શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૨. ‘હું'થી થાકેલા નંદની વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨. ‘હું'થી થાકેલા નંદની વાત


સાચું કહું? નંદની વાતો લખવાનો હવે કંટાળો આવે છે! નંદ, નંદ ને નંદ! સતત હું મારી જ વાતો કરું અને બીજાઓને ‘બોર’ કરું! મને શો અધિકાર છે કોઈને ‘બોર’ કરવાનો? આથી તો સર્વાર્થસાધન મૌન બહેતર નહીં? ક્યારેક થાય છે : ભાષા જ ન હોય તો…આકાશ તળે, પૃથ્વી પર કેવો સોપો પડી જાય! કેટલી ધમાલ ઘટી જાય! પછી શું થાય? લોકોની મુશ્કેલીઓ કેવી વધી જાય? જ્યાં સુધી બે જીવંત છે ત્યાં સુધી કોઈ વ્યવહાર તો ચાલશે જ; કોઈ પણ રીતે એ વ્યવહાર ચાલવાનો જ! ક્યારેક તો મને રસાયણશાસ્ત્રના પ્રદેશની ઉપમા સૂઝે છે: જેમ બે રસાયણો વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા ચાલે તેમ કદાચ બે માણસો વચ્ચે પણ એવી જ કોઈક પ્રક્રિયા તો નહિ ચાલતી હોય ને? એક માણસનું મગજ બીજા માણસના સંપર્કમાં આવતાં જ અમુક રીતે પ્રતિભાવો પ્રકટ કરતું — પ્રતિક્રિયાઓ અનુભવતું થઈ જતું હશે. કદાચ ભાષા, વિચારો, કલ્પનાઓ, લાગણીઓ આ બધું એ રાસાયણિક પ્રક્રિયાના ગાણિતિક પરિણામરૂપ જ હશે; પાણીમાં થતા પરપોટા — બાષ્પ ઇત્યાદિ જેવું જ! હશે, જે હશે તે! હવે બડબડાટ બંધ કર, નંદ!

નંદ! તને નથી લાગતું — આ રીતે કાગળ ને શાહી બગાડવાં, પોતાનો અને બીજાનો (જો તેઓ આ વાંચતા હોય તો, અથવા કમ્પોઝિટર — પ્રૂફરીડર, તંત્રી આદિનો અને પ્રકાશકનો પણ!) સમય બગાડવો, ધન બગાડવું — આ બધું બરોબર છે? જ્યારે લોકોને પીવાનું પાણી ન મળતું હોય, પાથરવાને ટાટનો ગાભોય ન હોય (યાદ છે ને છાપાં પાથરી, ફૂટપાથ પર બે નાનાં બાળકોને સૂતેલાં થોડા દિવસ પર જોયેલાં!), જ્યારે દૂધ વિના કેટલાય બાળકો ટળવળતાં હોય, આઠ આનાની (અમારા ડૉક્ટર તો રોજના ત્રણચાર રૂપિયાથી ઓછું લેતા નથી!) દવાય માબાપ પોતાની તાવે તરફડતી દીકરીને આપી શકતાં ન હોય – આવી દીનહીનક્ષીણ સ્થિતિ હોય ત્યારે શબ્દોના આ રંગીન ગુબ્બારાઓથી શું? માનવતાની વાતોનો આ વિલાસ કે બીજું કંઈ? તું ખરેખર માનવતાની લાગણીથી હાલી ઊઠ્યો હોત, ખરેખર એ દીનહીનોની વેદનાએ તને જીવલેણ ઘા માર્યો હોત તો તું અહીં ખુરશી પર બેસી આમ આ નંદની વાત ન ચીતરત; તું અત્યારે સીધો કોઈ ઝૂંપડીએ પહોંચી ગયો હોત. તેં સલામતીના શ્વાસ ન લીધા હોત; એ ગરીબોની સાથે રહેવા બિનસલામતી વહોરી હોત. ગાંધીજીની વાતો ભણાવી આનંદ ન પામત; ગાંધીજીનું કામ કરવા તું એ લોકો વચ્ચે દોડી ગયો હોત. ક્યાંક તારા હૃદયમાં બહેરાશ છે – બુઢ્ઢાપણું છે. ક્યાંક તું અંદરથી ખોટવાયેલ–ખોરવાયેલ છે, ક્યાંક તારા સ્વાર્થથી તું વિકૃત બનેલ છે. તેથી તું આ વાગ્વિલાસમાં રસ લઈ શકે છે; એ વાગ્વિલાસની પ્રશંસા સાંભળી આનંદ પામે છે! વાહ નંદ! શી તારી કૃતાર્થતા! શો તારો આનંદ!

ક્યારેક નિખાલસતાથી પોતાને પ્રકટ કરી શકાયાનો આનંદ હોય છે; ક્યારેક નિખાલસતા બતાવ્યાનો આનંદ હોય છે. આ પણ એક ખૂજલી છે! વલૂરી વલૂરી પોતાનું લોહી કાઢી, એ જોઈને–ચાખીને કોઈ અનુકૂળ વેદનાનો રસ માણવો – આ એક પ્રકારની નશાખોરી છે. બસ, કબૂલ કરી દીધું! – શું થાય, ભાઈ? આ મર્યાદા છે – અમારી આ મજબૂરી છે. બધુંયે સમજીએ છીએ; પણ નથી થઈ શકતું બધું! જો એમ ધાર્યા પ્રમાણે થઈ શકતું હોત તો.. ગાંધીજીની સદ્‌વિચારને તુરત જ આચારમાં મૂકવાની તાકાત, એ જો અમારામાં હોત…પણ બધા ઓછા જ ગાંધી થઈ શકે છે? આમેય કોઈએ ‘ગાંધી’ થવાની જરૂર નથી, એ શક્ય પણ નથી. ગાંધી જ ગાંધી થઈ શક્યા. બસ, એ કાફી છે. આપણે આપણી રીતે જીવવાનું હોય; પણ શું થાય? માણસ માત્ર અર્થનો જ દાસ હોતો નથી; સંજોગોનોય તે દાસ હોય છે. કદાચ અર્થનો દાસ એટલે પણ સંજોગોનો દાસ એવા સમીકરણ સુધી પહોંચાય.. પણ અલમ્, કોઈ ને કોઈ પ્રકારે આત્મકથા સુણી સુણીને તો કાન ફૂટી ગયા! અમારે હવે વધારે નથી સાંભળવું. અમને ખબર છે: આ જ રીતે અનેક માણસો પોતાની જવાબદારીનું ગાળિયું કાઢી દેતા હોય છે. આ જ પાખંડી નમ્રતાથી સ્વાર્થના છોડને બચાવી લેવાનો પ્રયત્ન થતો હોય છે! પણ હવે આ બધું ઝાઝું ચાલવાનું નથી. આપણે જ શબ્દોને બેજવાબદારપણે વાપરી એની કિંમત ઘટાડી નાખી છે! હવે નંદની શબ્દલીલામાં – ‘શબ્દલીલા’ શાની? ભાષાબાજી જ ગણો – એ ભાષાબાજીમાં અમને શ્રદ્ધા નથી. નંદ પોતેય પાછો આવું કહે છે! આ નંદ તે કેવો ખેપાની છે! એ જ ફરિયાદી – એ જ આરોપી–એ જ વકીલ – એ જ ન્યાયાધીશ – એ જ ન્યાયાધીશપણાનો વિરોધી પણ! વિચિત્ર છે એનું રૂપ – એનું ડોળિયું! નંદ! તારે લખવું હોય તો લખ; નહિ તો મૂંગો મર! આમ મૂંગા મરવાની જરૂરિયાતની વાત કરતાં કરતાંય તું બોલવાનો જ હોય, અમને ‘બોર’ કરવાનો હોય તો પછી તો…

નંદ હવે પોતાના ‘હું’થી થાકેલો છે – take it from me – તમને એ એની આત્મકથા (?) – આપકથા(?)થી હવે ઝાઝો સમય, ભારે નહિ મારે. એ પોતે જ હવે પોતાના ભારે ભીંસાઈ રહ્યો છે! એ હવે એના ડેરા-તંબૂ ઉપાડી, કોક ગધેડું મળે તો એની પીઠ પર બધો ભાર લાદી, દૉન કિહોતીની જેમ, ગર્ભિત ગરીબાઈ હઠાવવા માટે કોક સુમંગળ ઘડીએ પવનચક્કીઓની સામે લડવા નીકળી પડે તો નવાઈ નહિ! એ સર્વાન્તિસના આદેશની રાહ જોતો સૂતો છે – સૂતાં સૂતાં જાગે છે; અથવા જાગેલો છતાં સૂઈ રહ્યો છે! મેં તમને કહ્યું જ ને? – આ નંદમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એકીસાથે લગોલગ આવી કોઈ મોટો ગોસમોટાળો કરી ગયા છે. નંદ પોતે જ ગોળ ગોળ ગોટાળો છે ને એમાંથી એક મૂળભૂત દાખલાનો સાચો જવાબ શોધવાનો છે. નંદ એ સાચો જવાબ શોધવાની મથામણમાં આવાં પાનાં ચીતરે તો ક્ષમા ન ઘટે એને? તર્કપુરુષો કદાચ નંદને ક્ષમા ન આપે; કેમ કે કેવળ તર્ક ન તો નંદને પામી શકશે, ન એને સ્વીકારી શકશે ને તેથી તે એની હસ્તીને બહાલી આપી શકશે નહિ. નંદને સંવેદનકળાના પુરુષો પાસેથી જ સમુદાર સ્વીકૃતિની આશા – આશા શું? શ્રદ્ધા છે; પણ નંદ! તું શા માટે સ્વીકૃતિનીયે અપેક્ષા રાખવા જેટલો પરાવલંબી – પરોપજીવી થાય છે? નક્કી, જિંદાદિલીને અભાવે પીડતો થાક તને ઘેરી વળેલો જણાય છે.

(‘નંદ સામવેદી’, પૃ. )