સત્યના પ્રયોગો/મહાપ્રદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૩. મહાપ્રદર્શન

સન ૧૮૯૦માં પારીસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. તેની તૈયારીઓ વિશે હું વાંચતો. પારીસ જોવાની તો તીવ્ર ઇચ્છા હતી જ. આ પ્રદર્શન જોવા જાઉં તો બેવડો લાભ થાય એમ વિચાર્યું. પ્રદર્શનમાં એફિલ ટાવર જોવાનું ખેંચાણ બહુ હતું. એ ટાવર કેવળ લોખંડનો છે. એક હજાર ફૂટ ઊંચો છે. એક હજાર ફૂટ ઊંચું મકાન ઊભું જ ન રહી શકે એવી તે પહેલાં કલ્પના હતી. બીજું તો પ્રદર્શનમાં ઘણુંયે હતું.

મેં પારીસમાં અન્નાહારનું એક મકાન હતું એ વિશે વાંચ્યું હતું. ત્યાં એક કોટડી રોકી. ગરીબાઈથી મુસાફરી કરી પારીસ ગયો. સાત દિવસ રહ્યો. ઘણુંખરું બધું જોવાનું પગપાળા જ કર્યું. સાથે પારીસની, તે પ્રદર્શનની ગાઈડ ને તેનો નકશો રાખ્યાં હતાં. તેને આધારે રસ્તાઓ શોધીને મુખ્ય વસ્તુઓ જોઈ.

પ્રદર્શનની વિશાળતા અને વિવિધતા સિવાય બીજું મને કંઈ યાદ નથી. એફિલ ટાવર ઉપર તો બેત્રણ વેળા ચડેલો, એટલે તેનું સ્મરણ ઠીક છે. પહેલે મજલે ખાવાની સગવડ પણ હતી. એટલે ઊંચે ભોજન કર્યાનું કહી શકવા ખાતર ત્યાં ખાણું ખાધું ને સાડા સાત શિલિંગમાં દીવાસળી મેલી.

પારીસનાં પ્રાચીન દેવળો યાદ રહી ગયાં છે. તેમની ભવ્યતા, તેમની અંદર મળતી શાંતિ ન ભુલાય તેવાં છે. નોત્રદામની કારીગરી ને અંદરનું ચિત્રકામ યાદ રહી ગયાં છે. જેમણે લાખો રૂપિયા આવાં સ્વર્ગીય દેવળોમાં નાખ્યા હશે તેમનામાં ઊંડે ઊંડે ઈશ્વરપ્રેમ તો હશે જ એમ લાગેલું.

પારીસનું ફૅશનનું, પારીસના સ્વેચ્છાચારનું, તેના ભોગનું ઠીક વાંચ્યું હતું. તે તો શેરીએ શેરીએ જોવામાં આવતું જ હતું. પણ આ દેવળો તે ભોગોથી નોખાં તરી આવતાં હતાં. દેવળમાં પેસતાં જ બહારની અશાંતિ ભુલાઈ જાય. લોકોની વર્તણૂક બદલાઈ જાય. લોકો અદબથી વર્તે. ત્યાં ઘોંઘાટ હોય નહીં. કુમારિકા મરિયમની મૂર્તિ આગળ કોઈ ને કોઈ પ્રાર્થના તો કરતું જ હોય. આ બધો વહેમ નથી પણ હૃદયની ભાવના છે, એ અસર ત્યારે થઈ ને તે વૃદ્ધિ પામતી ગઈ છે. કુમારિકાની મૂર્તિની સમક્ષ ઘૂંટણે પડીને પ્રાર્થના કરનારા ઉપાસકો આરસના પથ્થરને નહોતા પૂજતા, પણ તેમાં રહેલી તેમની કલ્પનાની શક્તિને પૂજતા હતા. તેથી તેઓ ઈશ્વરનો મહિમા ઓછો નહોતા કરતા પણ વધારતા હતા, એવી અસર મારા મન ઉપર થવાનું ઝાંખું સ્મરણ અને આજ પણ છે.

એફિલ ટાવર વિશે બે બોલ આવશ્યક છે. એફિલ ટાવર હાલ શો અર્થ સારે છે એ હું નથી જાણતો. પ્રદર્શનમાં ગયા પછી પ્રદર્શન વિશે વર્ણનો તો વાંચવામાં આવે જ. તેમાં તેની સ્તુતિ પણ સાંભળી ને નિંદા પણ સાંભળી. નિંદા કરનારામાં અગ્રેસર ટૉલ્સ્ટૉય હતા એવું મને યાદ છે. તેમણે લખેલું કે એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે, તેના જ્ઞાનનું પરિણામ નથી. તેમના લેખમાં તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી વધારે ખરાબ છે. જે કુકર્મ કરવાની હિંમત દારૂ પીવાથી ન આવે તે બીડી પીવાથી આવે છે. દારૂ પીનાર ગાંડો બને છે, જ્યારે બીડી પીનારની અક્કલને ધૂમસ ચડે છે ને તેથી તે હવાઈ કિલ્લા બાંધવા મંડી જાય છે. એફિલ ટાવર આવા વ્યસનનું પરિણામ છે એવો ટૉલ્સ્ટૉયે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો હતો.

એફિલ ટાવરમાં કશું સૌંદર્ય તો નથી જ. પ્રદર્શનને તેણે કશી શોભા આપી એમ ન કહી શકાય. એક નવી વસ્તુ છે; મોટી વસ્તુ છે; તે જોવાને હજારો માણસો ચડ્યા. એ ટાવર પ્રદર્શનનું એક રમકડું હતું. ને જ્યાં સુધી આપણે મોહને વશ છીએ ત્યાં સુધી આપણે પણ બાળક છીએ, એ વસ્તુ આ ટાવર સારી રીતે સિદ્ધ કરે છે એ તેની ઉપયોગિતા ભલે મનાઓ.