શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૨. ગધેડા વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. ગધેડા વિશે


શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પુરુષોત્તમે ‘વૃક્ષોમાં હું પીપળો છું’, ‘ઘોડાઓમાં ઉચ્ચૈઃશ્રવા છું,’ ‘હાથીઓમાં ઐરાવત છું’, ‘ગાયોમાં કામધેનું છું’ — આવું આવું ઘણું કહ્યું છે પણ ક્યાંય તેમણે ‘ભારવાહક પશુઓમાં હું ગધેડો છું’ એમ કહ્યું નથી. ભગવદ્ગીતામાંના બ્રહ્મતત્ત્વને સમજવામાં નથી પડતી એટલી મુશ્કેલી મને ભગવાને ભારવાહક પશુઓમાં પોતે ગધેડો હોવાનું ન કહ્યું તેથી પડે છે! ગધેડા જેવા, સેવકોમાં શ્રેષ્ઠ એવા પશુ પ્રત્યે ભગવાનનો આવો ઉપેક્ષાભાવ મને સમજાતો નથી. પ્રજાપતિ કોમનું આ અત્યંત ઉપયોગી પ્રાણી પ્રજાપતિ બ્રહ્માનું વાહન થવાનું સદ્ભાગ્ય ન મેળવી શક્યું એ મને ભારે અન્યાયકર બાબત લાગે છે. બ્રહ્મા ઉપરાંત વિષ્ણુ ને શંકર જેવા ‘બિગ બૉસીઝ’ને પણ ગધેડાને વાહન બનાવવાનું ક્યાં સૂઝ્યું છે?

ગધેડામાં એવું શું ખૂટે છે અને એના મુકાબલે હાથી, ઘોડા, વૃષભ કે પાડા જેવા પશુમાં શું વધારે છે તે જ મને તો સમજાતું નથી. લક્ષ્મીજીએ હાથી પસંદ કર્યો, ઇન્દ્રે ઉચ્ચૈઃશ્રવા; રામદે પીર વળી ઘોડો લઈને ઘૂમ્યા ને જે કલ્કિ રૂપે આવનાર છે તેય ઘોડો કામમાં લેવાના છે! શંકર જેવા જોગીબાવાનેય આખલો પસંદ આવ્યો, ગધેડો નહીં! કોઈનો જીવ લેવા જવામાંય યમરાજાએ પાડા જેવું સાવ મંદમંથર પશુ પસંદ કર્યું એ બરોબર છે? જેમ જીવ ગયા પછી માણસના દેહને સાવ ધીમી ગતિએ સ્મશાને લઈ જવો એ ઠીક નથી, તેમ એના દેહમાંથી જીવ લઈ જવા માટે યમરાજા આમ પાડાવેગે આવે તેય ઠીક લાગતું નથી. આ સૌએ ગધેડા જેવા પ્રમાણમાં ઓછામાં ઓછી ‘ન્યૂસન્સ’વાળા પ્રાણીને પસંદ નહીં કરીને શાણપણની પ્રતીતિ કરાવી નથી એમ મારે ખેદ સાથે કહેવું પડે છે.

ગધેડો હાથી જેટલો ખોરાક માગતો નથી; ઘોડાની જેમ ચંદી જેવું મોંઘુંદાટ ભોજન જોઈએ એવું પણ એને નથી. આખલો તો કોઈ ચોમાસે શિંગડાં વીંઝતો તોફાને ચડે – કોઈને શિંગડાં મારે ને કોઈને શિંગડેય ચડાવે. ગધેડાને આવું કાંઈ નહીં. એ તો નીચી મૂંડીએ પીઠે છાલકાનો ભાર વહેતો જનક રાજાની જેમ અનાસક્તભાવે ચાલે. લક્ષ્મણે નમાવેલા મસ્તકે સીતાનાં ઝાંઝર જ માત્ર જોયેલાં. આ બાપડું ગધેડું તો એમનાથીયે આગળ વધી પોતાના પગમાં કુંભારે બાંધેલા દોરડાને જ માત્ર જોઈ રહે છે. જે માટીનો એને ભાર વહેવો પડે છે એના માટે એને મમતાય ભારે લાગે છે. ફુરસદની પળોમાં જે દિવ્યાનંદથી એ માટીમાં આળોટે છે એનું તો દર્શન જ કેટલું આનંદકારી હોય છે! મહાભારત-કાળમાં આ ગધેડાને આવું આળોટવા મળ્યું હોત તો તે પેલા નોળિયાની જેમ સોનાના શરીરવાળો થઈ ગયો હોત! એમાંયે જ્યારે ‘ના હું તો ગાઈશ’ના નશામાં આવી જઈને તે હોંચી હોંચી કરતો બુલંદ નાદ કરે ત્યારે માત્ર બપોરી વેળાની ધરતીની જ નહીં, નિદ્રાસને આરૂઢ ધરતીના જાયાનીયે મૂચ્છ ચૂરચૂર થઈ જાય છે! એનોયે ડૂમો ઓગળી જાય છે!

ઘોડાની હેષાની જો કદર થઈ શકતી હોય, બકરીનું બેં બેં પણ સહાનુભૂતિપ્રેરક થતું હોય, કૂતરાના ભસવા સામેય જો કશો વાંધોવિરોધ ન હોય તો શા માટે ગધેડાના ભૂંકવા સામે હોય? ભસતા કૂતરા કરડતા નથી તો ભૂંકતા ગધેડાય કશુંય અભદ્ર આચરતા નથી. ઉમાશંકર જેવા પટુકર્ણ કવિને તો ગધેડાના ભૂંકવાનો અવાજ ખૂબ રાહત દેનારો લાગેલો અને તેથી તો એક બપોરે ગધેડું ભૂંક્યું તેથી ‘હાશ, અવનિની મૂર્ચ્છા ટળી’ – એવો ભાવ થયેલો!

બળદ ઘાંચીની ઘાણીએ આખો દહાડો ગોળ ગોળ ફર્યા કરે ને એ રીતે વૈતરું કરે તો આપણે એના માટે ‘બળદવૈતરું’ શબ્દ વાપરતા નથી, એ જ રીતે ઘોડો આખો દહાડો ગાડી ખેચે તોયે તેને ‘ઘોડાવૈતરું’ કહેતા નથી; તો પછી શા માટે આપણે આખો દહાડો કામ કરનાર ગધેડાના સંબંધમાં ‘ગદ્ધાવૈતરું’ જેવો શબ્દ પ્રયોજીએ છીએ? વળી એ શબ્દ કમરતોડ કામ કરનાર માણસના માટેય લગાડી, માત્ર વૈતરું કરનાર માણસને જ નહીં, ગધેડાનેય ગાળ દઈ તેમને હડહડતો અન્યાય કરીએ છીએ. આપણને આ રીતે કામગરા ગધેડાને ઉતારી પાડવાનો શો હક્ક છે?

માણસ ગુરુતાગ્રંથિથી તક મળે ત્યારે અવારનવાર અનેક પ્રાણીઓનું અપમાન કરતો ફરે છે! માણસને ભાષા આવડી, એની ‘ચપટી કુલેર’ મળી એટલે શું આ રીતે ગમે તે પ્રાણીનું અવમૂલ્યન કરવાનો ઇજારો મળી ગયો? કોઈ માણસ રખડેલ દેખાયો કે તેને ‘આખલો’ નામ આપી દીધું! આળસુ કે જાડો જણાયો તો ‘પાડો’, ઊંચો દેખાયો તો ‘ઊંટ’ ને અટકચાળો લાગ્યો તો ‘વાંદરો! ખાઉધરો જોયો તો એને ‘ડકર’ કહીને બોલાવ્યો ને બીજાની બુદ્ધિએ જે ચાલનારો એને ઘેટો’ કહી વર્ણવ્યો! વળી સ્ત્રીઓમાંયે બહુ બોલકી – કજિયાળી હોય તો ‘કાબર’, ડંખીલી હોય તો ‘નાગણ’ કે ‘વીંછણ’, જાડી હોય તો ‘ભેંસ કે ‘હાથણી ને ઢીલીપોચી ને ભલીભોળી હોય તો ‘ગાય’ કે ‘બકરી’ — આવાં આવાં નામોનાં લેબલ વપરાતાં રહ્યાં! ‘શિયાળ એટલે લુચ્ચાઈ. ‘બગલો’ એટલે પાખંડ ને ‘ઘુવડ એટલે વાંકદેખાપણું!’ આ જ સિલસિલામાં માણસ ખૂબ કામ કરનારો – વૈતરું કે વેઠ કરનારો હોય ને બેવકૂફ હોય તો તેને ‘ગધેડો’ કહેવામાં આવે છે. શું મૂર્ખાઈ માત્ર ગધેડામાં જ જોવા મળે છે; બીજાં પ્રાણીઓમાં – માણસમાંયે જોવા મળતી નથી? બીજાં પ્રાણીઓમાં હોય ને ગધેડામાં ન હોય અથવા બીજા પ્રાણીઓમાં ન હોય ને ગધેડામાં હોય એવું શું છે તે કોઈ નામ પાડીને બતાવી શકતું નથી. મતલબ કે મૂર્ખાઈ ને વૈતરાવૃત્તિ, માની લઈએ કે ગધેડામાં ભરપૂર છે; પણ તે કંઈ એના એકલામાં નથી. માણસોમાં જાતભાતનાં અરુચિકર એવાં લક્ષણો જોવા મળે છે. આમ માણસો સિવાયનાં પ્રાણીઓ ‘માણસ’ નામનો દુરુપયોગ કરતાં હોય એવું જણાતું નથી, જ્યારે માણસ બદનક્ષીભરી રીતે અન્ય પ્રાણીઓનાં નામોનો હાલતાં ને ચાલતાં દુરુપયોગ કરે છે. ગધેડો જ્યાં માણસની રીતે બોલી જ શકતો નથી ત્યાં બીજા ગધેડાને ‘તું માણસ છે’ એમ કહીને ઓછો જ ઉતારી પાડી શકવાનો છે? જ્યારે માણસ તો બીજા માણસને ‘તું ગધેડો છે’ કહી ઉતારી પાડે છે! માણસમાં બીજાં પ્રાણીઓથી પોતે ઊંચો હોવાનો ફાંકો – મદ પ્રમાણમાં ઘણો જોવા મળે છે. ગધેડાની જ કાળી મજૂરી પર રોટલો રળી ખાનારો કુંભાર પણ પોતાના પાલતુ ગધેડાના દેખતાં જ કોઈને ‘તું ગધેડો છે’ એમ કહીને ધરાર ઉતારી પાડે છે ને ત્યારેય ગધેડાની ‘સજ્જનતા’ (કે સદ્ગર્દભતા?) જુઓ કે નથી તે પોતાના પાલકને આવા દુર્વિનય સાટે ઠપકો દેતો, લાત મારતો કે નથી ‘આજે માટીખાણે નહીં જાઉં’ કહી હડતાલ પાડતો કે અનશન પર ઊતરી સત્યાગ્રહ કરતો. ગધેડો જો માણસની રીતે ચાલે ને ‘હું માનવ થાઉં તો ઘણું’ની ભાવના સિદ્ધ કરી બેસે તો આપણા ને સાથે એનાયે કેવા હાલહવાલ થાય?

જૂના વખતમાં પ્રખર જ્યોતિષાચાર્યો જાતકની કુંડળી જોતાં જો નસીબદાર હોય તો તરત કહેતા: ‘આવો એ ઘોડે બેસશે.’ એથી વધારે સારી કુંડળી હોય તો કહેતાઃ ‘આવો એ હાથી પર બેસશે.’ વળી ક્યારેક જાતકની રાજયોગવાળી સુંદર કુંડળી જોતાં જ્યોતિષી મહારાજ ઉદ્ગારી ઊઠતા: ‘આના આંગણે હાથી-ઘોડા બંધાશે.’ પરંતુ ક્યારેય આ જ્યોતિષી મહારાજોને ‘આના આંગણે ગધેડાં બંધાશે’ એમ કહેતા સાંભળ્યા નથી! કોઈ કુંભારને ઘેર, કોઈ વણજારાને ઘેર બસો-પાંચસો ગધેડાં બંધાય તો તે સમૃદ્ધિની નિશાની ન ગણાય? પરંતુ જ્યોતિષી મહારાજ કુંભારનેય ’તારા ઘરે પાંચસો ગધેડાં બંધાશે’ એમ નહીં કહે અને કદાચ કહે તો પેલા કુંભારનેય એ સાંભળવાથી આનંદ નહીં થાય! ઘેર ગાયો બંધાવાની વાત સાંભળતાં નાનમ ન લાગે ને ગધેડાં બંધાવાની વાતે નાનમ! શી સંકુચિત ને રોગિષ્ઠ મનોદશા હોય છે આપણા લોકોની! મોટરવાળા થવામાં ગૌરવ, હાથી કે ઘોડાવાળા થવામાંયે ગૌરવ ને ગધેડાવાળા થવામાં નાનમ! ગાયોના પાલકને ‘ગોપાળ’ કહેવડાવવાનું ગમે ને ગધેડાંના પાલકને ‘ગર્દભપાલ’ કહેવડાવવામાં ક્ષોભ થાય! ગધેડાં પાળનારાને પોતાનું નામ ‘ગ’ રાશિમાં આવતું હોય તો ‘ગોપાલ’ રાખશે, ‘ગર્દભપાલ નહીં!

માણસ પૌરુષવાળો હોય તો તેના માટે ‘પુરુષર્ષભ’ (= પુરુષ+ઋષભ) શબ્દ છે; માણસનાં નામોમાં ‘સિંહ’ શબ્દ નામના અંતે જોડવાનો રિવાજ છેઃ ‘રામસિંહ’, ‘પર્વતસિંહ’, ‘મહેન્દ્રસિંહ’, ‘રાઘવેન્દ્રસિંહ’ વગેરે. માણસને મહેન્દ્ર થયાથી ધરવ ન થાય, તે પાછો ‘મહેન્દ્રસિંહ’ થવા સુધી છાતી સાથે નામને ફુલાવીને રહે! પરંતુ કઠોર પરિશ્રમ કરીને પોતાની દાળરોટી પેદા કરનારને, ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ એમ માનનારનેય એમ થતું નથી આપણે એવું નામ પાડીએ; જેમાં કોઈક રીતે ‘ગર્દભ’, ‘રાસભ’, ‘વૈશાખનંદન’, ‘ખર’ જેવો નામનો સંબંધ-સંદર્ભ રહેલો હોય. અરે! એવા નામની વાત તો છોડો, પણ કોઈને ધારો કે તમે એમ કહો કે ‘તમે જે કામ કર્યું તે તો કોઈ ગધેડોયે ન કરી શકે’ તો તમારે એ સજ્જનની સાથે જિંદગીભસ્ના અબોલા થઈ જાય! વળી પરંપરાએ તો ગધેડાની સાથે રહેવાની સાન તો ન આવે પણ લાત મારવાની ટેવ તો આવે એની વાત પણ સૂચવી છે; પરંતુ ગધેડા જેવા પરગજુ પ્રાણીના સંદર્ભમાં આ પ્રકારનો અભિગમ રાખવો તે માણસની એના પ્રત્યેની કૃતઘ્નતાની કે નગુણાપણાની નિશાની નથી શું? આપણે ગધેડાની પીઠ પર ચડી બેસીને જ ગધેડાની હાંસી કરીએ છીએ તે બરોબર છે?

મને તો આપણા સર્જકો હવે ગધેડાની આત્મકથા લખવા તરફ કે ડાયરી લખવા તરફ વળી રહ્યા છે એ એક પ્રોત્સાહક બાબત લાગે છે. કૃષ્ણચંદર ગધેડાની આત્મકથા દ્વારા જે સૂચવવું હોય તે સૂચવે પણ ગધેડો કુંભાર ઉપરાંત એક સાહિત્ય-સર્જકનાયે સર્જનાત્મક ઉપયોગમાં આવ્યો તે ઘટના નાની છે શું? રઘુવીરની ‘વૈશાખનંદનની ડાયરી’ વાંચતાં ભલે વાંચનાર પોતેય વૈશાખનંદન થયાનો ભાવ અનુભવે પણ એ રીતેય વૈશાખનંદન સાથે તાદાત્મ્ય કેળવાતાં ચેતવિસ્તાર થાય છે એ કેટલી દિલચસ્પ બાબત છે!

મારા કેટલાક મિત્રો તો મૂર્ખતાના પર્યાય અને પ્રતીક તરીકે જ ગધેડાનો ઉપયોગ કરે છે. તેઓ મને અવારનવાર કહે છે: ‘દરેક પુરુષમાં જેમ સ્ત્રીનો અંશ હોય છે તેમ દરેક માણસમાં ગધેડાંનો – ગધેડાપણાનો અંશ પણ હોય છે! કમભાગ્યે એનો પરિચય કરી શકે એવું વિત્ત — એવી કાબેલિયત બહુ ઓછાઓમાં હોય છે!’ ખરી વાત તો એ છે કે બીજાઓને ગધેડો માનવામાં રાચનારો માણસ જ, એમની રીતે કહું તો, મહાગધેડો હોય છે! અનેક માણસો, શ્રી વિનોદ અધ્વર્યુના કાવ્યમાં આવે છે તેમ, ગાજરની પાછળ દોડતા પેલા માણકા ગધેડાની જેમ બેવકૂફ બનતા રહેતા હોય છે અથવા બેવકૂફ હોય છે – એમના અર્થમાં ‘ગધેડા’ હોય છે માટે તો પોતાની આગળ લાકડી પર લટકાવેલું ગાજર લેવા દોડીને ટાંટિયા તોડતા હોય છે! ખેર! ભગવાન આવા લોકોને એ ગાજરથી મરતા બચાવે!

આજની હવામાં બકરાને કૂતરું કહેવા ત્રણ ધુતારાઓ હોવા જરૂરી નથી; ત્રણ બેવકૂફો હોય તો પૂરતા છે. મારો મિત્ર આ વાત રજૂ કરતાં ત્રણ ધુતારાઓને બદલે ત્રણ ગધેડાઓ પૂરતા છે એમ કહે છે. ખરેખર તો આજની ફુગાવાની આબોહવામાં તમે ત્રણ ગધેડા માગો ને ત્રણ હજાર સહેલાઈથી મળી રહે એવી સ્થિતિ છે! જોકે અંગત રીતે મને આ રીતે ગધેડાનો બેવકૂફોના પર્યાય કે પ્રતીક તરીકેનો ઉપયોગ ઠીક લાગતો નથી. હું તો માનું છું કે જેમ પંડિતો કૂતરાને અને કૂતરાનું માંસ રાંધી ખાનાર શૂદ્રને સમદૃષ્ટિથી જુએ છે તેમ તેમણે ગધેડાને અને ગધેડા પર ભાર વૈંઢારનારાઓને પણ સમદૃષ્ટિએ જોવા જોઈએ; અને સૂક્ષ્મ રીતે જોઈશું તો જણાશે કે ગધેડો અને એના પર ભાર વેંઢારનાર — આ બંનેય આપણા સૌમાં કોઈ ને કોઈ રીતે હાજર હોય જ છે!

આપણા પરમ કૃપાળુ પરમેશ્વરે કાચબનો, મત્સ્યનો, વરાહનો — આવા આવા અવતારો લઈ એ પ્રાણીવર્ગને પ્રતિષ્ઠા આપી, તેને ધન્યતા બક્ષી. આજે આપણે એ પરમેશ્વરને અભિવંદના કરતાં કહીએ કે ‘હવે હે પ્રભુ! તું ગદર્ભનો અવતાર લઈને પધાર, જેથી એ પ્રાણીવર્ગને પ્રતિષ્ઠા મળે.’ જોકે મારા કેટલાક મને એમ કહે છે કે ‘ભગવાનને એવો અતાર લેવાની જરૂર જ નહીં પડે, હવે વિવેકજ્ઞાનના અભાવે આપણી વચ્ચે જ એવા ગધેડાઓ (અલબત્ત, માણસના દેખાવવાળા) પાકવાના છે ને વધવાના છે જે સ્વયં ભગવાનનેય ‘ગધેડો’ સાબિત કરી જંપશે! એવી બખડજંતરવાળી દુનિયા સર્જ્યા પછી, એમાં વળી આપણાં વિવેકશૂન્ય આચરણો જોઈ ભગવાનનેય આવા સર્જન માટે પોતાને મોટામાં મોટો ગધેડો માનવાનો ભાવ અવારનવાર થઈ આવે તો નવાઈ નહીં! આપણે ભગવાનને એવો ભાવ થતો રોકવાનું કરી શકીએ તોયે ઘણું!’

મિત્રો ભલે ગધેડાનો આવો બેવકૂફીના સંદર્ભમાં ઉપયોગ કરે. મને તો બેવકૂફીના મૂર્તિમંત અવતાર જેવો હોય તોયે ગધેડો ખૂબ પ્રિય છે. ઝેરી નાગ કે લુચ્ચું વરુ કે દગાબાજ શિયાળ થવા કરતાં તો હું ગધેડો થવાનું જ પસંદ કરું. જેમ ‘શાપ પોસાય પણ પાપ નહીં’ તેમ ગધેડો થવાનું પોસાય, નાગ થવાનું નહીં. મારો આ લેખ વાંચતાંં આપનેય જો ‘હું માનવી ગર્દભ થાઉં તો ઘણું’ એવો ભાવ થાય તો ભયો ભયો!

(હેત અને હળવાશ, પૃ. ૧૯૨-૧૯૯)