શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૯. અગિયાર મિસર-કાવ્યોમાંથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯૯. અગિયાર મિસર-કાવ્યોમાંથી



૧. મિસરની આ ભોમ

મિસરની આ ભોમ :
પેપિરસનો પાથરેલો એક વિશાળ પત્ર-પટ!
હથેલીમાં જેવી જીવનરેખા કે ભાગ્યરેખા,
નાઈલની એવી પ્રસન્નગંભીર ચારુ ચમકતી
ગાઢી જળરેખા!
બદામી ભૂમિસાગરમાં નીલો એક શેરડો જાણે!
એ પત્ર-પટમાં ઊઘડેલી, અક્ષરલિપિ આકાશની!
તેજે તબકતાં સરોવરનેત્રોનાં આકર્ષક તારક-ચિહ્નો!
તામ્ર-ગૌર દેહે શ્યામલ તલ સમા
રણદ્વીપોનાં રમણીય વિરામ-ચિહ્નો!
અલ્લાતાલાના અવાજનો અંદાજ આપતાં જાણે
ચિત્રાંકિત લિપિ-ચિહ્નો!
સૂર્ય-ચંદ્ર-ગ્રહાદિનાં પદ-પગલાંની ગહન છાપ ઉપસાવતા
અહીંતહીં દેખાતા કુદરતી પિરામિડો-શા પહાડી વિસ્તારો!
કોઈ નિગૂઢ શક્તિના યંત્ર સમી,
કોઈ સંકુલ ચિત્તના તંત્ર સમી,
કોઈ અગમ પ્રેરણાના મંત્ર સમી,
મિસરની ખમીરવંતી ખામોશીને
આંતરચક્ષુએ નીરખવા,
આંતરશ્રવણે પરખવા,
એકાગ્ર કરવા મથું છું મારી સંવેદનાને
આ સ્થળકાળના અક્ષરબિન્દુ પર
– આ ઘઉંવર્ણી ધરતીના નાભિકેન્દ્ર પર!

૧૮-૧૧-૨૦૦૭
૨૪-૧૧-૨૦૦૭

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૫૨)