સત્યના પ્રયોગો/આઘાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. પહેલો આઘાત

મુંબઈથી નિરાશ થઈ રાજકોટ ગયો. નોખી ઑફિસ ખોલી. કંઈક ગાડું ચાલ્યું. અરજીઓ ઘડવાનું કામ મળવા લાગ્યું, ને દર માસે સરેરાશ ત્રણસેં રૂપિયાની આવક થવા લાગી. આ અરજી ઘડવાનું મળવા લાગ્યું તેનું કારણ મારી હોશિયારી નહોતું, પણ વગ હતું. વડીલ ભાઈના ભાગીદારની વકીલાત જામેલી હતી. તેમની પાસ બહુ અગત્યની અરજી ઘડવાની આવે અથવા જેને તે અગત્યની માનતા હોય તે તો મોટા બારિસ્ટરની પાસે જ જાય. તેમના ગરીબ અસીલો હોય તેમની અરજીઓ ઘડવાનું મને મળે.

મુંબઈમાં કમિશન નહીં આપવાની મારી ટેક હતી તે અહીં તૂટી ગણાય. બે સ્થિતિનો ભેદ મને સમજાવવામાં આવ્યો હતો. તે આ હતો; મુંબઈમાં મારે કેવળ દલાલને પૈસા આપવાની વાત હતી; અહીં વકીલને. જેમ મુંબઈમાં તેમ અહીં પણ બધા બારિસ્ટરો વગર અપવાદે આમ અમુક ટકા આપે છે એમ મને બતાવવામાં આવ્યું હતું. મારા ભાઈની દલીલનો ઉત્તર મારી પાસે નહોતો. ‘તું જુએ છે કે હું બીજા વકીલનો ભાગીદાર છું. અમારી પાસે આવે તેમાંના કેસ જે તને આપી શકાય તે આપવાની મારી વૃત્તિ તો રહે જ. પણ જો તું મારી ફીનો ભાગ મારા ભાગીદારને ન આપે તો મારી સ્થિતિ કેવી કફોડી થાય? આપણે સાથે રહીએ એટલે તારી ફીનો લાભ મને તો મળે જ, પણ મારા ભાગીદારને? અને જો તે કેસ તે બીજી જગ્યાએ આપે તો તેને ભાગ મળે જ.’ આ દલીલથી હું ભોળવાયો ને મને લાગ્યું કે, જો મારે બારિસ્ટરી કરવી હોય તો આવા કેસમાં કમિશન ન આપવાનો આગ્રહ મારે ન રાખવો જોઈએ. હું પીગળ્યો. મારા મનને મનાવ્યું, અથવા સ્પષ્ટ શબ્દોમાં કહું તો, છેતર્યું. પણ આ સિવાય બીજા કોઈ પણ કેસમાં મેં કમિશન આપ્યાનું મને સ્મરણ નથી.

જોકે મારું આર્થિક ગાડું તો ચાલ્યું, પણ જિંદગીનો પહેલો આઘાત આ અરસામાં મળ્યો. બ્રિટિશ અમલદાર એટલે શું એ હું કાને સાંભળતો. નજરોનજર જોવાનું મને હવે મળ્યું.

પોરબંદરના માજી રાણાસાહેબને ગાદી મળી તે પૂર્વે મારા ભાઈ તેમના મંત્રી ને સલાહકાર હતા. તે દરમિયાન તેમણે રાણાસાહેબને ખોટી સલાહ આપ્યાનું તહોમત તેમની ઉપર હતું. આ ફરિયાદ તે સમયના પોલિટિકલ એજન્ટને મળેલી ને તે મારા ભાઈની સામે ભરમાયા હતા. આ અમલદારને હું વિલાયતમાં મળેલો હતો. ત્યાં તેમણે મારી મૈત્રી ઠીક કરી કહેવાય. ભાઈએ વિચાર્યું કે, આ ઓળખાણનો લાભ લઈ મારે પોલિટિકલ એજન્ટને બે શબ્દો કહેવા ને તેમની ઉપર જે ખરાબ અસર પડી હોય તે ભૂંસવા પ્રયત્ન કરવો. મને આ વાત જરાયે પસંદ ન પડી. વિલાયતની નજીવી ઓળખાણનો મારે લાભ ન લેવો જોઈએ. જો મારા ભાઈએ કાંઈ દૂષિત કાર્ય કર્યું હોય તો ભલામણ શા કામની? જો ન કર્યું હોય તો રીતસર અરજી કરીને અથવા પોતાની નિર્દોષતા ઉપર વિશ્વાસ રાખી નિર્ભય થઈ બેસવું. આ દલીલ ભાઈને ગળે ન ઊતરી. ‘તું કાઠિયાવાડને જાણતો નથી. જિંદગીની પણ તને હવે ખબર પડશે. અહીં તો વગે વાવણાં થાય છે. તારા જેવો ભાઈ હોય ને તારા ઓળખીતા અમલદારને થોડી ભલામણ કરવાનો સમય આવે ત્યારે તું છટકી જાય એ બરોબર ન કહેવાય.’

ભાઈનું મોં ન મૂકી શક્યો. મારી મરજી વિરુદ્ધ હું ગયો. અને અમલદારની પાસે જવાનો કશો અધિકાર નહોતો. જવામાં મારા સ્વમાનનો ભંગ થતો હતો એની મને શુદ્ધિ હતી. મેં મળવાનો વખત માગ્યો; મને મળ્યો; હું ગયો. જૂની ઓળખાણ કાઢી. પણ મેં તુરત જોયું કે વિલાયત અને કાઠિયાવાડમાં ભેદ હતો; પોતાની ખુરશીએ બેઠેલા અમલદાર અને રજા ઉપર ગયેલ અમલદારમાં પણ ભેદ હતો. અમલદારે ઓળખાણનો સ્વીકાર કર્યો, પણ એ ઓળખાણની સાથે જ તે વધારે અક્કડ થયા. ‘એ ઓળખાણનો લાભ લેવા તો તું નથી આવ્યો ના?’ એમ મેં તેની અક્કડાઈમાં જોયું, તેની આંખમાં વાંચ્યું. સમજતા છતાં મેં મારું પ્રકરણ ઉખેળ્યું. સાહેબ અધીરા થયા. ‘તારા ભાઈ ખટપટી છે. તારી પાસેથી વધારે વાત સાંભળવા હું નથી માગતો. મને વખત નથી. તારા ભાઈને જો કંઈ કહેવું હોય તો તે રીતસર અરજી કરે.’ આ ઉત્તર બસ હતો, યથાર્થ હતો; પણ ગરજને જ્ઞાન ક્યાંથી હોય? હું તો મારું પ્રકરણ ચલાવી રહ્યો હતો. સાહેબ ઊઠયા. ‘હવે તમારે જવું જોઈએ.’

મેં કહ્યું, ‘પણ મારી વાત તો પૂરી સાંભળો.’

સાહેબ ખૂબ ખિજાયા. ‘પટાવાળા, ઇસકો દરવાજા બતાઓ.’

‘હજૂર’ કહી પટાવાળો દોડી આવ્યો. હું તો હજુ કંઈક બકી રહ્યો હતો. પટાવાળાએ મને હાથ લગાડયો ને મને દરવાજાની બહાર કાઢયો.

સાહેબ ગયા. પટાવાળો ગયો. હું ચાલ્યો, અકળાયો, ખિજાયો. મેં તો ચિઠ્ઠી ઘસડી : ‘તમે મારું અપમાન કર્યું છે, પટાવાળાની મારફતે મારી ઉપર હુમલો કર્યો છે. તમે માફી નહીં માગો તો તમારા ઉપર રીતસર ફરિયાદ કરીશ.’ આ ચિઠ્ઠી મેં મોકલી. થોડી જ વારમાં સાહેબનો સવાર જવાબ આપી ગયો :

‘તમે મારા તરફ અસભ્યપણે વર્ત્યા. તમને જવાનું કહ્યા છતાં તમે ન ગયા, તેથી મેં જરૂર મારા પટાવાળાને તમને દરવાજો દેખાડવા કહ્યું, ને પટાવાળાના કહેવા છતાં તમે કચેરી ન છોડી. તેણે તમને કચેરી બહાર કાઢવા પૂરતું બળ વાપર્યું. તમારે જે પગલાં લેવાં હોય તે લેવા તમે છૂટા છો.’ જવાબની આ મતલબ હતી.

આ જવાબ ખિસ્સામાં મેલી ભોંઠો પડી ઘેર આવ્યો. ભાઈને વાત કહી. તે દુઃખી થયા. પણ તે મને શું સાંત્વન આપે? વકીલ મિત્રોને વાત કરી, મને કેસ માંડતાં થોડો જ આવડતો હતો? આ સમયે સર ફિરોજશા મહેતા પોતાના કોઈક કેસસર રાજકોટમાં હતા. તેમને મારા જેવા નવો બારિસ્ટર તો ક્યાંથી મળી શકે? પણ તેમને રોકનાર વકીલની મારફતે તેમને કાગળિયાં મોકલી તેમની સલાહ પુછાવી. ‘ગાંધીને કહેજો, આવા કિસ્સા તો બધા વકીલબારિસ્ટરના અનુભવમાં આવ્યા હશે. તું નવોસવો છે. તને હજુ વિલાયતની ખુમારી છે. તું બ્રિટિશ અમલદારને ઓળખતો નથી. જો તારે સુખેથી બેસવું હોય ને બે પૈસા કમાવા હોય તો તને મળેલી ચિઠ્ઠી ફાડી નાખ અને થયેલું અપમાન ગળી જા. કેસ કરવામાં તને દોકડો એક નહીં મળે, ને તું ખુવાર થશે. જિંદગીનો અનુભવ તને હજુ હવે મળવાનો છે.’

મને આ શિખામણ કડવી ઝેર લાગી. પણ તે કડવો ઘૂંટડો ગળે ઉતાર્યે છૂટકો હતો. હું અપમાન ભૂલી તો ન જ શક્યો, પણ મેં તેને સદુપયોગ કર્યો. ‘આવી સ્થિતિમાં ફરી કોઈ દિવસ નહીં મુકાઉં, કોઈની સિફારસ આમ નહીં કરું.’ આ નિયમનો કદી ભંગ નથી કર્યો. આ આઘાતે મારી જિંદગીનું સુકાન બદલ્યું.