સફરના સાથી/ગુઝરે હૂએ દિન કુછ ઐસે થે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુઝરે હૂએ દિન કુછ ઐસે થે...

મહેફિલ તો રંગરાગમાં ડૂબી ગઈ હતી,
હું કાં હતો બહાર, મને કોણ પૂછશે?

“ગેરકાયદે પત્રિકા અને પોસ્ટર વહેંચનારો આપણો એક સાથી પકડાઈ ગયો છે. પોલીસે તેને ખાસ્સો ધબેડીને આપણાં નામઠેકાણાં જાણી લીધાં છે. એ રાવણું અહીં આવશે. તું સ્વીકાર કરી લેજે, મારે ત્યાં પણ આવશે, તું હા પાડજે, હુંય હા પાડવાનો છું. આપણે જેલ જવું જ છે.” એવું મારા જ નામધારી, સમવયસ્ક રતિભાઈ મને પાવરલૂમ્સ ફેક્ટરીમાં ચાલુ સંચે કહી ગયા. તે પછી પોલીસ આવી ને પકડી ગઈ. ઘરમાં મુદ્દામાલ હતો જ. મને ખૂબ ધબેડ્યો. આખું ઘર ફેંદી નાખ્યું, મારાં પુસ્તકો, કટિંગો, કાપલાં —બધું ફેંદીને રફેદફે કરી નાખ્યું પણ કંઈ ન મળ્યું. મૅજિસ્ટ્રેટ સામે હાજર કરી સબ જેલની છ બાય આઠ ફૂટની ઓરડીમાં અમને ત્રણેયને પૂરી દીધા. અડધો કલાક સ્નાન માટે ઓરડી બહાર આવવા દે. ફરી પૂરી દે—એ ખરેખર જેલ હતી. બે માસ સુધી કેસ ન નીકળે, સામેથી અરજી કરી, મૅજિસ્ટ્રેટ જેલમાં જ ન્યાય કરવા આવ્યા. અમને પૂછ્યું ને સૌ એકી સાદે બોલી ઊઠ્યા: ‘કબૂલ!, તે પછી જીવનમાં પ્રથમ વાર સરકારના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશન પાસે જેલમાં પહોંચ્યા. ‘ગુજરાતનું સત્વ’ ભેગું થયું હતું. હકડેઠઠ મેળો. કોઈને રાખવાનીય જગ્યા નહીં ત્યાં સખત મજૂરી તો શી રીતે કરાવે? ગણેશ વાસુદેવ માવળંકર અને રવિશંકર જેવી વ્યક્તિઓ ત્યાં હતી. કાંતણ, ઉગ્ર અને ઊંડી ચર્ચાઓ ત્યાં ચાલે. સમય ખૂટે એટલું ગાંધીયન અને સામ્યવાદી ભરપૂર સાહિત્ય હતું. બે માસ તો જેલના દવાખાને લગભગ એકલા ક્રોનિક મેલેરિયાને કારણે ગાળ્યા — મધરાત સુધીની ઉગ્ર સામૂહિક ચર્ચાઓ અને શૂન્ય એકાંત. જીવનમાં પહેલો કવિ ને તેય આંખનો અફીણી, બોલનો બંધાણી ઉપરાંત મઘઈપાન અને ગરમાગરમ ભજિયાંનો બંધાણી… આ બે ચોપડી ભણેલા માટે તો એ જેલ યુનિવર્સિટી જેવી. જેલની બહાર આવ્યો ત્યારે કરડી અને કડવી ખુલ્લી જેલમાં પાછો ફર્યો. ગ્યાસતેલ મળે નહીં તે દિવેલનાં કોડિયાં રાતે બળે, ફેરપ્રાઇઝ શોપથી આવતું ગંધાતું અનાજ ગરમ પાણીએ ધોયા પછી પણ ગંધ જાળવી રાખે એવું, પાયજામા માટે સાદું લોંગ ક્લોથ લેવા અજગર જેવી લાઈનમાં ઊભા રહીએ, આપણો વારો આવે તે પહેલાં સ્ટોક ખલાસ. ધંધામાં મંદી છતાં પકડાયેલા એ ફૅક્ટરીવાળાએ મારા એકને માટે માત્ર એક લૂમ્સ ચાલે એવી ફૅક્ટરી ખોલી… જીવ ઉદાસ, રડવું આવે, ડૂમો ભરાય, અકથ્ય અકળામણ, ત્યાં ઘરે આવતાં અખબારમાં મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપનાના સમાચાર વાંચ્યા. અને એમાં મંત્રી અમીન આઝાદનું નામ. ગઝલ નામે ‘જેલ’માં ગાતો શયદાની એક ગઝલ.

અમારા કોણ કહે છે કે ખજાના આજ ખાલી છે?
ખજાનામાં રુદન છે, ભૂખમરો છે, પાયમાલી છે.

આખી ગઝલ મોઢે. સાથીઓ ગવડાવે! પણ એ તો કોઈનો લાડકવાયો જેવું ગાવાનું ગીત મારે માટે. સાંજે અમીન આઝાદની સાઇકલ રિપેરિંગની દુકાને પહોંચ્યો. મારા જેવા જ ત્યાં ભેગા થયા. ફાઈલાતૂન, મફાઈલૂન… ઉરૂઝ સમજાય નહીં. લઘુ- ગુરુના ચોકઠામાં શબ્દો બેસે નહીં, પણ રોજ સાંજે ને પછી તો મધરાત સુધી અમીનભાઈને અરબી કંઠે સ્વરબદ્ધ સાંભળું તેના સંસ્કાર પડે અને એક મંત્રીએ તો ટકોર કરી, ‘છ મહિનાનું છોકરું ગાતું થઈ ગયું.’ બીજા વર્ષે તો હું સહમંત્રી! અને અમીન આઝાદ પત્રકારત્વમાં મુંબઈ ગયા તે પછી તો મંડળ, હું ગિરનારના જંગલમાં ગયો ત્યાં સુધી સુપ્તાવસ્થામાં ને સુરત પાછો ફર્યો એટલે ફરી ચાલુ! છેવટ સુધી મંત્રી! દર ત્રણ મહિને મંડળ મુશાયરો યોજે, ગુજરાતભરના શાયરો પોતાના ખર્ચે ભાગ લેવા આવે. મંડળ માત્ર સૌને ઉતારો ને ચા ને ભાણું આપે! ૧૯૪૨થી ૧૯૫૦, ફરી ૧૯૫૫થી મંડળ ચાલ્યું ત્યાં સુધી શાયરો અને મુશાયરાનો ગાઢ, અંગત ઘરોબો, પછી તો મુંબઈથી તે પાલનપુર, અંબાજી સુધી ને ડાબી બાજુ ગોધરા સુધી અને અમદાવાદથી ફંટાઈને રાજકોટ ને ભાવનગર સુધી. આજે તો એ સ્વપ્ન સમા ભવ્ય મુશાયરા! મહાગુજરાત ગઝલમંડળનું વાર્ષિક બજેટ કેટલું? ત્રણસોક રૂપિયાનું! તેમાં વર્ષમાં પોતાના ખર્ચે ચાર મુશાયરા, વર્ષે એક મુશાયરાની ગઝલોનો સંગ્રહ—ભેટ પુસ્તક ૩ રૂપિયાની વાર્ષિક ફીએ! પછી તો સદ્દગત વિ. ૨. ત્રિવેદીની ગઝલ વિશેની તેજાબી ટીકા પછી ‘મુશાયરા’ નામે અનિયતકાલીન પત્રિકાનું પ્રકાશન! રણજિતરામ સુવર્ણચન્દ્રક સ્વીકારતાં વિષ્ણુભાઈએ બપોરે એક હૉલમાં આપેલું એ ઐતિહાસિક પ્રવચન, તે જ રાત્રે પ્રેમાભાઈ હૉલમાં ઉમાશંકર જોશીના પ્રમુખપદે અમારો મુશાયરો. ભારે મરમી ઉ.જો.એ અમદાવાદના તમામ જાણીતા કવિઓને બપોરની હવાની લહેરખીયે ન આવવા દીધી. અમે ગોધરામાં મુશાયરો પતાવી ટ્રેનમાં તે દિવસે સાંજના પાંચેકના સીધા અમદાવાદ પહોંચેલા, નહીંતર હું તો વિષ્ણુભાઈને સાંભળવા જતે જ. તે પછી છ છ માસ સુધી ગુજરાતભરમાં ચાલેલી ગંભીર સત્વસભર ચર્ચા..… એમાં લેખિત, વાચિક ચર્ચામાં જવાબદાર તરીકે સંડોવાવાનું આ અભણ જુવાનને! ત્યારથી ચાલી આવેલી મારા વિશેની ‘કહેવાતી સમજ’ આજ સુધી ‘સળંગ’ ચાલુ છે. જેલવાસે મને વાચા આપેલી! માવળંકરદાદા ભાષણ કરતા હોય અને એકાએક ઊભો થઈને પ્રશ્ન પૂછું! મહારાજ સાથે પણ બેધડક પૂરા આદર સાથે વાત થાય, બેરેકમાં પૂરી ચર્ચાના મુખ્ય વક્તારૂપે મને ઠઠાડે. એક હોંશીલો તો મારા વક્તવ્યમાં અનાયાસ સૂત્રોથી નોટબુક ભરે... મેં અનુભવ્યું કે મૂંગી કીડીએ જે સંઘર્યું હતું તેટલું બીજાઓએ ભેળું કર્યું નહોતું. જેલમાં પારસી મિલમાલિકે કે મૅનેજરે મને કહેલું: ‘જેલમાંથી છૂટે પછી કાગળ લખજે. તારા ભણવાની વ્યવસ્થા કરીશ!’ રાત્રે સાક્ષર પ્રમુખ અને કવિમિત્રો સાથે, પાસે મંચ પર બેઠો હોય અને બીજી સવારે પાવરલૂમ્સ પર ઊભો ગઝલની કોઈ પંક્તિ, ચાલુ ઘોંઘાટમાં ગણગણતો હોય તેને જાહેરમાં લાગે તે લખવાબોલવામાં કયો સામાજિક દરજ્જો રોકે? ગઝલકારોમાં માત્ર સ્ટેજના માણસો નહોતા, સ્વમાની અને ગંભીર વિચારકો પણ હતા. જાતતપાસ કરે એવાયે ખરા. સમસ્ત મુશાયરા પ્રવૃત્તિના ચાલક, સંચાલક બેકાર તો ‘છોકરાંયે દર્ઝન અને પુસ્તકોય દર્ઝન!” ‘ચાલ્યું આવે છે ને એમ ચાલવાનું!’ કહેવા જેટલા બેધડક—સ્વભાવે અને વર્તને! અમારી ચર્ચા વખતે એ કહે, હવે આ ‘ચોંચલા’ બંધ કરો! પણ અમારામાં કેટલાક તો કુટુંબના ભાઈ જેવા મૂળ હેતભાવે એકબીજાની પ્રવૃત્તિ, સામૂહિક પ્રવૃત્તિની આકરી ઊલટતપાસ કરે એવા હતા. વિ. ૨. ત્રિવેદીની પુણ્યપ્રકોપ જેવી ગઝલ—મુશાયરાની ટીકા, સમસ્ત સાહિત્યજગતમાં મહિનાઓ સુધી સમર્થો દ્વારા ચાલેલી, સ્વસ્થ ચર્ચાથી વાસ્તવમાં વિધાયક પરિણામ આવ્યું. બાકી પંદરેક વર્ષ જે મુશાયરા—પ્રવૃત્તિમાં અનાયાસ સંડોવાયો હતો, અનેક મુશાયરાનો જીવંત સાક્ષી હતો તેણે ગુજરાતી સાહિત્ય પરિષદના મુંબઈમાં, યોજાયેલા કવિસંમેલન જેવો અરાજક, નર્યો અરાજક, એકે મુશાયરો જોયો, અનુભવ્યો નથી. ઇન્દુલાલ ગાંધી કહે આ તો આમંત્રિત કવિઓનું નહીં, સામેથી નામ નોંધાવનારા કવિઓનું સંમેલન છે! કવિ તો બોલાવે તો જાય! શ્રી કરસન માણેકના પ્રમુખપદે યોજાયેલા એ કવિસંમેલનમાં કોણ આવ્યું ને શું બોલી ગયું તે જ સમજાયું નહીં. આ ટીકા નથી, વિનોદી અનુભવની ટૂંકી વાત છે. ચિંતનાત્મક ગદ્યના અભ્યાસી આજે પણ તપાસી શકે કે ત્રિવેદીસાહેબના પેલા પ્રવચનનો ગઝલ-મુશાયરા વિશેનો ગદ્યખંડ. એમના સમગ્ર વિવેચનોની ગદ્યભાષાથી એ સાવ જૂદો પડે છે. મેં તો મિત્રો વચ્ચેની વાતોમાં આશ્ચર્ય વ્યક્ત કરેલું: ત્રિવેદીસાહેબને તો મેં કૉલેજના પરિસરની બહાર માત્ર એક જ વાર બ.ક.ઠાના જાહેર વાર્તાલાપમાં વિક્ટોરિયામાં આવેલા જોયા છે અને એકે મુશાયરામાં તો ગયા જ નથી, તો ‘ફાટે ડોળે ભ્રામક ઇશ્કનાં ગીતો ગાનારા’ એમણે જોયા કે કોઈએ બતાવ્યા હશે? હા, ત્રિવેદીસાહેબ એક જ વાર અમે યોજેલા મુશાયરામાં મંચ પર બિરાજેલા. ગ્રંથ જેવા ત્રૈમાસિક વિ. ક. વૈદ્યના ‘માનસી’ના લાભાર્થે અમે મુશાયરો યોજેલો, તેમાં મંચ પર બ. કા. ઠા., વિ. ૨. ત્રિવેદી અને વિજયરાયની ત્રિપુટી, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશની ત્રિપુટી એક હારે બિરાજેલી! હું કહી શકું કે જે મજૂરી કરીને સાદું જીવન જીવે છે તે સાથે કોઈ કળા કે પ્રવૃત્તિમાંયે રસ છે, તેણે કારકિર્દી-કેરિયરનો કોઈ પ્લાન, નકશો દોર્યો નથી તેની પાસે સાદું સત્ય ઉચ્ચારવાનું વિચારવાણી સ્વાતંત્ર્ય છે. સુરતમાં યોજાયેલા ‘લેખકમિલન’ના સંમેલનમાં શ્રી જયંતી દલાલ કહે, ‘બોલશે?’ મેં હા પાડીને વક્તાઓની યાદીમાં મારું નામ નોંધી લીધું ને આવડયું તે બોલ્યો અને તેના અખબારી અહેવાલમાં એ વક્તવ્યનો મહત્વનો સારભાગ પણ હતો… દયાનંદ સરસ્વતીના ‘સત્યાર્થ પ્રકાશ’ અને સંજાણાના ‘કલાન્ત કવિ’ કે ‘ક્લાન્ત કવિ’ વાંચ્યા પછી તો પોતાની હેસિયતે બોલવા લખવાની કુદરતી પ્રેરણાને પોતીકો આધાર મળી જ ગયો! આડપ્રશ્ન: જે સંજાણાએ શ્રી ઉમાશંકરભાઈના સંપાદનની આકરી ઊલટતપાસ કરી એ જ સંજાણાએ આગલી લેખમાળા પૂર્ણ થયા પછી ઉ. જો.એ ઉત્તરરામચરિત્રનો સમશ્લોકી અનુવાદ કર્યો. તેના ગુણો પ્રગટ કરતી લેખમાળા ‘પ્રજાબંધુ’માં લખી તે કોણ સંભારે છે? કોઈને યાદ પણ છે? વાસ્તવમાં એનું પુસ્તક પ્રગટ થયું હોત તો, ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે કેટલું માર્ગદર્શક નીવડ્યું હોત! વાસ્તવમાં ગઝલ અને મુશાયરા પ્રવૃત્તિની સ્વસ્થ વિવેચના કરવાનો સમય અત્યારે છે. કારણ કે, ગઝલને સાહિત્યમાં સ્થાન મળી ચૂક્યું છે અને ધંધાદારી ગઝલકારો અને સંચાલકો તથા ચાલાક ગઝલવિવેચકો સ્થાપિત હિત જેવા સ્થાયી થઈ ગયા છે. શ્રી જયંત પાઠક સાથે એક સાહિત્યિક સમારંભમાં જતાં મેં સ્વસ્થતાથી એમને કહ્યું હતું કે અર્થઘન, વિચારપ્રધાન છંદોબદ્ધ કવિતાની મર્યાદા આવી ગઈ એવી મર્યાદા ગઝલમાં ગણતરીનાં વર્ષોમાં દેખાશે. ૧૯૩૧માં રચાયેલા મુસ્લિમ ગુજરાતી સાહિત્યમંડળે વ્યવસ્થિત તેમજ મોગલકાલીન પરંપરાના મુશાયરા દીવાન બહાદુર ઝવેરીથી માંડી, ૨. વ. દેસાઈ, સુંદરમ્ જેવાને પ્રમુખપદે યોજીને એ પ્રવૃત્તિનો પાયો નાખ્યો હતો. તેમાંના જે કેટલાકે ‘બેકાર’ના પ્રમુખપદે ‘મહાગુજરાત ગઝલ મંડળ’ સ્થાપ્યું હતું તેણે આખા ગુજરાતમાં યોજેલા વ્યવસ્થિત મુશાયરાઓએ ઉ. જો. જેને ‘નવી ગઝલ’ કહે છે તેનો નક્કર પાયો રચી આપ્યો. એ જ પાયા પર આજની ગઝલ ઊભી છે. એ જ મુશાયરા પ્રવૃત્તિએ સંખ્યાબંધ નીવડેલા શાયરો આપ્યા છે. એ પ્રવૃત્તિ ન થઈ હોત તોયે થોડાકે ગઝલ લખી હોત પણ સતત લખતા રહ્યા હોત નહીં. લોકપ્રિયતા એક તક છે તો અંગત જવાબદારી પણ બને છે, કારણ કે સાતત્ય અને ધોરણ વિના લોકપ્રિયતા એકધારી અને પરિણામદાયી રહેતી નથી એક નહીં જાહેર થયેલ ઉત્સાહી મિશન જેવી એ પ્રવૃત્તિ હતી. મંડળ માત્ર ઉતારા અને જમવાની સગવડ આપતું. બહારના શાયરો સ્વખર્ચે સ્નેહીના કોઈ અવસરમાં ભાગ લેવા જતા હોય એવા ભાવે આવતા. મૈત્રી તાજી કે ગાઢ કરવાનો અવસર માનતા. મંડળનો મંત્રી તો માત્ર સર્વકક્ષાની જાતે જ વ્યવસ્થા કરનાર અવેતન કામદાર જેવો હતો. મેં મુશાયરાના દિવસે ક્યારેક સૌને માટે મંગાવેલી ચાનો એકાદ કપ પીધો હશે. અડધો કલાક કાઢી ઘરે જમી આવવાનું. બહારગામ કોઈ સંસ્થા મુશાયરો યોજે તો માત્ર ટ્રેનભાડું મળતું અને મારા જેવો મહિને સત્તરેક રૂપિયા મેળવતો તે કામનો ખાડો પડવાને કારણે મહિને ત્રણેક રૂપિયાની ખાધ પણ ભોગવતો. ગનીભાઈ તો હું સાંભળી શકું એટલે દૂરથી ધીમા સાદે મને ‘વેઠિયો’ પણ કહેતા અને કામ પડે ત્યારે પોતાનું કામ પણ મારી પાસે કરાવતા! આ શબ્દો અનુભવેલી નિર્દશ રમૂજ છે. બહારગામ યોજાતા મુશાયરાના યોજકને તો ‘બેકાર’ બેધડક કહેતા : ‘એ સાલો તો ભગત છે!” ૧૯૫૦થી ૧૯૫૫ સુધી એક અસાધ્ય પીડાએ જીવનને વળાંક આપ્યો. ગિરનારના જંગલમાં રહ્યો તે અરસામાં જ કોઈ કોઈ વાર અન્ય મિત્રોની જેમ અન્યત્ર યોજાતા મુશાયરામાં ભાગ લેવા ક્યારેક જતો—એટલો સમય સ્વતંત્ર હતો કે નવરો હતો અને એ જ અરસામાં ‘કુમાર’માં મારી કેટલીક ગઝલો પ્રગટ થઈ. ૧૯૫૫ના અંતે સુરત આવ્યો એટલે ‘બેકાર’ ફરી મહાગુજરાત ગઝલ મંડળને સક્રિય કર્યું ને બેકારની વિદાય પછી મંડળ પણ અસ્ત થયું તો સર્વ પ્રકારની સાહિત્યપ્રવૃત્તિ માટે શ્રેયસ સંસ્થા સ્થાપી વાર્તાલાપો, પ્રવચનો સહિત વર્ષે એક મુશાયરાની પરંપરા ચાલુ કરી અને બેકાર, આસિમ સિવાય બધા જ ઊગતા શાયરોના સહકારથી સ્વસ્થ છતાં સફળ મુશાયરા યોજ્યા. કવિ, શાયરને લોકોના મોઢામોઢ થવાના અવસર હોવા જોઈએ. આજે કદાચ કોઈને એવો પ્રશ્ન થાય પણ ખરો કે મહાગુજરાત મંડળની પ્રવૃત્તિએ શું કર્યું? તો બેધડક કહી શકાય કે આખા ગુજરાતમાં ગામડે, કસબે પણ ભવ્ય જ કહી શકાય એવા મુશાયરાઓ યોજી ગઝલને લોકસમુદાય સુધી પહોંચાડી. એના પ્રત્યેક મુશાયરામાં પ્રમુખ સન્માન્ય સાક્ષર-શ્રેષ્ઠ, માન્ય કવિ હોય એ પરંપરા રાખી, નવસારીમાં યોજાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં એ સંસ્થાના મંચ પર માત્ર શાયરોનો મુશાયરો ને એ સંસ્થાના ભાવનગર જ્ઞાનસત્રમાં મારા જેવા અદના માણસને ગઝલ વિશે બોલવા આમંત્ર્યો. એ તો વ્યક્તિગત વાત થઈ પણ ત્રીસેક વર્ષથી કંકાવટી માસિક માત્ર મારા જ હિસાબે ને જોખમે સાહિત્યિક માસિક ચલાવું છું તેથી પણ, સાહિત્યનાં તમામ સ્વરૂપો વિષે મને સમાન આદર છે અને ‘ગઝલિયો’ જેવો અપશબ્દ હવે બોલનારને જ ભોંઠો પાડે એ વાસ્તવિકતા છે. વર્ષોથી ગઝલ—મુશાયરા પ્રત્યે તટસ્થ છું પણ ભૂતકાળ કોઈને છોડતો નથી એટલે ગઝલ મારો સંદર્ભ બને છે કે તાત્પૂરતો મને રિન્યૂ કરે છે અને બે દિવસનો મારો સુવર્ણમહોત્સવ સુરતમાં યોજાયો તેમાં હિન્દી, ઉર્દૂ, ગુજરાતના અગ્રણી શાયરોનો મુશાયરો મારી નહીં, યોજકોની ઈચ્છાથી યોજાયો અને આમંત્રિત શાયરોને રૂ. ૨૦૦૦ જેવી રકમનો પુરસ્કાર અપાયો. તે મેં જિંદગીભરના જેટલા મુશાયરામાં ભાગ લીધો તેના ટ્રેનભાડાંના ટોટલ આંક કરતાં વધારે હતો! ગુજરાતી ગઝલમાં ચારપાંચ છંદો જ ખેડાયા કરતા હતા. અમે પ્રત્યેક મુશાયરો પંક્તિ પર યોજ્યો અને દરેક વખતે અપાયેલી પંક્તિનો છંદ જુદો જ હોય એવો નિયમ કર્યો. પંક્તિ અને છંદ નક્કી કરવા મિત્રો દર વખતે કલાકો સુધી થાકી જવાય એટલી શાંતથી માંડી ઉગ્ર ચર્ચાઓ કરી છેવટે પંક્તિ ને છંદ નક્કી કરતા. આમ છતાં સામૂહિક મુશાયરા માટે કેટલાયે છંદોનો પ્રયોગ શાયરો અને શ્રોતાઓને લક્ષમાં લેતાં કરી શકાય નહીં. એમાંથી માર્ગ કાઢ્યો. દર મહિને મિજલસ જેવો નાનો મુશાયરો યોજવા માંડ્યો સુરતના શાયરો તો ખરા જ, પણ બહારથી મિત્રો આવ્યા હોય તે પણ ભાગ લે. એ મુશાયરા પંક્તિ પર જ યોજાય અને તેનો છંદ કોઈએ ઉપયોગમાં લીધો જ હોય નહીં પરિણામે ઘાયલ, ગની અને મારા પ્રથમ સંગ્રહમાં વીસથી માંડી સત્તાવીશ છંદોમાં લખેલી ગઝલો છે. ત્યારે ગઝલની છંદશુદ્ધિ વિશે સંસ્કૃતવૃત્તોના ધોરણે ગઝલના છંદો જોનારને ગઝલમાં છંદદોષો લાગતા એટલે મેં ‘ડમરો અને તુલસી’ સંગ્રહમાં જેટલા છંદોમાં ગઝલો હતી તે તમામ છંદો આપ્યા. તેણે ઘણા ઉગતા ગઝલકારોને છંદોની સમજ આપવાનું કામ કર્યું. કારણ કે મૂળ ઉરૂઝ સામાન્યપણે અપરિચિત હતું. એ સંગ્રહમાં ચૂનીલાલ વ. શાહે પ્રસ્તાવનામાં છંદોની સૂક્ષ્મ ચર્ચા કરી છે. એકવાર એમની સાથે સુરતમાં વાર્તાલાપ યોજી ઊંડી છંદચર્ચા કરી અને બંને પક્ષોને માટે તે માર્ગદર્શક બની. પ્રજાબંધુમાં જ સંજાણાએ ગઝલવિવેચનના માઈલસ્ટોન જેવી ઉ. જો. સંપાદિત કંથારિયાના સંગ્રહ વિશે અતિ સૂક્ષ્મ ચર્ચા હપ્તાવાર કરી તે તો ગ્રન્થસ્થ છે. તે સિવાય ગઝલ પર ઉર્દૂ, ફારસી જાણે એટલું ગુજરાતી કાવ્ય, કાવ્યશાસ્ત્ર ન જાણે એવી ગુજરાતી ગઝલની માત્ર એક બાજુ જોતી, પણ મુખ્યત્વે મુશાયરાને નિશાન બનાવી લેખમાળા લખી તેના જવાબો અંગત તેમ લેખિત આપવાનું મારે માટે જ બન્યું. તે સિવાય પણ ગ્રન્થસ્થ કરવા જેવી, સૂક્ષ્મ તપાસ જેવી વ્યાપક ચર્ચાઓ પણ વિ. ૨. ત્રિવેદી મુશાયરા પર વરસી પડ્યા ત્યારે ગુજરાતભરનાં અખબારોના સાહિત્યવિભાગોમાં આવી તે ગ્રંથસ્થ થવી જોઈતી હતી એવું મને આજેય લાગે છે. એ આખો ખજાનો મારી ગેરહાજરીમાં મારા કુટુંબમાં સાહિત્યપરંપરા નહીં એટલે પસ્તીમાં કાઢી નાખી મને વિષાદ અને આંસુની ભેટ આપી. આજે ગઝલ પ્રતિષ્ઠિત હોય તો તેની નક્કર પૂર્વભૂમિકા મુશાયરા પ્રવૃત્તિનાં પંદરેક વર્ષોમાં રચાઈ. એમાંથી નીવડેલા શાયરો પ્રગટ થયા અને અમૃત ‘ઘાયલ’ જેવા રણજિતરામ સુવર્ણચન્દ્રકથી વિભૂષિત થયા. ગઝલકારોમાં પણ ત્રણેક સમર્થ ગઝલવિવેચકો ગઝલનું વિવેચન કરતા રહ્યા. ખુદ શાયરોએ શાસ્ત્રીય ખંડનમંડનની સોહરાબ રુસ્તમી અનિયોજિત ધોરણે પ્રત્યેક મુશાયરે બધા ભેગા થાય ત્યારે કરી છે. આવા સ્વમાની અલગારી અને ફકીરોની ટોળીનો આનંદ લુત્ફે-હયાત હોય. અને એક મહત્વનું નિરીક્ષણ એ કે જેના પાયા પર આજની ગઝલ ઊભી છે એ પાયાના પથ્થર જેવા નવ્વાણું ટકા શાયરો એવાં કુટુંબોમાંથી આવ્યા છે જેમાં મજૂરી, કારીગીરીની જ પરંપરા હતી. સાહિત્યિક કે કહેવાતા સુશિક્ષિત, સંસ્કારની પરંપરા નહીં. બધા સાવ સાદી જાતકમાઈ પર જીવનારા એટલે નમ્રતાયે ખરી અને શહેનશાહની સામે પણ નિજી અદબથી કહેવાનું કહી નાખે. પરસ્પર આદરભાવ મૈત્રી કે ભાઈઓના એકબીજાના વાંસા થાબડવાનું સંસ્કારીજનો માટે રાખી એકબીજાના વાંસે કે સ્કંધે ધપ્પોય મારે એવા. હું મને કબીરવંશનો ગણું. કબીર હાથસાળ પર વણે. હું યંત્રસાળ પર, પણ સાવ નાની વયે જરીની હાથસાળ પર જ વર્ષો સુધી વણેલું. અને બીજા મિત્રો પણ એવા જ કારીગર. એટલે આ વર્ગમાં જાતકમાઈની નિર્ભરતા અને વિનય સહિત આખાબોલું પણ ખરું. શોહરત તો ગનીભાઈ જેવાએ નિજી ત્રેવડે કરી. બાકી તો કંઈ સ્થિતિ સુધરી ત્યારેય સ્વયંનિર્ભર માણસમાં જે સ્વસ્થ વાસ્તવિકતા હોય તે સાથે લોભ વગરનું, નુકસાનની ગણતરી—વિહોણું સ્વસ્થ આખાબોલાપણું. વિનયવિવેક આંતરિક પણ ટોપી પર તણખલું ચોંટેલું હોય તો સૌના દેખતાં ખંખેરી નાખે એવા. હવેની ગઝલકારોની પેઢીમાં એ નિજી, પોતીકી ભાત કદાચ નહીં પણ મળે. કોઈ નિજી બડાઈ નહીં અને કશી નાનમ પણ નહીં. કોઈ સાહિત્યિક કહેવાતા પત્રમાં ગઝલ આવતી નથી. આવે જ નહીં. એની કશી ઓછપ કે ક્ષોભ પણ નહીં. આ અલગારીપણું સમજવા જેવું છે. કોઈની કારકિર્દી બની તો કોઈ હેતુપૂર્વકની ગણતરી અને તે અનુસાર કામ કરવાને કારણે નહીં. માર્ગ થયો તો ચાલ્યા, પણ પોતાને માટે નવા ક્ષેત્રમાં જે પરંપરિત શૈલી, સ્વરૂપ હોય તેનાથી નોખા અને નિજી ઓળખના જ રહ્યા. મહાગુજરાત ગઝલ મંડળની વ્યાપક પ્રવૃત્તિને કારણે પાછોતરા સમયમાં મુંબઈમાં ત્રણ ત્રણ ગઝલમંડળો સ્થપાયાં, પ્રવૃત્ત થયાં અને અમદાવાદમાંય એક સંસ્થા સ્થપાઈ પણ તેનો હેતુ સુરત, મુંબઈનાં મંડળો જેવો જાતે ખર્ચાઈ ખૂટવાનો નહોતો. બસ, મળો, ચર્ચા કરો, બે દિવસ સાથે રહો, મંચ પરથી ઊતરી તરત નિજી ભોમ પર આવી જાઓ. અને તથ્ય એ છે કે મહાગુજરાત ગઝલ મંડળ પ્રવૃત્તિશીલ રહ્યું ત્યાં સુધી જ બીજાં પ્રાદેશિક મંડળોની અછવાતી, સમાપ્ત થતી પ્રવૃત્તિ રહી અને નીવડેલા શાયરો કોઈ કોઈ સંસ્થા મુશાયરા યોજે તેમાં ભાગ લેતા. મુંબઈની નાટ્યસંસ્થા આઈ.એન.ટી., સુરતમાં અમર પાલનપુરીએ એ પરંપરાને લંબાવી, પણ હવે પંક્તિ પરના મુશાયરા ગઈકાલની ઘટના બન્યા છે. પ્રમુખને બદલે મુશાયરાનો અડધો સમય લેતા, ગોખેલા શેરો – બીજાના – બોલનાર સંચાલક પ્રવેશ્યા છે. પ્રવકતાની ફેશન મુશાયરામાંય આવી છે. વાસ્તવમાં એ વ્યાપાર યુગના કૅન્વાસર જ હોવાના, વહેતી સરિતાની સહજ સરળતાને નાથતા બંધ આવ્યા જેવુંય લાગે. વાંસના કોંટા પેઠે અચાનક ફૂટતી રમૂજ, દાદ, ટકોર એ નિખાલસતાને સ્થાને વ્યવસ્થિત પૂર્વયોજિત ટાપટીપમાં નછોરવી મઝા, મસ્તી ન હોય. વર્ષોના ગાઢ સંબંધે શાયરો આત્મીય મિત્ર બની ગયા હતા અને છે. ભલે વર્ષોથી કશે જવાનું, ગઝલ લખવા, મુશાયરા યોજવાનું છોડ્યું છે અને સંખ્યાએ માત્ર એક છું. સ્થાનિક નવગુજરાત દૈનિકની રવિવારની પૂર્તિના સંપાદક શ્રી બકુલ ટેલર, સ્વ. સુરેશ હ. જોષીના સંપર્ક અને સહવાસમાં આવ્યો ત્યારના મિત્ર. અમારી ઘરેળુ રવિવારીય સાહિત્યચર્ચામાં એ ક્યારેક ભાગ લેતા. તે સંબંધે અને ઉમળકાએ અંગત પરિચિત શાયરો વિષે અનિબદ્ધ રીતે ‘સફરના સાથી’ લેખમાળા કશી યોજના, તૈયારી વિના લખવી શરૂ કરી અને ઘણા વાંચકોને જ નહીં, લેખક-કવિઓને પણ વીતેલો યુગ જીવંત થતો હોય એવી, રસપ્રદ લાગી. ઘણાએ એ પ્રગટ કરવાની ઓફર કરી. ટેલરના સાથી તંત્રીએ તો મફત છાપી આપવાનું આમંત્રણ આપ્યું પણ હું તટસ્થ રહ્યો. બહેન શરીફાબહેન વીજળીવાળાએ એ લેખમાળા વાંચેલી. એમનો આગ્રહ કે એ પુસ્તકાકારે પ્રગટ થવી જોઈએ. છેવટે એમણે હા તો પડાવી પણ તેની શરત દુનિયા છોડી જવાના આ દિવસોમાં તો આકરી જ કે, લેખમાળાનું પુનર્લેખન કરો અને આટલા જ સમયમાં પૂર્ણ કરો. એમણે પોતે પણ જોઈ જવાની ફરજ માથે ઓઢી લીધી. વાસ્તવમાં હું ઇચ્છું એવું લખવા માટે એક વરસ અને થોકબંધ પુસ્તકો જોઈએ. આમ પણ એ રીતે શાસ્ત્રીય ધોરણે લખવાનું કામ મેં કદી કર્યું નથી, એવા કામમાં મને રુચિ કે ઉમળકોય નથી. અહીં સ્મરણયાત્રાયે નથી. વિવેચન પણ નથી, સ્મરણના અંશ વિશેષ છે. ઘાયલ, મરીઝ, ગની જેવા મિત્રોની ગઝલો વિશે ક્યારેક ક્યારેક મન માંડીને લખ્યું છે, પણ અહીં લખાવું જોઈતું લખાયું નથી. બધું અનિબદ્ધ છે પણ મારે મન એ સ્વાભાવિક તેમ સૂચક પણ છે. વર્તમાન ગુજરાતી ગઝલનો પાયો રચી આપનારાઓ વિશે કોને સાક્ષાત્કાર જેવો પરિચય કે માહિતી છે? એ દ્રષ્ટિએ આ લેખમાળાની ઉપયોગિતા જોવી હોય તો, જોઈ શકાય. લખાયેલા લેખ શરીફાબહેન સુધી પહોંચાડવા, પાછા લઈ આવવા, કાગળ - પેન લાવી આપવા જેવી નાનીમોટી દોડાદોડી કરનાર મિત્ર જવાહર પટેલ અને વિદ્યાર્થીમિત્ર જયેશ જરીવાલા હસ્તપ્રત પ્રેસમાં ગઈ ત્યાં સુધી સાથે રહ્યા એનો મારા પક્ષે નર્યો આનંદ. આ પુસ્તક થોડુંયે યોગ્ય લાગતું હોય તો તેનો યશ શરીફાબહેન વીજળીવાળા અને શ્રી મહેશ દવેને આપજો.

૧૫ ઑગસ્ટ, ૨૦૦૧

રતિલાલ ‘અનિલ’