શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪. નંદની અલપઝલપ ક્ષણો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. નંદની અલપઝલપ ક્ષણો


નંદ સામવેદીને હમણાં હમણાં ઊંઘ આવતી નથી. એની પડોશમાં રહેતા અઝીઝનો પુત્ર આદમ થોડા વખત પહેલાં જ ગુજરી ગયો! નાનકડો, મસૃણ માંસલ, કૂણા કૂણા તેજ અને સુંવાળા રેશમથી મઢેલો, ચાંદનીની ભીનાશથી જોનારની નજરને ઠારતો નાજુક ચહેરો કોઈ જૂઈના ફૂલમાંથી ઉદય પામીને આ નગરની કઠોર હવા વચ્ચે, ધુમ્મસમાં બાલરવિ ઝૂલે એમ ઝૂલ્યો ને કેમ ખોવાઈ ગયો તેની ખબરેય ન પડી. આવ્યો ને ખીલ્યો ફૂલની જેમ. ચાલી ગયો ઝાકળનું કોઈ બિન્દુ ચૂપચાપ ચાલી જાય તેમ. નંદને એ ગયો એ કેમેય સહન નથી થયું. થોડા દિવસ પહેલાં તો આદમનાં નાનકડાં ગુલાબી ચરણો મારા થીંગડાવાળા રગશિયા જોડાથી આંગણામાં ઘૂમતાં હતાં. એણે ખાધેલું બિસ્કિટનું અડધિયું ટેબલ પર જેમનું તેમ પડ્યું છે. એના ચમકતા સફેદ નાજુક દાંતનો અણસાર બિસ્કિટ પરની કપાયેલી ભાતીગળ કોર આપી રહે છે. હજુ એની નાનકડી ટોપી ઘરની દીવાલ પર ખીંટીએ ઝૂલે છે. એની હસતી આંખો અનેક વાર ચોરી લેવાનું નંદને મન થતું હતું. પણ…એનું કામણ કોઈને નંદના કરતાંય વધારે સ્પર્શ્યું ને એ રાતોરાત એને ચોરી ગયો! નંદ રાતોરાત ભારેનો રંક બની ગયો… કોઈએ કેવળ આદમને જ નહીં, આદમ સાથે ઘણુંબધું એનું ખૂંચવી લીધું… નંદને એની કળ વળતી નથી.

નંદ લઘરવઘર છે. એને કપડાં પહેરવાનું કે સાચવવાનું ભાન નથી. પાંચ દિવસ પહેલાં અમારી શેરીનો જૂનો ને જાણીતો કાળિયો વાઘરી બટકું રોટલો માગવા આ બાજુ આવ્યો. એની સાથે એક સાવ ગંદુંગોબરું છોકરું ચાલતું હતું. માથામાં ધૂળ, નાક પર જામી ગયેલું લીંટ, એની આજુબાજુ માખીઓનો બણબણાટ, ઠંડીમાં પણ એકમાત્ર ફાટેલો સદરો અને સદરામાંથી અડધો મેલો કાળો વાંસો દેખાય – નંદને શું થયું કે એણે પેલા બાળકને પાસે બોલાવ્યો, બાથમાં લીધો, ચૂમી કરી ને ખિસ્સામાં પડેલા થોડા ચણા એના હાથમાં મૂક્યા. નંદ એ બાળકના ગોબરા ચહેરા પરનું સ્મિત જોઈ રહ્યો! કાળી માટીમાં દાંત કાઢીને હસતા કપાસનું એને સ્મરણ થયું. નંદને પહેલી વાર એમ થયું કે મારી પાસે કોઈ જાદુઈ લાકડી હોય તો આ નાનકડા બાળકને હું સોનાના વાળવાળો રાજકુમાર બનાવી દઉં… આ માટે નંદ સામવેદી કામરુ દેશમાં જવા તૈયાર છે, એ કાળીચૌદસે ચોસઠ જોગણીઓને સાધવા તૈયાર છે અને જરૂર પડ્યે કમળપૂજા કરવાનો પણ એનો ઉત્સાહ છે; કેમ કે, નંદનું સ્વમાન અક્ષમ્ય રીતે ઘવાયું છે. નંદ સામવેદી જમવા બેસે છે ને ભાણામાંની રોટલી પર પેલા બાળકના ભૂખ્યા, ક્ષીણ અને શ્યામ હાથની આંગળીઓ જોવા મળે છે. નંદ વાળ હોળે છે અને લીંખ-જૂથી ભરેલાં લુખ્ખા વાળવાળાં હજારો માથાં અરીસામાં અંધકાર ભરી દેતાં ખડાં થાય છે. પથારીમાં એ સૂવા જાય છે ને પેટમાં પગ નાખીને પોઢતાં હજારો બાળકોની ધ્રુજારી એની કરોડની દોરડીને હલાવી જાય છે. નંદ ખાઈ શકતો નથી, સૂઈ શકતો નથી, અમનચમન કરી શકતો નથી ને છતાં નંદ એની માતાને ચિઠ્ઠી પાઠવે છે:

પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય

એની ઘરડી મા, નાકે ચશ્માં ચઢાવી એની ચિઠ્ઠી વાંચે છે, ઈશ્વરનો ઉપકાર માને છે અને નંદને માટે દીર્ઘાયુ વાંચે છે.

પણ નંદને દીર્ઘાયુ જોઈતું નથી. કોઈ કમબખ્તનો કાળો પડછાયો એના આંગણાને અભડાવી ગયો છે. એના આંગણામાં સવારે ફૂલ ઊડીને આવતાં નથી. હસતાં નથી, કલ્લોલતાં નથી. પેલો તડકો પણ હમણાં વંકાઈ ગયો છે. રાતદહાડો તૂટેલાં છાપરાંનાં નેવાં રડે છે અને બારીબારણાં ઉદાસ રહે છે. દીવાના ગોખલામાં કરોળિયાનાં જાળાં કંપે છે. નંદને ઘણું થાય છે કે આ આંગણામાં ચગડોળ ચાલે. હવાભરેલા ફુગ્ગાઓ ઊડે, કાગળની રંગબેરંગી ચકરડીઓ ઘૂમે ને દારૂખાનાનાં ઝાડ મહોરે ને કોઈ વાંસળીવાળો અહીં સૂરમાં બધું એકરસ કરી દેવા મથે; પણ આ આંગણામાં હવે ઢીંચણ સુધી ઘાસ ઊગી ગયું હોય, બારણામાં ધીંગા થોર વધી ગયા હોય અને કોઈ વણજારાની ગોજારી વાવનું લીલવાળું પાણી દુર્ગંધથી શ્વાસને અકળાવી રહ્યું હોય એવું થાય છે. નંદ હવે આદમને લઈ જનાર કાળા ચોરનો વારંવાર ભણકાર સાંભળે છે. નંદને લાગે છે કે એ બદમાશ દરરોજ રાતે બારણાની તરાડમાંથી મને તાકી રહે છે…એક દિવસ એ પોતાને ઊંઘતો ઝડપશે… એની કાળી ચાદરમાં પોતાને લપેટી લઈ કોઈ ભેદી ભોંયરામાં ખેંચી જશે… કદાચ ત્યાં આદમની આંખોના નીકળી પડેલા કાચ પડ્યા હોય ને ત્યાં પેલા આંગણાનાં ખરી ગયેલાં ફૂલોનો પ્રાણ પણ હોય!…

નંદને ખાતરી નથી ત્યાં શું છે તેની. એ કાળા ચોરની રાહ જુએ છે. કદાચ કાળો ચોર ‘રાજા-રાણીએ ફળ માગ્યું છે’ એમ કહેતો આવે ને ત્યારે નંદને હાથથી બતાવવું પડે કે હજુ ફળ આટલું જ વધ્યું છે… નંદને કદાચ આખી જિંદગી આમ જ કહેતાં રહેવાનું છે ને છતાં નંદને ખાતરી નથી કે પેલો કાળો ચોર ફળ લીધા વિના જ હંમેશાં પાછો જશે.

(નંદ સામવેદી, પૃ. ૩૨-૩૪)