શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૫. એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૫. એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ


હુ શું કરું છું?
બનાવટ – શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.
સમય છે, શક્તિ છે, સાધન છે, પ્રોત્સાહન છે,
તો લખીએ છીએ.

લખીએ છીએ તે છપાય છે,
છપાય છે તે વંચાય છે.
વંચાય છે તો વિવેચાય છે અપનવાલામાં,
વિવેચાય છે ને સંભળાય છે અનુભવી અધ્યાપકોના માર્ગદર્શક
કાનથી,
સંભળાય છે ત્યારે હસાય છે – सुસ્પષ્ટતાથી હસાય છે!…
જુઓ ને, આમ ને આમ બત્રીસ વત્તા ચાર – છત્રીસ તો થયાં,
રહ્યાં કેટલાં?
કૂંડળીમાં લેખનવ્યવસાય છે જ : લહિયો થાઉં કે લેખક થાઉં,
મંબો થાઉં કે જંબો થાઉં,
લેખનવ્યવસાય છે જ છે.
મૃત્યુ હાલમાં નથી જ,
સ્કોપ છે ફૉરેઇનનો…
મને લાગે છે શબ્દોમાંથી પાસપૉર્ટ ને વિઝા મળશે!
શબ્દોમાં ડૉલર દેખાય છે કિલિયરકટ મને!
શબ્દો ફૉરેઇન એક્સચેન્જમાં જમા થશે જ થશે.
શબ્દોથી જમ્બોજેટમાં પેટ્રોલ ભરી શકાશે
ને ઍરહૉસ્ટેસ કમ્મરે પટ્ટો બાંધી શકશે.
ઍરહૉસ્ટેસની દેખાવડી પણ પ્રોઝેઇક સૂચનાઓ
‘પોએટિક’ થશે મારા શબ્દોના યોગે કરીને.
વન્ડરફુલ ફ્લાઇટ…
શબ્દોમાંથી અમેરિકા જડશે,
ન્યૂયૉર્ક જન્મશે.
માઇ ઇન્ડિયા, માઇ અમેરિકા!

શબ્દોને રસ્તે મળવા આવશે મને નિક્સન.
કોણ? નિકસન? હૂ ઇઝ નિક્સન?
આઇ – એ પોએટ! હૂ ઇઝ નિક્સન?
નિક્સન તો ઍટમબૉમ્બ ફોડાવી શકે – બસ, એટલું જ.
હું તો લાકડાની ચકલી ઉડાવી શકું
ને ધારું તો બેસાડી શકું નિક્સનની હૅટ પર.

આમિ કૉબિ… બિચિત્રેર કૉબિ…

વટ છે રાજ્જા આપણો શબ્દોમાં!
શબ્દોની બહાર તો ખાલીખમ
શબ્દોની અંદર જ વાઘ ને કાગ, કાગનો વાઘ, કાગ ને કબૂતર,
શબ્દોમાં જ સાત સમુંદર…

એક કવિસંમેલનની તાળીઓથી ચઢી ગયો ચંદુડિયો વૈકુંઠ લગણ.
પણ કવિતાથી નહિ ચઢેલો તે બચાડો ઊંધે માથે પડ્યો ને
પટકાયો પથ્થરિયા ભોંય પર.
ને કુદરતનું કરવું તે વાગ્યું તો પાર વિનાનું
પણ ખોપરીનો મસાલો જળવાઈ રહ્યો અકબંધ!

ચંદુડિયો ચઢી ગયો પાછો શબ્દોમાં…
દાવ સારા લગાવે છે!
દાણા ધાર્યા પાડે છે!
એકને ઘરમાં બેસાડ્યું…
બીજું પાકું કર્યું,
ત્રીજું ગાંડું કર્યું,
ચોથું…

ચંદુડિયો જીતી જવાનો શબ્દોમાં! સાંઈબાવાની મહેરથી.
સ્વર્ગમાં જઈ લખાવી લાવવાનો ભલામણ રણજિતરામ કનેથી.
ચંદ્રકની મજાલ છે કે પછી ભૂવાના નાળિયેરમાં કે બ્લૅકમાં જાય…

બહુ ભારેનો જાદુગર છે ચંદુડિયો!

જખ મારે છે હવે દુનિયા!
સિત્તેરને તો બનાવ્યા શબ્દોથી,
સાત અબજને બનાવી શકાશે હવે…
દુનિયાની વસ્તી હજી માંડ સાડા ત્રણ અબજે પહોંચી હશે…

ઘણો સ્કોપ છે આવતી કાલમાં!
ગ્રેટ ચાન્સ છે નજદીકમાં!
ગુરુ સ્વગૃહી થશે – ઉચ્ચનો થશે!
બુધ-ગુરુનો યોગ અનુકૂળ રહેશે.
હવે ઔર ટેસ્ટફુલ બનાવો શબ્દોની પ્રિપરેશન!
ગરમાગરમ – તાજી – મસાલેદાર!
શબ્દોની બનાવટ – કેવળ બનાવટ!
૪૨૦ની કલમમાં આવશે નહિ એ બનાવટ.
નો ફૉર્જરી…
શબ્દોની બુલંદ બનાવટ નીચે
ખુદની સાચી સહી કરી શકાય!
લો, હુંય મારી દઉ મતું – સહી
અહીં
નીચે

– ચંદુડિયો
સ. દ. પોતે.

(ઊઘડતી દીવાલો, ૧૯૭૪, પૃ. ૮૪)