સત્યના પ્રયોગો/બાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯. બળિયા સાથે બાથ

હવે એશિયાઈ અમલદારો તરફ નજર કરીએ.

એશિયાઈ અમલદારોનું મોટામાં મોટું થાણું જોહાનિસબર્ગમાં હતું. એ થાણામાં હિંદી, ચીના વગેરેનું રક્ષણ નહીં પણ ભક્ષણ થતું હતું એમ હું જોઈ રહ્યો હતો. મારી પાસે રોજ ફરિયાદો આવેઃ ‘હકદાર દાખલ થઈ નથી શકતા, ને બેહક સો સો પાઉન્ડ આપીને આવ્યે જાય છે. આનો ઇલાજ તમે ન કરો તો કોણ કરશે? મને પણ એવી જ લાગણી હતી. જો આ સડો ન નીકળે તો મારું ટ્રાન્સવાલમાં વસવું ફોગટ ગણાય.

હું પુરાવા એકઠા કરવા લાગ્યો. જ્યારે મારી પાસે ઠીક જમાવ થયો ત્યારે હું પોલીસ કમિશનરની પાસે પહોંચ્યો. તેનામાં દયા અને ઇન્સાફ હતાં એમ મને લાગ્યું. મારી વાત છેક કાઢી નાખવાને બદલે તેણે ધીરજથી સાંભળી ને પુરાવા રજૂ કરવા કહ્યું. સાક્ષીઓને પોતે જ તપાસ્યા. તેની ખાતરી થઈ. પણ જેમ હું જાણતો હતો તેમ તે પણ જાણતો હતો કે દક્ષિણ આફ્રિકામાં ગોરા પંચોની પાસે ગોરા ગુનેગારને દંડ દેવડાવવો એ મુશ્કેલ હતું. ‘તોપણ આપણે મહેનત તો કરીએ. આવા ગુનેગાર જૂરીને હાથે છૂટી જશે એવી બીકથી તેમને ન પકડાવવા એ પણ બરોબર નથી. એટલે હું તો તેમને પકડાવીશ. મારી મહેનતમાં કચાશ નહીં રાખું એટલી તમને ખાતરી આપું છું.’

મને ખાતરી હતી જ. બીજા અમલદારો ઉપર પણ શક તો હતો, પણ તેમની સામે મારી પાસે કાચો પુરાવો હતો. બેને વિશે મુદ્દલ શક નહોતો. તેથી બેની ઉપર વોરંટ નીકળ્યાં.

મારી હિલચાલ છૂપી રહી જ ન શકે તેવી હતી. હું લગભગ રોજ પોલીસ કમિશનરને ત્યાં જાઉં એ ઘણા દેખે. આ બે અમલદારોના નાનામોટા જાસૂસો તો હતા જ. તેઓ મારી ઑફિસની ચોકી કરે ને મારી આવજાના ખબર પેલા અમલદારોને આપે. અહીં મારે એટલું કહેવું જોઈએ કે મજકૂર અમલદારોનો ત્રાસ એટલો બધો હતો કે તેમને બહુ જાસૂસો નહોતા મળતા. હિંદીઓની તેમ જ ચીનાની મને મદદ ન હોત તો આ અમલદારો ન જ પકડાત.

આ બેમાંથી એક અમલદાર ભાગ્યો. પોલીસ કમિશનરે બહારનું વૉરંટ કઢાવી તેને પકડાવ્યો ને પાછો આણ્યો. કેસ ચાલ્યો. પુરાવા પણ સરસ પડ્યા. છતાં, અને એક તો ભાગ્યો હતો એમ જૂરીની પાસે પુરાવો પડયો હતો તોપણ, બંને છૂટી ગયા!

હું બહુ નિરાશ થયો. પોલીસ કમિશનરને પણ દુઃખ થયું. વકીલના ધંધા પ્રત્યે મને અણગમો ઉત્પન્ન થયો. બુદ્ધિનો ઉપયોગ ગુનો છુપાવવામાં થતો જોઈ મને બુદ્ધિ જ અળખામણી લાગી.

બન્ને અમલદારોનો ગુનો એટલો પ્રસિદ્ધ થઈ ગયો હતો કે તેઓ છૂટયા છતાં સરકાર તેમને સંઘરી તો ન જ શકી. બન્નેને બરતરફી મળી ને એશિયાઈ થાણું કંઈક ચોખ્ખું થયું. કોમને હવે ધીરજ આવી અને હિંમત પણ આવી.

મારી પ્રતિષ્ઠા વધી. મારો ધંધો પણ વધ્યો. કોમના સેંકડો પાઉન્ડ દર માસે લાંચમાં જ જતા તેમાંથી ઘણા બચ્યા. બધા બચ્યા એમ તો ન જ કહી શકાય. અપ્રમાણિક તો હજુયે ચરી ખાતા હતા. પણ પ્રામાણિક પોતાની પ્રામાણિકતા જાળવી શકવા પામ્યા એમ કહી શકાય.

હું કહી શકું છું કે આ અમલદારો આવા અધમ હતા છતાં તેઓ સામે અંગત મને કંઈ જ નહોતું. આ મારો સ્વભાવ તેઓ જાણતા હતા. અને જ્યારે તેમને તેમની કંગાળ હાલતમાં મદદ કરવાનો પ્રસંગ મને આવેલો ત્યારે મેં મદદ પણ કરેલી. જોહાનિસબર્ગની મ્યુનિસિપાલિટીમાં જો હું વિરોધ ન કરું તો તેમને નોકરી મળે તેમ હતું. તેમનો મિત્ર મને મળ્યો, ને મેં તેમને નોકરી મળવામાં મદદ કરવાનું કબૂલ કર્યું. તેમને નોકરી પણ મળી.

આ પગલાની અસર એ થઈ કે, જે ગોરા વર્ગના સંબંધમાં હું આવ્યો તેઓ મારે વિશે નિર્ભય બનવા લાગ્યા; ને જોકે તેમનાં ખાતાં સામે મારે ઘણી વેળા લડવું પડતું, તીખા શબ્દો વાપરવા પડતા, છતાં તેઓ મારી સાથે મીઠો સંબંધ રાખતા. આવી વર્તણૂક મારા સ્વભાવમાં જ હતી એનું મને તે વેળા બરોબર જ્ઞાન નહોતું. આવા વર્તનમાં સત્યાગ્રહની જડ રહેલી છે, એ અહિંસાનું અંગવિશેષ છે, એ હું પાછળથી સમજતો થયો.

મનુષ્ય અને તેનું કામ એ બે નોખી વસ્તુ છે. સારાં કામ પ્રત્યે આદર અને નઠારાં પ્રત્યે તિરસ્કાર હોવો જ જોઈએ. સારાંનરસાં કામ કરનાર પ્રત્યે હમેશાં આદર અથવા દયા હોવાં જોઈએ. આ વસ્તુ સમજવે સહેલી છે છતાં તેનો અમલ ઓછામાં ઓછો થાય છે. તેથી જ આ જગતમાં ઝેર ફેલાયા કરે છે.

સત્યની શોધના મૂળમાં આવી અહિંસા રહેલી છે. તે હાથ ન આવે ત્યાં લગી સત્ય મળે જ નહીં એમ હું પ્રતિક્ષણ અનુભવ્યા કરું છું. તંત્રની સામે ઝઘડો શોભે, તંત્રીની સામે ઝઘડો કરવો તે પોતાની સામે કર્યા બરોબર છે. કેમ કે બધા એક જ પીંછીથી દોરાયેલા છીએ, એક જ બ્રહ્માની પ્રજા છીએ. તંત્રીમાં તો અનંત શક્તિ રહેલી છે. તંત્રીનો અનાદર-તિરસ્કાર કરવા જતાં તે શક્તિઓનો અનાદર થાય ને તેમ થતાં તંત્રીને તેમ જ જગતને નુકસાન પહોંચે.