયું. સામી છાતીએ લડીને હારું કે જીતું તે જુદી વાત છે, પરંતુ ઘરની અંદર તો શત્રુને ઘૂસવા નહિ દઉં!
મહમ્મદ : હું —
સૂજા : કશી વાત સાંભળવી નથી. જા, આ ક્ષણે જ ચાલ્યો જા.

[મહમ્મદ જાય છે.]

સૂજા : હાથોહાથ બંદોબસ્ત કરી નાખ્યો. વાહ, ભાઈ ઔરંગજેબ! તેં તો ભારી બાજી રચી. પણ તું જઈશ ક્યાં? તું ડાળીએ ડાળીએ ફરે છે, તો હું પાંદડે પાંદડે ફરું છું. આ આવી પિયારા.

[પિયારા આવે છે.]

સૂજા : પિયારા! પકડી પાડ્યો!
પિયારા : કોને?
સૂજા : મહમ્મદને. મારો બેટો ફસાવવા આવ્યો’તો. તને મેં હમણાં જ નહોતું કહ્યું કે આ એક બડી અજાયબી છે? એ બધું હવે સમજાયું. પણ એ તો મેં વાળીઝાડીને સાફ કરી નાખ્યું છે. એને ઘરમાંથી કાઢી મૂક્યો છે.
પિયારા : કોને?
સૂજા : મહમ્મદને.
પિયારા : કાં?
સૂજા : બહાર પણ શત્રુ અને ઘરમાં પણ શત્રુ, શાબાશ, ભાઈ! બાજી તો ભારી રચી! પણ ફાવ્યો નહિ, હો! બરાબર પકડી પાડ્યો! જો આ કાગળ.
પિયારા : [કાગળ વાંચીને] આ તો કપટ. આ કાગળ તરકટ છે. આ સમજતા નથી?
સૂજા : ના, એ તો હું બરાબર સમજી નથી શકતો.
પિયારા : આવી અક્કલથી તમે ઔરંગજેબ સાથે લડાઈ લડવા હાલી નીકળ્યા છો! મને એક વાર તો પૂછી જોવું’તું. જમાઈને કાઢી મૂક્યો? ચાલો હવે, જમાઈ-દીકરીને મનાવી આવીએ.
સૂજા : કાગળ તરકટી! સાચોસાચ! એ તો કાંઈ તેં મને કહ્યું નહોતું. એટલે પછી ચેતતા રહેવું જ સારું!
પિયારા : એટલે જમાઈને કાઢી મૂક્યો, કાં!
સૂજા : ત્યારે તો મોટી ભૂલ થઈ ગઈ ખરી. થયું તે થયું. મને એક ડહાપણ સૂઝે છે. દીકરીને સાથે જ વળાવીએ. અને રિવાજ મુજબ દાયજો પણ દઈએ. દીકરીને સાસરે વળાવીએ એમાં કંઈ દોષ નથી. ચાલો, જમાઈને સમજાવીએ. સમજાવીને વિદાય દઈએ.
પિયારા : પણ વિદાય શા માટે દેવી?
સૂજા : તું સમજ નહિ, સમય ખરાબ છે. ચેતીને ચાલવું સારું. સમજતી નથી? ચાલ સમજાવું.

[બન્ને જાય છે.]