શાહજહાં/પાંચમો પ્રવેશ3
Jump to navigation
Jump to search
પાંચમો પ્રવેશ
અંક ચોથો
સ્થળ : આગ્રાના મહેલમાં શાહજહાંનો ઓરડો. સમય : રાત્રિ.
[શાહજહાં અને જહાનઆરા.]
શાહજહાં : | વળી પાછા શા માઠા સમાચાર છે, દીકરી! હજુયે શું બાકી રહ્યું છે? દારા ફરી વાર હારીને બખ્ખર તરફ નાસી ગયો છે. સૂજા જંગલી આરાકાનના રાજાને ઘેર કુટુંબ સાથે ભિખારી બન્યો છે, અને મુરાદ ગ્વાલિયરના કિલ્લામાં કેદી છે. આ ઉપરાંત વળી બીજા કયા શોક-સમાચાર તું દેવાની છો, છોકરી?
જહાનઆરા : બાબા! મારું પણ કમનસીબ છે કે આપની પાસે રોજ રોજ શોક-સમાચારના કોથળા ભરી ભરી ઠાલવવા પડે છે. શું કરું, બાબા! આફત એકલી નથી આવતી. |
શાહજહાં : | તો બોલ, શું છે વળી? |
જહાનઆરા : | બાબા, દારાભાઈ પકડાઈ ગયો છે. |
શાહજહાં : | પકડાઈ ગયો! શી રીતે? |
જહાનઆરા : | જીહનખાંએ એને પકડીને સોંપી દીધો. |
શાહજહાં : | જીહનખાંએ! જીહનખાં! તું શું બોલે છે? જહાનઆરા! જીહનખાંએ? |
જહાનઆરા : | હા, બાબા, હા. |
શાહજહાં : | દુનિયાનો શું અંત અંધારતો આવે છે? |
જહાનઆરા : | સાંભળ્યું છે કે પરમ દિવસ દારા અને એના બેટા સિપારને એક હાડપિંજર જેવા હાથી ઉપર બેસાડીને દિલ્હી નગરની પ્રદક્ષિણા કરાવી લાવવામાં આવેલ છે. એમને પહેરવા મેલાં સફેદ કપડાં રહ્યાં છે. એમને જોઈને આ નગરીનું એક પણ માનવી રડ્યા વિના નથી રહ્યું. |
શાહજહાં : | ને છતાં તેમાંથી કોઈ દારાને છોડાવવા ન દોડ્યું? ફક્ત સસલાંની માફક ગરદન ઊંચી કરીને બધા જોઈ જ રહ્યા! આ બધા શું પથ્થરો છે! |
જહાનઆરા : | ના બાબા, પથ્થર પણ તપી જાય છે. લોકો તો કાદવ છે. ઔરંગજેબની ભાડૂતી બંદૂકો ભાળીને એ બધા ત્રાસે છે. જાણે કોઈ જાદુગરના મંત્રમાં ઝલાઈ ગયા છે! કોઈને માથું ઊંચું કરવાની હિંમત નથી. રડે છે તે પણ મોં છુપાવીને — રખે કદાચ ઔરંગજેબ દેખી જાય. |
શાહજહાં : | ત્યાર પછી? |
જહાનઆરા : | ત્યાર પછી ઔરંગજેબે દારાને ખિજરાબાદમાં એક નાના ઘરની અંદર કેદ રાખેલ છે. |
શાહજહાં : | અને સિપાર, જહરત? |
જહાનઆરા : | સિપારે એના બાપનો સાથ છોડ્યો નથી. જહરત અત્યારે ઔરંગજેબના જનાનખાનામાં છે. |
શાહજહાં : | ઔરંગજેબ હવે દારાને શું કરશે, જાણે છે? |
જહાનઆરા : | તે તો જાણતી નથી — પણ — પણ... |
શાહજહાં : | પણ શું? |
જહાનઆરા : | જો એમ કરે તો! |
શાહજહાં : | શું? શું, જહાનઆરા? મોં ઢાંકે છે કેમ? એમ તે શું બની શકે? ભાઈ પોતાના ભાઈની હત્યા કરશે? |
જહાનઆરા : | ચૂપ! એ કોનાં પગલાં બોલ્યાં! સાંભળી ગયું હશે! બાબા, આ તમે શો ગજબ કરી નાખ્યો? |
શાહજહાં : | કેમ, શું કરી નાખ્યું? |
જહાનઆરા : | એ વાત ઉચ્ચારી નાખી! હવે બચાવ નથી. |
શાહજહાં : | કેમ? |
જહાનઆરા : | કદાચ ઔરંગજેબ દારાની હત્યા ન કરત; કદાચ આવું ઘોર પાપ એના અંતરમાં ઊગત જ નહિ, પરંતુ તમે જ એ વાત એને યાદ કરાવી દીધી! શું કર્યું! ઓ બાબા! તમે આ શું કરી બેઠા! સત્યાનાશ કરી બેઠા! |
શાહજહાં : | ઔરંગજેબ તો આંહીં નથી, ને કોણ સાંભળી ગયું? |
જહાનઆરા : | એ તો નથી, પણ આ દીવાલ તો છે ને, પવન તો છે ને, આ બત્તી તો છે ને! આ તમામે ઔરંગજેબનો પક્ષ લીધો છે, બાબા! તમે શું એમ માનો છો કે આ તમારો મહેલ છે? ના, એ ઔરંગજેબનું પાષાણ હૃદય છે. એમ માનો છો કે આ પવન છે? ના, ના, ઔરંગજેબનો ઝેરી શ્વાસ છે. આ બત્તી નથી — આ તો એની આંખની ખૂની નજર છે. આ મહેલમાં, આ રાજધાનીમાં કે આ સામ્રાજ્યમાં તમારો કે મારો એક પણ બાંધવ હોય એમ માનો છો, બાબા? ના, એકેય નથી. તમામ એની સાથે ભળ્યાં છે. તમામ ખુશામતિયાની — બદમાશોની — ટોળી છે. આ કોનો પડછાયો? |
શાહજહાં : | ક્યાં? |
જહાનઆરા : | ના કોઈ નથી — એ તરફ શું જુઓ છો, બાબા? |
શાહજહાં : | ભુસ્કો મારું? |
જહાનઆરા : | કેમ! કેમ! |
શાહજહાં : | જોઉં, જો દારાને બચાવી શકું તો. એની એ બધા હત્યા કરવા જાય છે, ને હું શું આંહીં ઓરતની માફક, લાઇલાજ થઈ બેઠો રહું! નજરોનજર આ બધું દેખું છું, છતાં ખાઉં છું, ઊંઘું છું ને જીવું છું. કંઈ કરી શકતો નથી! મારું ભુસ્કો! |
જહાનઆરા : | અરે બાબા, આંહીંથી ભુસ્કો મારવાની સાથે જ પ્રાણ ઊડી જાય. |
શાહજહાં : | તો પણ શું! જોઉં જો એને બચાવી શકું તો. |
જહાનઆરા : | બાબા! તમે શું સુધબુધ ગુમાવી દીધી છે? મરી ગયા પછી દારાને શી રીતે બચાવી શકાય! |
શાહજહાં : | ખરી વાત! ખરી! હું મરી જઈશ તો દારાને બચાવીશ કેમ કરીને? તેં ઠીક કહ્યું. તો પછી — તો પછી — ઠીક, એક વાર તું ઔરંગજેબને આંહીં ન તેડી લાવી શકે, જહાનઆરા? |
જહાનઆરા : | ના, બાબા, એ આવે નહિ. આવે તો તો હું ઓરત છતાં એની સાથે મારી ભુજાથી લડી લેત. તે દિવસ મોંએથી લડી હતી, પણ કાંઈ કરી શકી નહિ. ત્યારથી તો મને પણ બહાર જવાની રજા નથી, નહિ તો એક વાર હાથોહાથ લડી જોત |
શાહજહાં : | મારું છું ભુસ્કો! મારું કે? |
[વૃદ્ધ બાદશાહ ભુસ્કો મારવા તત્પર.]
જહાનઆરા : | બાબા, પાગલ ન બનો. |
શાહજહાં : | સાચેસાચ! હું પાગલ તો બનવા નથી લાગ્યો ને! ના, ના, ના. હું પાગલ બનું નહિ, ખુદા! આ બીમાર, કમજોર, જૈફીથી જીર્ણ અને લાઇલાજ બની ગયેલા શાહજહાંની સામે તો જો, ખુદા! તને શું રહમ નથી આવતી? નથી આવતી રહમ? આજ બેટાએ બાપને બંદીવાન કરી રાક્યો છે જે બેટો એક દિવસ બાપના ડરથી કાંપતો’તો! આટલા ઘોર અન્યાયને, આટલા બધા અત્યાચારને, આટલી કુદરત વિરુદ્ધ બીનાને શું તારો કાયદો સહન કરી શકે છે, ખુદા? મેં એવું તે શું પાપ કર્યું છે, ખુદા, કે મારો સગો બેટો — ઓ! |
જહાનઆરા : | એક વાર જો એને મોઢામોઢ મળું! તો તો — |
[દાંત પીસે છે.]
શાહજહાં : | મુમતાજ! મહા ભાગ્યવંતી તું, કે આ કલેજાં ચીરનારું દૃશ્ય જોવાનું તારે રહ્યું નથી. મહાપુણ્યવંતી તું, કે તું અગાઉથી જ મરી ગઈ છે જહાનઆરા? |
જહાનઆરા : | બાબા! |
શાહજહાં : | તને દુવા દઉં છું — |
જહાનઆરા : | શી દુવા, બાબા! |
શાહજહાં : | કે તારે દીકરો ન થાજો, દુશ્મનને પણ દીકરો ન થાજો... |
[એટલું બોલીને ચાલ્યો જાય છે. જહાનઆરા પણ બીજી દિશામાં ચાલી જાય છે.]