સત્યના પ્રયોગો/દુઃખદ પ્રસંગ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬. દુઃખદ પ્રસંગ – ૧

હું કહી ગયો કે હાઈસ્કૂલમાં મને થોડા જ અંગત મિત્રો હતા. જેને એવી મિત્રતાનું નામ આપી શકાય એવા બે મિત્રો જુદે જુદે વખતે મારે હતા એમ કહી શકાય. એક સંબંધ લાંબો ન ચાલ્યો, જોકે મેં તે મિત્રનો ત્યાગ નહીં કરેલો. બીજાનો સંગ મેં કર્યો તેથી પહેલાએ મને છોડયો. બીજો સંગ મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ છે. એ સંગ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. તે સંગ કરવામાં મારી સુધારક દૃષ્ટિ હતી. તે ભાઈની પ્રથમ મિત્રતા મારા વચેટ ભાઈની સાથે હતી. તે મારા ભાઈના વર્ગમાં હતા. તેનામાં કેટલાક દોષો હતા તે હું જોઈ શકતો હતો. પણ મેં તેનામાં વફાદારીનું આરોપણ કરેલું. મારાં માતુશ્રી, મારા જ્યેષ્ઠ ભાઈ અને મારી ધર્મપત્ની ત્રણેને એ સંગ કડવો લાગતો હતો. પત્નીની ચેતવણીને તો હું ગર્વિષ્ઠ ધણી શેનો ગણકારું? માતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન જ કરું. વડીલ ભાઈનું સાંભળું જ. પણ તેમને મેં આમ કહી શાંત કર્યાં : ‘તેના દોષ જે તમે ગણાવો છો તે હું જાણું છું. તેના ગુણ તો તમે ન જ જાણો. મને તે આડે માર્ગે નહીં લઈ જાય, કેમ કે મારો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે. તે જો સુધરે તો બહુ સરસ માણસ નીવડે એમ મારી ખાતરી છે. તમે મારા વિશે નિર્ભય રહો એમ માગી લઉં છું.’ આ બોલથી તેમને સંતોષ થયો એમ હું નથી માનતો, પણ તેઓએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો ને મને મારે માર્ગે જવા દીધો.

મારી ગણતરી બરાબર નહોતી એમ હું પાછળથી જોઈ શક્યો. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઈએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતા જગતમાં ક્વચિત્ જ જોવામાં આવે છે. મિત્રતા સરખા ગુણવાળા વચ્ચે શોભે ને નભે. મિત્રો એકબીજાની ઉપર અસર પાડ્યા વિના ન જ રહે. એટલે મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે કે અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે. જેને આત્માની, ઈશ્વરની મિત્રતા જોઈએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્ય હોય કે અયોગ્ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્ફળ નીવડયો.

જ્યારે આ મિત્રના પ્રસંગમાં હું આવ્યો ત્યારે રાજકોટમાં ‘સુધારાપંથ’ પ્રવર્તતો હતો. ઘણા હિંદુ શિક્ષકો છૂપી રીત માંસાહાર ને મદ્યપાન કરતા હતા એવા ખબર આ મિત્ર તરફથી મળ્યા. રાજકોટના બીજા જાણીતા ગૃહસ્થોનાં નામ પણ તેણે ગણાવ્યાં. હાઈસ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓનાં નામ પણ મારી પાસે આવ્યાં. હું તો આશ્ચર્ય પામ્યો ને દુઃખી પણ થયો. મેં કારણ પૂછયું ત્યારે આ દલીલ થઈ, ‘આપણે માંસાહાર નથી કરતા તેથી આપણે નમાલી પ્રજા છીએ. અંગ્રેજો આપણા ઉપર રાજ્ય ચલાવે છે તેનું કારણ તેમનો માંસાહાર છે. હું કેવો કઠણ છું ને કેટલું દોડી શકું છું એ તો તમે જાણો જ છો. એનું કારણ પણ મારો માંસાહાર જ છે. માંસાહારીને ગૂમડાં થાય નહીં, થાય તો તેને ઝટ રૂઝ આવે. આપણા શિક્ષકો તે ખાય છે, આટલા નામાંકિત માણસો ખાય છે, એ કંઈ વગરસમજ્યે ખાય છે? તમારે પણ ખાવું જોઈએ.

ખાઈ જુઓ અને જોશો કે તમારામાં કેટલું જોર આવે છે.

આ કંઈ એક દિવસમાં થયેલી દલીલ નથી. એવી દલીલો અનેક દાખલાઓથી શણગારાયેલી ઘણી વાર થઈ. મારા વચેટ ભાઈ તો અભડાઈ ચૂક્યા હતા. તેમણે આ દલીલમાં પોતાની સંમતિ આપી. મારા ભાઈના પ્રમાણમાં ને આ મિત્રના પ્રમાણમાં હું તો માયકાંગલો હતો. તેમનાં શરીર વધારે સ્નાયુબદ્ધ હતાં, તેમનું શરીરબળ મારા કરતાં ઘણું વધારે હતું. તેઓ હિંમતવાન હતા. આ મિત્રનાં પરાક્રમો મને મુગ્ધ કરતાં. તે ગમે તેટલું દોડી શકતા. તેમની ઝડપ તો બહુ સરસ હતી. લાંબું ને ઊંચું ખૂબ કૂદી શકે. માર સહન કરવાની શક્તિ પણ તેવી જ. આ શક્તિનું પ્રદર્શન પણ મને વખતોવખત કરાવે. પોતાનામાં જે શક્તિ ન હોય તે બીજાનામાં જોઈને મનુષ્ય આશ્ચર્ય પામે જ છે. તેવું મને થયું. આશ્ચર્યમાંથી મોહ પેદા થયો. મારામાં દોડવાકૂદવાની શક્તિ નહીં જ જેવી હતી. હું પણ આ મિત્રના જેવો બળવાન થાઉં તો કેવું સારું!

વળી હું બહુ બીકણ હતો. ચોરના, ભૂતના, સર્પાદિના ભયોથી ઘેરાયેલો રહેતો. આ ભય મને પીડતા પણ ખૂબ. રાતના એકલા ક્યાંયે જવાની હિંમત ન મળે. અંધારામાં તો ક્યાંયે ન જાઉં. દીવા વિના સૂવું લગભગ અશક્ય. રખે અહીંથી ભૂત આવે, ત્યારે ચોર, ત્રીજી જગ્યાએથી સર્પ! એટલે દીવો તો જોઈએ જ. પાસે સૂતેલી અને હવે કાંઈક જુવાનીમાં આવેલી સ્ત્રીની પાસે પણ આ મારી બીકની વાત હું કેમ કરી શકું? મારા કરતાં તે વધારે હિંમતવાન હતી એટલું હું સમજી ગયો હતો, અને શરમાતો હતો. તેણે સર્પાદિનો ભય તો કદી જાણ્યો જ નહોતો. અંધારામાં એકલી ચાલી જાય. આ મારી નબળાઈઓની પેલા મિત્રને ખબર હતી. તે તો જીવતા સર્પોને પણ હાથે પકડે એમ મને કહે. ચોરથી ન જ ડરે. ભૂતને તો માને જ નહીં. આ બધું માંસાહારને પ્રતાપે છે એમ તેણે મને ઠસાવ્યું.

આ જ દિવસોમાં નર્મદનું નીચલું કાવ્ય નિશાળોમાં ગવાતું :

અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ,

દેશી રહે દબાઈ, જોને બેનાં શરીર ભાઈ

પેલો પાંચ હાથ પૂરો; પૂરો પાંચસેને.

આ બધાની મારા મન ઉપર પૂરી અસર થઈ. હું પીગળ્યો. માંસાહાર સારી વસ્તુ છે, તેથી હું બળવાન ને હિંમતવાન થઈશ, દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો હતો.

માંસાહારનો આરંભ કરવાનો દિવસ મુકરર થયો.

આ નિશ્ચય – આ આરંભ – નો અર્થ બધા વાંચનાર નહીં સમજી શકે. ગાંધી કુટુંબ વૈષ્ણવ સંપ્રદાયનું. માતપિતા અતિશય ચુસ્ત ગણાતાં. હવેલીએ હમેશાં જાય. કેટલાંક મંદિરો તો કુટુંબના જ ગણાય. વળી ગુજરાતમાં જૈન સંપ્રદાયનું બહુ બળ. તેની અસર દરેક સ્થળે, દરેક પ્રવૃત્તિમાં જોવામાં આવે. એટલે માંસાહારનો જે વિરોધ, જે તિરસ્કાર ગુજરાતમાં અને શ્રાવકોમાં ને વૈષ્ણવોમાં જોવામાં આવે છે તેવો હિંદુસ્તાનમાં કે આખા જગતમાં બીજે ક્યાંય જોવામાં નહીં આવે. આ મારા સંસ્કાર.

માતપિતાનો હું પરમ ભક્ત. તેઓ મારા માંસાહારની વાત જાણે તો તેમનું તો વણમોતે તત્કાળ મૃત્યુ જ નીપજે એમ હું માનનારો. સત્યનો જાણ્યેઅજાણ્યે સેવક તો હું હતો જ. માંસાહાર કરતાં માતપિતાને છેતરવાનું રહેશે એ જ્ઞાન મને તે વેળા નહોતું એમ હું ન કહી શકું.

આવી સ્થિતિમાં મારો માંસાહાર કરવાનો નિશ્ચય મારે સારુ બહુ ગંભીર ને ભયંકર વસ્તુ હતી.

પણ મારે તો સુધારો કરવો હતો. માંસાહારનો શોખ નહોતો. તેમાં સ્વાદ છે એવું ધારીને મારે માંસાહાર નહોતો આરંભવો. મારે તો બળવાન, હિંમતવાન થવું હતું, બીજાને તેવા થવા નોતરવા હતા, ને પછી અંગ્રેજોને હરાવી હિંદુસ્તાનને સ્વતંત્ર કરવું હતું. ‘સ્વરાજ્ય’ શબ્દ તો ત્યારે નહોતો સાંભળ્યો. આ સુધારાની ધગશમાં હું ભાન ભૂલ્યો.