સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/વાસ્તવવાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭. વાસ્તવવાદ

આપણી અત્યંત સમૃદ્ધપણે ખેડાયેલી પ્રાચીન સાહિત્યમીમાંસામાં અનેક નાનામોટા મતભેદો અને વાદો હોય એ સ્વાભાવિક છે. પણ એ બધા મુખ્યત્વે સાહિત્યના રહસ્યવિચારમાંથી ઉદ્‌ભવ્યા છે. કાવ્યનો આત્મા શું? રસ કે અલંકાર, રીતિ, વક્રોક્તિ કે ધ્વનિ? – આ પ્રશ્નનો ઉત્તર શોધવામાં કાવ્યચિંતકોએ સારો એવો પુરુષાર્થ કર્યો છે. અને પરિણામે આપણને કાવ્યવિચારણાનું બહોળું અને માતબર સાહિત્ય મળ્યું છે. યુરોપમાં કાંઈક જુદું જોવા મળે છે. સાહિત્યના તત્ત્વની અનેમુખી પર્યેષણા કરતાં વિશેષ તો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓ ઉપરથી તારવેલા સિદ્ધાંતો કે વાદો નજરે પડે છે. અમુક જાતનું સાહિત્ય રચાવા માંડે, તેને પછીથી સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડતા સાહિત્યના વિશિષ્ટ વાદનો પણ પુરસ્કાર થાય એવું દૃશ્ય જોવા મળે છે. શિષ્ટ સાહિત્યની રચનાઓને ‘ક્લાસિસિઝમ’ (શિષ્ટતાવાદ) અનુમોદે છે. રંગદર્શી સાહિત્ય પ્રગટવા માંડ્યું એને ‘રોમાન્ટિસિઝમ’ (ઉદ્રેકવાદ) આગળ કરે છે, યથાર્થદર્શી સાહિત્ય રચાવા લાગ્યું તેને ‘રિયાલિઝમ’ (વાસ્તવવાદ) ટેકો આપે છે અને એમ ક્રમેક્રમે નિસર્ગવાદ (નેચરાલિઝમ), અભિવ્યક્તિવાદ (એક્સપ્રેશનિઝમ), પ્રતીકવાદ (સિમ્બૉલિઝમ), રહસ્યવાદ (મિસ્ટીસિઝમ), અતિવાસ્તવવાદ (સરરિયલિઝમ), અસ્તિત્વવાદ (એક્ઝીસ્ટેન્શ્યાલિઝમ) – આદિ સર્વ નવી જાતના વાદો સાહિત્યરચનાઓના ઉગમમાંથી ઉદ્‌ભવ્યા છે. પુરાણા આદિ ચીલાઓને તરછોડતા. નવી સર્જકતાથી ઊભરાતા લેખકો નવી કેડી પાડે અને એને તેમની પછી આવતા લેખકો અનુસરતા એ ધોરી રસ્તો બની રહે એટલે સાહિત્યવિચારનો પણ એક નવીન વાદ અસ્તિત્વમાં આવતો દેખાય છે. આમ, આપણી અને પશ્ચિમની સાહિત્યવિચારણામાં મૂલગત ભેદ છે. પશ્ચિમની સાહિત્યવિચારણાને રીતિવિચાર તરીકે ઓળખાવવી સુકર છે. આપણું અર્વાચીન સાહિત્ય યુરોપીય સાહિત્યની છાયા નીચે ઉદ્‌ભવ્યું છે. એથી ત્યાંના સાહિત્યવાદો પણ સ્વાભાવિક રીતે આપણે ત્યાં આવ્યા છે. પશ્ચિમના સંપર્કમાં મુકાતાં જ ત્યાંના તત્કાલીન ઉદ્રેકવાદ, વાસ્તવવાદ આદિ આપણે ત્યાં પણ પ્રવેશ્યા. યુરોપમાં વાસ્તવવાદની પહેલાં ઉદ્રેકવાદ (રોમાન્ટિસિઝમ) અને તેની પહેલાં શિષ્ટતાવાદ (ક્લાસિસિઝમ)નું શાસન હતું. શિષ્ટતાવાદ વિરુદ્ધ ઉદ્રેકવાદ એ તો યુરોપીય સાહિત્યવિચારનો સૈકાઓ જૂનો ગજગ્રાહ રહ્યો છે. પ્રાચીન ગ્રીક લોકોએ મધ્યમ પ્રતિપદાનો જે સૌષ્ઠવયુક્ત જીવનમાર્ગ ખેડ્યો હતો અને એને પરિણામે જે સંયમગુણે ઓપતી સ્વસ્થસુંદર સાહિત્ય આદિ કલાઓ પ્રગટાવી હતી, તેનો શિષ્ટતાવાદ – ક્લાસિસિઝમ – નો યુગ ગણાય છે. પછી ગ્રીસને બળવત્તર રોમને ચરણે ઢળવા વારો આવ્યો. પણ વિજેતા રોમે જોયું કે પોતાનું હૃદય તો પરાસ્ત થયેલી પણ સભર આત્મશ્રીવાળી ગ્રીસની સંસ્કૃતિને ચરણે ઢળ્યું હતું. એટલે રોમનું લેટિન સાહિત્ય તે પણ શિષ્ટતાવાદી – ક્લાસિકલ – કલાના નમૂના રૂપ નીવડ્યું. રોમની પણ સંધ્યા પાસે આવી લાગી. પ્રતાપી જંગલી જાતિઓને હાથે રોમ રોળાયું. તે પછી યુરોપમાં જીવનના ઉદ્રેકનું એક નવું જ પ્રકરણ શરૂ થયું. પછીથી પૂર્વેમાં દુર્ધર્ષ ઇસ્લામીઓનો ધસારો ન ખમાતાં ધર્મગુરુવર્ગ પશ્ચિમ યુરોપ તરફ ખસ્યો અને જ્યાં જ્યાં ગયો ત્યાં તેણે ગ્રીક શિષ્ટતાના સંસ્કાર પુનરુજ્જીવિત કર્યા. આ પુનર્જીવન (રિનેસાંસ)ના સમયમાં ફરી શિષ્ટતાવાદ પગભર થાય એ તો અસંભિવત હતું – પણ વચલા ગાળામાં રોમની એક ભાષા – ‘રોમાન્સ’-માં જીવનઉદ્રેકભરી કથાઓ આલેખાતી એ ઉપરથી એક રોમાન્ટિક – ઉદ્રેકલક્ષી – સાહિત્યશૈલી ખેડાવા માંડી હતી તે હવે સંસ્કારાઈ અને દૃઢપ્રતિષ્ઠ બની. પુનર્જીવનયુગ પછીના શેક્સપિયર આદિ કવિઓ એ મુખ્યત્વે ઉદ્રેકલક્ષી કવિઓ જ છે. પછીથી થોડાક શિષ્ટતાવાદના આગ્રહ પછી ફરી વર્ડ્‌ઝવર્થ કોલરિજથી ઉદ્રેકવાદ સજીવન થયો. આમ યુરોપના ઇતિહાસના પટમાં શિષ્ટતાવાદ અને ઉદ્રેકવાદના ભિન્ન ભિન્ન પ્રવાહો જોવા મળે છે. અને બંનેને જુદાં પાડતું વ્યાવર્તક લક્ષણ તે શિષ્ટતાવાદની કલાપરાયણતા અને ઉદ્રેકવાદની જીવનપરાયણતા લાગે છે. ગ્રીક લેટિન સિદ્ધ કૃતિઓ તે શિષ્ટતાવાદી; એથી પાછળની રોમાન્ટિક –ઉદ્રેકલક્ષી – કૃતિઓમાંથી સમય જતાં સિદ્ધ પુરવાર થયેલી કૃતિઓને પણ ‘શિષ્ટ’ સાહિત્ય તરીકે ઓળખાવાનું બને એ સહજ હતું. આમ શિષ્ટતાવાદ અને ઉદ્રેકવાદની સીમાઓ લોપાઈ, એકમેકમાં ભળી. ઉપરાંત સાહિત્યરચનાના ઇતિહાસે આ બે વાદ પ્રગટાવેલા તેમાં તાત્ત્વિક ભેદ પણ હતો જ; એકની હતી કલાપરાયણતા, બીજાની હતી જીવનપરાયણતા, તેમ છતાં કલાપરાયણતાવાળી શિષ્ટતાલક્ષી કૃતિમાં ક્યાંક જીવનપરાયણતા છલકાતી જોવા મળે એ સંભવિત હતું. તેમ જ જીવનપરાયણ ઉદ્રેકલક્ષી કૃતિમાં કલાપરાયણતાનો ક્યાંક સવિશેષ અભિનિવેશ ન હોય એમ પણ ન બને. આથી કેટલાક યુરોપીય સાહિત્યચિંતકોએ આ બે ઐતિહાસિક શૈલીભેદને સમન્વયદૃષ્ટિએ જોયા. છેક પ્રાચીન શિષ્ટ (ક્લાસિકલ) ‘ઈલિઅડ’ જેવી હોમરની કૃતિમાં પણ ઉદ્રેકવાદ (રોમાન્ટિસિઝમ) જોયો અને પુનરુજ્જીવનયુગ પછી ઉદ્રેકલક્ષી સાહિત્યની – દા.ત. શેક્સપિયરની ‘મેકબેથ’ જેવી – કૃતિમાં શિષ્ટતાવાદ (ક્લાસિસિઝમ) જોયો. આધુનિક વિવેચક એેબરક્રોમ્બીએ તો કહ્યું કે રોમાન્ટિસિઝમનો વિરોધ જેટલો ક્લાસિસિઝમ સામે નથી તેટલો રિયાલિઝમ – વાસ્તવવાદ સામે છે. વાસ્તવવાદ વસ્તુદર્શી છે અને પોતાનો વસ્તુ માટેનો આગ્રહ દર્શાવવા માટે આંખને વાગે, કાનને ખૂંચે, નાકને મૂંઝવે એવી વસ્તુઓને જ પસંદગી આપવામાં રાચતો જોવા મળે છે. ઉદ્રેકવાદ (રોમાન્ટિસિઝમ) શિષ્ટતાવાદના પ્રતિકારમાંથી ઉદ્‌ભવ્યો હતો એટલે સંયમની પાળો તોડીને જીવનમાં પડેલી મધુરતાની લૂંટ એણે ચલાવવા માંડી હતી. પણ જીવનમાં તો અમધુર વસ્તુ પણ પડી છે એ વાત વાસ્તવવાદે આવીને હવે રજૂ કરી. કાલિદાસનો વિદૂષક દુષ્યન્તને કહે છે તેમ મીઠા ભોજનથી થાકેલ સ્વાદેન્દ્રિયને ખાટી આંબલીનો ભાવ થયો. આમ વાસ્તવવાદ ઉદ્રેકવાદના પ્રતિકારમાં આવ્યો. વાસ્તવવાદ અને ઉદ્રેકવાદ એ બે વચ્ચે સમાધાન નથી, જેવું શિષ્ટતાવાદ અને ઉદ્રેકવાદ વચ્ચે છે. એક જ કૃતિ શિષ્ટ હોય અને તેમાં ક્યાંક ઉદ્રેકવાદનાં લક્ષણ વરતાઈ આવે પણ વાસ્તવવાદી કૃતિમાં ઉદ્રેકલક્ષિતા – રંગદર્શિતા અસંભવિત છે અને તે રીતે જ રંગદર્શી કૃતિમાં વાસ્તવવાદિતા. આ અર્થમાં એબરક્રોમ્બીનું, રંગદર્શિતાનો શિષ્ટતા સાથે જેટલો વિરોધ નથી તેટલો વાસ્તવવાદિતા સામે છે – એ કથન બંધબેસતું છે. પણ જરી ઊંડો વિચાર કરવામાં આવે તો જણાશે કે રંગદર્શિતા –ઉદ્રેકમયતા અને વાસ્તવવાદિતા એ બંને બહેનો જ છે; એક ગોરી છે, બીજી કાળી છે એટલું જ. તાત્ત્વિક દૃષ્ટિએ બંને શિષ્ટતાવાદથી જુદી પડે છે. એ બંનેને જુદાં પાડનાર વ્યાવર્તક લક્ષણ તે જીવનપરાયણતા છે. શિષ્ટતાવાદની સંયમપૂત કલાપરાયણતા સામે ઉદ્રેકવાદનો બળવો જીવનના અભિનિવેશને કારણે જ હતો. સત્યનું મુખ સંયમના ઢાંકણથી શીદને ઢાંકવું. બલકે ઉદ્રેકમયતાથી સત્યનું ઉદ્‌ઘાટન કરવું એ શિષ્ટતાવાદ સામેનું સંગ્રામસૂત્ર હતું. જીવનમાં ઊર્મિઆવેગો ઊભરાતા હોય છે. એ સત્ય છે. એને વ્યક્ત કરવાનું ઉદ્રેકવાદે બીડું ઝડપ્યું. વાસ્તવવાદે આવીને ઉદ્રેકવાદને કહ્યું. જીવનને વફાદાર થવાની તારી આ લગની તો ઇષ્ટ છે. પણ તું ખરેખર જીવનને વફાદાર છે? તું તારા ઊભરાઓથી જીવનની કુત્સિતતાઓને ઢાંકી દે છે. શિષ્ટતાવાદ સંયમથી રાગોદ્રેકને ઢાંકતો, તેમ તું રાગોદ્રેકથી જીવનની નક્કર હકીકતોને ઢાંકી દે છે. જો હું જરી એ ઉઘાડી કરી આપું. આમ, શું ઉદ્રેકવાદ શું વાસ્તવવાદ, બંને જીવનની અભિમુખતામાંથી જીવનમાં પડેલા સત્યને વફાદાર રહેવામાંથી એક શબ્દમાં ‘જીવનપરાયણતા’માંથી, જન્મ્યા છે અને એથી શિષ્ટતાવાદ, જે કલાપરાયણ છે, તેનાથી બંને જુદા પડે છે. ઉદ્રેકવાદ અને વાસ્તવવાદનો પરસ્પર વિરોધ બન્નેના શિષ્ટતાવાદ સાથેના વિરોધ કરતાં વધારે છે તેનું કારણ પણ એ કે બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. વાસ્તવવાદ માટે પણ એબરક્રોમ્બીના જેવા શબ્દોમાં, કહી શકાય કે તેનો ઉદ્રેકવાદથી જેટલો વિરોધ છે એટલો શિષ્ટતાવાદ સાથે નથી. શિષ્ટ કૃતિઓમાં વાસ્તવવાદ પણ હશે. વાસ્તવવાદી કૃતિઓ અંશતઃ શિષ્ટતાલક્ષી પણ હશે. આ રીતે આપણે જોયું કે પરસ્પર વિરોધી એવા ઉદ્રેકવાદ અને વાસ્તવવાદ એક જ વસ્તુમાંથી – જીવનપરાયણતામાંથી – ઉદ્‌ભવ્યા છે, અને એ રીતે એકમૂલક છે. અને તે બંને ક્યારેક ક્યારેક શિષ્ટતાવાદમાં ડોકિયાં કરતા હોવા છતાં શિષ્ટતાવાદની કલાપરાયણતા સામે બળવા રૂપ છે, સ્ખલનરૂપ છે એમ પણ કહી શકાય. આપણે વાસ્તવવાદનો જ દાખલો લઈએ. સત્ય જીવનની નોખી નોખી અનેકવિધ ઝીણીમોટી મધુર-અમધુર વસ્તુઓમાં પડેલું છે. એ પ્રગટ કર્યું એટલે બસ એ વાસ્તવવાદ (રિયાલિઝમ)ની પ્રતિજ્ઞા છે. Realis એટલે res અર્થાત્‌ વસ્તુઓને લગતું. પણ અહીં પ્રશ્ન એ ઊભો થયો છે કે સત્ય શું વસ્તુઓમાં જ છે? આ વાસ્તવિક જગત જેને વાસ્તવવાદ આલેખવા માગે છે તે પૂર્ણ સત્ય ન હોય એવો સંભવ નથી? ગ્રીસના સૉક્રેટિસ આદિ વિચારકોએ સત્યને વસ્તુનિષ્ઠ કરતાં ભાવનાનિષ્ઠ કહ્યું છે. પ્લેટોએ નિરૂપેલો ભાવનાવાદ દર્શાવે છે તેમ જગતની બધી વાસ્તવિક ખુરશીઓ પાછળ એક આદર્શ ખુરશી છે, જેની જગતની તમામ ખુરશીઓ એ અનુકૃતિઓ છે. આને જ વળગેલો બીજો પ્રશ્ન એ છે કે વસ્તુનું યથાર્થ વર્ણન કરી શકાય એમ છે ખરું? ગમે તેવો વાસ્તવવાદ પણ કાંઈને કાંઈ વીગતો છોડી દઈને વસ્તુને વર્ણવે છે. વસ્તુની કૃત્સિત બાજુ ઉપર એ ભાર મૂકશે પણ તેથી તેનું પૂર્ણ વાસ્તવિક વર્ણન થયું એમ તો ન જ કહેવાય. વસ્તુને બે જ આંખો જોઈ શકે છે : એક કૅમેરાની આંધળી આંખ અને બીજી તે કવિનું પ્રતિભાલોચન. કૅમેરા પણ વસ્તુનું એક પાસું પકડી શકે છે અને દૃષ્ટિકોણ ગોઠવી વસ્તુના પાસાનાં પણ અમુક છાયાતેજ ઝડપી સમગ્રને એ વડે રંગે છે, ઉઠાવ આપે છે. તેમ છતાં કૅમેરાએ ઝીલેલા પ્રતિબિંબને કલાનિર્મિતિનું પદ કોઈ હજી આપતું નથી. એક પ્રફુલ્લ સંધ્યાની કૅમેરાએ લીધેલી પ્રતિચ્છવિ એ માત્ર પ્રકૃતિનો જડ પડછાયો છે. પ્રકૃતિ જોનારની આંખ દ્વારા એના હૃદયના ભાવમાં ભળે ત્યારે કલાનિર્મિતિ થાય. સ્થૂલ રીતે કહીએ તો પ્રકૃતિ + ભાવ = કલા. કવિતામાં વાસ્તવિક જગતનું પ્રતિબિંબ શબ્દ દ્વારા ઝીલવાનું છે. વાસ્તવવાદ હમેશાં સ્વભાવોક્તિનો આગ્રહ રાખે એ સ્વાભાવિક છે. વડર્‌ઝવર્થે સ્વાભાવોક્તિનો ખૂબ મહિમા કર્યો હતો. જોકે એ ઉદ્રેકવાદનો પુરસ્કર્તા હતો. તેમ છતાં કાવ્યદેહ અંગે વાસ્તવવાદ તરફ એ ઢળ્યો એમાં કોઈ વિરોધ નથી. પોતે કલાધર્મી નહિ પણ જીવનધર્મી કવિ હતો અને તેથી જીવનપરાયણતાલક્ષી બંને ધારાઓ – ઉદ્રેકવાદ અને વાસ્તવવાદ – તરફ એની કવિતા અનુક્રમે અંતરંગ અને બહિર્રંગ પરત્વે ઢળી. બીજા ઉદ્રેકલક્ષી કવિઓને સ્વાભાવોક્તિ એ ખપતી વસ્તુ ન હતી તેને પાછળથી વાસ્તવવાદી લેખકોએ જ અપનાવી. આ સ્વાભાવોક્તિ વિશે વર્ડ્‌ઝવર્થના ટીકાકારોએ વાંધો ઉઠાવ્યો છે કે વર્ડ્‌ઝવર્થની જ બધી ઉત્તમ કાવ્યકૃતિઓ બોલચાલની, યથાતથ, રંગરહિત વાણીમાં ક્યાં છે? અસામાન્ય વાણી વગર ચલાવી લેવું એ વર્ડ્‌ઝવર્થની કવિતાને માટે પણ શક્ય દેખાતું નથી. કવિહૃદયનો પાસ ભાષાને લાગે છે જ. આપણે ત્યાં આ પ્રશ્ન તરફ ઠીક લક્ષ ગયું છે. ભામહ અને કુંતક સ્વભાવોક્તિને અલંકાર જ ગણતા નથી, અર્થાત્‌ સ્વભાવોક્તિ કાવ્યની કોટિએ પહોંચી શકતી નથી એમ સૂચવે છે. મમ્મટે અતિશયોક્તિને અલંકારમાત્રના પ્રાણસ્વરૂપ કહી છે એનો અર્થ પણ એ કે ઉક્તિમાત્રમાં કોઈક અતિશય પ્રવેશે છે એ જ એને કાવ્યત્વની કોટિએ પહોંચવામાં સહાયક થાય છે. આ અતિશય તે બાહ્ય વસ્તુના સ્વભાવમાં એનું વર્ણન કરનાર કવિના હૃદયનો રંગ ભળવાથી સ્ફુરતો હોય છે. અર્થાત્‌ એ વસ્તુ અ-લૌકિક બને છે. આમ, વાસ્તવવાદ સામેના બે પ્રશ્નો તપાસતાં જોવા મળે છે કે વસ્તુનું યથાતથ વર્ણન કરવું શક્ય નથી; પ્રયત્ન કરવા જતાં કૅમેરાએ લીધેલો જડ પડછાયો મળી શકે, વાણી (વાચ્યાર્થમૂલક)ના સાધન દ્વારા માત્ર સામાન્ય –કશા વિશેષ વિનાની, અકિંચિત્કર – કશી અસર ન કરે એવી ઉક્તિ મળે. ઉપરાંત વસ્તુ પાછળ દોડવા જતાં સત્યલાભ થાય છે એવી પ્રતીતિ પણ થતી નથી. એટલે આ રીતે વાસ્તવવાદ જીવનને વફાદાર થવા જતાં – જીવનની વાસ્તવિક વિગતોમાં પડેલા સત્યને પકડવા જતાં – ભાગ્યે જ સફળતા પામે છે. ભાવનામયતામાં જ કવિકલાનું સત્ય સંભવે છે. બાહ્ય વસ્તુમાં સત્ય હોય તોપણ, કવિકલામાં તો કવિના શબ્દ દ્વારા જ એ પ્રગટ થઈ શકે. એથી પ્લેટોના ભાવનાવાદને આ કવિતાના ક્ષેત્રમાં પૂરો અવકાશ છે. વાસ્તવિક જગત કરતાં કવિનું ભાવનાજગત જ વધુ સાચું છે, એ પ્લેટોના ભાવનાવાદની મદદથી, આચાર્ય આનન્દશંકર ધ્રુવે સુંદર રીતે સ્ફુટ કરી આપ્યું છે : “મનુષ્યને જેમ પ્રેમ, માર્દવ, ભય, શંકા, આદિ ભાવો છે, ખરા છે, તેમ એની ભાવનાઓ પણ છે, ખરી છે – અને કવિપ્રતિભાનાં પાત્રો, ચિત્રો, સત્ત્વો એ મિથ્યા કલ્પી કાઢેલા પદાર્થો નથી, પણ કવિનાં દિવ્ય ચક્ષુ પ્રતિ ભાસતા ભાવનાના ખરા ભાસો છે. એ ભાવનાઓનું પૂરેપૂરું સ્વરૂપ તો પરમાત્માના જ જ્ઞાનમાં છે, કવિ પ્રતિ એના રૂપખંડો ભાસે છે – જે ભાર શબ્દરૂપે પ્રત્યક્ષ થઈ, આપણા અન્તરાત્મામાં પ્રેવશ કરી, તે તે રૂપખંડોનું આપણને ભાન કરાવે છે. આ ભાવનાઓ, જે દિવ્ય ચક્ષુથી જ ગમ્ય છે, તેને ચર્મચક્ષુથી ગમ્ય માનવી એમાં ભ્રાન્તિ રહેલી છે, અર્થાત્‌ ઉર્વશી, વીનસ, હર્ક્યુલીઝ, હનુમાન, રાવણ, સેતાન, સ્વર્ગ, નરક, વૈકુંઠ, ગોલોક આદિ કોઈ પણ કાલે ચર્મચક્ષુથી જોઈ શકાય એવાં હતાં વા છે એમ માનવું એ ભૂલ છે. – પરંતુ એમનું અસ્તિત્વ સર્વથા નિષેધવું એ એના કરતાં પણ વધારે મોટી ભૂલ છે. સૌંદર્ય શું તે જાણવું અને ઉર્વશી કલ્પનામાત્ર છે એમ કહેવું, પ્રેમ શું તે સમજવું અને રામસીતાનું અસ્તિત્વ નિષેધવું. હૃદયમાં પાપાત્મક ભાવો અનુભવવા અને દુષ્ટ અસુરો, નરક ઇત્યાદિ નથી એમ માનવું, અન્તરાત્મામાં દિવ્ય પ્રેમ અને શાંતિ સ્વીકારવાં અને વૈકુંઠ કૈલાસ નથી એમ કહેવું – એ તદ્દન અયુક્ત છે. માટે મર્ત્ય લોકથી પર અમર્ત્ય જગત્‌ છે, જેની મર્ત્ય લોક છાયા છે. અને એની છાયા હોવાથી જ આપણને કોઈક પણ આનંદ આપી શકે છે. આ પર – અમૃત – જગત્‌ એ કવિપ્રતિભાનો વિષય છે, અને જે કવિતામાં આ અમૃતજગતનું ભાન કરાવવાની શક્તિ નથી, તે કવિતા જ નથી.’ પ્લેટોનો ભાવનાવાદ કાવ્યશાસ્ત્રમાં આચાર્ય ધ્રુવે આધુનિક સમયમાં ઘટાવ્યો. પણ પ્રાચીન સમયમાં કુન્તકે પણ એને મળતી વિચારણા રજૂ કરી છે. બહારના પદાર્થો (બહારનું વાસ્તવિક જગત) કવિની પ્રતિભાના પરિસ્પંદથી એના ચિત્તતંત્રમાં એવા સ્ફુરી રહે છે કે એમનો બાહ્ય જડ સ્વભાવ લોપાઈ જાય છે અને કવિના અંતર્લોકમાં ભાવમય રૂપ ધારણ કરે છે અને કવિપ્રતિભાબળે એ ભાવમય રૂપ શાબ્દિક રૂપે વિલસી રહે છે : कविवितक्षितविशेषाभिधानक्षमत्वमेव वाचकत्वलक्षणं, यस्मात् प्रतिभायां तत्कालोल्लिखितेन केनचित् परिस्पन्देन परिस्फुरन्तः पदार्थाः प्रकृतप्रस्तावसमुचितेन केनचिदुत्कर्षेण वा समाच्छादितस्वभावाः सन्तो विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीम् अवतरन्तः तथाविधविशेषप्रतिपादनसमर्थन अभिधानेन अभिधीयमानाश्चेतनचमत्कारिताम् आपद्दह्यन्ते । (वक्रोक्तिजीवित, उन्मेष, १-९) આમ સર્જક સાહિત્યમાં સત્યને મૂર્ત કરવાની વાસ્તવવાદની પદ્ધતિ તે કાર્યક્ષમ જણાતી નથી, કેમ કે એ વસ્તુઓમાં – વિગતોમાં સત્યને શોધે છે અને નહિ કે તેની પાછળની ભાવનામાં અથવા કુંતક કહે છે તેમ વસ્તુઓને ભાવમય કરવાના પ્રતિભાના પ્રયાસમાં. ઉપરાંત વાસ્તવવાદ વસ્તુઓને યથાતથ રૂપે રજૂ કરવામાં ફાવતો નથી. જે કાવ્યમાં શિષ્ટતાવાદની કલાપરાયણતા છે, તે સત્યને મૂર્ત કરવામાં સફળ નીવડે છે, કેમ કે ભાવમય એવા કવિકલાના સત્યની એની શોધ છે. જીવનપરાયણ વાસ્તવવાદ જીવનમાંના એટલે કે બાહ્ય વસ્તુઓમાંના સત્યને શોધવા જતાં વસ્તુલક્ષી સત્ય પામી શકતો નથી અને કવિકલાના સત્યને ખોઈ બેસે છે. સાહિત્ય માત્ર વ્યક્તિ દ્વારા રજૂ થતું હોઈ વસ્તુલક્ષી સત્ય યથાતથ રહી શકતું નથી, અને વસ્તુગત સત્યના અભિનિવેશને લીધે એની પાછળની ભાવમયતાને સ્ફુટ કરી કવિકલાના સત્યને સ્ફુરાવવાનો પ્રયત્ન જ મંદ રહે છે. આથી જ શિષ્ટતાવાદ તે કલાધર્મી છે અને જીવનધર્મી વાસ્તવવાદ (તેમ જ ઉદ્રેકવાદ) તે ઉપર કહ્યું હતું તેમ સ્ખલનરૂપ છે, અતિચારરૂપ છે. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી જે મહાન આર્થિક અને સામાજિક ફેરફારો થયા તેને પરિણામે વાસ્તવવાદ ઉત્કટરૂપે વિકસ્યો. આપણા જીવનમાં પણ એવાં પરિવર્તન થયાં અને આપણા સાહિત્યમાં એના પડઘા પડ્યા. નરસિંહરાવ ગોવર્ધનરામ, નાનાલાલ એ સૌ મુખ્યત્વે રંગદર્શી કવિઓ હતા. નરસિંહરાવને ગોવર્ધનરામે ‘ચંદ્ર, સૂર્ય અને તારાના કવિ’ કહ્યા હતા. મેઘાણીએ એક કાવ્યાનુવાદમાં ગાયું કે લાખલાખ માણસો ભૂખે મરે છે ‘ત્યારે હાય રે હાય કવિ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે?” નવા કવિઓનાં ‘લટિયે લટિયે લીખ’વાળી રૂડકીનાં, બાળમજૂરનાં, મોચીનાં ને એવાં વસ્તુલક્ષી કવનો સંભળાવા માંડ્યાં. વાસ્તવવાદ નવા યુગની કવિતામાં ઠીક ઠીક ફાલ્યો. વચ્ચે એવો સમય હતો કે તૂટેલી ચંપલ, ઝાડનું ઠૂંઠું, પતિતા એવા વિષય પર જ લખનાર કવિમાં લેખાવાની આશા રાખી શકતો. ચંદ્ર, તારા, કોકિલ, કુંજો, પુષ્પો – એ બધાંને થોડી વાર દેશવટો મળ્યા જેવું થયું હતું. મજૂર, શોષિત, બુર્ઝવા, કંગાલ, દીન, દલિત, એ બધાંની ફેશન થઈ પડી હતી. કહેવાની જરૂર ખરી કે જેમ કોકિલ અને કુંજોથી ઘણુંખરું રંગદર્શી કવિતાનો આભાસ માત્ર પ્રગટતો. તેમ શોષિત અને દીનહીનની વાતોથી પણ ઘણુંખરું વાસ્તવવાદનો આભાસ જ ઊભો થતો? હવે આપણા યુગની કવિતા વાસ્તવવાદની છેક ગાંડી લગનીમાંથી છૂટીને સૌંદર્યલક્ષી સર્જન માટે મથી રહી હોય એમ લાગે છે. અતિચારોના અભિનિવેશમાં રોકાયા વગર કવિતાએ કલાધર્મી બનવાનું છે.

(કવિની સાધના)