શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૯. ‘ચાલો બાપુ! આપણે જઈએ...’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૮૯. ‘ચાલો બાપુ! આપણે જઈએ...’


આમ તો મને ખબર જ ન પડત એ આદમીની!
એ તો અહીં આવ્યો હતો
સ્વસ્થ ને સુદૃઢ પગલે,
જરાયે પદરવ ન થાય એ રીતે.
એણે જગા લીધી છેક છેવાડાની
કોઈનેય ખલેલ ન પહોંચે એ ખ્યાલે,
કોઈનુંય સ્વમાન નંદવાય નહીં એ રીતે.
એણે હળવેકથી ઊઠી
આસપાસમાં સડતો કૂડો-કચરો ઉપાડી,
બધું સાફસૂફ કરી,
ઉકરડામાં ઉગાડી દીધાં ગુલાબ!
એણે જ ચાહીને પેલી આંધળી ડોસીને
પાર કરાવ્યો રસ્તો
પોતાની લાકડીના ટેકે ટેકે.
અંધારામાં કોઈ આથડે નહીં એ માટે જ.
દીવો થઈને એ ખડો રહ્યો
આખીયે રાત
આંધળી ગલીના નાકે.

કબીરની વણકરીથી
આખાયે ભારતની એબ ઢાંકવા
એણે જ ચરખાના ચક્રે ઘૂમવા માંડ્યું
આ ઘેર, પેલે ઘેર,
આ ગામ, પેલે ગામ.

એણે જ વળી વળીને ભીનાશથી ધૂંધળા થતા
ચશ્માંના કાચ લૂછતાં લૂછતાં,
સૌને ચીંધ્યા કર્યો
ક્ષિતિજની પેલે પારનો
ઊગવા કરતો સૂરજ.

દાંડીથી નોઆખલી સુધી
પોતાના વત્સલ પડછાયાને વિસ્તારનાર
આ આદમી ખરેખર કોણ?
– એ મનોમન હું વિમાસતો હતો ત્યારે જ
એક ખીલતા ફૂલ જેવા બાળકે
એ આદમીની લાકડીનો છેડો પકડી લઈને કહ્યું :
‘ચાલો, બાપુ! આપણે જઈએ…
પેલા સૂરજદાદા કને!’

૩૦-૧-૨૦૦૦

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૮૮)