સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લેખક-પરિચય

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા(જ. ૯.૩.૧૮૩૬ – અવ. ૭.૮.૧૮૮૮) ગુજરાતી સાહિત્યના પહેલા વિવેચક નવલરામનો જન્મ સુરતમાં. પરિસ્થિતિવશ કૉલેજ-અભ્યાસ ન કરી શકેલા નવલરામ પહેલાં સુરત-ડીસામાં સ્કૂલ-શિક્ષક થયા ને પછી અમદાવાદ-રાજકોટની ટ્રેનિંગ કૉલેજના આચાર્યપદ સુધી પહોંચેલા. ‘ગુજરાત શાળાપત્ર’ના તંત્રી તરીકે ૧૨ વર્ષ સુધી એમણે સાહિત્ય અને વિવિધ વિષયોનાં પુસ્તકોની સમીક્ષાનું મહત્ત્વનું કર્તવ્ય બજાવ્યું. પુસ્તક વિશે જવાબદારીપૂર્વક લખવું, ‘બારે રાશિકા ભલા’ એવો મોઘમ અભિપ્રાય આપી દેવાને બદલે, પુસ્તકની ગુણવત્તા મુજબ સ્પષ્ટ ટીકા કે પ્રશંસા કરવાં – એ એમનો સિદ્ધાન્ત રહ્યો. સમીક્ષા ઉપરાંત એમણે પ્રેમાનંદ, દલપતરામ, નર્મદની સર્જકતાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કર્યું. કેટલાક કાવ્ય-તત્ત્વવિચારના લેખ પણ કર્યા. સર્જક તરીકે એમણે મોલિયેરના નાટકના અંગ્રેજી અનુવાદ પર આધારિત કટાક્ષ-નાટક ‘ભટનું ભોપાળું’(૧૮૬૭) તથા રાસમાળાની એક ઐતિહાસિક ઘટના પરથી. ‘વીરમતી’(૧૮૬૯) નાટક લખ્યાં. ‘બાળલગ્નબત્રીસી’(૧૮૭૬) એમની હાસ્યકટાક્ષયુક્ત કવિતા છે, ને ‘બાળ ગરબાવળી’(૧૮૭૭) નારીજીવનકેન્દ્રી પ્રબોધક કવિતા છે – બંનેમાં એમનું દૃષ્ટિબિંદુ વિચારક-સુધારકનું છે. એમણે ‘મેઘદૂત’નો અનુવાદ આપ્યો, ‘કવિજીવન’(૧૮૮૮)માં નર્મદના જીવન અને સાહિત્યનું સમીક્ષિત નિરૂપણ કર્યું, પ્રેમાનદકૃત ‘કુંવરબાઈનું મામેરું’નું શાસ્ત્રીય સંપાદન(૧૮૭૧) આપ્યું, ‘ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એમણે ‘ગુજરાત શાળાપત્ર’માં હપ્તાવાર(૧૮૮૦-૮૭) લખેલો, જે ૧૯૨૪માં બલવંતરાય ઠાકોરે ગ્રંથ રૂપે પ્રગટ કરેલો. નવલરામના લેખનનો આવો વ્યાપ એમની અવિરત ને સંનિષ્ઠ વિદ્યાસાધનાનું પ્રમાણ છે.

– રમણ સોની