સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વિશિષ્ટ અને વ્યંજિત અનુભાવોનું કાવ્ય
વિશિષ્ટ અને વ્યંજિત અનુભાવોનું કાવ્ય
એક બપોરે
મારા ખેતરને શેઢેથી
’લ્યા ઊડી ગઈ સારસી!
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની.
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈ...
મારા ખેતરને શેઢેથી –
રાવજીનું આ નાનકડું કાવ્ય દેખીતી રીતે ઘણું સાદુંસીધું છે, પરંતુ જ્યારેજ્યારે એ વાંચું છું ત્યારે એમાં રહેલી ચમત્કૃતિનો અનુભવ કર્યા વિના હું રહી શકતો નથી. એ ચમત્કૃતિનો વિચાર કરું છું ત્યારે એને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષામાં વ્યંજિત અનુભાવોના કાવ્ય તરીકે ઓળખાવવાનું મને મન થાય છે. કાવ્યનો વિષય છે સારસી ઊડી જવાથી નાયકના ચિત્તમાં જન્મેલો વિષાદ. સારસીનું ઊડી જવું એ વિષાદ જન્મવા માટેની પ્રેરક પરિસ્થિતિ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એને વિભાવ–આલંબનવિભાવ કહેશે. વિષાદને વ્યક્ત કરતી નાયકગત ક્રિયાઓ એ અનુભાવો કહેવાય. આ કાવ્ય વર્ણવવા તાકે છે તે આ ક્રિયાઓ જ, ને તેથી એ અનુભાવોનું કાવ્ય છે એમ કહેવા હું લલચાઉં છું. સંસ્કૃત રસશાસ્ત્ર એની દાર્શનિક સૂઝ ને સૂક્ષ્મતાથી આપણને પ્રભાવિત કર્યા વિના રહેતું નથી; સાથેસાથે એ મૂંઝવણ પણ આપણે અનુભવ્યા વિના રહેતા નથી કે આ રસશાસ્ત્ર કવિ કે કાવ્યના વૈશિષ્ટ્યને ઉઘાડી આપવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે? આજની આપણી કાવ્યરચનાઓને સમજાવવામાં તો એ જાણે કામનું જ નથી એવું લાગે છે. શૃંગારરસ એટલે પરસ્પર આલંબનરૂપ બનતાં નાયક-નાયિકા, ઉદ્દીપનરૂપ પ્રાકૃતિક પરિવેશ તથા અનુભાવરૂપ નાયક-નાયિકાની કટાક્ષ, રોમાંચ આદિ ક્રિયાઓનું આલેખન - આમ સઘળું જાણે ફોર્મ્યુલા-ગ્રસ્ત હોય એવું લાગે છે. આ રીતે લખાય તો કાવ્ય નિર્જીવ બને; આ રીતે સમજાવાય તો કાવ્યવિવેચન પણ નિર્જીવ બને. રસસૂત્ર જાણે પ્રાણ વગરનું એક ખોખું ભાસે છે. પણ ‘એક બપોરે’ વાંચું છું ત્યારે મને ફૉર્મ્યુલા – ગ્રસ્ત જણાતા રસશાસ્ત્રનો મર્મ પડવાની ચાવી મળે છે. મને સમજાય છે કે કવિકર્મ તે માત્ર કોઈ ભાવના સાધન રૂપે અનુભાવોનો વિનિયોગ કરવામાત્રમાં નથી, એ કયા અનુભાવો લાવે છે તેમાં પણ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રે અનુભાવોના દાખલા આપ્યા છે પણ એની યાદી કરી નથી. એટલે કે અનુભાવોની તો વિશાળ દુનિયા છે. નવા તાજા અનુભાવોથી નૂતન કાવ્ય બનતું હોય છે ને એમાં જ ખરું કવિકર્મ છે. ‘એક બપોરે’માં વર્ણવાયેલા અનુભાવોમાં એવી તાજગી છે. વિષાદ અનુભવતા માણસને ખાવુંપીવું ન ભાવે, કામમાં મન લાગે નહીં એ જાણીતી વાત છે. અહીં પણ એ જ વાત છે એમ કહી શકાય. પરંતુ કવિએ કૃષિજીવનનો લાક્ષણિક સંદર્ભ રચી એ જાણીતા અનુભાવોમાં વિશિષ્ટતાનો એક રસ ઉમેર્યો છે. અહીં વાત છે તે રોટલા ને છાસ નહીં ખાવાની, ચલમ નહીં પીવાની, ખેતર નહીં ખેડવાની ને મહુડીના ઝાડ નીચે પડ્યા રહેવાની. આ વિગતો આપણી સમક્ષ મૂર્ત કરે છે તે ગમે તે વ્યક્તિનો વિષાદ નહીં પણ એક કૃષિકારનો વિષાદ. આ અનુભાવોના વર્ણનમાં વિશિષ્ટતાનો રસ ઉમેરાયો છે તે ઉપરાંત એક બીજો રસ પણ ઉમેરાયો છે અને તે છે તિર્યક્તાનો અહીં નાયક છાશરોટલા ખાવાનું, ચલમ પીવાનું, ખેતર ખેડવાનું છોડી દે છે એવું સીધું વર્ણન નથી. કાવ્ય નાયકના ઉદ્ગાર રૂપે રચાયેલું છે તેથી એ જાતનું વર્ણન શક્ય પણ નથી. વળી, નાયક પોતે આમ કર્યું કે કરે છે કે કરશે એમ પણ આ કાવ્યમાં કહેતો નથી. એનાં વાક્યો વિધાનાત્મક નથી, આજ્ઞાર્થનાં છે. એ માતાને કે સાથીને સંબોધીને કહે છે. એમાં ઉદ્બોધન છે તે પણ ક્રિયાઓનું છે - ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું, રોટલાને બાંધી દેવાનું, તાપણીમાં (ચલમમાં મૂકવા માટે) ભારવેલા અગનીને ઠારી દેવાનું, બળદને હળે નહીં જોતરવાનું વગેરે. આ ક્રિયાઓ કરવાની છે માતાએ અને સાથીએ અને એ દ્વારા વ્યક્ત થાય છે નાયકનો મનોભાવ! નાયકને કરવાની તો એક જ ક્રિયા છે – મહુડીની છાંય તળે પડી રહેવાની. વસ્તુતઃ માતા અને સાથીએ કરવાની ક્રિયાઓમાં સૂચન પડેલું છે નાયકની ક્રિયાઓનું – છાશરોટલા નહીં ખાવાનું વગેરે. ઉપરાંત, માતાની ક્રિયાઓ વિધેયાત્મક છે અને એમાંથી સૂચિત થાય છે તે નાયકની ક્રિયાઓ નિષેધાત્મક છે. આ કાવ્યના મારા આસ્વાદનું હું વિશ્લેષણ કરું છું ત્યારે અનુભાવઆલેખનની આ તિર્યક્તા – પરોક્ષતા એમાં મહત્ત્વનો ભાગ ભજવતી મને લાગે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે કે ભાવના શાબ્દિક કથનથી રસનિષ્પત્તિ થતી નથી, વિભાવાદિના આલેખનથી જ થાય છે. આ વિષાદભાવનું કાવ્ય છે છતાં એમાં એ ભાવ શબ્દથી ક્યાંય કહેવાયો નથી, ક્યાંય ઊંહકારો કે હાયકારો પણ નથી. વિભાવનો તો અહીં આરંભની પંક્તિમાં ટૂંકો નિર્દેશ માત્ર છે, વિગતે વિભાવચિત્રણનો પણ કવિએ લાભ લીધો નથી. એટલે ભાવનિષ્પત્તિનો સઘળો બોજ આ કાવ્યમાં અનુભાવ-આલેખન જ ઉઠાવે છે. આ કાવ્યશાસ્ત્રસંમત રીતિ જ છે કેમ કે રસ – ભાવ – નિષ્પત્તિ માટે વિભાવ – અનુભાવ આદિ સામગ્રી એમાં આવશ્યક લેખાઈ છે તેમ છતાં એમાંના કોઈ એકનું પ્રબળ રીતે આલેખન થયું હોય તો એ પર્યાપ્ત થઈ રહે છે અેમ પણ એ સ્વીકારે છે. આ કાવ્યના અનુભાવ – આલેખનમાં તો પાછી તિર્યક્તા છે, જેમાં નાયકની ક્રિયાઓનું પણ સીધું આલેખન થતું નથી. આ રીતિને કારણે લાગણીના રંગ વગરનું એક વસ્તુલક્ષી ચિત્ર આપણને સાંપડે છે ને વ્યંજિત થતા વિષાદભાવને ગહન માર્મિકતાની ધાર મળે છે. નાયકના જે અનુભાવો અહીં સૂચિત છે – ખેતર ન ખેડવું વગેરે – તે એના ચિત્તની તીવ્ર પ્રતિક્રિયાઓ દર્શાવે છે. આવી તીવ્ર પ્રતિક્રિયાઓને અવકાશ આપે એવી સક્ષમ પરિસ્થિતિની – વિભાવની કલ્પના અહીં છે ખરી? – એવો પ્રશ્ન કોઈને થાય. ખેતરને શેઢે આવીને બેઠેલી સારસી ઊડી જવાથી આટલુંબધું શું? એટલે જ આપણે ‘સારસી’ને અન્યોક્તિ રૂપે ઘટાવવા લલચાઈએ છીએ. ખેતરને શેઢેથી ઊડી ગયેલી સારસી તે જાણે નાયકના જીવનમાં આવીને જતી રહેલી કોઈ પ્રિય વ્યક્તિ. નાયકની તીવ્ર પ્રતિક્રિયાઓ ને એના ઘેરા વિષાદનું એ ઉચિત કારણ બની શકે. મહુડીના ઉલ્લેખમાં પણ પ્રેમના રંગનું સૂચન જોઈ શકાય. એ રીતે આ વિરહશૃંગારનું કાવ્ય બની જાય. પરંતુ મારું મન કોઈ એવા પ્રકૃતિપ્રેમી, સૌંદર્યાનુરાગી ને તીવ્ર સંવેદનશીલ નાયકની પણ કલ્પના કરી શકે છે જેના ચિત્તમાં ખેતરને શેઢે બેઠેલી સારસી એવી વસી જાય કે એ ઊડી જતાં કશીક મોંઘી વસ્તુ ગુમાવ્યાનો રંજ એ અનુભવે અને ન ખાવા – ન પીવાના આવેગને વશ થઈ જાય. શેઢે બેઠેલી સારસી તો છે કાવ્યમાં આલેખાયેલા કૃષિજીવનના પરિવેશનો એક ભાગ. કૃષિજીવનનો આ પરિવેશ ઉતરડી લઈને સર્વસામાન્ય પ્રણયકાવ્ય તરીકે આ કાવ્યને ઘટાવવામાં એની ચારુતા રહેલી છે કે કાવ્યને એના સર્વ અસબાબ સાથે વાસ્તવિક રીતે સ્વીકારવામાં – એ વિચારવા જેવું છે એમ મને લાગે છે. આ કાવ્યની આસ્વાદ્યતાનું વિશ્લેષણ કરવા બેસું છું ત્યારે અન્ય કેટલીક બાબતો પણ મારી નજરે પડે છે. નાયકની માતા અને એના સાથીની ઉપસ્થિતિ કાવ્યને વસ્તુલક્ષિતા અને નાટ્યાત્મકતાનું એક પરિમાણ આપતું લાગે છે – ભલે નાયકની જ આ ઉક્તિ હોય. ખેતરનો શેઢો, છાશની ઢોસકી, રોટલાનું બચકું (ન વપરાયેલો પણ કલ્પી લેવાતો શબ્દ), તમાકુમાં કસ ન હોવો, ચલમ પેટાવવા માટે તાપણીમાં ભારવેલો અગની, મહુડીની છાંય, આભનું રેલવું, ઘાસનું ગળા સમું ઊગી જવું આ વિગતો ને શબ્દપ્રયોગો તથા ‘લ્યા’ અને ‘અલે’નો લહેકો પણ તળપદા કૃષિજીવનને કેવું તાદૃશ, કેવું જીવતું કરી દે છે! મને તો વાક્યરચનાની ભાતોમાં પણ સંવાદ, લય અને વૈચિત્ર્યની રમણીય ગૂંથણી દેખાય છે, છેલ્લે ‘મારા ખેતરનો શેઢેથી’ – એમ અધૂરું મુકાયેલું વાક્ય વિષાદભારે વિલાતા અવાજનો ભાસ કરાવે છે અને આખું આભ રેલી જાય, ગળા સમું ઘાસ ઊગી જાય તોપણ બળદને હળે નહીં જોતરવાની નાયકની વાતમાં એની પ્રતિક્રિયા પરાકાષ્ઠાએ પહોંચતી લાગે છે ને આ સઘળું અનુભાવસૃષ્ટિનું સર્જન કેવી નૂતન કલામયતાથી થઈ શકે એનું ભાન કરાવે છે.
[ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ – માર્ચ, ૧૯૮૬;
આસ્વાદ અષ્ટાદશી, ૧૯૯૧]