સંસ્કૃતિ સૂચિ/સંપાદકીય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંપાદકીય


ઈ. સ. ૧૯૪૭માં શરૂ થયેલ ‘સંસ્કૃતિ’ સામયિક તેના તંત્રી શ્રી ઉમાશંકર જોશીની એક ઓળખ છે અને ગુજરાતી ભાષામાં સામયિકનો એક આદર્શ નમૂનો છે. શ્રી કૃષ્ણવીર દીક્ષિતના શબ્દોમાં કહીએ તો ‘ઉમાશંકરના જીવનનું રમણીય તપોવન’ છે. તેના પ્રારંભ ટાણે ઉમાશંકર જોશીએ કહેલું : ‘૧૯૪૬ની આખરમાં સ્વેચ્છાએ ગુજરાત વિદ્યાસભામાંથી હું મુક્ત થયો ત્યારે જે કેટલાક વિચારો સૂઝ્યા તેમાં સામયિક કાઢવાનો વિચાર પણ મનમાં સ્થિર થતો હતો. જાતે વહોરેલી નવરાશથી કટાઈ ન જાઉં એ એક કારણ, પણ સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે એ મુખ્ય પ્રેરણા. નામનો વિચાર કરવાપણું પણ રહ્યું નહીં. ચાલો ‘સંસ્કૃતિ’ કાઢીએ એમ જ સૂઝ્યું. ‘સંસ્કૃતિ’ કહેવાથી ધર્મ ઉપરાંત સમયના તકાજા પ્રમાણે રાજકારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન આદિ વિષયો અને મુખ્ય રસનો વિષય સાહિત્ય તે સૌનો આદર થઈ શકે એમ લાગ્યું. જીવવાની રીતના એક ભાગ રૂપે સંપાદનકાર્ય સાથે સંકળાવાનું બન્યું’ -ને એમ ૨૬ જાન્યુઆરી, ૧૯૪૭થી ‘સંસ્કૃતિ’ની યાત્રા શરૂ થઈ તે ૩૮ વર્ષ સુધી બહુ દબદબાભરી રીતે ચાલી. ઉમાશંકર જોશીએ જણાવ્યું છે તેમ એમાં સાહિત્ય-સમાજ-ધર્મ-રાજકારણ- જાહેરજીવન આદિ ક્ષેત્રોનો બહુપરિમાણીય દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે.

‘સંસ્કૃતિ’ એટલે સર્જનાત્મક કૃતિઓ અને સ્વાધ્યાયપૂત માહિતીનો સમન્વય. એક ઋજુ-સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા કવિ, તીક્ષ્ણ બુદ્ધિમત્તા ધરાવતા એક મેધાવી વ્યક્તિ એવા ઉમાશંકર જોશીના હાથે આ સામયિકનું કલેવર ઘડાયું છે, તેમની ઝીણી નજર તળેથી પસાર થયું છે; કદાચ તેથી જ તે ગુજરાતી ભાષાનું અગ્રણી અને શ્રદ્ધેય સામયિક બન્યું છે. તેમની સર્વતોમુખી પ્રતિભાનો સબળ પરિચય કરાવતું ‘સંસ્કૃતિ’ સામયિક, ગુજરાતી સામયિક-પર્વતમાળાનું, કૃષ્ણવીર દીક્ષિત કહે છે તેમ, ‘એક ભવ્ય, ગહન ને રમણીય શિખર છે’. ઈ.સ. ૧૯૭૯ સુધી તે દર મહિને પ્રકાશિત થતું હતું. ૧૯૮૦થી તે ત્રૈમાસિક બન્યું. ‘સંસ્કૃતિ’ શરૂ કરવાનું જ્યારે ઉમાશંકર જોશીએ નક્કી કર્યું ત્યારે તેમનાં પતી શ્રીમતી જયોત્સ્નાબહેને કહેલું : ‘હવે તમને આખું ગુજરાત ઓળખશે.’ ગુજરાતે તો ઉમાશંકરને ઓળખ્યા, તેમને પોતાનો અઢળક પ્રેમ આપ્યો, ને પછી ભારતે અને આખા વિશ્વે પણ તેમને પોંખ્યા.

ઉમાશંકર જોશીનું ઘડતર થાય છે ગાંધીવિચારણાની નીચે. ઉમાશંકર જોશી ગાંધીયુગના અગ્રણી સર્જક જ નહોતા, જાહેરજીવન વિશે અનેક રીતે વિચારનાર એક વિલક્ષણ વ્યક્તિ પણ હતા. ‘સંસ્કૃતિ’નું પ્રાકટ્ય થાય છે ભારતની સ્વતંત્રતાના કાળે. ‘સંસ્કૃતિ’ના પ્રારંભના અંકો પર આ યુગપ્રભાવ જોઈ શકાય છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થયા બાદ શિક્ષણના માધ્યમનો પ્રશ્ન, યુનિવર્સિટીના અભ્યાસક્રમોનો પ્રશ્ન, ચૂંટણીનો પ્રશ્ન વગેરે એરણ પર આવે છે. આ બધાંનું પ્રતિબિંબ પણ અહીં ઝિલાયું છે. આ સામયિક ભાગ્યશાળી રહ્યું છે. કારણ કે તેને કાકાસાહેબ કાલેલકર, નગીનદાસ પારેખ, ‘સ્નેહરશ્મિ’, સ્વામી આનંદ, કિશનસિંહ ચાવડા - જેવા અનેક વિદ્વાનો-સર્જકોનો સાથ મળ્યો - જે લગભગ બધા જ કોઈ ને કોઈ રીતે સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય હતા કે ગાંધીજીનું સામીપ્ય માણી ચૂક્યા હતા. વળી તેને રસિકલાલ પરીખ, શિવ પંડ્યા જેવા ચિત્રકારોનો સાથ સાંપડ્યો હતો. પ્રથમ વર્ષના બારેય અંકોનાં આવરણપૃષ્ઠો પર રિસકલાલ પરીખનાં ચિત્રો છે, જે નોંધપાત્ર છે. આ સિવાય પછીના અંકોમાં ગુજરાત, ભારત કે વિશ્વની મહાન વ્યક્તિઓની છબીઓ છે; તો ક્યારેક ચિત્રો- રેખાંકનોથી આવરણપૃષ્ઠ સજાવાયું છે. ત્રૈમાસિક થયા પછી તે સાદું બન્યું છે.

પ્રથમ અંકના પ્રથમ લેખનું શીર્ષક છે ‘શિવસંકલ્પ’. ‘ઘરના ચણતરમાં મોભ ચઢાવવાની ઘડી આવે છે એ આજની ઘડી છે;’ ‘ભયનું નહીં પણ પ્રેમનું રાજ્ય હોય’ – એ મંત્ર થકી દેશનું નિર્માણ થાય એવી વાત કહેનાર ગાંધીજીના સ્મરણથી અને પ્રજાજનો પણ આવો સંકલ્પ કરે તેવી ભાવનાથી આ સામયિક શરૂ થાય છે. સામયિકના આકાર વિશે તંત્રી એકદમ સ્પષ્ટ છે. તે ‘સંસ્કૃતિ’ના અંકો જોતાં જણાય છે. આવરણપૃષ્ઠ પર સામાન્ય રીતે મધ્યમાં ચિત્ર, છબી, રેખાંકન કે વિશિષ્ટ લખાણ હોય છે. આવરણપૃષ્ઠની મધ્યમાં મૂકેલ એ ચિત્ર કે લખાણથી થોડ નીચે વર્તુળાકારમાં કુંભમાં કમળનું ચિત્ર (જેને આપણે ‘સંસ્કૃતિ’નું ઓળખચિહ્ન કે લૉગો- કહી શકીએ) હોય છે - જે આપણી સંસ્કૃતિમાં ‘શુભ’/‘મંગલ’ તત્ત્વોના સંકેતરૂપ છે. ત્યાર બાદ પહેલે પાને ડાબી બાજુએ ઉપર ‘સંસ્કૃતિ’ શીર્ષક નીચે ‘સત્યમ્ પરમ ધિમંહિ’એ ધ્યાનમંત્ર મૂકયો છે. જમણી બાજુએ મહિના-વર્ષના નિર્દેશ વચ્ચે કમળયુક્ત કુંભનું ચિત્ર છે. પ્રારંભના અંકોમાં પહેલા પાને કોઈ ચોક્કસ હેતુસરનું એક કે બે પાનનું લખાણ રહેતું. મોટેભાગે તેના લેખક ઉમાશંકર પોતે હોય. કયારેક કાકાસાહેબ હોય તો ક્વચિત્ અન્ય. પણ પછી તેમાં ફેરફાર થયો. ટૂંકા લેખોને બદલે લાંબા લેખો આવ્યા ને ‘ગાંધીકથા’ પણ આવી. એ પછી તંત્રી તરફથી ‘સમયરંગ’ શીર્ષકથી વિશ્વના સાંપ્રત પ્રવાહો પર ઊંડી, તટસ્થ અને ઉપયોગી બાબતોની રજૂઆત થતી. ત્યાર બાદ આવે સર્જનાત્મક કૃતિઓ કે અભ્યાસલેખો, જેના વિષયવર્તુળનો વ્યાપ ઘણો વિશાળ છે. ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ વિભાગમાં નોંધપાત્ર પુસ્તકો/સામયિકો પરનાં અવલોકનો/લેખો/ટૂંકી નોંધો વગેરે આવે. ૧૯૮૦ પછી ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ની માહિતી ‘અવલોકનો અને નિરીક્ષણો’ શીર્ષક નીચે મૂકવામાં આવી છે. અંતે આવતા ‘અર્ધ્ય’ વિભાગમાં અન્ય પુસ્તકો કે વ્યક્તિઓનાં વક્તવ્યો/લખાણોમાંથી અંશ મૂકવાનો કવિએ ઉપક્રમ રાખ્યો છે. તેમાં કયારેક આખું કાવ્ય કે નોંધપાત્ર કાવ્યપંક્તિઓ પણ હોય. આ માળખામાં ક્યાંક જરાતરા ફેરફાર હોય તો માફ, બાકી ‘સંસ્કૃતિ’ના અંકો જોતાં આવું ચિત્ર ઊપસી આવે છે. આ ઘાટ લગભગ આરંભથી અંત સુધી રહ્યો છે. જોકે પાછળથી ‘સમયરંગ’નો રંગ બદલાયો છે. એ જ રીતે વાર્ષિક સૂચિ જ્યાં સુધી તે માસિક હતું ત્યાં સુધી આવતી, તે ત્રૈમાસિક થયું પછી તે બંધ થઈ.

ઉમાશંકર જોશીએ કહ્યું છે : ‘આ જમાનામાં તો સૂચિ એ જ ગ્રંથનો દીવો છે.’ [‘પત્રો’ (૧૯૨૮-૧૯૫૦), ઉમાશંકર જોશી, ૨૦૦૯, પૃ. ૨૮૬]. આ અર્થમાં ‘સંસ્કૃતિ’ સામયિકની ઉપયોગિતા માટે આ સૂચિ એક નાનકડો દીવો છે. ૨૧ જુલાઈ, ૧૯૧૧ - કવિનું જન્મવર્ષ. ઈ.સ. ૨૦૧૧નું વર્ષ તેમનું જન્મશતાબ્દી વર્ષ. આ વર્ષે તેમના વ્યક્તિત્વ અને વાડઃમય વિશે અનેક રીતે વિચારણા થઈ, પરિસંવાદો થયા, ચર્ચાઓ થઈ, વિશેષાંકો થયા- ને એ રીતે ગુજરાતે પોતાના પનોતા પુત્રને- કવિને ભાવાંજલિ અર્પી. કવિના જન્મશતાબ્દી વર્ષે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ દ્વારા ‘સંસ્કૃતિ’ સામયિકની ‘કાલાનુક્રમિત સૂચિ – ખંડ ૧’ શીર્ષક નીચે પ્રગટ થઈ હતી. ૨૧ જુલાઈ, ૨૦૧૬ કવિજન્મને ૧૦૫ વર્ષ થાય છે ત્યારે ‘સંસ્કૃતિ’ સામયિકની સામગ્રી વર્ગીકૃત સ્વરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘સંસ્કૃતિ’ સૂચિ (સામયિકની વર્ગીકૃતસૂચિ) શીર્ષક નીચે ગ્રંથસ્વરૂપે આજે પ્રકાશિત થઈ રહી છે તે આનંદની વાત છે.

આ સૂચિમાં ૩૦ વિભાગો છે. વિભાગ અંગેની જરૂરી માહિતી જે-તે વિભાગના આરંભે દર્શાવવામાં આવી છે. વર્ગીકૃત સૂચિના ૩૦ વિભાગ આ મુજબ છે. ૧. આવરણપૃષ્ઠ, ૨. સમયરંગ, ૩. અર્ધ્ય, ૪. કવિતા, ૫. વાર્તા, ૬. નવલકથા, ૭. નાટક, ૮. નિબંધ, ૯. આત્મકથન, ૧૦. ચરિત્રકથન/અવસાનનોંધ/લેખ/કાવ્ય, ૧૧. સર્જક અભ્યાસ-નોંધ, ૧૨. સાહિત્ય-અભ્યાસ : સિદ્ધાંત ઇતિહાસ/ સ્વરૂપ/ સમીક્ષા, ૧૩. ભાષાવિજ્ઞાન, ૧૪. લોકસાહિત્ય, ૧૫. સાહિત્ય-પ્રકીર્ણ, ૧૬. પ્રવાસ, ૧૭. જાહેરજીવન, રાજકારણ અને ઇતિહાસ, ૧૮. સમાજકારણ, ૧૯. અર્થકારણ, ૨૦. શિક્ષણ-કેળવણી, ૨૧. ધર્મ-તત્ત્વજ્ઞાન, ૨૨. કળા-સંસ્કૃતિ, ૨૩. પત્રકારત્વ, ૨૪. અન્ય-પ્રકીર્ણ, ૨૫. પત્રમ્-પુષ્પમ્, ૨૬. સ્વાધ્યાય અને સમીક્ષા, ૨૭. વિશેષાંક, ૨૮. ‘સંસ્કૃતિ’ વિષયક નોંધ લેખો, ૨૯. ઉલ્લેખસૂચિ, ૩૦. કર્તાસૂચિ.

* * *

આ સામયિકમાંથી પસાર થતાં જે લાગ્યું તે અંગે થોડીક વાત. ‘સંસ્કૃતિ’માં તંત્રીએ જરૂરિયાત પ્રમાણે ફેરફાર કર્યા છે; જેમ કે, જૂન ૧૯૪૯, પાન નં. ૨૩૫ પર ‘એક મટકું....’ નામે હીરાબહેન પાઠકનું લખાણ છે. ત્યાં તેને ‘પત્રમ્ પુષ્પમ્’ એવું શીર્ષક આપ્યું નથી; પણ પછીના અંકમાં તેને ‘પત્રમ્ પુષ્પમ્’ એમ ગણાવ્યું છે ને એ રીતે એક વિભાગ પાડે છે. નવેમ્બર ૧૯૭૭, ‘પત્રમ્ પુષ્પ’ના અનુક્રમમાં લેખકનું નામ ‘પ્રભાશંકર જોશી’ છે, જ્યારે લેખની નીચે અને કર્તાસૂચિમાં ‘પ્રભાશંકર તેરૈયા’ છે. ક્યાંક વર્ષમાં કે ક્યાંક પૃષ્ઠાંકોમાં છાપભૂલ થઈ છે, ત્યાં ઘટિત કર્યું છે; જેમ કે, ૧૯૬૯, નવેમ્બર એ વર્ષ ૨૩મું છે, પણ તે વર્ષ ‘૨૧’ છપાયું છે; એપ્રિલ ૧૯૭૬, અનુક્રમણિકામાં ‘શાયલૉકની એકોક્તિ’ કૃતિ માટે પૃ. ૧૨૯ નોંધ્યું છે, પણ તે ખરેખર ‘૧૩૯’ છે. ‘સંસ્કૃતિ’માં પ્રારંભથી સળંગ ક્રમાંક આપવામાં આવેલ નથી. સળંગ અંકની શરૂઆત ૧૦૦મા અંકથી - એપ્રિલ ૧૯૫૫ - થી થઈ છે. ૧૯૮૦નો છેલ્લો અંક અને ૧૯૮૧નો પહેલો અંક ‘કાવ્ય- પ્રતિભાવ-વિશેષાંક’ છે. તેથી આ બંને અંકોમાં પૃષ્ઠાંકો સળંગ આપેલ છે. આ અંકમાં અનુક્રમણિકામાં મૂળ કવિનાં નામ નથી મૂક્યાં, માત્ર સમીક્ષકનાં નામ છે. પ્રસ્તુત સૂચિમાં મૂળ કવિનાં નામ મૂક્યાં છે. ‘કાવ્ય-પ્રતિભાવ-વિશેષાંક’ને આધારે થયેલ ગ્રંથ ‘પ્રતિભા અને પ્રતિભાવ’ની અનુક્રમણિકામાં પણ મૂળ કવિનાં નામ આપેલ છે. એક ખાસ ઉલ્લેખવા જેવી બાબત એ છે કે પ્રસ્તુત સૂચિમાં વિદેશી કાવ્યોના અનુવાદ હોય કે આસ્વાદ હોય, ત્યાં મૂળ શીર્ષકોને શોધીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં કેટલેક અંશે સફળતા મળી છે. છતાંય ઘણાં કાવ્યોના મૂળ શીર્ષકો મેળવી શકાયાં નથી. અને અંતે ‘સંસ્કૃતિ’નો ‘પૂર્ણાહુતિ વિશેષાંક’ કરી, ઉમાશંકર જોશીએ જાતે જ કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર, તેને ગૌરવભેર વિદાય આપી છે. પોતાના જીવનનાં એક ભાગ રૂપે જેનું સંપાદન કર્યું તેવા આ સામયિકના સંપાદન દરમિયાન તેમણે જે આનંદ માણ્યો હતો તેવો બૌદ્ધિક આનંદ આજેય તેમાંથી પસાર થનાર પામે તેવું તે સત્વસમૃદ્ધ છે. આ સૂચિ કરવામાં અમને સર્જનાત્મક આનંદ અને જીવનનાં અનેક ક્ષેત્રોનું જ્ઞાન/માહિતી પ્રાપ્ત થયાં છે. આ સામયિકની વર્ગીકૃતસૂચિ પ્રકટ કરવામાં નિયત કરતાં ઘણો વધારે સમય પસાર થઈ ગયો છે તેનો ખેદ છે. પણ અંતે આ કાર્ય પૂર્ણ થઈ શક્યું તેનો આનંદ છે. આ સૂચિ ‘સંસ્કૃતિ’ સામયિકના અભ્યાસ માટે પથદર્શક બની રહે અને ઉપયોગકર્તાને સરળતાથી તેમાંથી માહિતી મળી રહે તો સૂચિ કરવાનો શ્રમ સાર્થક થશે.

પ્રસ્તુત સૂચિગ્રંથ પ્રકાશિત થાય છે ત્યારે એ અંગે પ્રેરણા, હૂંફ અને માર્ગદર્શન પૂરું પાડનાર આદરણીય વડીલ સ્વ. શ્રી ધીરુભાઈ ઠાકર અને શ્રી ભોળાભાઈ પટેલ, માનનીયશ્રી કુમારપાળ દેસાઈ અને ચંદ્રકાન્તભાઈ શેઠ, મિત્રવર્યશ્રી જયંતભાઈ મેઘાણીનો અંતઃકરણપૂર્વક અમે આભાર માનીએ છીએ.

‘સંસ્કૃતિ’ સૂચિ (સામયિકની વર્ગીકૃતસૂચિ)ને ઉમળકાથી પ્રકાશિત કરનાર ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાનો અમે ભાવપૂર્વક આભાર માનીએ છીએ. મહામાત્ર શ્રી મનોજભાઈ ઓઝા, તેમના સહાયકો શ્રી કનૈયાલાલ ભટ્ટ, શ્રી કિરીટભાઈ શુક્લ સહમિત્રોનો આભાર માનતાં આનંદ થાય છે.

આ સૂચિ ‘સંસ્કૃતિ’ સામયિકના મૂળ અંકોને આધારે જ તૈયાર કરી છે. પણ પછી પુનઃ ચકાસણી માટે ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા તૈયાર થયેલી શ્રી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ www.umashankarjoshi.in પર મૂકવામાં આવેલ ‘સંસ્કૃતિ’ના અંકોનો ઉપયોગ કર્યો છે. આમ આ વેબસાઇટ અમને ખૂબ મદદરૂપ બની છે. તે માટે ગંગોત્રી ટ્રસ્ટનો આભાર માનીએ છીએ.

અત્રે ક્રિષ્ના ગ્રાફિક્સના શ્રી હરજીભાઈ પટેલ અને તેમના સહાયકોનો સુંદર મુદ્રણ કરી આપવા માટે આભાર માનીએ છીએ. અમારા આ સૂચિકરણના કાર્યને પૂર્ણ કરવામાં સહકાર આપવા બદલ અમે ભો. જે. વિદ્યાભવન ગ્રંથાલય, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગ્રંથાલય, ગુજરાતી સાહિત્ય પરિષદ ગ્રંથાલય, શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજ ગ્રંથાલય અને તેના સહુ કર્મચારી મિત્રોનો આભાર માનીએ છીએ. આ સૂચિ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે મદદ કરી છે તે સૌનો આભાર માની વિરમીએ છીએ.

કવિવર્ય શ્રી ઉમાશંકર જોશીને શત શત વંદન ! અસ્તુ !

૨૧ જુલાઈ, ૨૦૧૬

તોરલ પટેલ
શ્રદ્ધા ત્રિવેદી