સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વૈકલ્પિક વિચારણાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ધ્વનિસિદ્ધાંતની ચુસ્તી : વૈકલ્પિક વિચારણાઓ

ગુણીભૂતવ્યંગ્યના કાવ્યપ્રકાર દ્વારા વાચ્યની ચારુતા અને કાવ્યમયતાની તથા એના મહિમાની જે સ્થાપના થઈ છે તે વાત નાનીસૂની અને નજર બહાર રાખવા જેવી નથી તેમ છતાં એ નોંધવું જોઈએ કે કાવ્યમાં વ્યંગ્યના સંસ્પર્શને વ્યંગ્યના સંસ્પર્શને તો અનિવાર્ય લેખવામાં આવ્યો છે એટલું જ નહીં વાચ્યનું ચારુત્વ વ્યંગ્યના સંસ્પર્શને આભારી હોય છે એમ પણ માનવામાં આવ્યું છે. એવી સ્થિતિ પણ સ્વીકારવામાં આવી છે કે એક દૃષ્ટિએ જે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય છે તે બીજી દૃષ્ટિએ – રસાદિરૂપ વ્યંગ્યાર્થની દૃષ્ટિએ જોતાં ધ્વનિકાવ્યમાં એટલે વ્યંગ્યાર્થ જેમાં પ્રધાન છે અને ચારુત્વનો વિષય છે એવા કાવ્યમાં પરિણમતું હોય. (૩.૪૦). વ્યંગ્યાર્થનું – ધ્વનિનું પૂંછડું જાણે ધ્વનિવાદીઓ છોડવા તૈયાર નથી એમ લાગે છે. ધ્વનિના આ આગ્રહથી પ્રાચીન કાળમાં તેમ અર્વાચીન કાળમાં પણ કાવ્યમીમાંસકોને મૂંઝવણ થઈ છે. એમને એ અત્યાગ્રહ લાગ્યો છે અને ઘણી કાવ્યરચનાઓમાં ધ્વનિની ઉપસ્થિતિ બતાવવી મુશ્કેલ છે એમ એમને લાગ્યું છે. કાવ્યમાંથી ધ્વનિ તાણીખેંચીને કાઢવાનો શો અર્થ છે? કુંતકનો વક્રોક્તિવિચાર આમ જુઓ તો ધ્વનિવિચારને પગલેપગલે ચાલે છે, પરંતુ એમાં ધ્વનિને સ્થાને વક્રોક્તિની વિભાવના મૂકીને ધ્વનિસિદ્ધાંતની ચુસ્તીમાંથી છૂટવાનો અને સર્વ પ્રકારના – શબ્દાર્થશરીરના પણ કાવ્યસૌંદર્યને સમાસ આપવાનો પ્રયાસ છે. જગન્નાથ મૂળભૂત રીતે રસ – ધ્વનિવાદી છે પણ એમની ‘રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર તે કાવ્ય’ એવી વ્યાખ્યા પણ રસ અને ધ્વનિસિદ્ધાંતની સીમાઓને વટીને કાવ્યસૌંદર્યનો મોકળાશથી સ્વીકાર કરવાને અર્થે યોજાયેલી છે. આધુનિક કાળમાં સુરેન્દ્રનાથ દાસગુપ્તને પણ કાવ્યમાં વાક્યભંગીની જે અનેકાનેક વિચિત્રતાઓ હોય છે તે બધીને ધ્વનિમાં સમાવી શકાય કે કેમ એ વિશે ભારે સંદેહ છે. એમની દૃષ્ટિએ પ્રાચીન અને અર્વાચીન કાળમાં એવાં અનેક કાવ્યો લખાયાં છે જેમને રસ અને ધ્વનિના માનદંડથી સમજાવી ન શકાય, જેમાં વાચ્યાર્થ દ્વારા જ એક પ્રકારનું ચમત્કારિત્વ પ્રગટ થયેલું હોય છે. આથી તેઓ કુંતક અને જગન્નાથના પ્રયાસોનું અનુમોદન કરે છે અને કહે છે કે કુંતકે અને જગન્નાથે સૌંદર્ય નામે એક બીજા ચિત્તભાવનો સ્વીકાર કર્યો તેથી બધી જાતનાં કાવ્યોનો વિચાર કરવાનું શક્ય બન્યું. (કાવ્યવિચાર, અનુ. નગીનદાસ પારેખ, પૃ.૨૭૮-૭૯) ધ્વનિસિદ્ધાંત પરત્વે આવી મૂંઝવણ થવી અસ્વાભાવિક તો નથી જ. બાલમુકુન્દનું ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ જેવું કાવ્ય આપણી સામે આવે તો આપણે શું કરીશું? એમાં સૂર્યાસ્તસમયના નદીકાંઠાના પ્રાકૃતિક જગતની જે રેખાઓ ઝિલાયેલી છે એ જ આપણા આસ્વાદનો વિષય બને છે. આ તો વાચ્યની ચારુતા જ થઈને? એમાંથી સ્ફુરતો શો વ્યંગ્યાર્થ આપણે બતાવી શકીશું? સંસ્કૃત કાવ્યશાસ્ત્ર જેને સ્વભાવોક્તિકાવ્ય કહે છે તે પ્રકારની આ રચના કહેવાય. એમાં ધ્વનિ કે રસ જોવો મુશ્કેલ હોય છે. જગન્નાથની દૃષ્ટિએ સ્વાભાવોક્તિકાવ્યમાં કોઈ રસ હોતો નથી તોપણ એના કાવ્યતત્ત્વનો કંઈ અસ્વીકાર થઈ શકે નહીં. કુંતક આ જાતની રચનાને વસ્તુસ્વભાવની સુકુમારતાવાળી વાક્યવક્રતાનું ઉદાહરણ લેખે અને જગન્નાથ એમાં રમણીય અર્થનું પ્રતિપાદન કરતી શબ્દરચના જુએ ને એ રીતે એ બંને એનો કાવ્ય તરીકે સ્વીકાર કરે. પણ અહીં જરા થંભીને વિચારવા જેવું છે. કુંતકનો સાહિત્યવિચાર ઉક્તિવૈચિત્ર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમાંથી સ્ફુરતા વિશેષ અર્થની વાત એમને માટે પ્રસ્તુત રહેતી નથી. આ સાહિત્યવિચાર પરીક્ષણને પાત્ર બને એવો છે, જેની વાત આપણે હવે પછી કરીશું. પરંતુ જગન્નાથનો રમણીય અર્થ તે શું છે? ‘ધ્વનિ’ અને ‘રસ’ એ પારિભાષિક સંજ્ઞાઓનો એ સામાન્ય ભાષાનો ને તેથી સંકેતની શિથિલતાવાળો પર્યાયમાત્ર નથી? એમ કરવાથી કાવ્યની ઓળખમાં આપણને મદદ મળે છે ખરી? અને ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ એ શું ખરેખર વ્યંગ્યાર્થવિહીન કાવ્ય છે? સંસ્કૃત કાવ્યશાસ્ત્ર જેને ચિત્રકાવ્ય કહે છે એ પ્રકારનું કાવ્ય છે? આલેખાયેલું ચિત્ર શું પોતામાં જ પરિસમાપ્ત થાય છે ને એમાંથી કશું વિશેષ સ્ફુરતું નથી? વર્ણવાયેલું પ્રાકૃતિક જગત સ્પર્શ, દર્શન, શ્રવણ આદિ ઇન્દ્રિયાનુભવોને તથા એક વિશિષ્ટ સૌંદર્યબોધને વ્યક્ત કરે છે, એ પ્રાકૃતિક જગત પર શાંત ભાવની એક છાયા ઢળેલી છે ને એની પાછળથી એના અનુભવનારની તૃપ્તિ ડોકાઈ રહી છે તેનું શું? ખરેખર તો આ બધું જ શું એ વર્ણનચિત્રને કવિતાની – ઊંચી કવિતાની કોટિએ પહોંચાડતું નથી? આપણે કદાચ શબ્દમાં બરાબર ન મૂકી શકીએ એવું કંઈકંઈ આ કાવ્યમાંથી સ્ફુરતું અનુભવી શકાય છે. (આનંદવર્ધન પ્રતીયમાન અર્થને અંગનાની અંગશોભાથી અલગ એવા એના લાવણ્ય સાથે સરખાવે છે એમાં એની અવર્ણનીયતા નથી સૂચવાતી શું?) એને ધ્વનિ કે રસના સિદ્ધાંતમાં ક્યાં અને કેવી રીતે સમાસ મળે એની વિમાસણ થાય, પણ એને સમાસ મળે એ રીતે ધ્વનિ કે રસના સિદ્ધાંતને વિસ્તારવાનું હું પસંદ કરું. ધ્વનિ કે રસના સિદ્ધાંતને છોડવાને બદલે એમ કરવાનું ખાસ પસંદ કરું કેમ કે કેવળ અભિવ્યક્તિકૌશલની તથા વસ્તુવર્ણનની આસ્વાદ્યતા સ્વીકારવા છતાં સામાન્યત: રસાભાવાદિની અભિવ્યક્તિને આવરી લેતા ધ્વનિસિદ્ધાંતની કસોટી જ કાવ્યત્વના નિર્ણય માટે સૌથી વધુ કાર્યસાધક હોવાનું પ્રતીત થાય છે. કાવ્ય વાચ્યવાચકવ્યાપારથી કંઈક વિશેષ છે એ ધ્વનિસિદ્ધાંતનો પાયો જ અચલ છે.