સત્યના પ્રયોગો/નારાયણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૨. નારાયણ હેમચંદ્ર

આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં મળ્યો. મિસ મૅનિંગ જાણતાં હતાં કે મને બધાની સાથે ભળતાં નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બેઠો રહેતો; કોઈ બોલાવે તો જ બોલું.

તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી.

નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઈ કે કૉલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી હતી. તેમણે લાંબી દાઢા રાખી હતી.

કદ એકવડિયું ઠીંગણું કહીએ તો ચાલે. મોં ઉપર શીળીના ડાઘ હતા. ચહેરો ગોળ. નાક નહીં અણીદાર, નહીં ચીબું. દાઢી ઉપર હાથ ફર્યાં કરે.

બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્રર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.

‘આપનું નામ મેં બહુ સાંભળ્યું છે. આપનાં કંઈ લખાણો પણ વાંચ્યાં છે. આપ મારે ત્યાં આવશો?’

નારાયણ હેમચંદ્રનો સાદ ભાંભરો હતો. તેમણે હસમુખે ચહેરે જવાબ આપ્યોઃ

‘તમે ક્યાં રહો છો?’

‘સ્ટોર સ્ટ્રીટમાં.’

‘ત્યારે તો આપણે પડોશી છીએ. મારે અંગ્રેજી શીખવું છે. તમે મને શીખવશો?’

મેં જવાબ આપ્યો, ‘જો આપને કંઈ મદદ દઈ શકું તો હું રાજી થાઉં. મારાથી બનતી મહેનત જરૂર કરીશ. આપ કહેશો તો હું આપને ત્યાં આવીશ.’

‘ના ના, હું જ તમારે ત્યાં આવીશ. મારી કને પાઠમાળા છે તે હું લેતો આવીશ.’

અમે વખત મુકરર કર્યો. અમારી વચ્ચે ભારે સ્નેહગાંઠ બંધાઈ.

નારાયણ હેમચંદ્રને વ્યાકરણ મુદ્દલ નહોતું આવડતું. ‘ઘોડો’ ક્રિયાપદ બને ને ‘દોડવું’ નામ બને. આવા વિનોદી દાખલા તો મને કેટલાયે યાદ છે. પણ નારાયણ હેમચંદ્ર મને પી જાય તેવા હતા. મારા અલ્પ વ્યાકરણથી એ કંઈ મોહી જાય તેવા નહોતા. તેમને વ્યાકરણ ન આવડે તેની શરત તો હતી જ નહીં.

‘હું કંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી. મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઈ. જુઓ, તમને બંગાળી આવડે છે? મને તો બંગાળી આવડે. હું બંગાળમાં ફર્યો છું. મહર્ષિ દેવેદ્રનાથ ટાગોરનાં પુસ્તકોનો તરજુમો તો ગુજરાતી પ્રજાને મેં જ આપ્યો છે ના? મારે તો ઘણી ભાષામાંથી ગુજરાતી પ્રજાને તરજુમા આપવા છે. તે કરવામાંયે હું શબ્દાર્થને નથી વળગતો. ભાવાર્થ આપું એટલે મને સંતોષ. મારી પછી બીજાઓ ભલે વધારે આપે. હું તો વગર વ્યાકરણે મરાઠી જાણું. હિંદી જાણું, ને હવે અંગ્રેજી જાણતો થવા લાગ્યો. મારે તો શબ્દભંડાર જોઈએ. તમે ન જાણતા કે એકલી અંગ્રેજીથી મને સંતોષ થવાનો છે. મારે તો ફ્રાંસ જવું છે, ને ફ્રેંચ પણ શીખી લેવું છે. હું જાણું છું કે ફ્રેંચ સાહિત્ય બહોળું છે. બનશે તો જર્મની પણ જઈશ ને જર્મન શીખી લઈશ.’

આમ નારાયણ હેમચંદ્રની ધારા ચાલતી જ રહી. ભાષાઓ જાણવાનો ને મુસાફરી કરવાનો તેમનો લોભ અપાર હતો.

‘ત્યારે તમે અમેરિકા તો જવાના જ.’

‘જરૂર. એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે?’

‘પણ તમારી પાસે એટલા બધા પૈસા ક્યાં છે?’

‘મારે પૈસાનું શું કામ? મારે ક્યાં તમારા જેવી ટાપટીપ કરવી છે? મારે ખાવું કેટલું ને પહેરવું કેટલું? મારાં પુસ્તકોમાંથી મને કંઈક મળે છે તે અને થોડું મિત્રો આપે તે બસ થઈ જાય. હું તો બધે ત્રીજા વર્ગમાં જ જનારો રહ્યો. અમેરિકા ડેકમાં જઈશ.’

નારાયણ હેમચંદ્રની સાદાઈ તો તેમની પોતાની જ હતી. તેમની નિખાલસતા પણ તેટલી જ હતી. અભિમાનનું નામ નહોતું. પોતાની લેખક તરીકેની શક્તિ વિશે જોઈએ તેના કરતાં પણ વધારે વિશ્વાસ હતો.

અમે રોજ મળતા. અમારી વચ્ચે વિચાર તેમ જ આચારનું સામ્ય ઠીક હતું. બંને અન્નાહાર કરનારા હતા. બપોરના ઘણી વેળા સાથે જમીએ. આ મારો અઠવાડિયાના સત્તર શિલિંગમાં રહેવાનો ને સ્વયંપાક કરવાનો કાળ હતો. હું કોઈ વેળા તેમની કોટડીએ જાઉં. તે કોઈ વેળા મારી કોટડીએ આવે. હું અંગ્રેજી ઢબની રસોઈ કરું. તેમને દેશી ઢબ વિના સંતોષ ન જ વળે. દાળ જોઈએ જ. હું ગાજર ઇત્યાદિનો સૂપ બનાવું તેથી મારી દયા ખાય. તેમણે મગ ક્યાંકથી શોધી કાઢયા હતા. એક દિવસે મારે સારુ મગ રાંધીને લાવ્યા ને મેં અત્યંત સ્વાદથી ખાધા. પછી તો અમારે આવી આપલે કરવાનો વહેવાર વધ્યો. હું મારી વાનગી તેમને ચખાડું ને તે મને પોતાની ચખાડે.

આ સમયે કાર્ડિનલ મૅનિંગનું નામ સહુને મુખે હતું. ગોદીના મજૂરોની હડતાળ હતી. જૉન બર્ન્સ અને કાર્ડિનલ મૅનિંગના પ્રયત્નથી હડતાળ વહેલી બંધ થઈ. કાર્ડિનલ મૅનિંગની સાદાઈ વિશે ડિઝરાયેલીએ લખ્યું હતું તે મેં નારાયણ હેમચંદ્રને સંભળાવ્યું.

‘ત્યારે મારે તો એ સાધુપુરુષને મળવું જોઈએ.’

‘એ તો બહુ મોટા માણસ રહ્યા. તમને કેમ મળશે?’

‘હું બતાવું તેમ. તમારે મારે નામે કાગળ લખવો. હું લેખક છું એવી ઓળખાણ આપજો. તેમના પરોપકારી કાર્યનો ધન્યવાદ જાતે આપવા મારે મળવું છે એમ લખજો. ને એમ પણ લખજો કે, મને અંગ્રેજી વાત કરતાં ન આવડે તેથી મારે તમને દુભાષિયા તરીકે લઈ જવા પડશે.’

મેં એવા પ્રકારનો કાગળ લખ્યો. કાર્ડિનલ મૅનિંગનો જવાબ બેત્રણ દહાડામાં એક પત્તામાં આવ્યો. તેમણે મળવાનો સમય આપ્યો.

અમે બંને ગયા. મેં તો દસ્તૂર મુજબ મુલાકાતી કપડાં પહેર્યાં. નારાયણ હેમચંદ્ર તો જેવા હતા તેવા જઃ એ જ કોટ ને એ જ પાટલૂન. મેં વિનોદ કર્યો. તેમણે મને હસી કાઢયો ને બોલ્યા :

‘તમે સુધરેલા બધા બીકણ છો. મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા. તેઓ તો તેના હૃદયને તપાસે છે.’

અમે કાર્ડિનલના મહેલમાં પ્રવેશ કર્યો. મકાન મહેલ જ હતું. અમે બેઠા કે તુરત એક સુકલકડી, બુઢ્ઢા, ઊંચા પુરુષે પ્રવેશ કર્યો. અમારી બંનેની સાથે હાથ મેળવ્યા. નારાયણ હેમચંદ્રને આવકાર દીધો.

‘મારે આપનો વખત નથી લેવો. મેં તો આપને વિશે સાંભળ્યું હતું. આપે હડતાળમાં જે કામ કર્યું તેને સારુ આપનો ઉપકાર માનવો હતો. દુનિયાના સાધુપુરુષોનાં દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે. તેથી આપને મેં આટલી તસ્દી આપી.’ આ વાક્યનો તરજુમો કરી દેવાનું મને નારાયણ હેમચંદ્ર ફરમાવ્યું.

‘તમે આવ્યા તેથી હું રાજી થયો. હું ઉમેદ રાખું છું કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે, ને અહીંના લોકોની તમે ઓળખાણ કરશો. ઈશ્વર તમારું ભલું કરો.’ આમ કાર્ડિનલ બોલ્યા ને ઊભા થયા.

એક વેળા નારાયણ હેમચંદ્ર મારે ત્યાં ધોતિયું ને પહેરણ પહેરીને આવ્યા. ભલી ઘરધણિયાણીએ બાર ઉઘાડ્યાં ને બીની. મારી પાસે આવી (મારાં ઘર તો હું બદલ્યા જ કરતો એ વાંચનારને યાદ હશે), ને બોલી : ‘કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માગે છે.’ હું દરવાજે ગયો ને નારાયણ હેમચંદ્રને જોયા. હું આભો જ બની ગયો. તેમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે.

‘પણ તમને છોકરાંઓએ કનડગત ન કરી?’

‘મારી પછળ દોડતાં હતાં. મેં કંઈ ધ્યાન ન આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયાં,’ મને જવાબ મળ્યો.

નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારીસ ગયા. ત્યાં ફ્રેંચ અભ્યાસ આદર્યો, ને ફ્રેંચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા. તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેંચ મને આવડતું હતું. તેથી તે જોઈ જવા કહ્યું. મેં જોયું કે તે તરજુમો નહોતો પણ કેવળ ભાવાર્થ હતો.

છેવટે, તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડયો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારું ‘અસભ્ય પોશાક પહેર્યા’ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા.