સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/રામા રત્નનિરૂપણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬. રામારત્નનિરૂપણ
[સમીક્ષામાં નવલરામે કવિનામ દર્શાવ્યું નથી.]

સુંદર પૂંઠાવાળી, સુંદર રીતે છાપેલી, સુંદર ભાષામાં લખેલી, સુંદર કવિતાની એક નાજુકડી ચોપડી અમને હમણાં મળી તે વાંચી અમે પ્રસન્ન થયા છીએ. એ કેવળ નિર્દોષ નથી તે છતાં અમે ફરીથી કહીએ છીએ કે અમે પ્રસન્ન થયા છીએ, અને અમારા વાંચનાર જાણે છે કે આવા બોલ અમારા મુખમાંથી ગ્રંથવિવેચન વેળા નીકળવા સાધારણ નથી. કાવ્ય પરીક્ષામાં તો તેમાં અમારું માપ ઊંચું જ રહે છે. એ કદાપિ કેટલાએકને પસંદ નહિ પડતું હોય, પણ કવિતા એવો ઊંચો વિષય છે કે તેમાં નાદાન છોકરાં કલકલાણ કરવા આવે તો તેને ધમકાવી કહાડવાં એ જ ઉત્તમ માર્ગ છે. કવિતા કરવી એ સાક્ષરતાની પરિસીમા છે, પણ હાલ તો કાંઈ ન આવડે તે કવિતા કરવાને તો હું લાયક છું એમ પોતાના મનથી સમજે છે. ઇંગ્રેજી, સંસ્કૃત, વ્રજ, કે પોતાની જ ભાષા બરાબર ભણતા નથી, દુનિયાનો અનુભવ મેળવતા નથી, અને કવિતા શું તે સ્વપ્નામાં પણ જાણતા નથી એવા નાદાનો નિશાળ છોડી કવિ થવા જ દોડે છે. એક પદ પૂરેપાંસરું જોડી શકતા નથી, એક પદમાં ભરવા જેટલો પણ જેના મનમાં વિચાર નથી, જેનામાં પારકાના વિચાર પણ પરખીને લેવાની શક્તિ નથી, અંધારામાં મૂઠી ભરી જો ચોરી લાવે છે તો તેને પોતાની ભાષામાં મૂકતાં પણ આવડતું નથી, અને પ્રાસ તથા તાલ તો જેને કાળ સરીખાં લાગે છે, તે છોકરાં કવિતા કરવાને વલખાં મારે એ બહુ જ હસામણું છે, અને જો તેના દુરાભિમાનથી કંટાળો ન આવતો હોત તો બેશક તે બિચારાં ઉપર બહુ જ દયા આવત. જો કોઈ નર્મદાશંકરમાંથી અરેરેને હાયહાય શીખી લાવ્યો હોય છે તો તો તે એમ જ જાણે છે કે મેં રસનો દરિયો જ ઉથલાવી નાંખ્યો, અને દલપતરામની વર્ણ સગાઈ આણી શકે છે તે તો તેનો સગો થઈને જ ફરે છે. આવી કવિતાને તે તિરસ્કાર સિવાય બીજું શું કરી શકાય? આવી કવિતાથી બધા લોકો હાલ કંટાળી ગયા છે, અને કવિતા શબ્દ જ કેવળ અપમાન પામે છે. આ પ્રસંગે બેશક સખ્ત ટીકાકારની જરૂર છે, પણ ટીકા એ આ ચોપાનિયાનો મુખ્ય વિષય નથી તેથી તે ઘણી વાર જતી કરે છે, અને ફક્ત પહોંચ કબૂલ કરીને જ બેસી રહે છે. પણ અમારી ગુજરાતના બીજા વિદ્વાનોને ભલામણ છે કે હવે પુસ્તક પરીક્ષાના જ એક ત્રૈમાસિક ગ્રંથનો સમય આપણા દેશમાં આવ્યો છે. ભાષા બગડી જાય છે અને નઠારી ચોપડીઓ બહુ વધવા લાગી છે. તેનું સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને ખરી વિદ્વત્તાનો શોક ઘટે છે. મુંબાઈ ઇલાકામાં ચોપડીઓ છપાય છે તેનો રિપોર્ટ જે સરકાર તરફથી પ્રગટ થાય છે, તે ઉપર નજર ફેરવી જઈશું, તો સહજ માલમ પડશે કે ગુજરાતી ભાષામાં ઘણી ચોપડીઓ નવી નવી થાય છે, પણ તે સઘળી જ નકામી હોય છે. ભૂગોળ ઇતિહાસના સાર, શબ્દોના અર્થ, અને છોકરાઓની બનાવેલી કવિતા સિવાય બીજી જાતની ચોપડીઓ બહુ જ થોડી દીઠામાં આવે છે. ચોપડીઓ ખપે છે તે ઉપરથી માલમ પડે છે કે વાંચવાનો શોક તો વધ્યો છે, અને જો એમ છે તો તેમને વાંચવાને સારી ચોપડીઓ મળે એ વાતની પુસ્તક પરીક્ષકોએ દેખરેખ રાખવી એ જરૂરનું કામ છે. જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમીઅત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી, એવી રહેમીઅત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથ પરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે. માબાપ જ છોકરું નાનું હોય છે ત્યાં સુધી કાલું કાલું બોલે છે તો તે સાંભળી રાજી થાય છે, પણ જરા મોટું થયા પછી જો તેમ કરવા જાય છે, તો ટપ તેને ટોકે છે. તે પ્રમાણે હવે પુસ્તક બનાવનારાઓને ટોકવાનો વખત આવ્યો છે. તેથી કેટલેએક ઠેકાણે સારા કે નઠારા ગ્રંથની પહોંચ કબૂલ કરતાં ઠીક છે, સારો છે, વાંચવા લાયક છે, એમ લખવાની ટેવ પડી ગઈ છે તે કહાડી નાંખવી જોઈએ, અને એમ બારે રાશિકા ભલા કહેવાને બદલે ગ્રંથ સારો હોય તો ખખડાવીને કહેવું કે સારો છે, અને નઠારો હોય તો શરમ રાખ્યા વિના બેલાશક થોડા ચાબખા લગાવવા. જે કવિતાની ચોપડી જોતાં અમને આટલું બધું ઉપર લખવું પડ્યું છે તે ચોપડીનો બનાવનાર ગુજરાતી ભાષામાં પ્રવીણ, તેને રમાડી જાણનારો, કવિતાનો અભ્યાસી, ભાષાના ગ્રંથ ભણેલો અને રસ સમજવાવાળો જણાય છે. જણાય છે એમ કહીએ છીએ તેનું કારણ એ કે એ નનામી ચોપડી છે, અને કોણ લખનાર હશે તે વિષે અમારી બરાબર અટકળ પહોંચી શકતી નથી. કોઈ અનુભવી લખનાર છે, પણ આપણા બે પ્રખ્યાત કવિ નર્મદાશંકર અને દલપતરામમાંથી કોઈનો હાથ એમાં જણાતો નથી. નર્મદાશંકરની તો એ બાની જ ન હોય, અને દલપતરામના જેવી ભાષાની ઘણી ખરી સફાઈ છે તોપણ એ શૈલી દલપતરામથી જુદી પડે છે. પણ જ્યાં ગ્રંથના ગુણ દોષ જ જોવા છે, ત્યાં નામની કાંઈ પણ જરૂર નથી. નિષ્પક્ષપાત પરીક્ષકને તો નનામો ગ્રંથ વિવેચન કરવો વધારે ફાવે છે, અને જેને પોતાના ગ્રંથની નિષ્પક્ષપાત પરીક્ષા કરાવવી છે તેનો તો આ જ ઉત્તમ માર્ગ છે. એનો બનાવનાર ગમે તે હો, પણ અમે તો કહીએ છીએ કે આ ગ્રંથ સારો છે, અને તેના ગુણ દોષ કાંઈ વિસ્તારથી નીચે આપીએ છીએ. એ ગ્રંથનું નામ તો અમને બિલકુલ ગમતું નથી. વાંચનાર આશ્ચર્ય પામશે કે રામારત્ન નિરૂપણ એ નામ શું ખોટું છે. એ નામ પણ રામારત્ન એટલું જ રાખ્યું હોત તો વધારે કાનને સરસ લાગત; પણ એ બનાવનારે તો ચોપડીના પૂઠા ઉપર એ નામ પણ ન રાખતાં કાંઈ બહુ જ કઢંગું નામ રાખ્યું છે. ચોપડીની અંદર તો સઘળાં પાનાં ઉપર રામારત્ન નિરૂપણ એમ જ લખ્યું છે, પણ પૂઠા ઉપર તો એનું નામ ‘ગાયકવાડ મલ્હારરાવ અને લક્ષ્મીબાઈ વચ્ચે પડેલો વિયોગ’ એમ મોટા કાળા ને રાતા અક્ષરે છાપ્યું છે. આ કવિ જ (આ ગ્રંથકાર કવિ નામને યોગ્ય છે એમાં તો કાંઈ જ શક નથી) પ્રસ્તાવનામાં કહે છે કે ‘મલ્હારરાવમાં નીતિ કે ખરો પ્રેમ નહોતો. એ તો શ્વાનવૃત્તિએ ચાલ્યા અને નીતિને ખરો પ્રેમ શું તે ન સમજ્યા’ વગેરે. અરે ભાઈ, મલ્હારરાવને ચાલ્યા ને સમજ્યા પણ શું કામ કહો છો? આ કવિતામાં જે શુદ્ધ ઊંચો પ્રેમ તમે વર્ણવ્યો છે તે ક્યાં અને મલ્હારરાવ ક્યાં? એ વિષયાસકત પશુનું નામ એક જ સમે મુખમાંથી કહાડીને શા માટે પ્રેમના પવિત્ર શબ્દને અભડાવો છો? રાજકીય બનાવમાં મલ્હારરાવ વિષે અમારો ગમે તે અભિપ્રાય હો, પણ એ મહા અનીતિમાન, અને પ્રેમ સમજવાને કેવળ નાલાયક હતો એમાં તો કોઈ સંદેહ નથી. ખરેખર જ્યારે અમે આ ચોપડીને મથાળે એનું નામ વાંચ્યું ત્યારે અમને કંટાળો આવ્યો, અને એમ લાગ્યું કે વિષયાસક્તિના બિભત્સ વર્ણન સિવાય આ ચોપડીમાં બીજું કાંઈ હોવાનું નથી. પણ વાંચતાં કવિતામાં કાંઈ જુદું જ દેખાયું. જોયું કે એમાં તો શુદ્ધ નિર્મળ પ્રેમનું અને પદ્મિની સ્ત્રીનું વર્ણન કર્યું છે. મલ્હારરાવનું કે તેના દુશ્ચરિત્રનું તો કોઈ ઠેકાણે જરા નામે આવતું નથી. અમને લાગે છે કે એ કવિએ બલકે મલ્હારરાવ લખમીબાઈથી જુદો પડ્યો તે પહેલાંની જ આ કવિતા તો બનાવી હશે, અને એ ચર્ચાયેલા નામથી મોહ પામી બધા એ વાંચશે એમ ધારી જ પાછળથી એનું નામ પોતાની ચોપડીને આપ્યું છે. ગમે તેમ હો, પણ એ નામ નથી શોભતું, એથી લોભાવાને બદલે ખરા રસિકજનો તો પાછા હઠશે, અને તેથી અમે તો ભલામણ કરીએ છીએ કે એ પૂઠું ફાડી નાખીને બીજું નામ આ આવૃત્તિમાં જ દાખલ કર્યું હોય તો ઠીક. આ કવિતામાં શુદ્ધ પ્રેમી જોડાનું વર્ણન છે. રસ વિપ્રલંભ શૃંગાર છે, અને તે સ્વકીયાનો જ છે. એમાં સારી સ્ત્રીની ઘણી પ્રશંસા કીધી છે, અને તે વિના સંસાર સૂનો લાગે છે તેનો સારો ચિતાર આપ્યો છે. છંદ મનહર બધે વાપર્યો છે. માત્ર આખરે જે પદ છે, અને તે કાંઈ સારાં નથી. કવિને હાથ કવિત ઠીક ચડેલું જણાય છે. આ કવિતામાં રસ ઠીક છે. રસ કરતાં ચાતુર્યનું જોર વધારે છે. હિંદુસ્તાની કવિતાની ઢપ છપ ઉપર ઉત્પ્રેક્ષાઓ ઠીક યોજી છે, પણ તેમાં નવિનતા ઘણી નથી. ભાષા શુદ્ધ, મધુર અને ઝડ ઝમકવાળી છે. શૈલી સોનાનાં સાંકળાં જેવી નથી. પણ ટીપીને લાંબું પતરું કર્યું હોય તેના જેવી છે. કવિનું ઘણું રસજ્ઞાન ગ્રંથપ્રાપ્ત જણાય છે. બધું જોતાં સાધારણ જે હાલ કવિતાઓ લખાય છે તેના કરતાં એ બહુ જ જુદા અને ઊંચા પ્રકારની છે. એ કવિતા ઠરેલ, રસિક, અને નીતિમાન છે. કદાપિ નર્મદાશંકર જેટલો એમાં દર્દનો ઉછાળો નથી, અથવા દલપતરામ જેવી કલ્પના નથી, તોપણ એ બંનેની હારમાં બેસવાલાયક આ કવિ જણાય છે. આ કવિતા સર્વેને વાંચવાલાયક છે એમાં તો કાંઈ જ શક નથી. [...]

૧૮૭૮