સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/કવિતા અને તત્ત્વજ્ઞાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫. કવિતા અને તત્ત્વજ્ઞાન

જીવનમાં કવિતાને પણ સ્થાન છે અને તત્ત્વજ્ઞાનને પણ છે. જમાનાઓથી માનવજીવનને કવિતા અને તત્ત્વજ્ઞાન સમૃદ્ધ કરતાં આવ્યાં છે. કોઈ વખત કવિતામાં તત્ત્વજ્ઞાન તો કોઈ વખત તત્ત્વજ્ઞાનમાં કવિતા એમ એકીસાથે પણ બેનો અનુભવ મનુષ્યને થતો આવ્યો છે. માનવજીવનના બાલ્યકાળમાં, કુદરતનાં વિવિધ પ્રચંડ રૂપોથી હેબતાઈને, ડરીને આદિમાનવીએ ઘણીયે વાર ચીસો પાડી હશે, અને એ જ કુદરતના સૌમ્ય દર્શનથી રાચીને આનંદની કિકિયારીઓ પણ કરી હશે. પહેલવહેલી જ્યારે મનુષ્યને ભાષા લાધી હશે ત્યારે આ ડરની અને આનંદની અને એવી બીજી પ્રાથમિક લાગણીઓ ભાષા દ્વારા બહાર આવી. કવિતાનો એ પ્રથમ જન્મ પળ ચૂક્યા વગર રોજરોજ નિશ્ચિત આંતરે ઊગતો સૂરજ, ચંડધ્વનિ ધોધવા, અગાધ આકાશ, ક્ષિતિજઅંકિત મહાસાગર, ઘેઘૂર વૃક્ષઘટા, – એ બધું માણસના હૃદયમાં અનેક પ્રકારનાં સંવેદનો જગાડતું. અને પ્રકૃતિનાં એ વિવિધ રૂપોને લગતાં સંવેદનો તો ગૌણ બની રહે એવાં બીજાં, પુરુષને સ્ત્રી માટે ને સ્ત્રીને પુરુષ માટે, પુરુષ અને સ્ત્રીને પોતાનાં બાળક માટે, એક મનુષ્યને લોહીસંબંધના બીજા મનુષ્ય માટે અને સામાન્ય રીતે કહીએ તો એક મનુષ્યને બીજા મનુષ્ય માટેનાં સંવેદનો દરેક હૃદયમાં પૂરવેગથી ધબકતાં હતાં. આ સંવેદનો જેણે પૂરેપૂરી તીવ્રતાથી અનુભવ્યાં અને સાથે સાથે એ તીવ્ર અનુભવને ભાંગીતૂટી રીતે પણ વ્યક્ત કરવા જેટલા જેની પાસે શબ્દો હતા તેણે પ્રથમ કવિતા ગાઈ. એ કવિતા તે અમુક પ્રકૃતિતત્ત્વોના ડરની, અમુક પ્રકૃતિતત્ત્વોની સૌમ્યતાની અને આ ડર અને સૌમ્યતાને જીવનમાં ભેટવાં પડે તો ભલે એવો અંતરમાં આત્મવિશ્વાસ પૂરતા નિર્ભર પ્રણયની. માણસના મોઢામાં ભાષા નહિ હોય ત્યારે પણ, મૂંગામૂંગા પણ, એણે મૂંઝાયા તો કર્યું જ હશે કે આ સૂરજ અમુક ચોક્કસ આંતરે ઉગમણી દિશામાંથી બહાર આવે છે ને અમુક વખત પસાર થાય છે એટલે પાછો અલોપ થઈ જાય છે! આ ધોધવાઓ દડે છે તેનું તો કારણ જાણે સમજાયું. પીવા માટે પાણી જોઈએ ને? પણ આ આવડું મોટું આકાશ તે શા માટે હશે? કદાચ આ પાણી વરસી જાય છે તે વાદળાંને રહેવા માટે તો નહિ હોય? પણ આ આવડો મોટો દરિયો શા માટે? અને આ ‘શા માટે’ના પ્રશ્ન ઉપરાંત બીજી મૂંઝવણ એ કે ‘આ બધું કર્યું કોણે?’ ધીમે ધીમે આ બધી મૂંઝવણો પણ માણસના મગજ પર જામતી ગઈ ને કાળે કરીને માણસની ભાષામાં તત્ત્વજ્ઞાન ઊતર્યું. આમાં સ્વાભાવિક ક્રમ એવો વરતી શકાય છે કે ભાષામાં પ્રથમ કવિતા અને પછી તત્ત્વજ્ઞાન આવ્યું હશે. કેમ કે કોઈ પણ ભાષા સામાન્ય આનંદઉલ્લાસને વ્યક્ત કરવામાં બહુ મુશ્કેલી અનુભવતી નથી, પણ તત્ત્વજ્ઞાનને ઝીલતાં પહેલાં ભાષાનો પોતાનો વિકાસ આવશ્યક છે. મનુષ્યજાતિના વિકાસ સાથે કવિતારૂપમાં અને તત્ત્વજ્ઞાનમાં પણ પુષ્કળ પ્રગતિ થઈ. જુદી જુદી પ્રજાઓએ પોતાની વીરગાથાઓ ગાઈને મહાકાવ્યો પ્રકટાવ્યાં. હિંદ અને ગ્રીસ જેવા દેશોમાં જીવનના વિકટ પ્રશ્નો ચર્ચતું તત્ત્વજ્ઞાન ઉચ્ચ કોટિએ પહોંચ્યું. આમ, સમગ્ર ઐતિહાસિક કાળમાં કવિતા અને તત્ત્વજ્ઞાન મનુષ્યજાતિના જીવનમાં પડખોપડખ ઊભાં છે. બંને વચ્ચે સ્પષ્ટ તકરાર નથી, તો પણ પડખોપડખ ઊભાં છે એ હકીકતમાંથી જ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે? જીવનમાં કવિતાનું સ્થાન ઊંચું કે તત્ત્વજ્ઞાનનું? આજે કવિતા છે, બે હજાર વર્ષ પૂર્વે હતી, ને આખી કવિતાનાં મૂળ શોધવા જઈશું તો ઠેઠ વેદકાળમાં જતાં નીકળશે. તત્ત્વજ્ઞાનનું પણ એમ જ છે. માનવવિકાસના પ્રથમ કાળમાં માણસના મોઢામાં પ્રબળ વાણી તરીકે કવિતાની વાણી હતી. એટલે જૂના સમયમાં તો એમ જ બન્યું છે કે માનવજાતિનો મોંઘામાં મોંઘો વારસો કવિતામાં જ ઊતર્યો છે. અત્યારે એવું નથી. અત્યારે તો પદ્ય જેટલું જ ગદ્ય પણ જોસદાર સાધન છે અને કોઈ પણ દર્શન પદ્યમાં જ ઊતરવું જોઈએ એમ નથી રહ્યું. વળી, પહેલાંના વખતમાં મુદ્રણકળા નહિ હોવાથી વસ્તુઓ પેઢીપરંપરાથી સ્મૃતિમાં સાચવી રાખવામાં આવતી. વિદ્યાર્થીને યાદ રાખવું સહેલું પડે એ ખાતર વ્યાકરણ તેય પદ્યમાં. ચરકસુશ્રુત વૈદક પર કંઈ લખવા માગતા હોય તો તે પણ પદ્યમાં જ લખે. એટલે જૂના વખતના પદ્યનો મોટો ભાગ કવિતા નથી. પણ જે કવિતા જ છે તે માણસના સર્વકાલીન પ્રાથમિક વિરાટ આવેગોના ધબકારાથી ભરેલી છે અને જમાનાઓની સંસ્કૃતિઓને એણે ફૂંફ આપી છે. કવિતા કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના હાર્દને જતી સ્પર્શે છે. ખૂણેખૂણે ફરી વળવું અને દરેક અંધારી જગ્યાએ પ્રકાશ નાખી, તીણી નજર કરી, બધું બારીકીથી જોવું ને નોંધવું એ કવિતાની પદ્ધતિ નથી; એ તો અંધારાંઅજવાળાં —છાયાતેજની સામે એવે ઠેકાણેથી જુએ કે આખું દર્શન સુંદર હોય, મંગલ હોય, અસ્તિત્વના અફાટ આનંદથી ઊભરાતું હોય. કોઈ સંગ્રામવીરને કવિતા સંગ્રામવીર તરીકે નહિ જુએ, તપસ્વી ભણી એની તપસ્વિતાનો ખ્યાલ રાખી નહિ જુએ, કંગાલની કંગાલિયતને જ નહિ લેખે. પણ એ સંગ્રામવીર, એ તપસ્વી, એ કંગાલ પાછળ ‘માણસ’ અથવા તો એથી આગળ જઈને ‘એક સચેત હૃદય’ કેટલે અંશે જીવંત છે તે જોશે ને તેને ગાઈને રાચી રહેશે. તત્ત્વજ્ઞાન વસ્તુ અને વ્યક્તિને લગતી કાર્યકારણની સાંકળ પકડવા મથે છે, તેને લગતી ‘શા માટે?’, ‘કેવી રીતે?’, ‘કોનાથી?’ એવા એવા પ્રશ્નોના જવાબ શોધવા ધખે છે. મનુષ્ય સિવાયનાં પ્રાણીપદાર્થોને જે નથી એવી વિચારશક્તિ મનુષ્યને મળી છે, અને એ વિચારશક્તિને બળે મનુષ્ય સૌ પ્રાણીપદાર્થના અસ્તિત્વનો મર્મ શોધવા પ્રયત્ન કરે છે. તત્ત્વજ્ઞાનનો અર્થ માત્ર ફિલસૂફી, અનુમાનાત્મક સિદ્ધાંતો એવો ન કરીએ પણ સકળ તત્ત્વોનું જ્ઞાન એવો એનો બહોળો અર્થ કરીએ તો આજનું વિવિધદેશીય વિજ્ઞાન એ પણ તત્ત્વજ્ઞાનની એક શાખા માત્ર બની રહે. માણસની વિચારશક્તિને ઠેઠ જમાનાઓથી તત્ત્વોની શક્તિ અને મર્મનો સાક્ષાત્કાર કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી છે. આધુનિક કાળમાં એ મહત્ત્વાકાંક્ષા તીવ્ર થઈ છે તેના પ્રમાણમાં જ્ઞાનની સીમા પણ ઠીકઠીક વિસ્તાર પામી છે. કવિતાની દૃષ્ટિ ઘણુંખરું આત્મલક્ષી (સબ્જેક્ટિવ[1]) હોય છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિ તદ્દન પરલક્ષી (ઑબ્જેક્ટિવ) હોય છે. કવિતા આત્માનુભવમાં ગરક થઈ જાય છે. તત્ત્વજ્ઞાન તટસ્થ રહે છે. એક પ્રેમી પોતાની પ્રિયતમાને મળે ને એ પ્રેમી જો કવિ હશે તો પોતાના હૃદયને પ્રિયતમાના હૃદય સાથે એકાકાર થઈ જતાં રોકશે નહિ. એ તો પોતાના સમગ્ર અસ્તિત્વથી એના અસ્તિત્વમાં ભળી જશે. અને પછી પોતાના અનુભવની નિર્ભરતા એને પ્રેરે તો શબ્દો એની પાસે તૈયાર જ છે. પણ એ જો પ્રજ્ઞાશીલ હશે તો પોતે તદ્રૂપ થશે અને તટસ્થ પણ રહેશે – એમ બેવડો ભાગ ભજવશે. પોતાની અંદરના પ્રેમીને એ એની પૂરછટામાં છૂટો મૂકશે. એની ક્રિયાઓ-સંવેદનો, એ ક્રિયાઓ-સંવેદનોના પ્રિયતમા પર થતા પ્રત્યાઘાતો, પ્રિયતમાની પ્રેમલીલાથી થતા પોતા પરના પ્રત્યાઘાતો, – બધું જ પહેલાં તો સ્વાભાવિકપણે થવા દેશે ને પછી ‘પ્રેમી’ને પોતામાં પાછો ખેંચી લઈ એ બધી હકીકતની નોંધ એની અંદરનો ‘તત્ત્વજ્ઞાની’ લેશે. અને પાછો તખ્તા પર પ્રેમી છૂટો મુકાશે ને એને જે કરવું હોય તે સ્વાભાવિકપણે કરવા દેવામાં આવશે. પણ થોડી વાર પછી તરત એને ખેંચી લઈ તત્ત્વજ્ઞાની તટસ્થપણે જૂના અનુભવોના તાળા મેળવશે અને નવાની નોંધ લેશે. એ જ રીતે પછી પાછી એ જ રમત, ને વળી પાછી એ જ રમત. મનુષ્યને પોતાની શક્તિની વિશિષ્ટતા પોતાની પ્રજ્ઞાશક્તિમાં લાગે છે, અને એ પ્રજ્ઞાના જ પ્રભાવથી પોતાને વિશ્વરચનાના ભેદોની કૂંચી મળશે અને પોતાનું મનુષ્યત્વ સંપૂર્ણતાએ પહોંચશે એવી એને શ્રદ્ધા છે. ઉત્ક્રાન્તિની મજલમાં ભવિષ્યે જ્યારે પ્રજ્ઞાપુરુષ (સુપરમૅન) પાકશે ત્યાર પહેલાં માણસને ઘણુંખરું તત્ત્વજ્ઞાન લાધી ગયું હશે. આ ભાવી પ્રજ્ઞામાનવના તત્ત્વજ્ઞાનની ભાષા ગદ્ય સિવાય બીજી હોવાનો સંભવ નથી, એમ કહેવું એ વ્યર્થ ધૃષ્ટતા જેવું લાગે એમ છે, છતાં એને કારણ ને હકીકતનું પીઠબળ આપી શકાય એમ છે. અત્યારે જ, પ્રજ્ઞાપુરુષના અદર્શની વધુ નજીક હોય એવા જુદા જુદા દેશકાળના ગણ્યાગાંઠયા માણસોની ભાષા તપાસીએ તો તે ગદ્ય છે એમ જણાશે. (ગદ્ય પણ ‘રસાત્મક વાક્ય’ હોય તો કવિતા છે એ ને એવી બીજી ચર્ચાઓમાં પડ્યા વિના, અહીં, નિર્ણિત લયવાળા પદ્યદેહી લખાણને જ, હોય તો, કવિતા હોવાનો હક છે એમ સ્વીકારી લીધેલું છે.) પુરાણા સમયમાં પદ્ય જ એક વિચાર વ્યક્ત કરવાનું સાધન હતું ત્યારે પદ્યનો જ દેહ તત્ત્વજ્ઞાનને ધારણ કરવો પડતો, હવે એવું બંધન નથી. ગદ્યનું સરળ અને સીધું સાધન વિચારને મળી રહ્યું છે. એવા પણ તત્ત્વજ્ઞાની અભ્યાસીઓ નીકળ્યા છે જે કવિતાને અપરિપક્વ બુદ્ધિ-શક્તિવાળી મનોદશાનું પરિણામ માને છે. પ્લેટોએ તો એના કલ્પિત આદર્શ સમાજમાંથી કવિ નામના પ્રાણીને કાંકરો જ કાઢી નાખ્યો હતો એ વાત જગજાહેર છે. અત્યારે ગાંધીજી જેવા જીવનવીર કવિતાને ‘શોખ’ લેખે છે અને કિશોરલાલ જેવા તત્ત્વજ્ઞાનઅભ્યાસીને જીવનયોજનામાં કવિતાની ક્યાંય જરૂરિયાત જ દેખાતી નથી એ પણ જરા નોંધપાત્ર છે. હિંદના જુદા જુદા સંપ્રદાયસ્થાપકો ને સંતો – કબીર, નાનક, રામદાસ, નામદેવ – કવિતામાં બોલી ગયા છે એ ખરું, પણ જો એ વખતે મુદ્રણકળા હોત અને અવરજવરનાં ઝડપી સાધનો હોત તો એમણે શુદ્ધ ગદ્ય સિવાય બીજા પ્રકારની ભાષા વાપરી હોત કે કેમ તેની શંકા રહે છે. આજે અને હવે પછી જીવનમાં કવિતાનું સ્થાન શું? વર્તમાન અને ભવિષ્યનો માણસ તે તત્ત્વજ્ઞાન પાછળ ગાંડો બનેલો, પોતાના પ્રજ્ઞામાનવના આદર્શને મૂર્તિમંત કરવા મનતોડ મજૂરી કરતો માણસ છે. એને માટે કવિતા ઘણું ઘણું તો રસાત્મક વાક્ય તરીકે આરામની એકાદ પળને વધુ મીઠી. કરતી લલિતકલાઓમાંની એક કલા છે, જીવનનાં અનેક ખાનાંઓમાંનું એક ખાનું છે. એથી વિશેષ કંઈ નહિ. કવિતા માણસને મન તત્ત્વજ્ઞાનની સાધનાના અથાગ પરિશ્રમમાં કોક વાર પોતાના સૌન્દર્યથી માનસિક તાજગી આપી જાય, આદર્શઘેલછાની યાતનાને સુસહ્ય બનાવી જાય એવા એક સુખસાધન જેવી માત્ર છે. કવિતા માણસની સિદ્ધિ થઈ શકે એમ નથી, સાધન પણ ઓછાનું થઈ શકે. માણસને સિદ્ધિ લલિતકલાઓના સૌન્દર્યની નથી જોઈતી. એને સિદ્ધિ તો જોઈએ છે ભિન્નભિન્ન વિશ્વતત્ત્વોની એકતાના વિરાટપણાની. એ આજની કે આવતી કાલની કવિતા આપી શકશે એમ માની શકાતું નથી. પુરાણા કાળની કવિતાએ માણસને વિશ્વની વિરાટ ચેતનાના ચમકારાને પોતામાં સાક્ષાત્કાર કરાવ્યો છે. પણ હવે, દૂરકાલીન, અર્ધમાનુષી – અર્ધદૈવી એવાં કથાનકો (જે વગર મહાકાવ્ય કે વિરાટકાવ્યનું ચણતર લગભગ અશક્ય) આજની શાસ્ત્રીય દૃષ્ટિ ફરી શોધે નહિ અને કબૂલે નહિ. એટલે પહેલાંના જેવી કવિતાની વિરાટ ભવ્યતાને બદલે હવે તો ઇતર લલિતકલાઓ જેવા જ અસ્તિત્વની કવિતાને માટે આશા રહી. પ્રજ્ઞામાનવના આદર્શ તરફની મુસાફરીમાં એક જમાનાનો માણસ આવતા જમાનાઓ માટે એકાદ આદર્શ, એકાદ સિદ્ધાંત, એકાદ દર્શન, એકાદ પ્રમાણ, એકાદ હકીકત સ્થાપતો જાય તો આખી મનુષ્યજાતિના હિતની દૃષ્ટિએ એવા તત્ત્વજ્ઞાનની એટલી બધી કિંમત છે કે કવિતા તો શું પણ બધીયે લલિતકલાઓનો ફાળો એની આગળ કશી ગણતરીમાં નથી. કવિતા અને તત્ત્વજ્ઞાનનો વિચાર કરતાં, કવિતા અને તત્ત્વજ્ઞાન (ફિલસૂફી)નો બે જુદા જુદા એકમો તરીકે વિચાર કરવા ઉપરાંત, કવિતામાં તત્ત્વજ્ઞાનનું સ્થાન ક્યાં એ પ્રશ્નનો પણ વિચાર કરી લેવો જોઈએ. પુરાણા સમયમાં તત્ત્વજ્ઞાન ઘણુંખરું પદ્યદેહી જ હતું. પણ ગદ્યના વિકાસ પછી પણ કવિતામાં તત્ત્વજ્ઞાન ઘણે ઘણે ઠેકાણે જોવામાં આવે છે. કવિતા બે જાતની હોય છે : એક જીવનની વાસ્તવિકતાઓની કટુતા અને એકતાનતાની ચુંગાલમાંથી છુટકારાની, અને બીજી જીવનની કડવીમીઠી, ગમતીઅણગમતી વાસ્તવિકતાઓ પાછળનો નગદ મર્મ શોધનારી. અલબત્ત, છુટકારાની કવિતા કરતાં મર્મશોધુ કવિતા ઊંચા પ્રકારની. એક જણે કવિતાને જીવનની સમીક્ષા કહી પણ છે. વળી અત્યારના સમયમાં જીવનની સમીક્ષા કે મર્મશોધન કરતાં કવિતા પાસે જીવનના નિર્ભેળ, નિર્લેપ પ્રકટીકરણની આશા રાખવામાં આવે છે. ત્યારે, આ જુદાં જુદાં વલણોમાં એક વલણ, અને તે પણ જૂનું અને પ્રબળ વલણ, એ પણ છે કે કવિતા દ્વારા જીવનના મર્મને વ્યક્ત કરવો. આવી તત્ત્વજ્ઞાનના સુભગ મિશ્રણવાળી કવિતા ઘણી લખાઈ છે. પણ એની કવિતા તરીકેની કિંમત એના કવિતાપણામાં જ છે. એની ચિરંજીવિતા માટે એણે પોતાની અંદરની કળા પર જ આધાર રાખવો પડશે. તત્ત્વજ્ઞાન વક્તવ્યનો વિષય, મસાલો, આલંબન માત્ર બની શકે, કવિતાનો પ્રાણ તો એની અંતર્ગત કલા. બને કે કવિતામાંનું તત્ત્વજ્ઞાન એક માણસને રુચિકર ન હોય પણ એ તત્ત્વજ્ઞાનને ધારણ કરનાર શિલ્પ કે ઇમારત અદ્‌ભુત કલાપૂર્ણ હોય, તો એને એ કૃતિ આનંદ આપ્યા વગર નહિ રહે; જેમ એક પ્રભુમંદિરના ઘુમ્મટની કળા, નાસ્તિક માણસને એ ઘુમ્મટ નીચેની પ્રભુની પ્રતિષ્ઠા અરુચિકર હોવા છતાં, એની રસદૃષ્ટિને તૃપ્ત કર્યા વિના ન રહે તેમ. એટલે તત્ત્વજ્ઞાનના ખરાખોટાપણાથી કવિતાને નિસબત નથી. કવિતાને માટે તત્ત્વજ્ઞાન બીજા કોઈ પણ વસ્તુ જેવું વસ્તુ માત્ર થઈ રહે છે. કવિતાની અંદરનું તત્ત્વજ્ઞાન માન્ય હો કે ન હો, પણ કવિતામાં કલાપ્રાણ હશે તો તે સદા આકર્ષક રહેશે – એ ખરું; પણ કોઈ જ ન માને એવું તત્ત્વજ્ઞાન કવિતામાં હોય, કાળના ઘસારાથી જીર્ણ થઈ ગયેલું તત્ત્વજ્ઞાન કવિતામાં હોય તો એટલું એ કવિતાના કલાપ્રાણને વિઘ્ન જ છે. કવિતા જેમ જેમ માનવજીવનનાં ચિરંજીવ તત્ત્વોને પ્રકટ કરવા જાય તેમ તેમ તેની અમરતા સંશય વગરની. તત્ત્વજ્ઞાનો માણસની વિકાસ પામતી જતી પ્રજ્ઞાશક્તિનાં પરિણામે છે. પ્રજ્ઞાશક્તિ વિકાસશીલ છે. એ જ કારણે તત્ત્વજ્ઞાનો પરિવર્તનશીલ છે. તત્ત્વજ્ઞાનો યુગ આવે ને જાય એમ પલટાતાં રહે, પણ કવિતા તો એક ને અખંડ આદિસમયે હતી તેવી જ અંતસમયે, સર્વકાલીન ને સર્વદેશીય, રહે. કવિતાએ પોતામાં તત્ત્વજ્ઞાન ભરવાનો પ્રયત્ન જ શા સારુ કરવો જોઈએ? કવિતાને પોતાનાં સ્વતંત્ર અસ્તિત્વ અને કાર્યપદ્ધતિ છે. આદિમાનવીથી માંડીને તે પ્રજ્ઞાપુરુષ સુધીના ઉત્ક્રાન્તિપથ પરના મજલથંભો (માઈલસ્ટોન્સ) તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જુદા જુદા આંકવાળા ભલે હોય, પણ કવિતાની દૃષ્ટિએ તો એ બધાય મજલથંભો સરખા જ મહત્ત્વના છે, માણસે પ્રત્યેક થંભ આગળથી પસાર થતાં એકના એક જ ઉલ્લાસની કે વિષાદની કવિતા લલકારી હતી. આદિમાનવીની પ્રાથમિક પાશવિકતાને જતી કરો ને પ્રજ્ઞાપુરુષની અંતિમ દિવ્યતાને બાદ કરો, બંનેની પાછળ જે હૃદય અને બુદ્ધિના વ્યાપારવાળા – ઊર્મિ, આવેગ, લાગણી, સમજણવાળા – માત્ર માણસ રહે છે તેના માણસપણાને કવિતા વ્યક્ત કરવા મથે છે; ભાષાના જન્મથી માંડીને અંત સુધી એ એ જ કરવાની. કોઈ પણ બે માણસો ઉપલક દૃષ્ટિએ સરખા નથી લાગતા, પણ વિચાર કરતાં બે માણસો વચ્ચે ભિન્નતા પણ ઓછી જ શોધી શકાય છે,—જોકે શોધી તો શકાય છે જ. બે માણસો વચ્ચેની ભિન્નતાને ઓછામાં ઓછી કરવાનું કામ કવિતાને ફાવે છે એટલું ભાગ્યે જ બીજા કશાને ફાવતું હશે. પ્રત્યેકના જીવનમાંનાં સામાન્ય તત્ત્વોને સ્પર્શીને કવિતા એમને એવાં તો ઉત્તેજિત અને બળવાન બનાવે છે કે માણસ માણસ વચ્ચે એક સર્વ-સાધારણ સમજણ ઊભી થાય છે, હૃદય હૃદય વચ્ચે એક સામાન્ય અનુભવનો પ્રવાહ વહેતો થાય છે અને પ્રત્યેક વ્યક્તિ પોતામાં રહી રહી સર્વના અનુભવનો સાક્ષાત્કાર કરી શકે છે, એક હોવા છતાં અખિલાઈ અનુભવે છે. આમ, તત્ત્વજ્ઞાન પોતાની પૃથક્કરણની શાસ્ત્રીય સૂકી પદ્ધતિથી જે કરવા માગે છે તે કવિતા પોતાની જાદુઈ એકીકરણની રસમય રીતથી સાધી લે છે. આ પરિણામના મહત્ત્વની દૃષ્ટિએ તપાસીએ તો કદાચ તત્ત્વજ્ઞાન કરતાં પણ કવિતા વિશેષ ઉપયોગની ગણાય, કેમ કે આવું પરિણામ એ અત્યંત સહેલાઈથી આણી શકે છે. વેદઉપનિષદમાંના તત્ત્વજ્ઞાને હિંદની સંસ્કૃતિને પોષી એ કરતાં એમાંની કવિતાએ વિશેષ પોષી એમ કહેવું એ સત્યની વધારે નજીક છે. વેદઉપનિષદનું ઘણુંખરું તત્ત્વજ્ઞાન કાળની ચાળણીમાંથી ચળાઈ ગયું છે, જ્યારે ‘યત્ર વિશ્વં ભવત્યેકનીડમ્‌’ જેવી ઉદાત્ત, વિરાટ કલ્પનાઓની સંજીવની, એક જ ઝબકારે માણસ માણસ વચ્ચે જીવંત એકતા રચી જવાની શક્તિ, હજી પણ એવી ને એવી અખૂટ અને અમોઘ છે. એ રીતે જોઈએ તો તત્ત્વજ્ઞાતા પ્રજ્ઞામાનવોના માનવ્ય માટે કવિતા જ જવાબદાર હશે, કારણ કે કવિતા એ માણસના માણસપણાની અમરવાણી છે.

ઑગસ્ટ ૧૪, ૧૯૩૪
એલ્ફિન્સ્ટન કૉલેજ હોસ્ટેલ, મુંબઈ

પાદટીપ

  1. ખરું જોતાં કવિતા જ નહિ પણ સાહિત્યમાત્ર (કે, કહો, કલામાત્ર) આત્મલક્ષી – સબ્જેક્ટિવ છે. જેને વધારેમાં વધારે પરલક્ષી – ઑબ્જેક્ટિવ –કહી શકાય તે આપણું નાટ્યસાહિત્ય, પણ ઇતિહાસનો જ્યુલિસ સીઝર, પ્લુટાર્કનો સીઝર અને શેક્સપિયરનો સીઝર તે એક જ વ્યક્તિ ખરા? શેક્‌સ્પિયરનો સીઝર એ શેક્‌સ્પિયરની પ્રતિભાનું બાળક છે, શેક્‌સ્પિયરમય છે; અને તેથી, એની નાટકકલા ઑબ્જેક્ટિવ લાગે છે એ માત્ર આભાસ છે. ન્યૂટન હો કે નહો, આઇન્સ્ટાઇન હો કે ન હો, ગુરુત્વાકર્ષણનો નિયમ તો છે જ. – એવું નિર્ભેળ પરલક્ષીપણું સાહિત્યમાં છે એમ માનવું એ ભ્રમ જ છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(શબ્દની શક્તિ)