શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૬. લોહીનો ઊઠતો નથી અવાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૬. લોહીનો ઊઠતો નથી અવાજ



લોહીમાં હજુયે શાને
કેમ નથી રે! ઊઠતો કશો અવાજ?
લોહીમાં દીવાલ શેની? પડદા શાના? પડઘા શાના?
શેના કપટી કાચ?
કાયરતાનાં થરથરતાં શાં રાજ!
પથ્થરથીયે ભારે પગલાં – મીંઢાં પગલાં –
હંસોથીયે ધોળાં… નહીં, નહીં, કાળાં બગલાં!
જીભ ઉપર નાચે છે જૂઠની પરીઓ,
આંખ મહીં નહીં આગ,
દંભની ખાલી હસે પૂતળીઓ!
ક્યાંક પગથિયે પંડ પાથર્યાં,
ક્યાંક ઉંબરે તેજ આંતર્યાં,
ક્યાંક આભને ટૂંપો દઈને રૂંધ્યા સૂરજ-શ્વાસ,
ક્યાંક ફૂંકથી ફોડી નાખ્યા છત્રફૂલ્યા વિશ્વાસ,
લોહીમાં મરી ગયેલા મનનો અવડ-મિજાજ :
લોહીમાં સાત-સઢાળાં ડૂબી ગયેલાં સર્વ સમયનાં જ્હાજ.

એંઠ ખાઈને બેઠાં ડ્હોળે ડાહી દુનિયાદારી,
પોલા પ્હાડ બન્યાની ફડફડ ફડકે શી ફિશિયારી!
ક્યાંક ચાટતાં ચમચી પામ્યા,
ક્યાંક વળી ઊતરેલા જામા!

અધ્ધર અધ્ધર નાક-ચઢેલે ચાલે!
અગડંબગડં બેવકૂફ ચાડું લઈ ચટપટ ચાલે!
ભ્રમ-ધુમ્મસના દોર દિમાગે ઊતરે, એની આંટી :
લોહીમાંસની સાવ સાંકડી ભીંસ્યા કરતી ઘાંટી!
લોહીમાંસમાં ટક્યું-બચ્યું તે આ જ સડેલું સાચ?
અરે! લોહીમાં ડૂબી જવાની હરેક ઊગતી આજ?
અને છતાંયે કશો નહીં ચિત્કાર?
હજુ લોહીનો – લોહી ફરે તેનોયે નહીં અવાજ?!

(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૮૯)