સત્યના પ્રયોગો/બાળકેળવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫. બાળકેળવણી

સન ૧૮૯૭ના જાનેવારીમાં હું ડરબન ઊતર્યો ત્યારે મારી સાથે ત્રણ બાળક હતાં મારો ભાણેજ દશેક વર્ષની ઉંમરનો, મારો મોટો દીકરો નવ વર્ષનો, અને બીજો દીકરો પાંચ વર્ષનો. આ બધાને ક્યાં ભણાવવા?

ગોરાઓને સારુ જે નિશાળો હતી તેમાં હું મારા છોકરાઓને મોકલી શકતો હતો, પણ તે કેવળ મહેરબાની અને અપવાદ દાખલ. બીજા બધાં હિંદી બાળકો ત્યાં ભણી શકે તેમ નહોતું. હિંદી બાળકોને ભણાવવા સારુ ખ્રિસ્તી મિશનની નિશાળો હતી. તેમાં હું મારાં બાળકોને મોકલવા તૈયાર નહોતો. ત્યાં અપાતી કેળવણી મને ગમતી નહોતી. ગુજરાતી દ્વારા તો ત્યાં શિક્ષણ મળે જ ક્યાંથી? અંગ્રેજી દ્વારા જ મળે, અથવા બહુ પ્રયાસ કરીએ તો અશુદ્ધ તામિલ કે હિંદી દ્વારા. આ અને બીજી ખામીઓ હું જીરવી શકું તેમ નહોતું.

હું પોતે બાળકોને ભણાવવા થોડોક પ્રયત્ન કરતો, પણ તે અત્યંત અનિયમિત હતો. ગુજરાતી શિક્ષક મને અનુકૂળ આવે તેવો હું ન શોધી શક્યો.

હું મૂંઝાયો. મને રુચે તેવું શિક્ષણ બાળકોને મળે એવા અંગ્રેજી શિક્ષકને સારુ મેં જાહેરખબર આપી, તેનાથી જે શિક્ષક મળી આવે તેની મારફતે થોડું નિયમિત શિક્ષણ આપવું, ને બાકી મારે પડે જેમતેમ ચલાવવું એમ ધાર્યું. એક અંગ્રેજ બાઈને સાત પાઉન્ડના પગારથી રોકી ને કંઈક આગળ ગાડું ચલાવ્યું.

મારો વ્યવહાર બાળકો સાથે કેવળ ગુજરાતીમાં જ રહેતો. તેમાંથી તેમને કંઈક ગુજરાતી મળી રહેતું. દેશ મોકલી દેવા હું તૈયાર નહોતો. મને તે વેળા પણ એમ લાગતું કે, બાળક છોકરાંઓ માબાપથી વિખૂટાં ન રહેવાં જોઈએ. જે કેળવણી બાળકો સુવ્યવસ્થિત ઘરમાં સહેજે પામે છે તે છાત્રાલયોમાં ન પામી શકે. તેથી મોટે ભાગે તેઓ મારી સાથે જ રહ્યાં. ભાણેજ અને મોટો દીકરો એ બેને થોડાક મહિના દેશમાં મેં જુદાં જુદાં છાત્રાલયોમાં મોકલેલા ખરા, પણ ત્યાંથી તેમને તુરત પાછા બોલાવી લીધા. પાછળથી મારો મોટો દીકરો, ઠીક ઉંમરે પહોંચ્યા બાદ, પોતાની ઇચ્છાએ, અમદાવાદની હાઈસ્કૂલમાં ભણવા ખાતર, દક્ષિણ આફ્રિકા છોડી આવેલો, મારા ભાણેજને હું જે આપી શક્યો હતો તેથી તેને સંતોષ હતો એવો મને ખ્યાલ છે. તે ભરજુવાનીમાં થોડા દિવસની માંદગી ભોગવી દેવલોક પામ્યો. બીજા ત્રણ દીકરા કદી કોઈ નિશાળે ગયા જ નથી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને અંગે મેં સ્થાપેલી શાળામાં તેઓ થોડો નિયમિત અભ્યાસ પામેલા.

મારા આ પ્રયોગો અપૂર્ણ હતા. બાળકોને હું પોતે આપવા માગતો હતો એટલો સમય નહોતો આપી શક્યો. તેથી અને બીજા અનિવાર્ય સંજોગોને લઈને હું ઇચ્છું તેવું અક્ષરજ્ઞાન હું તેમને ન આપી શક્યો. મારા બધા દીકરાઓની ઓછાવત્તા પ્રમાણમાં આ બાબતમાં મારી સામે ફરિયાદ પણ રહી છે. કારણ, જ્યારે જ્યારે તેઓ ‘બી.એ.’, ‘એમ. એ.’ અને ‘મૅટ્રિક્યુલેટ’ના પણ પ્રસંગમાં આવે ત્યારે પોતે નિશાળમાં ન ભણ્યાની ખામી જુએ.

આમ છતાં મારો પોતાનો એવો અભિપ્રાય છે કે, જે અનુભવજ્ઞાન તેઓ પામ્યા છે, માતાપિતાનો જે સહવાસ તેઓ મેળવી શક્યા છે, સ્વતંત્રતાનો જે પદાર્થપાઠ તેમને શીખવા મળ્યો છે, તે જો મેં તેઓને ગમે તે રીતે નિશાળે મોકલવાનો આગ્રહ રાખ્યો હોત તો તેઓ ન પામત. તેઓને વિશે જે નિશ્ચિંતતા મને આજે છે તે ન હોત; અને તેઓ જે સાદાઈ અને સેવાભાવ શીખ્યા છે તે, મારાથી વિખૂટા પડી વિલાયતમાં કે દક્ષિણ આફ્રિકામાં કૃત્રિમ કેળવણી પામ્યા હોત તો, ન કેળવી શકત; બલકે તેઓની કૃત્રિમ રહેણી મારા દેશકાર્યમાં મને કદાચ વિઘ્નકર્તા થઈ પડત.

તેથી, જોકે હું તેઓને ઇચ્છું તેટલું અક્ષરજ્ઞાન નથી આપી શક્યો, તોપણ મારાં પાછલાં વર્ષોનો વિચાર કરું છું ત્યારે, તેઓના પ્રત્યેનો મારો ધર્મ મેં યથાશક્તિ નથી બજાવ્યો એવો ખ્યાલ મને નથી આવતો, નથી મને પશ્ચાત્તાપ થતો. એથી ઊલટું, મારા મોટા દીકરાને વિશે હું જે દુખદ પરિણામ જોઉં છું તે મારા અધકચરા પૂર્વકાળનો પ્રતિધ્વનિ છે એમ મને હમેશાં ભાસ્યું છે. તે કાળે તેની ઉંમર જેને મેં દરેક રીતે મારો મૂર્છાકાળ, વૈભવકાળ માન્યો છે તેનું તેને સ્મરણ રહે, તેવડી હતી. તે કેમ માને કે તે મારો મૂર્છાકાળ હતો? તે કાં ન માને કે, તે કાળ મારો જ્ઞાનકાળ હતો અને તે પછી થયેલાં પરિવર્તનો અયોગ્ય અને મોહજન્ય હતાં? તે કાં એમ ન માને કે, તે કાળે હું જગતના ધોરી માર્ગે જતો હતો અને તેથી સુરક્ષિત હતો, અને ત્યાર પછી કરેલા ફેરફારો મારા સૂક્ષ્મ અભિમાનની અને અજ્ઞાનની નિશાની હતા? જો મારા દીકરા બારિસ્ટર ઇત્યાદિ પદવી પામ્યા હોત તો શું ખોટું થાત? મને તેમની પાંખ કાપવાનો શો અધિકાર હતો? મેં કાં તેમને પદવીઓ લેવા દઈ મનગમતો જીવનમાર્ગ પસંદ કરવાની સ્થિતિમાં ન મૂક્યા? આવી દલીલ મારા કેટલાક મિત્રોએ પણ મારી પાસે કરી છે.

મને આ દલીલમાં વજૂદ નથી લાગ્યું. હું અનેક વિદ્યાર્થીઓના પ્રસંગમાં આવ્યો છું. બીજાં બાળકો ઉપર મેં બીજા અખતરા પણ કર્યાં છે અથવા કરાવવામાં હું મદદગાર થયો છું. તેનાં પરિણામો પણ મેં જોયાં છે. એવાં બાળકો અને મારા દીકરાઓ આજે એક હેડીના છે. હું નથી માનતો કે તેઓ મારા દીકરાઓ કરતાં મનુષ્યત્વમાં ચડી જાય છે, અથવા તેઓની પાસેથી મારા દીકરાઓને ઝાઝું શીખવાપણું હોય.

છતાં, મારા અખતરાનું છેવટનું પરિણામ તો ભવિષ્યમાં જ જણાય. આ વિષયને અહીં ચર્ચવાનું તાત્પર્ય તો એ છે કે, મનુષ્યજાતિની ઉક્રાંતિનો અભ્યાસી, ગૃહકેળવણી અને નિશાળની કેળવણીના ભેદનું, અને પોતાની જિંદગીમાં માબાપોએ કરેલાં પરિવર્તનોની પોતાનાં બાળકો ઉપર થતી અસરનું, યત્કિંચિત્ માપ કાઢી શકે.

વળી, સત્યનો પૂજારી આ અખતરામાંથી સત્યની આરાધના તેને ક્યાં સુધી લઈ જાય છે એ જોઈ શકે, અને સ્વતંત્રતા દેવીનો ઉપાસક એ દેવી કેવા ભોગો માગે છે એ જોઈ શકે, એ પણ આ પ્રકરણનું તાત્પર્ય છે. બાળકોને મારી સાથે રાખ્યા છતાં જો મેં સ્વમાન જતું કર્યું હોત, બીજાં હિંદી બાળકો ન પામી શકે તે મારાંને વિશે મારે ન ઇચ્છવું જોઈએ એ વિચારને મેં ન પોષ્યો હોત, તો હું મારા બાળકોને અક્ષરજ્ઞાન આપી શકત ખરો. પણ ત્યારે તેઓ જે સ્વતંત્રતા અને સ્વમાનનો પદાર્થપાઠ શીખ્યા તે ન શીખી શકત. અને જ્યાં સ્વતંત્રતા અને અક્ષરજ્ઞાન વચ્ચે જ પસંદગી રહી છે, ત્યાં કોણ કહેશે કે સ્વતંત્રતા અક્ષરજ્ઞાન કરતાં હજારગણી વધારે સારી નથી?

જે નવજુવાનોને મેં ૧૯૨૦ની સાલમાં સ્વતંત્રતાઘાતક નિશાળો ને કૉલેજો છોડવાનું નિમંત્રણ કર્યું, અને જેઓને મેં કહ્યું કે, સ્વતંત્રતાને ખાતર નિરક્ષર રહી જાહેર રસ્તા પર પથ્થર ફોડવા તે ગુલામીમાં રહીને અક્ષરજ્ઞાન મેળવવા કરતાં સારું છે, તેઓ હવે મારા કથનનું મૂળ કદાચ સમજી શકશે.