સત્યના પ્રયોગો/કોયડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૯. ધર્મનો કોયડો

યુદ્ધમાં કામ કરવાને સારું અમે કેટલાક એકઠા થઈને સરકારને અમારાં નામો મોકલ્યાં, એ ખબર દક્ષિણ આફ્રિકા પહોંચી કે તુરત મારી ઉપર ત્યાંથી બે તારો આવ્યા. તેમાં એક પોલાકનો હતો. તેમાં પૂછયું હતું: ‘આ તમારું કાર્ય તમારા અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી?’

આવા તારની મને કંઈક આશા હતી જ, કેમ કે આ વિષય મેં ‘હિંદ સ્વરાજ’માં ચર્ચ્યો હતો, અને દક્ષિણ આફ્રિકામાં મિત્રોની સાથે તો એની ચર્ચા નિરંતર થયા જ કરતી. યુદ્ધની અનીતિ અમે સહુ સ્વીકારતા. મારી ઉપર હુમલો કરનારની ઉપર કામ ચલાવવા હું તૈયાર નહોતો, તો બે રાજ્યો વચ્ચે લડાઈ ચાલતી હોય, તેમાં ગુણદોષની મને ખબર ન હોય, તેમાં મારાથી કેમ ભાગ લઈ શકાય? જોકે બોઅર યુદ્ધમાં મેં ભાગ લીધાનું મિત્રો જાણતા હતા, તોપણ તેમણે માની લીધેલું કે ત્યાર બાદ મારા વિચારોમાં ફેરફાર થયો હશે.

હકીકતમાં જે વિચારશ્રેણીને વશ થઈ હું બોઅર યુદ્ધમાં પડયો હતો તેનો જ ઉપયોગ આ વેળા પણ કર્યો હતો. યુદ્ધમાં ભાગ લેવો એ અહિંસાની સાથે ગડ બેસે તેવું નથી એ હું બરોબર જોતો હતો. પણ કર્તવ્યનું ભાન થવું એ હમેશાં દીવા જેવું સ્પષ્ટ નથી હોતું. સત્યના પૂજારીને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે.

અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળીની વચ્ચે સપડાયેલા આપણે પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે,’ એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતો. ખાતાંપીતાં, બેસતાંઊઠતાં, બધી ક્રિયાઓઓમાં, ઇચ્છાઅનિચ્છાએ કંઈક હિંસા તે કર્યાં જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો નાશ ન ઇચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે, તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે, તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.

વળી અહિંસાના પડમાં જ અદ્વૈતભાવના રહેલી છે. એ જો પ્રાણીમાત્રનો અભેદ હોય તો એકના પાપની અસર બીજાની ઉપર થાય છે, તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતો. સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિઓ ધર્મ તે યુદ્ધને અટકાવવાનો છે. તે ધર્મનું જે પાલન ન કરી શકે, જેનામાં વિરોધ કરવાની શક્તિ ન હોય, જેને વિરોધ કરવાનો અધિકાર પ્રાપ્ત ન થયો હોય, તે યુદ્ધકાર્યમાં ભળે; અને ભળતો છતો તેમાંથી પોતાને અને પોતાના દેશને તેમ જ જગતને ઉગારવાની હાર્દિક કોશિશ કરે.

મારે અંગ્રેજી રાજ્ય મારફતે મારી એટલે મારી પ્રજાની સ્થિતિ સુધારવી હતી. હું ઇંગ્લંડમાં બેઠો ઇંગ્લંડના કાફલાથી સુરક્ષિત હતો. તે બળનો હું આમ ઉપયોગ કરી તેનામાં રહેલી હિંસકતામાં સીધી રીતે ભાગીદાર થતો હતો. તેથી જો મારે તે રાજ્યની સાથે છેવટે વહેવાર રાખવો હોય, તે રાજના વાવટા નીચે રહેવું હોય, તો કાં તો મારે યુદ્ધનો ઉઘાડી રીતે વિરોધ કરી જ્યાં લગી તે રાજ્યની યુદ્ધનીતિ બદલાય નહીં ત્યાં લગી તેનો સત્યાગ્રહના શાસ્ત્ર પ્રમાણે બહિષ્કાર કરવો જોઈએ, અથવા તેના ભંગ કરવા યોગ્ય હોય તેવા કાનૂનોનો સવિનયભંગ કરી જેલનો રસ્તો શોધવો જોઈએ, અથવા મારે તેની યુદ્ધપ્રવૃત્તિમાં ભાગ લઈ તેની સામે થવાનાં શક્તિ અને અધિકાર મેળવવાં જોઈએ. આવી શક્તિ મારામાં નહોતી એટલે મારી પાસે યુદ્ધમાં ભાગ લેવાનો જ રસ્તો રહ્યો હતો એમ મેં માન્યું.

બંદૂકવાન અને તેને મદદ કરનાર વચ્ચે અહિંસાની દૃષ્ટિએ કંઈ ભેદ નથી જાણ્યો. જે માણસ લૂંટારાની ટોળીમાં તેની આવશ્યક ચાકરી કરવા, તેનો ભાર ઊંચકવા, તે લૂંટ કરતો હોય ત્યારે તેની ચોકી કરવા, તે ઘાયલ થાય તો તેની સેવા કરવા રોકાય છે, તે લૂંટને વિશે લૂંટારાના જેટલો જ જવાબદાર છે. એ પ્રમાણે વિચારતાં લશ્કરમાં ઘાયલોની સારવાર કરવાના જ કામમાં રોકાઈ જનાર યુદ્ધના દોષોમાંથી મુક્ત નથી રહી શકતો.

આ વિચારો મેં પોલાકનો તાર આવતા પહેલાં જ કરી મૂકેલા હતા. તેમનો તાર આવતાં મેં તેની ચર્ચા કેટલાક મિત્રોમાં કરી. યુદ્ધમાં ભાગ લેવામાં મેં ધર્મ માન્યો; ને આજે પણ તેના વિચાર કરું છું તો મને ઉપરની વિચારશ્રેણીમાં દોષ નથી લાગતો. બ્રિટિશ સામ્રાજ્ય વિશે હું ત્યારે જે વિચારો ધરાવતો હતો તેને અનુસરીને મેં ભાગ લીધો, તેથી તેનો મને પશ્ચાત્તાપ પણ નથી.

હું જાણું છું કે મારા ઉપલા વિચારોની યોગ્યતા હું ત્યારે પણ બધા મિત્રોની પાસે સિદ્ધ નહોતો કરી શક્યો. પ્રશ્ન ઝીણો છે. તેમાં મતભેદને અવકાશ છે. તેથી જ અહિંસાધર્મને માનનારા ને સૂક્ષ્મ રીતે તેનું પાલન કરનારાઓ સમક્ષ બની શકે તેટલી સ્પષ્ટતાથી મેં મારો અભિપ્રાય રજૂ કર્યો છે. સત્યનો આગ્રહી રૂઢિને વળગીને જ કંઈ કાર્ય ન કરે, તે પોતાના વિચારને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હમેશાં માને, અને તે દોષનું જ્ઞાન થાય ત્યારે ગમે તેટલાં જોખમો હોય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત્ત પણ કરે.