સત્યના પ્રયોગો/ગાઢપરિચયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૧. અંગ્રેજોના ગાઢ પરિચયો

આ પ્રકરણમાં લખતાં એવો પ્રસંગ આવ્યો છે કે સત્યના પ્રયોગોની આ કથા કેવી રીતે લખાઈ રહી છે તે મારે વાંચનારને જણાવવું જોઈએ.

જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી. મારી પાસે કંઈ પુસ્તકો, રોજનીશી કે બીજાં કાગળિયાં રાખીને હું આ પ્રકરણો નથી લખતો, લખવાને દિવસે જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય. જે ક્રિયા મારામાં ચાલે છે તે અંતર્યામીની છે એમ કહી શકાય કે નહીં એ હું નિશ્ચયપૂર્વક નથી જાણતો. પણ ઘણાં વર્ષોથી જે પ્રમાણે મેં મારાં પેટમાં મોટાં કહેવાયાં છે તે અને નાનામાં નાનાં ગણાય તે કાર્યો કર્યાં છે, તે તપાસતાં તે અંતર્યામીનાં પ્રેરાયેલાં થયાં છે એમ કહેવું મને અઘટિત નથી લાગતું.

અતર્યામીને મેં જોયો નથી, જાણ્યો નથી. જગતની ઈશ્વર વિશેની શ્રદ્ધાને મેં મારી કરી લીધી છે. એ શ્રદ્ધા કોઈ રીતે ભૂંસી શકાય એવી નથી, તેથી તેને શ્રદ્ધારૂપે ઓળખતો મટી અનુભવરૂપે જ હું ઓળખુ છું. છતાં એને એમ અનુભવરૂપે ઓળખાવવી એ પણ સત્ય ઉપર એક પ્રકારનો પ્રહાર છે, તેથી તેને શુદ્ધરૂપે ઓળખાવનારનો શબ્દ મારી પાસે નથી એમ કહેવું એ જ કદાચ વધારે યોગ્ય હોય.

એ અદૃષ્ટ અંતર્યામીને વશ વર્તીને આ કથા હું લખી રહ્યો છું એવી મારી માન્યતા છે.

ગયું પ્રકરણ જ્યારે મેં શરૂ કર્યું ત્યારે તેનું મથાળું ‘અંગ્રેજોના પરિચયો’ એમ કર્યું હતું. પણ પ્રકરણ લખતાં મેં જોયું કે, એ પરિચયો ઉપર હું આવું તે પહેલાં મેં જે લખ્યું તે પુણ્યસ્મરણ લખવાની આવશ્યકતા હતી. એટલે તે પ્રકરણ લખાયું, અને લખાઈ રહ્યા પછી પ્રથમનું મથાળું બદલવું પડયું.

હવે આ પ્રકરણ લખતાં વળી નવું ધર્મસંકટ ઉત્પન્ન થયું છે. અંગ્રેજોના પરિચયો આપતાં શું કહેવું ને શું ન કહેવું એ મહત્ત્વનો પ્રશ્ન થઈ પડયો છે. જે પ્રસ્તુત હોય તે ન કહેવાય તો સત્યને ઝાંખપ લાગે. પણ આ કથા લખવી એ જ કદાચ પ્રસ્તુત ન હોય ત્યાં પ્રસ્તુતઅપ્રસ્તુત વચ્ચેના ઝઘડાનો ન્યાય એકાએક આપવો મુશ્કેલ થઈ પડે છે.

આત્મકથામાત્રની ઇતિહાસ તરીકેની અપૂર્ણતા ને તેની મુશ્કેલીઓ વિશે મેં પૂર્વે વાંચેલું તેનો અર્થ આજે હું વધારે સમજું છું. સત્યના પ્રયોગોની આત્મકથામાં જેટલું મને યાદ છે તેટલું બધંયુ હું નથી જ આપતો એ હું જાણું છું. સત્યને દર્શાવવા સારુ મારે કેટલું આપવું જોઈએ એની કોને ખબર? અથવા એકતરફી અધૂરા પુરાવાની કિંમત ન્યાયમંદિરમાં શી અંકાય? લખાયેલાં પ્રકરણો ઉપર કોઈ નવરો મારી ઊલટતપાસ કરવા બેસે તો કેટલું બધું અજવાળું આ પ્રકરણો ઉપર પાડે? અને જો વળી ટીકાકારની દૃષ્ટિએ તપાસ કરે તો કેવાં ‘પોકળો’ પ્રકટ કરી જગતને હસાવે ને પોતે ફુલાય?

આમ વિચારતાં ઘડીભર એમ જ થઈ આવે છે કે આ પ્રકરણો લખવાનું માંડી વાળવું એ જ વધારે યોગ્ય ન હોય? પણ આરંભેલું કામ અનીતિમય છે એમ જ્યાં લગી સ્પષ્ટ ન દેખાય ત્યાં લગી તે ન છોડવું એ ન્યાયે, જ્યાં સુધી અંતર્યામી ન અટકાવે ત્યાં સુધી આ પ્રકરણો લખ્યા કરવાં એ નિશ્ચય ઉપર આવું છું.

આ કથા ટીકાકારોને સંતોષવા નથી લખાતી. સત્યના પ્રયોગોમાંનો આ પણ એક પ્રયોગ જ છે. વળી સાથીઓને તેમાંથી કંઈક આશ્વાસન મળે એ દૃષ્ટિ તો છે જ. આનો આરંભ જ તેમના સંતોષને ખાતર છે. સ્વામી આનંદ અને જેરામદાસ મારી પૂંઠે ન વળગત તો આ આરંભ કદાચ ન જ થાત. તેથી જો આ લખવામાં દોષ થતો હશે તો તેમાં તેઓ ભાગીદાર છે.

હવે મથાળાને અનુસરું. જેમ મેં હિંદી મહેતાઓ અને બીજાઓોને ઘરમાં કુટુંબી તરીકે રાખ્યા તેમ જ અંગ્રેજોને રાખતો થઈ ગયો. આ મારી વર્તણૂક મારી સાથે રહેનારા બધાને અનુકૂળ નહોતી. પણ મેં હઠપૂર્વક તેમને રાખેલા. બધાને રાખવામાં હમેશાં ડહાપણ જ કર્યું એમ ન કહેવાય. કેટલાય સંબંધોથી કડવા અનુભવો પણ થયા, પણ તે અનુભવ તો દેશીપરદેશી બન્નેને અંગે થયેલા. કડવા અનુભવોને સારુ મને પશ્ચાત્તાપ નથી થયો. કડવા અનુભવો છતાં, અને મિત્રોને અગવડો પડે છે, સોસવું પડે છે એ જાણ્યા છતાં, મારી ટેવ મેં બદલી નથી, ને મિત્રોએ તેને ઉદારતાપૂર્વક સહન કરી છે. નવા નવા માણસોની સાથેના સંબંધો જ્યારે મિત્રોને દુઃખદ નીવડ્યા છે ત્યારે તેમનો દોષ કાઢતાં હું અચકાયો નથી. મારી એવી માન્યતા છે કે આસ્તિક મનુષ્યો, જેમણે પોતામાં રહેલા ઈશ્વરને બધામાં જોવો રહ્યો છે તેમનામાં સહુને જોડે અલિપ્ત થઈને રહેવાની શક્તિ આવવી જોઈએ. અને તે શક્તિ, જ્યાં જ્યાં અણશોધ્યા અવસર આવે ત્યાં ત્યાં, તેથી દૂર ન ભાગતાં, માત્ર નવા નવા સંબંધોમાં પડીને અને તેમાં પડતાં છતાં રાગદ્વેષરહિત રહીને જ કેળવી શકાય છે.

એટલે જ્યારે બોઅરખ્રબ્રિટિશ યુદ્ધ શરૂ થયું ત્યારે મારું ઘર ભરેલું છતાં મેં જોહાનિસબર્ગથી આવેલા બે અંગ્રેજોને સંઘર્યા. બન્ને થિયૉસૉફિસ્ટ હતા. તેમાંના એકનું નામ કિચન હતું, જેમનો પ્રસંગ આપણને હવે પછી પણ કરવો પડશે. આ મિત્રોના સહવાસે પણ ધર્મપત્નીને તો રડાવી જ હતી. તેને નસીબે મારે નિમિત્તે રડવાના પ્રસંગો તો અનેક આવ્યા છે. આટલા નિકટ સંબંધમાં કંઈ પણ પડદા વિના અંગ્રેજોને ઘરમાં રાખવાનો મારો આ પહેલો અનુભવ હતો. ઇંગ્લંડમાં હું તેમના ઘરમાં રહેલો ખરો. ત્યારે તેમની રહેણીને હું વશ રહ્યો હતો, ને તે રહેવું લગભગ વીશીમાં રહેવા જેવું હતું. અહીં તેથી ઊલટું હતું. આ મિત્રો કુટુંબીજન થયા. તેઓ ઘણે અંશે હિંદી રહેણીને અનુસર્યા. ઘરમાં બહારનું રાચરચીલું જોકે અંગ્રેજી ઢબનું હતું, છતાં અંદરની રહેણી અને ખોરાક વગેરે મુખ્યત્વે હિંદી હતા. તેમને રાખતાં જોકે કેટલીક મુશ્કેલીઓ ઊભી થયાનું મને સ્મરણ છે, છતાં એમ અવશ્ય કહી શકું છું કે બન્ને જણ ઘરના બીજા માણસો સાથે ભળી ગયા હતા. જોહાનિસબર્ગમાં આ સંબંધો ડરબનના કરતાં વધારે આગળ ગયા.