સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પ્રસ્તુતતા સિદ્ધ કરવાનો માર્ગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પ્રસ્તુતતા સિદ્ધ કરવાનો માર્ગ

ટૂંકમાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતાના વિષયમાં ઘણા વિશાળ અને ઊંડા અભ્યાસને અવકાશ છે. મારો આ પ્રયાસ તો કેવળ દિગ્દર્શનરૂપ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો જેમને અભ્યાસ પ્રગાઢ હોય ને સાથે આધુનિક સાહિત્ય સાથે જેમનો ઘરોબો હોય એવા ઘણા વિદ્વાનો કામે લાગશે ત્યારે જ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાંથી આધુનિક સાહિત્યના વિવેચનમાં પ્રસ્તુત બને એવું ઘણું વધુ જડી આવશે અને એની પ્રસ્તુતતા સાચી રીતે અને પૂરી સ્થાપિત થશે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિચારણામાં ઘણી ઝીણવટ ને ચોકસાઈ છે. એનો ઉપરછલ્લો કે પરોક્ષ પરિચય આ વિષયમાં બહુ ઉજ્જ્વળ પરિણામો નહીં આપી શકે. કોઈ વાર ગેરરસ્તે દોરાવાનું, એનો ભૂલભરેલો વિનિયોગ કરવાનું, ખોટા દાખલા આપવાનું પણ બની જાય. એટલે મૂળ ગ્રંથોનું જ આપણે બરાબર અધ્યયન કરીએ અને એનો આધાર લઈએ એ આવશ્યક છે. ઉપરાંત સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતાનો વિચાર માત્ર પાંડિત્યની નહીં, મૌલિક સૂઝની પણ અપેક્ષા રાખશે. કેમ કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને જડતાથી વળગવાથી અને સ્થૂળ રીતે પકડવાથી આપણો હેતુ નહીં સરે – આધુનિક કવિકર્મ પ્રકાશિત નહીં થાય, કાવ્યની વિશેષતા ઉદ્ઘાટિત નહીં થાય અને વિવેચનપ્રયોગ આધુનિક કાવ્યરસિકોના મનમાં વસશે નહીં. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય વિચારોના મર્મ આપણે પામવાના રહેશે. એને એ રીતે કામે લગાડવાથી જ ઇષ્ટ પરિણામ મળી શકશે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર આજના સાહિત્ય સાથે ચપોચપ બંધ બેસતું આવે એવું ન જ બને. એના ઉપયોગી વિચારો પણ કેટલેક સ્થાને ટૂંકા પડવાના. તો એનો આવશ્યક વિસ્તાર- વિકાસ કરવાની બુદ્ધિ પણ આપણે દાખવવી પડવાની સંસ્કૃત કાવ્યશાસ્ત્રને એ ને એ રૂપે ફરી આણી નહીં શકાય, પણ એનું સાતત્ય જરૂર સ્થાપિત કરી શકાય અને એ આપણો પ્રયત્ન હોવો ઘટે. મેં અહીં આ પૂર્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતા બતાવવાનો જે કંઈ ઉદ્યમ કર્યો તે એ પ્રકારનો જ હતો એ લક્ષમાં આવ્યું હશે.