સત્યના પ્રયોગો/સાવચેતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૮. એક સાવચેતી

પ્રવાહપતિત કથાના પ્રસંગને હજુ આવતા પ્રકરણ લગી મુલતવી રાખવો પડશે.

ગયા પ્રકરણમાં માટીના પ્રયોગોને અંગે હું જે લખી ગયો તેના જેવો મારો ખોરાકનો પ્રયોગ પણ હતો, એટલે એ વિશે આ સમયે થોડું લખી નાખવું ઉચિત સમજું છું. બીજું કેટલુંક પ્રસંગોપાત્ત હવે પછી આવશે.

ખોરાકના મારા પ્રયોગો અને તેને વિશેના વિચારોનો વિસ્તાર આ પ્રકરણોમાં નહીં કરાય. એ વિશે મેં ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’* નામે પુસ્તક દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ને સારુ લખેલું તેમાં વિસ્તારપૂર્વક લખ્યું છે. મારાં નાનાં નાનાં પુસ્તકોમાં એ પુસ્તક પશ્ચિમમાં તેમ જ અહીં સહુથી વધારે પ્રસિદ્ધિ પામ્યું છે, તેનું કારણ હું આજ લગી સમજી નથી શક્યો. એ પુસ્તક કેવળ ‘ઇન્ડિયન ઓપીનિયન’ના વાંચનારને સારુ લખવામાં આવ્યું હતું. પણ તેને આધારે ઘણાં ભાઈ બહેનોએ પોતાના જીવનમાં ફેરફાર કર્યા છે ને મારી સાથે પત્રવ્યવહાર પણ ચલાવ્યો છે, તેથી તેને વિશે અહીં કંઈક લખવાની આવશ્યકતા ઊભી થઈ છે. કેમ કે, જોકે તેમાં લખેલા મારા વિચારોમાં ફેરફાર કરવાની આવશ્યકતા મેં નથી અનુભવી, છતાં મારા આચારમાં મેં મહત્ત્વનો ફેરફાર કર્યો છે એ તે પુસ્તકના બધા વાંચનાર નથી જાણતા. તેઓ એ તુરત જાણે એ જરૂરનું છે.

એ પુસ્તક લખવામાંખ્ર્જેમ બીજાં લખવામાં-કેવળ ધર્મભાવના હતી અને તે જ મારા પ્રત્યેક કાર્યમાં આજે પણ વર્તે છે. તેથી તેમાંના કેટલાક વિચારોનો હું આજે અમલ નથી કરી શકતો એનો મને ખેદ છે, એની મને શરમ છે.

મારો દૃઢ વિશ્વાસ છે કે, મનુષ્ય બાળક તરીકે માતાનું દૂધ પીએ છે તે ઉપરાંત બીજા દૂધની આવશ્યકતા નથી. મનુષ્યનો ખોરાક વનપક ફળો, લીલાં અને સૂકાં, સિવાય બીજો નથી. બદામાદિ બીજોમાંથી અને દ્રાક્ષાદિ ફળોમાંથી તેને શરીર અને બુદ્ધિનું પૂર્ણ પોષણ મળી રહે છે. આવા ખોરાક ઉપર જે રહી શકે તેને સારુ બ્રહ્મચર્યાદિ આત્મસંયમ ઘણી સહેલી વસ્તુ થઈ પડે છે. આહાર તેવો ઓડકાર, માણસ જેવું ખાય તેવો થાય છે, એ કહેવતમાં ઘણું તથ્ય છે, એમ મેં અને મારા સાથીઓએ અનુભવ્યું છે.

આ વિચારોનું વિસ્તારપૂર્વક સમર્થન આરોગ્યના પુસ્તકમાં છે.

પણ મારે નસીબે હિંદુસ્તાનના મારા પ્રયોગને સંપૂર્ણતાએ પહોંચાડવાનું નહોતું. ખેડા જિલ્લામાં સિપાહીભરતીનું કામ કરતો મારી ભૂલથી હું મરણપથારીએ પડયો. દૂધ વિના જીવવાનાં મેં બહુ વલખાં માર્યાં. જે વૈદ્યોને, દાક્તરોને, રસાયણશાસ્ત્રીઓને ઓળખતો તેમની મદદ માગી. કોઈએ મગનું પાણી, કોઈએ મહુડાંનું તેલ, કોઈએ બદામનું દૂધિયું સૂચવ્યાં. એ બધી ચીજોના પ્રયોગો કરતાં મેં શરીરને નિચોવ્યું, પણ તેથી હું પથારીએથી ઊઠી ન શક્યો.

વૈદ્યોએ મને ચરક ઇત્યાદિમાંથી શ્લોકો સંભળાવ્યા કે, વ્યાધિને દૂર કરવા સારુ ખાદ્યાખાદ્યનો બાધ હોય નહીં ને માસાંદિ પણ ખવાય. આ વૈદ્યો મને દૂધના ત્યાગમાં કાયમ રહેવાની મદદ કરી શકે તેમ નહોતું. જ્યાં ‘બીફ ટી’ અને બ્રýડીને સ્થાન છે ત્યાંથી દૂધના ત્યાગમાં મદદ ક્યાંથી મળે? ગાયભેંસનું દૂધ તો લેવાય જ નહીં. મને વ્રત હતું. વ્રતનો હેતુ તો દૂધમાત્રનો ત્યાગ કરવાનો હતો. પણ વ્રત લેતી વખતે મારી સામે ગાય અને ભેંસમાતા જ હતાં તેથી અને જીવવાની આશાએ મેં મનને જેમતેમ ફોસલાવી લીધું. વ્રતનો અક્ષર પાળ્યો ને બકરીનું દૂધ લેવાનો નિશ્ચય કર્યો. મારા વ્રતનો આત્મા હણાયો એમ મેં બકરીમાતાનું દૂધ લેતી વેળા પણ જાણ્યું.

પણ મારે ‘રૉલેટ ઍક્ટ’ની સામે ઝૂઝવું હતું, એ મોહ મને મૂકતો નહોતો. તેથી જીવવાની પણ ઇચ્છા રહી ને જેને હું મારા જીવનનો મહાન પ્રયોગ માનું છું તે અટક્યો.

ખાવાપીવાની સાથે આત્માનો સંબંધ નથી, તે નથી ખાતો, નથી પીતો, જે પેટમાં જાય છે તે નહીં, પણ જે વચનો અંદરથી નીકળે છે તે હાનિલાભ કરે છે વગેરે દલીલો હું જાણું છું. એમાં તથ્યાંશ છે, પણ દલીલમાં ઊતર્યા વિના અહીં તો મારો દૃઢ નિશ્ચય જ મૂકી દઉં છું કે, જે મનુષ્ય ઈશ્વરથી ડરીને ચાલવા ઇચ્છે છે, જે ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઇચ્છે છે, એવા સાધક ને મુમુક્ષુને સારુ પોતાના ખોરાકની પસંદગીર્ત્યાગ અને સ્વીકારખ્ર્એટલાં જ આવશ્યક છે, જેટલાં વિચાર અને વાચાની પસંદગીર્ત્યાગ અને સ્વીકારખ્ર્આવશ્યક છે.

પણ જે બાબતમાં હું પોતે પડયો છું તે બાબતમાં બીજાઓને મારે આધારે ચાલવાની હું સલાહ ન આપું એટલું જ નહીં, પણ તેમને રોકું, તેથી આરોગ્યના પુસ્તકને આધારે પ્રયોગો કરનારાં બધાં ભાઈબહેનોને હું સાવધાન કરવા ઇચ્છું છું. દૂધનો ત્યાગ સર્વાંશે લાભદાયી લાગે, અથવા અનુભવી વૈદ્યદાક્તરોની તેનો ત્યાગ કરવાની સલાહ હોય તે સિવાય, કેવળ મારાં પુસ્તકને આધારે તેઓ દૂધનો ત્યાગ ન કરે. અહીંનો મારો અનુભવ અત્યાર લગી તો મને એમ જ સૂચવે છે કે જેની હોજરી મંદ થઈ છે ને જે પથારીવશ થયો છે તેને સારુ દૂધ જેવો બીજો હલકો અને પોષક ખોરાક જ નથી. તેથી દૂધની મર્યાદા જે એ પુસ્તકમાં સૂચવી છે તે પર હઠ ન રાખવા તે પુસ્તક વાંચનારને મારી વિનંતી અને ભલામણ છે.

આ પ્રકરણના વાંચનાર કોઈ વૈદ્ય, દાક્તર, હકીમ કે બીજા અનુભવી દૂધની અવેજીમાં તેટલી જ પોષક છતાં પાચક વનસ્પતિ, પોતાના વાચનના આધારે નહીં પણ અનુભવના આધારે, જાણતા હોય તો મને જણાવી મારા ઉપર ઉપકાર કરે.

  • ગાંધીજીના આ વિષય પરના છેલ્લા વિચારો માટે એમણે ૧૯૪૨માં લખેલું ‘આરોગ્યની ચાવી’ એ પુસ્તક (પ્રકાશકઃ નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૧૪, કિં. રૂ. ૪-૦૦, ટપાલરવાનગી ૧-૦૦) જુઓ.