શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪. એક ઈંટ જો હાલે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. એક ઈંટ જો હાલે...



આટઆટલી ભીંતો વચ્ચે
અવાજ મારો ભટકાતો ભાંગીને ભુક્કો થાય!
ઊડવા કરતું આભ ભીતરનું,
છતની સામે પાંખ પછાડી,
ઢગ પીંછાંમાં વીખરાતું આ ચરણ તળે ચગદાય;
અને હું છિન્ન અવાજે સાદ કરું શેરીની વચ્ચે :
‘કોઈ મને છોડાવો
રે કોઈ રસ્તાઓના ભરડામાંથી
મારા ચરણ મુકાવો.’
રોજ રોજ આ ભીંત મહીંથી ફૂટે ભીંત હજારો,
પગ ચાલે ને લાગે :
મારી સાથે ચાલે ઈંટ હજારો!
નીલ ગગનનું ઊડતું પંખી, દૂર – દિવસની પાર;
એકલ મારા મનની ડાળે અંધકારનો ભાર.
કોઈ એક ઝાકળનું બિન્દુ ક્યાં છે?
– જે આ લુખ્ખી આંખે મોતી થૈને નિર્મલ ચમકે.
કોઈ એવું રે જલનું બિન્દુ ક્યાં છે?
– જે આ
ઈંટમાં બાંધ્યા
મરી ગયેલા
તડકા જેવા ઘેરા
મારા માટીના ચહેરામાં ઊતરી ફરકે.
શ્વાસે શ્વાસે નિઃશ્વાસો પડઘાય,
પિરામિડોના થર પર થર પથરાય.

એક ઈંટ જો હાલે,
આખું નગર હલાવી નાખું;
પલકારામાં પિરામિડો પાધરમાં પલટી નાખું…
સૂરજ ક્યાં છે?
સૂરજ, આપો એક જ કરનો સાથ;
કદાચ મારો ખડી ગયેલો હલે ફરીથી હાથ…
ને હું…

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨-૧૩)