સત્યના પ્રયોગો/ડુંગળીચોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘ડુંગળીચોર'

ચંપારણ હિંદુસ્તાનના એવા ખૂણામાં આવ્યું હતું ને ત્યાંની લડતને છાપા બહાર એવી રીતે રાખી શકાઈ હતી કે ત્યાં બહારથી જોનારા આવતા નહોતા. ખેડાની લડત છાપે ચડી ચૂકી હતી. ગુજરાતીઓને આ નવી વસ્તુમાં રસ સારી પેઠે આવતો હતો. તેઓ ધન લૂંટાવવા તૈયાર હતા. સત્યાગ્રહની લડત ધનથી નથી ચાલી શકતી, તેને ધનની ઓછામાં ઓછી આવશ્યકતા રહે છે, એ વાત તેમને ઝટ સમજવામાં નહોતી આવતી. રોકતાં છતાં પણ મુંબઈના શેઠિયાઓએ જોઈએ તેના કરતાં વધારે પૈસા આપ્યા હતા ને લડતને અંતે તેમાંથી કંઈક રકમ બચી હતી.

બીજી તરફથી સત્યાગ્રહી સેનાને પણ સાદાઈનો નવો પાઠ શીખવાનો રહ્યો હતો. પૂરો પાઠ શીખી શક્યા એમ તો ન કહી શકું, પણ તેમણે પોતાની રહેણીમાં ઘણોક સુધારો તો કરી લીધો હતો.

પાટીદારોને સારુ પણ આ જાતની લડત નવી હતી. ગામેગામ ફરીને તેનું રહસ્ય સમજાવવું પડતું. અમલદારો પ્રજાના શેઠ નથી પણ નોકર છે, પ્રજાના પૈસામાંથી તેઓ પગાર ખાનારા છે, એ સમજાવી તેમનો ભય દૂર કરવાનું કામ મુખ્ય હતું. અને નિર્ભય થતાં છતાં વિનય જાળવવાનું બતાવવું ને ગળે ઉતારવું લગભગ અશક્ય જેવું લાગતું હતું. અમલદારોનો ડર છોડ્યા પછી તેમણે કરેલાં અપમાનોનો બદલો વાળવાનું મન કોને ન થાય? છતાં સત્યાગ્રહી અવિનયી થાય એ તો દૂધમાં ઝેર પડ્યા સમાન ગણાય. વિનયનો પાઠ પાટીદારો પૂરો નહોતો ભણી શક્યા એ પાછળથી હું વધારે સમજ્યો. અનુભવે જોઉં છું કે, વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચનઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઇચ્છા ને તે પ્રમાણે વર્તન.

પ્રથમના દિવસોમાં લોકોની હિંમત ખૂબ જોવામાં આવતી હતી. પ્રથમના દિવસોમાં સરકારી પગલા પણ મોળાં હતાં. પણ જેમ લોકોની દૃઢતા વધતી જણાઈ તેમ સરકારને વધારે ઉગ્ર પગલાં ભરવાનું મન થયું. જપ્તીદારોએ લોકોનાં ઢોર વેચ્યાં. ઘરમાંથી ગમે તે માલ ઘસડી ગયા. ચોથાઈની નોટિસો નીકળી. કોઈ ગામનો આખો પાક જપ્ત થયો. લોકોમાં ગભરાટ છૂટયો. કેટલાકે મહેસૂલ ભર્યું, બીજા પોતાના માલ જપ્ત કરીને અમલદારો મહેસૂલ વસૂલ કરી લે તો છૂટયા એમ મનમાં ઇચ્છવા લાગ્યા. કેટલાક મરણિયા પણ નીકળ્યા.

આવામાં શંકરલાલ પરીખની જમીનનું મહેસૂલ તેમની જમીન ઉપર રહેતા માણસે ભર્યું. તેથી હાહાકાર થયો. શંકરલાલ પરીખે તે જમીન કોમને આપી દઈ પોતાના માણસથી થયેલા દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું. તેમની પ્રતિષ્ઠા જળવાઈ. બીજાઓને દાખલો બેઠો.

ડરી ગયેલાઓને પ્રોત્સાહન દેવા સારુ, એક અયોગ્ય રીતે જપ્ત થયેલા ખેતરનો તૈયાર થયેલો ડુંગળીનો પાક હતો, તે મોહનલાલ પંડ્યાની આગેવાની નીચે ઉતારવાની મેં સલાહ આપી. મારી દૃષ્ટિએ તેમાં કાયદાનો ભંગ થતો નહોતો. પણ જો થતો હોય તોયે, જરા જેટલી મહેસૂલને સારુ આખા ઊભા પાકની જપ્તી એ કાયદેસર હોય છતાં, નીતિ વિરુદ્ધ છે ને ચોખ્ખી લૂંટ છે ને તેવી રીતે થયેલી જપ્તીનો અનાદર કરવાનો ધર્મ છે. એમ મેં સૂચવ્યું. તેમ કરવામાં જેલ જવાનું ને દંડ થવાનું જોખમ હતું તે લોકોને સ્પષ્ટ રીતે કરી બતાવ્યું હતું. મોહનલાલ પંડ્યાને તો એ જ જોઈતું હતું. સત્યાગ્રહથી અવિરોધી એવી રીતે કોઈના જેલ ગયા વિના ખેડાની લડત પૂરી થાય એ તેમને ન ગમતી વાત હતી. તેમણે આ ખેતરની ડુંગળી ઉતારવાનું બીડું ઝડપ્યું. તેમને સાતઆઠ જણે સાથ આપ્યો.

સરકાર તેમને પકડ્યા વિના કેમ રહે? મોહનલલાલ પંડ્યા ને તેમના સાથીઓ પકડાયા એટલે લોકોનો ઉત્સાહ વધ્યો. જ્યાં લોકો જેલ ઇત્યાદિને વિશે નિર્ભય બને છે ત્યાં રાજદંડ લોકોને દબાવવાને બદલે તેમને શૌર્ય આપે છે. કચેરીમાં લોકોનાં ટોળાં કેસ જોવા ઊભરાયાં. પંડ્યાને અને તેમના સાથીઓને ટૂંકી જેલ થઈ. હું માનું છું કે કોર્ટનો ઠરાવ ભૂલભરેલો હતો. ડુંગળી ઉપાડવાની ક્રિયા ચોરીની કાનૂની વ્યાખ્યામાં નહોતી સમાતી. પણ અપીલ કરવાની વૃત્તિ જ નહોતી.

જેલીઓને વળાવવા સરઘસ ગયું, ને તે દિવસથી મોહનલાલ પંડ્યા ‘ડુંગળીચોર’નો માનીતો ઇલકાબ લોકો પાસેથી પામ્યા તે આજ લગી તેઓ ભોગવે છે.

આ લડતનો કેવો અને કઈ રીતે અંત આવ્યો એ વર્ણવીને ખેડાપ્રકરણ પૂરું કરીશું.