શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૮. વાચા અને વાચસ્પતિનું સાયુજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૮. વાચા અને વાચસ્પતિનું સાયુજ્ય


(जायेव पत्य उशती सुवासाः…)

ઋગ્વેદના દસમા મંડળના ૭૧મા સુક્તમાં ચોથી ઋચા આ પ્રમાણે છે:

उत त्वः पश्यन् न ददर्श वाचमृत त्वः शृण्वन् न शृणोत्येनाम् । उतो त्वस्मै तन्मु वि सस्रे जायेव पत्य उशती सुवासाः ।।૪।।

કોઈક વાણીને જોવા છતાં પણ જોતો નથી, કોઈક એને સાંભળવા છતાં પણ સાંભળતો નથી; પરંતુ કોઈને એ વાણી પોતાનું શરીર એવી રીતે ખોલીને બતાવે છે, જેવી રીતે ભોગેચ્છાપ્રેરિત સુવાસિની સ્ત્રી પોતાના પતિને.

ઉપર્યુક્ત ઋચામાં વૈદિક ઋષિએ દાંપત્યસંબંધની ઉપમાથી વાક્પ્રયોજક — વાક્સર્જકનો વાગ્ — વાણી સાથેનો જે અંતરતમ નિગૂઢ સંબંધ છે તેનું માર્મિક રીતે નિરૂપણ કર્યું છે. જે વાણી સાથે અંતરતમ સંબંધ ન બંધાયો હોય એ વાણી સર્જકને શું ફળ આપી શકે? વાણીની સર્જનાત્મકતાના મૂળ સુધી જે પહોંચી ન શકે એ વાણીનો સર્જનાત્મક વિનિયોગ કેવી રીતે કરી શકે? વાણી સાથે એનો પ્રયોજનારો સર્જક તાદાત્મ્ય ન અનુભવે, એની સાથે એકાકારતા ન સાધે, એકરૂપ ન બને ત્યાં સુધી એના માટે તો વાણી સાંભળ્યા છતાં ન સાંભળ્યા બરોબર અને એને જોયા છતાં ન જોયા બરાબર — એના સંપર્કમાં આવ્યા છતાં, એના સંપર્કમાં ન આવ્યા બરોબર જ લેખાય. વાણીને માટે સર્જક અજાણ્યો, સર્જકને માટે વાણી.

સર્જકે વાણી સાથે એકાકારતા — તદાકારતા અનુભવવાની સાધના કરવી જોઈએ. વાક્સર્જક પોતે વાણીના — તેના શબ્દાર્થ-સંદર્ભના હાર્દમાં ઊંડે ને ઊંડે ઊતરતો સ્વયં વાગ્-રૂપ — વાઙ્‌મય-શો પોતાને પ્રતીત કરતો થાય એ એના વાક્સંબંધની સર્વોચ્ચ ભૂમિકા છે. વાણી સર્જકને વશ વર્તે, એનું કહ્યું કરે, તે એના નિરતિશય આનંદ માટેનું કારણ બને — સાધન બને અને અંતતોગત્વા સાધન, સાધક અને સાધ્યની એવી સંવાદમયતા — એકાત્મતા સધાય કે એ અનિર્વચનીય ભૂમિકાનો ખ્યાલ તો માત્ર પ્રત્યક્ષ અનુભવે જ પામી શકાય. જે રીતે નારી પૌરુષયુક્ત પ્રેમાળ પતિને પામ્યાથી પોતાને સૌભાગ્યવતી સમજે છે, એની આગળ પછી કોઈ ભેદભાવજનિત અંતરપટ રાખતી નથી, બલકે પોતાનું જે ગુહ્યતમ હોય તે પણ ગોપી-કૃષ્ણ-ન્યાયે તેને સહર્ષ સમર્પી દેવામાં પોતાની સાર્થકતા—ધન્યતા અનુભવે છે તે રીતે વાણી પણ પ્રતિભાવંત કવિપુંગવને-સર્જકપ્રવરને પામીને સર્વથા કૃતાર્થ થાય છે. કવિચેતનાનું વાક્ચેતનામાં રૂપાંતરિત થયાનો આહ્લાદક ભાવ થાય છે. વળી સ્નેહાળ પતિ આગળ સમાગમવેળાએ નારી જે રીતે પોતાનો સમસ્ત વૈભવ ખોલી ખીલે-ખૂલે છે એમ જ વાણીયે સર્જનપ્રેરણાની ઉદાત્ત અને ઉત્કટ ક્ષણે કવિ સમક્ષ સોળે કળાએ ખીલે-ખૂલે છે. એનું અભૂતપૂર્વ ચારુતમ રૂપત્યારે પ્રગટ થઈને રહે છે. આ એવી સ-ફળ ક્ષણ હોય છે જ્યારે કવિનું વાણી સાથે અનોખું એકાંત — અદ્વૈત સર્જાઈને રહે છે. બેયનું સાયુજ્ય ત્યારે પરાકોટિએ પહોંચેલું પ્રતીત થાય છે. આ જ કવિનો વાગવતાર; આ જ કવિનો વાઙ્‌મય સ્વરૂપે આત્મસાક્ષાત્કાર.

આપણે ઇચ્છીએ કે કવિ મુક્તપણે, સંનિષ્ઠાથી — એકાગ્રતાથી, સમર્પણબુદ્ધિથી વાણીનો અનુનય કરતાં, એનું સંવનન કરતાં એવો અધિકાર, એવી કક્ષા પ્રાપ્ત કરે કે જેથી તેની આગળ વાણીના અનેકાનેક સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌન્દર્યમય ને રસમય સ્થાનો — રહસ્યો પરસ્પરના સ્નેહયોગે કરીને ઉદ્ઘાટિત થવા માંડે અને એ ક્ષણે એને એવો તો સમાધિયોગ લાગે કે તે અભિનવા આનંદે ‘અગોચર ગોચર હવું’ એમ બોલતો હોય એ રીતે — એ જ પરંપરામાં લીલામય ભાવે બોલી ઊઠે: अहं वागस्मि। — હું જ વાણી છું. આ રમણીય ચમત્કાર તો અનવરત આત્મસાધનાથી વાક્ચેતનાને ઝીલવાની અને એનું પાણિગ્રહણ — મનોગ્રહણ — સર્વસ્વગ્રહણ કરવાની સુ-પાત્ર-તા સિદ્ધ થાય ત્યારે જ સંભવે.

(વાણીનું સત, વાણીની શક્તિ, પૃ. ૨૨-૨૪)