સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અભિધામૂલ શાબ્દી વ્યંજના
અભિધામૂલ શાબ્દી વ્યંજના
આ બધા કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ અભિધામૂલ પણ આર્થી વ્યંજનાનાં ઉદાહરણો થયાં. એમાં પદ, પદાંશ એટલે કે પ્રત્યય કે વાક્યનો અર્થ વ્યંજનાનું નિમિત્ત બને છે. એમાં એ જ અર્થના બીજા શબ્દ આદિ હોય તોપણ વ્યંગ્યાર્થ સ્ફુરે. કાવ્યશાસ્ત્ર અભિધામૂલ શાબ્દી વ્યંજના પણ વર્ણવે છે. એમાં શબ્દ બદલાતાં વ્યંગ્યાર્થ રહેતો નથી તેથી શબ્દ વ્યંજનાનું નિમિત્ત છે એમ ગણાય. શબ્દ અનેકાર્થી હોય ત્યારે આવું બને. શબ્દનો એક અર્થ પહેલાં સ્ફુરે અને બીજો અર્થ કોઈ નિમિત્તથી પછી સ્ફુરે ત્યારે એ અભિધામૂલ શાબ્દીવ્યંજનાનું ઉદાહરણ બને. (બંને અર્થ એકસાથે સંગત બને તો શ્લેષનું ઉદાહરણ બને.) નિરંજન ભગતના ‘હાથ મેળવીએ’ એ કાવ્યમાં ‘હાથ’ શબ્દનો પ્રયોગ જુઓ. ‘લાવો તમારો હાથ, મેળવીએ’માં ‘હાથ’ શબ્દ શરીરના અંગને દર્શાવે છે ને તેથી પછી આવતી પંક્તિ ‘તમારા હાથમાં તો કેટલુંયે’માં પણ એ જ અર્થ પહેલો સ્ફુરે, પરંતુ પાછળ ‘ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે’ એમ આવતાં ‘હાથમાં હોવું’નો કબજામાં હોવું, આધિપત્યમાં હોવું એવો અર્થ સ્ફુરે છે. આ શાબ્દી વ્યંજના થઈ. પછીથી “મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ…’માં ‘ખાલી’ શબ્દ ‘માત્ર’ના અર્થમાં છે અને પછી તરત ‘ખાલી તમારો હાથ? ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે?’ એ ઉદ્ગારો આવતાં પૂર્વેના ‘ખાલી’ શબ્દમાં ‘જેમાં કશું નથી એવા’ એ અર્થાન્તર અભિપ્રેત બને છે. આ પણ શાબ્દી વ્યંજના જ થઈ.