શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧. હું અને દીવાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. હું અને દીવાલ


હું અંધારા ખંડમાં પુરાયેલો છું. મારી સામે એક નક્કર દીવાલ ખડી છે. એ મારા હાથની મુક્કીઓથી તૂટે એમ નથી, માથું અફાળતાં ચસે એમ નથી. જેમ જેમ મારી આંખ ઊઘડતી ગઈ તેમ તેમ એ દીવાલની ભીંસ મને વધુ ને વધુ લાગતી ગઈ. આજે એ દીવાલને ભાંગવા હું મથું છું. હું દીવાલ વિશે વિચારો કરું છું, દીવાલ વિશે કાવ્યો લખું છું. દીવાલ ભાંગતાં જ મારા હાથમાં મોક્ષનું અમૃતફળ આવી પડશે એમ પણ હવે માનવા લાગ્યો છું. ‘ઘણુંક ઘણું ભાંગવું તું ઘણ ઉઠાવ મારી ભુજા’ – એ પંક્તિનું પરમ શ્રદ્ધાથી રટણ કરું છું. આ દીવાલની પેલી બાજુ મારો સૂર્ય છે, આ દીવાલની પેલી પાર મારા આ ત્રસ્ત જીવનની પરમ સાર્થકતાનું અમૃત છે. મારી આ દીવાલ તો તૂટવી જ જોઈએ…

દીવાલના ઝાઝા વિચારે હું પોતે પણ જાણે દીવાલમય ભાસું છું. જીવનમાં ક્ષણેક્ષણ ઈંટની જેમ મુકાતી આવે છે… ક્ષણે ક્ષણે દીવાલ ઊંચી થતી જાય છે, અંધકાર વધતો જાય છે, આંખો પર ભાર લાગે છે, આંખો મીંચાવા કરે છે… હમણાં નિદ્રા આવી જશે.

જોકે નિદ્રાનો કેફ પણ ઝાઝો ચાલતો નથી. સ્વપ્નમાં દીવાલોની હારમાળાઓ હાલતીચાલતી દેખાય છે. કેટલીક દીવાલો માણસોની આજુબાજુ ગોળ ગોળ વીંટાઈ જાય છે, કેટલીક દીવાલો ભગવાનની પ્રતિમાઓને ઘેરી વળીને હસે છે. કેટલીક દીવાલો ખેતરોની વાડોમાંથી ઊભી થાય છે, કેટલીક દીવાલો દેશ દેશના ઝંડાઓ તળેથી પાંખો ફફડાવતી બેઠી થાય છે. ચીનની લાંબી દીવાલો જેવી એ દીવાલો આંખોને પૂરું જોવા નથી દેતી, પૂરું સાંભળવા દેતી નથી. એ દીવાલો લોહી ને આંસુ પણ પીએ છે. કેટલાક તો આ દીવાલોને વાવવાનું, એને ઉછેરવાનું, એને રક્ષવાનું કામ કરે છે. આ લોકોનાં વસ્ત્રોમાં દીવાલોના પડછાયા ફરકે છે. આ લોકોના સંઘો દીવાલોની છાયામાં રહે છે અને તેઓ તો અવકાશમાં પણ દીવાલો મૂકવા સતત મથે છે. એ લોકોની કબ્રસ્તાનો સાથે દોસ્તી છે. એ લોકો રસ્તા વગર ચાલતા નથી, બારણું બંધ કર્યા વિના સૂતા નથી, એમની પાસે હજારો ચાવીઓનાં ઝૂમખાં છે, તેઓ હમેશાં તાળાં વાસવાની હિમાયત કરે છે. આ લોકોને કેવળ સાદાંસીધાં નામથી સંતોષ થતો નથી. છાપાંતિલકની જેમ સેંકડો નામોની મોટા મોટા મણકાવાળી માળાઓ તેઓ પહેરે છે. તેઓ ઉપવાસના મહિમાની વાત કરે છે અને તેથી બીજાઓને પેટપૂરતું ખાવા દેતા નથી. તેઓ ધર્મના પ્રચાર બરોબર થઈ શકે તે માટે માણસને સતત નરકની યાતનાઓનો અનુભવ આપતા ફરે છે. એમની સામે બોલી શકાતું નથી; કેમ કે તેઓ બધું જ સમજે છે, કોઈ એમને કશું નવું કહી શકે એમ નથી એવી એમની દૃઢ માન્યતા છે. તેઓ ગુરુઓ છે, આચાર્યો છે, નેતાઓ છે. મહાત્માઓ છે, અદના સેવકો છે, સમાજસુધારકો છે અથવા ક્રાંતિવીરો છે. તેઓ ઘણુંબધું છે અને તેથી માણસ છે કે કેમ એ પ્રશ્ન એમની બાબતમાં પૂછનારા બાળક જેવા ભોળા અને નાસ્તિક ગણાય છે. દીવાલ ચણનારાઓની અને દીવાલોની વસ્તી કુટુંબનિયોજન માગી લે એટલી છે.

એક દીવાલની બખોલમાં કોઈ કબૂતરી ઈંડું મૂકે છે, ઈંડું દિવસો જતાં ફૂટે છે, એમાંથી પક્ષી પ્રગટ થાય છે, તે હું છું. મારે પાંખો છે, પણ મારી પાસે આકાશ નથી. મારે આંખો છે, પણ પ્રકાશ નથી. હું ઈશ્વરને વારંવાર કહું છું કે જો મને તારે બંધિયાર સ્થિતિમાં જ રાખવો હતો તો શા માટે મને ઈંટ રૂપે જ અહીં ન મોકલ્યો? શા માટે તેં મને મુક્તિનું સ્વપ્ન આપ્યું? દીવાલની અસહ્યતાનું જ્ઞાન શા માટે મને કરાવ્યું? મુક્તિ માટે મથવાની પ્રેરણા મને કેમ આપી? શા માટે મુક્તિના માર્ગ વિશે વિચારવાની મને તકો અપાવી? પણ એ ઈશ્વર પણ દીવાલ જેવો સ્થિર છે, મૂક છે; એનો અવાજ આ પ્રત્યક્ષ દીવાલને ઓળંગીને મારા સુધી પહોંચતો નથી. હું હતાશ થાઉં છું. જાણે હું કોઈ કબરમાં જીવું છું!

આ તે કેવું? નથી હું જ્ઞાની થતો, નથી અજ્ઞાની રહેવું મને ગમતું. અર્ધદગ્ધતાની વેદના જ આવું આવું સહન કરાવે છે. મહેલમાં હોઈએ કે કબરમાં, મુક્ત હોઈએ કે ચાર દીવાલો વચ્ચે બંધાયેલા હોઈએ — શા માટે ભેદબુદ્ધિનો મને અનુભવ થાય છે? ભેદ એટલે જ વિષમતા અને વિષમતા એટલે જ વેદના. આ મને સમજાય છે પણ મનમાં દીવાલો એટલી ઊંડી ગયેલી છે કે દીવાલને દીવાલથી અન્ય રૂપે કલ્પી શકાતી નથી અને તેથી જ મુક્તિ પામી શકાતી નથી.

દીવાલ પોતે પોતાને બાંધતી નથી, પણ હું દીવાલ બાંધું છું અને પછીથી દીવાલ વચ્ચે બંધાયાનો અફસોસ કરું છું. જે મુક્ત છે એને દીવાલો કઈ રીતે નડી શકે? દીવાલોના પાયા મનની ગુલામીમાં નખાયા હોય છે. જો મુઠ્ઠી છૂટી જાય તો, વસ્તુની પોતાની એવી તાકાત નથી કે હથેલીમાં એ નિબદ્ધ રહી શકે. જેને આકાશની કલ્પના છે, જેણે આકાશને જોયું છે, જેણે બીજા મનુષ્યોની મુક્તિ માટે ને પોતાની મુક્તિ માટે લડત ચલાવી છે એ જ મનુષ્ય દીવાલોનો પણ રચનાર છે. દીવાલ ગુલામીની મનોદશાથી રચાય છે અને એ જ મનોદશાથી ટકી રહે છે. દીવાલ તોડવી એટલે પોતાની અંદરની ગ્રંથિઓ તોડવી. એ કેમ તૂટે?

હું આંખ મીંચું છું, મારી ભીતરના ગાઢ અંધકારને ભેદવા પ્રયત્ન કરું છું. કોઈ કિરણ – કોઈ સોનેરી કિરણ જાણે હમણાં મળશે, હમણાં મળશે એવી આશા બંધાય છે. મને થાય છે. હમણાં આ દીવાલ ખસશે… આ દીવાલમાંથી હમણાં બારી ખૂલશે…એક આકાશ આંખ સામ પ્રગટશે… આંખને આકાશનું કોઈ ગજબનું આકર્ષણ છે. એ આકર્ષણ કેમ છે એની ખબર નથી; પણ આંખ આકાશ જોયા વિના બેચેન બની જાય છે. અંધકાર અંધકાર નથી, એટલું જો આંખ જાણે તો એનો એ સૂર્યોદય હશે; પણ એ ક્યારે થશે?

આજે તો સૂર્યોદય નથી એટલું નિશ્ચિત છે. આજે તો અંધકાર એ હકીકત છે અને પ્રકાશની માત્ર કલ્પના છે; છતાં આપણી મનુષ્યની કલ્પના કદી સિદ્ધ જ ન થાય એવું કંઈ નથી. દીવાલ હોવાનું જો લાગ્યું છે, એ તોડવાની જો ઇચ્છા છે તો એ તોડવા માટેનું કેટલુંક કામ તો થયું છે જ અને કેટલુંક જ પછી તો બાકી રહે છે… એ પણ સિદ્ધ થશે; કેમ કે મારામાં આકાશસમેત કોઈ પંખીનો સંચાર હું અનુભવું છું, હું જે કોઈ પંખી છું એવું મને લાગે છે, મારા હાથ હવે હાલવા લાગ્યા છે, મારા ચરણમાં હજારો પગલીઓનો થનગનાટ વરતાય છે; મને ખાતરી છે: કોઈ પણ દીવાલ એવી નથી જ, જે કદી ન તૂટે.

(‘નંદ સામવેદી’, પૃ. ૧૧-૧૩)