સત્યના પ્રયોગો/કસોટી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. કસોટી

આગબોટ ફુરજા ઉપર આવી. ઉતારુઓ ઊતર્યા. પણ મારે માટે મિ. એસ્કંબે કપ્તાનને કહેવડાવ્યું હતું: ‘ગાંધીને તથા તેના કુટુંબને સાંજે ઉતારજો. તેની સામે ગોરાઓ બહુ ઉશ્કેરાઈ ગયા છે ને તેનો જાન જોખમમાં છે. ફુરજાના સુપરિન્ટેન્ડેન્ટ ટૅટમ તેને સાંજે તેડી જશે.’

કપ્તાને આ સંદેશાની મને ખબર આપી. મેં તે મુજબ કરવાનું કબૂલ કર્યું. પણ આ સંદેશો મળ્યાને અર્ધે કલાક પણ નહીં થયો હોય તેવામાં મિ. લૉટન આવ્યા ને કપ્તાનને મળી તેને કહ્યું, ‘જો મિ. ગાંધી મારી સાથે આવે તો હું તેમને મારે જોખમે લઈ જવા ઇચ્છું છું. સ્ટીમરના એજન્ટના વકીલ તરીકે હું તમને કહું છું, મિ. ગાંધીને લગતો જે સંદેશો તમને મળ્યો છે તે બાબતમાં તમે મુક્ત છો.’ કપ્તાનની સાથે આમ વાતચીત કરી પોતે મારી પાસે આવ્યા ને મને કંઈક આ પ્રમાણે કહ્યું: ‘જો તમને જિંદગીનો ડર ન હોય તો હું ઇચ્છું છું કે, મિસિસ ગાંધી અને બાળકો ગાડીમાં રુસ્તમજી શેઠને ત્યાં જાય, અને તમે તથા હું સરિયામ રસ્તે થઈને ચાલતા જઈએ. તમે અંધારું થયે છાનામાના શહેરમાં દાખલ થાઓ એ મને તો મુદ્દલ રુચતું નથી. મને લાગે છે કે તમારો વાળ સરખો વાંકો નથી થવાનો. હવે તો બધું શાંત છે, ગોરાઓ બધા વીખરાઈ ગયા છે. પણ ગમે તેમ હોય તોયે તમારાથી છૂપી રીતે તો પ્રવેશ ન જ થાય એવો મારો અભિપ્રાય છે.’

હું સંમત થયો. મારી ધર્મપત્ની ને બાળકો રુસ્તમજી શેઠને ત્યાં ગાડીમાં ગયાં ને સહીસલામત પહોંચ્યા. હું કપ્તાનની રજા લઈ. મિ. લૉટનની સાથે ઊતર્યો. રુસ્તમજી શેઠનું ઘર લગભગ બે માઈલ દૂર હશે.

અમે આગબોટમાંથી ઊતર્યાં તેવા જ કેટલાક છોકરાઓએ મને ઓળખી કાઢયો, અને ‘ગાંધી, ગાંધી,’ એમ બૂમ પાડી. લાગલા બે ચાર માણસો એકઠા થયા ને બૂમો વધી. મિ. લૉટને જોયું ટોળું વધી જશે, તેથી તેમણે રિક્ષા મગાવી. મને તો તેમાં બેસવાનું કદી ન ગમતું. આ મારો પહેલો જ અનુભવ થવાનો હતો. પણ છોકરાઓ શાના બેસવા દે? તેમણે રિક્ષાવાળાને ધમકી આપી એટલે તે નાઠો.

અમે આગળ ચાલ્યા. ટોળું પણ વધતું ગયું. સારી પેઠે ભીડ થઈ. સૌ પહેલાં તો ટોળાએ મને મિ. લૉટનથી નોખો પાડયો. પછી મારા મિત્ર ઉપર કાંકરાનાં, સડેલાં ઈંડાંના વરસાદ વરસ્યા. મારી પાઘડી કોઈએ ઉડાડી દીધી. લાતો શરૂ થઈ.

મને તમ્મર આવી. મેં પડખેના ઘરની જાળી પકડી શ્વાસ ખાધો. ત્યાં ઊભું રહેવાય એમ તો નહોતું જ. તમાચા પડવા લાગ્યા.

એટલામાં પોલીસના વડાની સ્ત્રી, જે મને ઓળખતી હતી, તે આ રસ્તે થઈને જતી હતી. મને જોતાં જ તે મારે પડખે આવી ઊભી, ને જોકે તડકો નહોતો છતાં પોતાની છત્રી ઉઘાડી. આથી ટોળું કંઈક નમ્યું. હવે ઘા કરે તો મિસિસ અલેક્ઝાંડરને બચાવીને જ કરવા રહ્યા.

દરમ્યાન કોઈ હિંદી જુવાન મારા ઉપર પડતો માર જોઈ પોલીસ થાણા પર દોડી ગયેલો. સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાંડરે એક ટુકડી મને ઘેરી વળીને બચાવી લેવા મોકલી. તે વેળાસર પહોંચી. મારો રસ્તો પોલીસ થાણા પાસે થઈને જ જતો હતો. સુપરિન્ટેન્ડેન્ટે મને થાણામાં આશ્રય લેવા સૂચવ્યું. મેં ના પાડી. ને કહ્યું, ‘જ્યારે લોકો પોતાની ભૂલ જોશે ત્યારે શાંત થશે. મને એમની ન્યાયબુદ્ધિમાં વિશ્વાસ છે.’

ટુકડી સાથે રહીને હું સહીસલામત પારસી રુસ્તમજીને ઘેર પહોંચ્યો. મને પીઠ ઉપર મૂઢ ઘા પડ્યા હતા. એક જ જગ્યાએ થોડો છૂંદાયો હતો. સ્ટીમરના દાક્તર દાદી બરજોર ત્યાં જ હાજર હતા. તેમણે મારી સારવાર સરસ કરી.

આમ અંદર શાંતિ હતી, પણ બહાર તો ગોરાઓએ ઘરને ઘેર્યું. સાંજ પડી ગઈ હતી. અંધારું થયું હતું. હજારો લોક બહાર કિકિયારીઓ કરતા હતા, ને ‘અમને ગાંધી સોંપી દો.’ એવી બૂમો ચાલુ રહી હતી. સમય વરતીને સુપરિન્ટેન્ડેટ અલેક્ઝાંડર ત્યાં પહોંચી ગયા હતા ને ટોળાને ધમકીથી નહીં પણ વિનોદથી વશ રાખી રહ્યા હતા.

છંતા તે ચિંતામુક્ત નહોતા. તેમણે મને આવી મતલબનો સંદેશો મોકલ્યોઃ ‘જો તમે તમારા મિત્રના મકાનને તેમ જ માલને તથા તમારા કુટુંબને બચાવવા માગતા હો તો તમારે હું સૂચવું તે રીતે આ ઘરમાંથી છૂપી રીતે ભાગવું જોઈએ.’

એક જ દહાડે મારે એકબીજાથી ઊલટાં બે કામ કરવા વખત આવ્યો. જ્યારે જાનનો ભય માત્ર કાલ્પનિક લાગતો હતો ત્યારે મિ. લૉટને મને ઉઘાડી રીતે બહાર નીકળવાની સલાહ આપી ને મેં તે માની. જ્યારે જોખમ પ્રત્યક્ષ મારી સામે ઊભું થયું, ત્યારે બીજા મિત્રે એથી ઊલટી સલાહ આપી ને તે પણ મેં માન્ય રાખી! કોણ કહી શકે કે, હું મારા જાનના જોખમથી ડર્યો, કે મિત્રના જાનમાલના જોખમથી, કે કુટુંબના, કે ત્રણેના? કોણ નિશ્ચયપૂર્વક કહી શકે કે, મારું સ્ટીમર ઉપરથી હિંમત બતાવી ઊતરવું ને પછી જોખમની પ્રત્યક્ષ હસ્તી વેળાએ છૂપી રીતે ભાગી છૂટવું યોગ્ય હતું? પણ બનેલા બનાવોને વિશે આવી ચર્ચા જ મિથ્યા છે. બનેલાને સમજી લઈએ. તેમાંથી શીખવાનું મળે તેટલું શીખી લઈએ, એટલું જ ઉપયોગી છે. અમુક પ્રસંગે અમુક મનુષ્ય શું કરશે તે નિર્ણયપૂર્વક કહી જ ન શકાય. તેમ જ મનુષ્યના બાહ્યાચાર ઉપરથી તેના ગુણની જે પરીક્ષા થાય છે તે અધૂરી હોઈ અનુમાન માત્ર હોય છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ.

ગમે તેમ હો, ભાગવાના કાર્યમાં ગૂંથાતાં મારા જખમોની ભૂલી ગયો. મેં હિંદી સિપાઈનો પહેરવેશ પહેર્યો. માથે કદાચ માર પડે તો તેમાંથી બચવા સારુ એક પિત્તળની તાસક રાખી, તે ઉપર મદ્રાસીનો મોટો ફેંટો લપેટયો સાથે બે ડિટેક્ટિવ હતા, તેમાંના એક હિંદી વેપારીનો પોશાક પહેર્યો. પોતાનું મોઢું હિંદીના જેવું રંગ્યું. બીજાએ શું પહેર્યું એ હું ભૂલી ગયો છું અમે પડખેની ગલીમાં થઈને પડોશની એક દુકાનમાં પહોંચ્યા, ને ગોદામમાં ખડકેલી ગૂણોની થપ્પીઓ અંધારામાં ટપીને દુકાનને દરવાજેથી ટોળામાં થઈ પસાર થયા. શેરીના નાકે ગાડી ઊભી હતી તેમાં બેસાડી મને પેલા થાણામાં, જ્યાં આશ્રય લેવાનું સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાંડરે સૂચવ્યું હતું તે જ થાણામાં, હવે લઈ ગયા. મેં સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાંડરનો તેમ જ છૂપી પોલીસના અમલદારનો ઉપકાર માન્યો.

આમ એક તરફ જ્યારે મને લઈ જતા હતા ત્યારે બીજી તરફ સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાંડર ટોળાને ગીત ગવડાવી રહ્યા હતા. તે ગીતનો તરજુમો આ છેઃ

‘ચાલો આપણે ગાંધીને પેલે આમલીના ઝાડે ફાંસી લટકાવીએ.’

જ્યારે હું સહીસલામત થાણે પહોંચ્યાની બાતમી સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાંડરને મળી ત્યારે તેમણે ટોળાને કહ્યું: ‘તમારો શિકાર તો આ દુકાનમાંથી સહીસલામત સટકી ગયેલ છે.’ ટોળામાંના કોઈ ગુસ્સે થયા, કોઈ હસ્યા. ઘણાએ આ વાત માનવા ના પાડી.

‘ત્યારે તમારામાંથી જેને નીમો તેને હું અંદર લઈ જાઉં, ને તમે તપાસી જુઓ. જો તમે ગાંધીને શોધી કાઢો તો તેને તમારે હવાલે કરું, ન શોધી કાઢો તો તમારે વેરાઈ જવું. તમે પારસી રુસ્તમજીનું મકાન તો નહીં જ બાળો અને ગાંધીના બૈરાંછોકરાંને ઈજા નહીં કરો એ તો મારી ખાતરી જ છે.’ આમ સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાંડર બોલ્યા.

ટોળાએ પ્રતિનિધિ નીમ્યા. પ્રતિનિધિએ ટોળાને નિરાશાજનક ખબર આપ્યા. સહુ સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાંડરની સમયસૂચકતા ને ચતુરાઈની સ્તુતિ કરતા, પણ કેટલાક ધૂંધવતા, વીખરાયા.

મરહૂમ મિ. ચેમ્બરલેને મારા ઉપર હુમલો કરનારાઓ પર કામ ચલાવવા ને મને ન્યાય મળે એમ થવાને તાર કર્યો. મિ. એસ્કંબે મને પોતાની પાસે બોલાવ્યો. મને ઈજા થઈ તે માટે દિલગીરી બતાવીને કહ્યું, ‘તમારો વાળ સરખો વાંકો થાય તેમાં હું રાજી ન જ હોઉં એ તો તમે માનશો જ. મિ. લૉટનની સલાહ માની તમે તુરત ઊતરી જવાનું સાહસ કર્યું. તેમ કરવાનો તમને હક હતો. પણ મારા સંદેશાને માન આપ્યું હોત તો આ દુઃખદ બનાવ ન બનત. હવે જો તમે હુમલો કરનારાઓને ઓળખી શકો તો તેને પકડાવવા તથા તેમના ઉપર કામ ચલાવવા હું તૈયાર છું. મિ. ચેમ્બરલેન પણ તેવી માગણી કરે છે.’

મેં જવાબ આપ્યોઃ ‘મારે કોઈના ઉપર કામ ચલાવવું નથી. હુમલો કરનારાઓમાંથી એકબેને કદાચ હું ઓળખું, પણ તેમને સજા કરાવવાથી મને શો લાભ? વળી હું હુમલો કરનારાઓને દોષિત પણ નથી ગણતો. તેમને તો એમ પણ કહેવામાં આવ્યું કે, મેં હિંદુસ્તાનમાં અતિશયોક્તિ કરી નાતાલના ગોરાઓને વગોવ્યા. આ વાત તેઓ માને ને ગુસ્સો કરે તેમાં નવાઈ શી? દોષ તો ઉપરીઓનો અને, મને કહેવા દો તો, તમારો ગણાય. તમે લોકોને સીધી રીતે દોરી શકતા હતા. પણ તમે સુદ્ધાં રૉઇટરના તારને માન્યો ને મેં અતિશયોક્તિ કરી હશે એમ કલ્પી લીધું. મારે કોઈના ઉપર કામ ચલાવવું નથી. જ્યારે ખરી હકીકત જાહેર થશે ને લોકો જાણશે ત્યારે તેઓ પસ્તાશે.’

‘ત્યારે તમે મને આ વાત લેખિતવાર આપશો? મારે તેવો તાર મિ. ચેમ્બરલેનને મોકલવો પડશે. તમે ઉતાવળે કશું લખી આપો એમ હું નથી માગતો. તમે મિ. લૉટનને તથા તમારા બીજા મિત્રોને પૂછીને જે યોગ્ય લાગે તે કરો એમ હું ઇચ્છું છું. એટલું કબૂલ કરું છે કે, જો તમે હુમલો કરનારાઓના ઉપર કામ નહીં ચલાવો તો બધું શાંત પાડવામાં મને મદદ બહુ મળશે ને તમારી પ્રતિષ્ઠા તો અવશ્ય વધશે જ.’ મેં જવાબ આપ્યોઃ ‘આ બાબતમાં મારા વિચાર ઘડાઈ ગયેલા છે. મારે કોઈના ઉપર કામ નથી ચલાવવું એ નિશ્ચય છે, એટલે હું અહીં જ તમને લખી દેવા ધારું છું.’

આમ કહી, મેં ઘટતો કાગળ લખી આપ્યો.