શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૯. હું તાે મારા હુંને કહું છું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૦૯. હું તાે મારા હુંને કહું છું


હું તો મારા હુંને કહું છું : ‘બ્હાર નીકળ, તું બ્હાર!’
હું તો મારા મનને કહું છું : ‘માર મમતને, માર!’ –
પાંખ ભીડી બેસી ર્‌હેનારો
કદી થાય શું ખગ?
તેલ-વાટ વિણ કેમ કોડિયે
પ્રગટ થાય કો શગ?

ભીંતો વચ્ચે ઘરમાં ક્યાંથી ગગન કરે સંચાર?
ખોલવાં પડે બંધ સૌ દ્વાર! –

અંદર જેથી ખવાણ ચાલે
એ સાકર શું ખપની?
ભીતર ભૂખી ભમે ભુતાવળ,
એ ભાખર શું અપની?
હું-ને કહું છું : ‘ઉતાર તારો દશમાથાળો ભાર!
આપણે જવું પંડની પાર!’ –

૨૪-૧૧-૨૦૧૩
૩-૧૨-૨૦૧૩
૨૭-૦૨-૨૦૧૪

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૯)