શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૯. આવું ક્યારેક થઈ આવે છે ખરું!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૯. આવું ક્યારેક થઈ આવે છે ખરું!


લાલ સફરજનમાં રાક્ષસી દાંત બેસાડીને હસી શકાય.
હસી શકાય એક માસૂમ પતંગિયાને ટાંકણીમાં પરોવીને.
તોડી શકાય બિસતંતુને અકાળે
ને ભૂંસીયે શકાય રેતીમાં આળખેલી આકૃતિ જલના મનની.
પણ…
પણ એમ કરતાં ક્યારેક એવી તો આવી જાય છે બધિરતા
કે પછી –
સાંભળી શકાતી નથી ઝાકળમાં રણકતી સ્વચ્છ ભાષા સવારની.
જોઈ શકાતા નથી શ્વેતલ વિચારો રાત્રિએ વિકસતા પોયણાના.
કશુંક અધવચ્ચે જ ખોટકાઈ પડે છે ફૂલ થતાં થતાંમાં.
કશુંક અનિચ્છાએ જ સરી પડે છે હથેળીમાંથી
સુંદર થતાં થતાંમાં.
અચાનક ઉજ્જડતાની તીવ્ર ગંધ આવવા માંડે છે…
ઉંબરા પર જ પગ પછાડતાં ઊભાં થઈ જાય છે ઝાંખરાં…
રસ્તાઓ પગલાંથી દાઝતા હોય તેમ ખસવા માંડે છે આઘા ને આઘા…
જાણે દરેક દિશા દબાતી જાય છે કઠોર પડછાયાથી!

કંઈક એવું ગુજર્યું છે મારી અંદર, મારી આસપાસ,
કે શ્વાસમાત્ર પ્રેરે છે અવિશ્વાસ…

આથી તો બહેતર હતું –
કોઈ લીલીછમ તીક્ષ્ણતાએ આ વીંધાઈ ગઈ હોત જાત,
ને અંદરથી જો વહેવા દીધી હોત વેદનાને હસતાં હસતાં તો
એ વેદનાએ આ લોહિયાળ ઉજ્જડતામાં
ન ખીલવ્યા હોત મોગરા મઘમઘતી ચાંદનીના?
પણ, ખેર, જવા દો…
મુદ્દામ વાત તો આટલી જ
કે આવું ક્યારેક મને થઈ આવે છે ખરું!
– જ્યારે કોઈ ટાંકણી પતંગિયાની પાંખમાંથી
આપણી અંદર ઊંડે ઊતરે છે ત્યારે.

(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૧૨)