સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/લોકપ્રિય અને લોકપ્રિય સાહિત્ય
ભૂમિકા
આ લખાણમાં લોકપ્રિય સાહિત્ય જોડે સંકળાયેલા કેટલાક મુદ્દાઓની વાત શિષ્ટ સાહિત્ય, સાંસ્કૃતિક સાપેક્ષતાવાદ અને જનપ્રિય સંસ્કૃતિ (popular culture)ના સંદર્ભમાં તેમ જ અનુઆધુનિક સાહિત્યવિચારમાં ‘લોકપ્રિય’ સંજ્ઞાનો કેવો અર્થવિસ્તાર થયો છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આપણે ત્યાં અનેક વિચારવંત સર્જકો-વિવેચકોએ લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્ય વિશે અનેક દૃષ્ટિકોણથી વિચારવિમર્શન કર્યું છે. લોકપ્રિયતા એ મનોરંજન સંસ્કૃતિનો એક અંશ છે. સમૂહમાધ્યમો અને વિજાણુ માધ્યમો ઉપરાંત રોજબરોજનાં મનોરંજનનાં સાધન જોડે એનો સંબંધ નજીકનો છે. ઇવેન્ટ મેનેજમેન્ટના એક મહત્ત્વના પાસા તરીકે એ અભ્યાસક્રમમાં પણ કેટલીક યુનિવર્સિટીમાં આવરી લેવાયો છે. આમ જોવા જઈએ તો ઉપભોક્તાવાદી સંસ્કૃતિ સાથેય તે હળીભળી ગયેલી સંજ્ઞા છે. સમૂહના વિચારતંત્રની સંરચનાઓ ઘડવામાં, વિચારધારાઓનાં તંત્રો રચવામાં, પુસ્તકો સિવાયના, પ્રબળ અસરકારક તત્ત્વ તરીકે સમૂહ તથા વિજાણુ માધ્યમોમાં ‘લોકપ્રિય’ સંજ્ઞાનું આગવું વર્ચસ્વ તથા મૂલ્ય છે. ઉબ્રાંટો ઇકોએ કહ્યું છે કે ‘મનોરંજન કરવું એ અત્યંત કઠિન અને શ્રમપૂર્વકનું કાર્ય છે’. કેટલાકને ગમે કે ન ગમે સમૂહ અને વિજાણુ માધ્યમો જેવાં કે વર્તમાનપત્રો, ટી.વી., વીડિયો ગેમ્સ, સિનેમા, ઇન્ટરનેટ, કૉમિક્સ, રેલવે સ્ટોલ પર વેચાતી જાતભાતની નવલકથાઓ, અનેક પ્રકારના સંગીતની કેસેટ્સ, રેડિયોની એફ.એમ.ચેનલ, જ્ઞાતિઓના સામાજિક મેળાવડાઓ, કેટલાંક કવિસંમેલનો અને મુશાયરાઓ, સોસાયટીના આનંદમેળાઓ, કૉલેજોમાં યોજાતા વિવિધ પ્રકારના વિશિષ્ટ દિવસો (રોઝ ડે, ટ્રેડિશનલ ડે, ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઈન ડે). આજે તો આપણી સંસ્કૃતિમાં વિશિષ્ટ દરજ્જો ધરાવે છે(આ યાદી લંબાવી શકાય). આપણા જીવાતા જીવન જોડે એનો ઘરોબો છે. આપણા રોજબરોજના જીવનમાં એ સારી એવી દરમિયાનગીરી અને દખલગીરી પણ કરે છે. આ બધાં જ માધ્યમો સાથેનો આપણો સંબંધ પ્રેમ અને ધિક્કારનો છે અને આ માધ્યમો વિશે બૌદ્ધિકો તથા વિચારકોમાં સામસામા છેડાનાં અનેક મતમતાંતરો પ્રવર્તે છે. ટી.વી. પરની અનેક પ્રકારની જાહેરાતો, સિરિયલો, વર્તમાનપત્રોની અનેક જાતની કટારો, વર્તમાનપત્રોમાં આવતી નટનટીઓના જીવનની મસાલેદાર ગપસપ, ઇન્ટરનેટ પર જોવા મળતી અનેક પ્રકારની માહિતીપ્રચુર વેબસાઇટ, સોફ્ટ પોર્નોગ્રાફી, સાંસ્કૃતિક કાર્યક્રમો આ બધાં જ સાંસ્કૃતિક ઉદ્યોગોનાં મહત્ત્વનાં સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ કરનારાં પાસાં છે. આ બધાં જ માધ્યમો પણ લોકોની માનસિકતાને ઘડે છે અને ઝડપથી બદલાવે પણ છે. ‘લોકપ્રિય’એ તરલ સંજ્ઞા છે. અમુક-તમુક ‘લોકપ્રિય’ છે કે ‘લોકપ્રિય’ નથી એ વિશે આત્મલક્ષી વિચારવલણો સતત ચર્ચાના કેન્દ્રમાં રહે છે તેથી એની કોઈ નિશ્ચિત વ્યાખ્યા કરવી અઘરી છે. વળી, નીતિ, કળાનું સત્ય, કળાનું સૌંદર્ય, સમાજ તથા કળાના સમ્બન્ધો વિશેનાં અનેક વલણોને તે સતત પરિવર્તિત કરતી રહી ચકાસતી રહે છે. સાધારણ રીતે આપણે ત્યાં કે અન્ય જગ્યાએ લોકપ્રિય સાહિત્યને વ્યાસપીઠ પર રહી, એક તિરસ્કારયુક્ત, મનોરંજનાત્મક અને છીછરી સંજ્ઞા તરીકે તપાસવામાં અને મૂલવવામાં આવે છે. એ દ્વારા એવું સૂચવવાનો પ્રયત્ન થાય છે કે જે લોકપ્રિય છે તે હલકા વર્ગનું અને નિમ્ન સ્તરનું છે. સાહિત્ય કે કળા વિશેના અમુક નિશ્ચિત માપદંડોમાં એ બંધબેસતું નથી. નિશ્ચિતતાના કળાશાસ્ત્રની સીમામાં એ બદ્ધ થતું નથી માટે અસ્વીકાર્ય છે. નીતિ, સુરુચિ, વિધિનિષેધોના નામે સાધારણ રીતે લોકપ્રિય કૃતિઓની વિડંબના કરવામાં આવે છે, એ કૃતિઓને તુચ્છ ગણવામાં આવે છે અને વારંવાર એના સ્તર વિશે અકળામણો પ્રગટ કરવામાં આવે છે. અહીં લોકપ્રિય કૃતિના બચાવના કોઈ પક્ષકાર તરીકે વાત કરવાનો ઉપક્રમ નથી. અનુ-આધુનિક કલાસાહિત્ય વિચારમાં લોકપ્રિય સાહિત્યને બૃહદ સંસ્કૃતિના અભ્યાસના એક ઘટક તરીકે કઈ રીતે જોવા-તપાસવામાં આવે છે અને લોકપ્રિય કૃતિઓના આંતરવિશ્વને ભદ્ર વર્ગના કહેવાતા વિવેચકો કઈ રીતે જુએ છે અને સંસ્કૃતિના બની બેઠેલા રખેવાળો તેને કઈ રીતે તપાસે છે તથા એમની આ તપાસમાં કયાં કયાં આંતરવિરોધો તથા દૃષ્ટિકોણોની ભિન્નતા જોવા મળે છે, તેનો અહીં ક્યાંક ક્યાંક પુનરાવર્તનોના દોષની જવાબદારી સ્વીકારીને પણ વાત કરવાનો પ્રયત્ન છે. લોકપ્રિય સાહિત્યને જેમ ઉચ્ચભ્રૂ વર્ગ કે મધ્યભ્રૂ વર્ગ સ્વીકારવાની આનાકાની કરી, તેને હલકી કક્ષાનું ગણી, તેની ઉપેક્ષા કરે છે, તેની ઠેકડી ઉડાડી મજાકો કરી કડવા હળવા કટાક્ષો કરે છે તેવી જ રીતે લોકપ્રિય સાહિત્યને માનનારો એક વર્ગ પણ ઉચ્ચ, મહાન, સંકુલ અને અનેક સંકેતો ધરાવતા સાહિત્યને સ્વીકારતો નથી. એમના મતે આ ઉચ્ચભ્રૂ ભદ્ર વર્ગ દંભી અને કૃતક છે. આ અલગઅલગ ધ્રુવ પરની વિચારણામાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બંને પોતપોતાના પૂર્વગ્રહોને, માન્યતાઓને સજાવી ધજાવીને અને તર્કના આટાપાટાની જટાજાળમાં ગૂંથીને લોકપ્રિય સાહિત્યનું પૃથક્કરણ, અર્થઘટન અને મૂલ્યાંકન કરતા રહે છે. બંને પાસે પોતપોતાની માન્યતાઓને સંરક્ષવાની, તથા સ્વબચાવની યુક્તિપ્રયુક્તિઓ મોજૂદ જ છે. આમ તો આ બંને પક્ષો એક પ્રકારની સાંપ્રદાયિકતાથી પીડાય છે. આ પ્રકારની અસ્પૃશ્યતા બંને પક્ષોની મર્યાદા બની રહે છે. લોકપ્રિય સાહિત્ય મનોરંજન(entertainment)ને તો ઉચ્ચભ્રૂ સાહિત્ય આનંદ(pleasure)ને પોતાના પ્રચારપ્રસારમાં કેન્દ્રવર્તી તત્ત્વ ગણે છે. એક એવી પણ માન્યતા છે કે અત્યાર સુધી મનોરંજન અને માહિતી આ બંને પાયાનાં લક્ષણો વિવેચનમાં ઉન્નતભ્રૂના દમનનો ભોગ બનતાં રહ્યાં છે. આગળ જોયું એ પ્રમાણે જેને સામાન્ય કક્ષાનું કહી ઉતારી પાડવામાં આવે છે અને જેની વારંવાર અવહેલના કરવામાં આવે છે તે લોકપ્રિય સાહિત્ય આમ તો કલાકૃતિ તરીકે નાશવંત છે. એ પુરાતત્ત્વનો અવશેષ અને વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ જનાર અલ્પાયુષ્ય ભોગવનાર લખાણ છે એમ માનવામાં આવે છે. લોકપ્રિય સાહિત્ય એ મૂડીવાદનું સંતાન છે અને મુખ્યત્વે સમૂહ જોડે સંકળાયેલું હોય છે. સમૂહનું મનોરંજન કરવું એ જ એનું મુખ્ય ધ્યેય છે. લોકપ્રિય એ નગરજીવન સાથે પણ ઓતપ્રોત થયેલું તત્ત્વ છે. (અહીં અનુઆધુનિક સાહિત્યમાંની એક વિચારણાને કેન્દ્રમાં રાખી છે). આમ જોઈએ તો મૂડીવાદ, રસમીમાંસા અને ઉપભોક્તાવાદ એકબીજા સાથે આંતરિક રીતે સંકળાયેલાં છે. તેથી લોકપ્રિય સાહિત્ય એક બાજુથી મૂડીવાદ અને સમૂહના બંધનમાં જકડાયેલું છે અને પરંપરાગત રસમીમાંસાનાં ધોરણોથી મુક્તિ આપનારું પણ છે. અહીં એક બીજી વાતનો નિર્દેશ કરવો જોઈએ, તે એ કે આપણા રોજબરોજના જીવાતા જીવન જોડે આ લોકપ્રિય તત્ત્વ વણાયેલું છે. જાણીતી બ્રાન્ડની ચા, અમુક જાતની ટુથપેસ્ટ, અમુક કંપનીનું રેફ્રિજરેટર, અમુક-તમુક બ્રાન્ડનાં શર્ટ, સાબુ, શેમ્પુ, બૂટ-ચંપલ વગેરે. આમ લોકપ્રિયતા સ્વાભાવિક રીતે આપણી રોજબરોજની જિંદગી સાથે ભાર વિના સંકળાયેલી છે. જાહેરાતો આપણને સંબોધન કરે છે, ક્યારેક મોટા ભા બનાવે છે, ક્યારેક અપરાધભાવનો અનુભવ પણ કરાવે છે. તેને પણ લોકપ્રિયતાના અંતર્ગત પાસા તરીકે જોવાની છે. ભદ્ર લોકોએ વાસ્તવિકતા વિશેનો જે ખ્યાલ બાંધ્યો છે, સંવેદના વિશે જે વિચારવિમર્શનો કર્યાં છે તેને લોકપ્રિયતા નકારે છે. અહીં હકીકત અને ભ્રાંતિ બંને કપોલકલ્પિત છે. લેખક જાણે કે જલસો ગોઠવનાર સાહસિક વેપારી જેવો હોય છે, લાગે તો તીર નહીં તો કુછ નહીં. અહીં લેખક અને વાચક વચ્ચેનો સંબંધ માલનું ઉત્પાદન કરનાર વેપારી અને તેનો ઉપભોગ કરનાર ગ્રાહક જેવો છે. લેખક માલ ઉત્પન્ન કરે છે, વાચક ઉપભોક્તા છે. આ બધા પાછળનું ગણિત સ્પષ્ટ છે. તેનાથી વાચકની રુચિમાં વિશિષ્ટ પરિવર્તન લાવવાનો લેખકનો કોઈ ઇરાદો હોતો નથી. આ પ્રકારનું સાહિત્ય સામ્રાજ્યવાદી કે સરમુખત્યારશાહી રાજ્યમાં સંભવી ન શકે. શિષ્ટ સાહિત્યની એક સંહિતા છે તો લોકપ્રિય સાહિત્યની અન્ય સંહિતા છે. એકમાં કશાક રસકીય ધોરણોને જ અનુસરવાનું છે તો બીજામાં એ ધોરણોનો વારંવાર ભંગ કરવાનો છે. શિષ્ટ સાહિત્યમાં સંકુલતા છે, કલ્પના અને વ્યંજના માટેનો અવકાશ છે, અનેક અર્થઘટનોની શક્યતાઓ જન્માવવાની શક્તિ છે તો લોકપ્રિય સાહિત્યમાં સરળતા છે, કલ્પના કે વ્યંજના માટેના અવકાશનો અભાવ છે. તે સંકેતોની જટાજાળમાં પડવા માગતું નથી. જાણીતી સંરચનાઓ અને જીવનવ્યવસ્થાઓનું વારંવાર શબ્દાંતરે, નવા વિષયો તથા નવી નવી માહિતીઓની આડશે પુનરાવર્તન કરતા રહેવું તે એનો પાયાનો ગુણ ગણી શકાય. શિષ્ટ સાહિત્યમાં પણ આત્માનુકરણ નથી થતું એમ ભાગ્યે જ કહી શકાય. આઘાતો આપવા, તાળા મેળવવા, શાશ્વતી સામે ભંગુરતા સાથે થોડું હળવું મનોરંજન કરી લુપ્ત થઈ જવું તે લોકપ્રિય સાહિત્યનો જાણે કે કાયદો છે. લોકપ્રિય સાહિત્ય એક એવા વાચકની કલ્પના કરે છે કે એને શું જોઈએ છે, એનું સ્વપ્નજગત કેવું છે, એને વધારેમાં વધારે શામાં રસ પડે છે અને એ રીતે વિગતો, માહિતીઓ, સનસનાટીઓ, રહસ્યો, જાતીયતા તથા હિંસા ઇત્યાદિનો એ મસાલેદાર માલ તૈયાર કરે છે (જોકે આ બધું હોવા છતાં એ લોકપ્રિય થશે જ એવી કોઈ ગેરન્ટી નથી હોતી). અહીં વાચક ઉત્તેજનાનો અનુભવ કરે પણ સર્જનાત્મક રીતે તો લગભગ નિષ્ક્રિય જ હોય છે. એને બદલે લેખક જ વિચારે છે, કાર્ય કરાવે છે. આમ શિષ્ટ સાહિત્યે જે બે પ્રકારના વાચકોનો અને લેખકોનો ભેદ કર્યો અથવા તો કલ્પના કરી તે સમય જતાં સામસામા છેડાના તંગ બિંદુ પર આવી ગયાં. લોકપ્રિય સાહિત્યનું અન્ય લક્ષણ તે પ્રગટતા જનપ્રિય સંસ્કૃતિનું આ આગવું લક્ષણ. (આ exposer - પ્રગટતા એમ.ટી.વી., વી.ટી.વી., રેડિયો મિર્ચી, એફ.એમ.ની બે ચેનલો પર બબડાટના રૂપમાં, શરીરના ઉઘાડા પ્રદર્શનમાં, આવતાં રી-મિક્સ કે અન્ય પોપગીતોમાં જોઈ શકાશે). આ રીતે સંકુલતાની સામે પ્રગટતા. શિષ્ટ સાહિત્યના અવકાશની સામે વીગતોની ભરચકતા. જોકે લોકપ્રિય સાહિત્યમાં પણ નાત-જાતના વર્ગભેદ છે ખરા. સીધાસાદાં વાક્યોમાં માંડીને વાર્તા કહેવી. કલ્પન-પ્રતીકની જટાજાળમાં વાચકને ગૂંચવવો નહીં. વાચકને જિજ્ઞાસારસની જાળવણી સાથે વાચનમાં ભાગ્યે જ બૌદ્ધિક શ્રમ કરવો પડે એવી તકેદારી રાખવી અને છતાં શિષ્ટ સાહિત્યનાં કેટલાંક લક્ષણોનો આધાર લઈ પોતાની રચનાનો ગુંફ રચવો એ લોકપ્રિય સાહિત્યના કર્તાને વધારે અનુકૂળ આવે છે. જોકે ઉન્નતભ્રૂ વિવેચકો દ્વારા લોકપ્રિય સાહિત્યના લેખકોને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. સાહિત્યના ઇતિહાસમાં તેઓનું સ્થાન નથી. વિદ્યાપીઠોની બહાર જ તેઓ હંમેશાં હોય છે. તેઓ કોઈ અર્થપૂર્ણ સાહિત્યસિદ્ધાંત આપવાની ભૂમિકા પોતાની રચનાઓ દ્વારા કરતા નથી. વિદ્યાસંસ્થાઓમાં તેઓ અપાંક્તેય હોય છે. તો સાથે સાથે શિષ્ટ લેખકો પણ આમ તો લોકવિદ્યાપીઠમાં નાત બહાર જ હોય છે. લોકપ્રિયને સંખ્યાગુણ સાથે મહત્ત્વનો સંબંધ છે તો શિષ્ટને માટે સંખ્યાગુણ એ ચિંતાનો વિષય બને છે. મોટે ભાગે તો લોકપ્રિય અને શિષ્ટ લેખકો એકબીજાનો ખરખરો જ કરતા રહેતા હોય છે. સભાઓ, પરિસંવાદોમાં એકબીજા પર કટાક્ષો ને ટીકાનાં બાણ છોડી પોતાના કેળવેલા અહંકારની છૂપી પૂર્તિ કરતા હોય છે. લોકપ્રિય સાહિત્યે વિજ્ઞાનકથા, રહસ્યકથા, ભૂતકથા, ભયાનકકથા, કૉમિક્સ જેવા અનેક સાહિત્યપ્રકારો આપ્યા છે. આ સાહિત્યપ્રકારોએ ટેલિવિઝન અને સિનેમા પર પણ ઘેરો પ્રભાવ પાડ્યો છે. લોકપ્રિય કૃતિ ભલે ત્રિ-પરિમાણી કલાકૃતિ ન હોય, ભલે એ સપાટી પર છબછબિયાં કરી અટકી જતી પ્રયુક્તિ હોય, પણ કેટલાક અભ્યાસીઓ એવું માને છે કે લોકપ્રિય સાહિત્યમાં આગળની પ્રશિષ્ટ કથાઓની વાગ્મિતાયુક્ત પ્રયુક્તિઓનો વિનિયોગ થાય છે ખરો. કલાઓની પરંપરાગત રીતે નિર્માણ થઈ ચૂકેલી વિભાવનાઓ વચ્ચે લોકપ્રિય સાહિત્યકૃતિ એ ઇતરજનનું સ્થાન ભોગવે છે. આમ તો દરેક પદ્ધતિ પોતાનામાંથી જ બીજી વિરોધી પદ્ધતિ ઉપજાવી લેતી હોય છે. દરેક પદ્ધતિનું સ્વરૂપ જ દ્વંદ્વાત્મક હોય છે. એકની સામે બીજી પદ્ધતિ હોય જ છે. એક રીતે જોઈએ તો લોકપ્રિય સાહિત્ય એ શિષ્ટ સાહિત્યમાંથી આવેલો અને આગળ જતાં ફંટાઈ ગયેલો એક સાહિત્યપ્રકાર છે. આગળ જોયું એ પ્રમાણે પ્રગટતા અને સપાટ સરળતા લોકપ્રિય સાહિત્યનું એક લક્ષણ છે, તે instant છે, ઝટપટ છે, વાચકને તરત જ ગળે ઊતરે તેની તકેદારી રાખનારું છે. આને કેટલાક ઉન્નતભ્રૂ વિવેચકો ‘ન્યૂરોટિક વર્ક ઑફ આર્ટ’ કહી ભાંડે છે. (Cult fiction, Popular Reading and Pulp Theory - Clive Bloom ૪૧, ૧૯૯૬.) જાણે કે રોગિષ્ઠ મનોદશાનું સૂચન કરતું સાહિત્ય છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું નીતિવાદી વિવેચકોનું માનવું છે. અહીં મજાની વાત તો એ છે કે વર્ગભેદ, જાતિભેદની જેમ જ લોકપ્રિય અને ઉચ્ચકલા એક જ સમાજમાં સહઅસ્તિત્વ ધરાવે છે. જીવનનું મસાલેદાર રોમાંચભર્યું ચિત્ર ઉપસાવવું એ લોકપ્રિય સાહિત્યનું એક કાર્ય છે. Living in technicolor એ એનું સૂત્ર છે (The Rules of Pulp, ૧૩૨) લોકપ્રિય સાહિત્ય દેશપ્રેમ, કેટલાક સામાજિક પ્રશ્નો, આદિવાસી પ્રજાના રીતરિવાજો, સત્યઘટનાઓ, અનુભવકથાઓનું રીતસરનું વ્યાપારીકરણ કરે છે. ઘણી વાર એ ‘લોકોના પ્રશ્નો’ને વાચા આપતું હોય એવું શિષ્ટ સાહિત્યનું મહોરું પહેરીને આવે છે. ઘણી વાર તો શિષ્ટ સાહિત્ય અને લોકપ્રિય સાહિત્યનાં આંતરકૃતિત્વો એકબીજાની સરહદો એટલી હદે ઓળંગી જાય છે કે એમની વચ્ચે તફાવત કરવો થોડું મુશ્કેલ લાગે છે (આ સંદર્ભમાં ક.મા.મુનશી, ર.વ.દેસાઈ, ચંદ્રકાંત બક્ષી અને અન્ય નવલકથાકારોનાં સમયે સમયે થયેલાં મૂલ્યાંકનો તપાસવાં જેવાં છે). લોકપ્રિય સાહિત્ય રોજબરોજની યાંત્રિક, એકવિધ કંટાળાજનક જિંદગી અને સામાન્યતાઓ જોડે કામ પાર પાડે છે. નીતિવાદી સમાજે નક્કી કરેલી આચારસંહિતા જોડે એ રમત રમે છે, એના જ માળખામાં રહી રમત રમે છે. સંસ્કૃતિ અને સમાજે જેને નિષિદ્ધ લેખ્યાં છે તેમાંથી જ આનંદ મેળવવો એ એનું લક્ષ્ય છે. લોકપ્રિય સાહિત્યનો લેખક ભદ્ર સમાજમાં આદરપાત્ર થવા માગતો જ નથી. એનો પોતાનો આગવો માર્ગ છે. સાધારણ રીતે એ વિદ્યાસંસ્થાઓએ ઘડેલા સાહિત્યના ગુણધર્મોને ધિક્કારે છે તેથી લોકપ્રિય એ ભદ્ર સંસ્કૃતિએ ઘડેલાં માળખાંઓની સંહિતાને ફગાવીને આગળ ચાલે છે છતાં દેખાવ તો એવો કરે છે કે એને એ માળખાંઓમાં, એ સંહિતાઓમાં ઊંડો રસ છે. આ જ તો એની આગવી વક્રતા છે. આ સાહિત્ય શાશ્વત કે ગંભીર બનવા માગતું નથી. પરંતુ ક્ષણિક તથા હળવું રહેવા માગે છે. બીજી વક્રતા તો એ છે કે એ પરંપરાગત માન્યતાઓને તથા વાસ્તવિકતાને જ મૂર્ત કરે છે. શિષ્ટ કલામાં વાસ્તવિકતાનું જે પુનરાવર્તન કે પુનર્વિધાન થાય છે તેવું લોકપ્રિય સાહિત્યમાં ભાગ્યે જ થાય છે. એનું માળખું લગભગ નિશ્ચિત છે, યાંત્રિક છે. એ નવા નવા વિષયો, ચલણી અને વેચી શકાય અને તરત જ બદલાઈ જાય એવી ફૅશનમાં રચ્યુંપચ્યું રહે છે. કલા એ જો ઇતિહાસ છે તો લોકપ્રિય એ ઝંખના છે. કલા એ સત્ય છે તો લોકપ્રિય એ જુઠ્ઠાણું છે. જોકે આ ધોરણો કલાવાદીએ જ સ્થાપ્યાં છે. પોતાની કલાના બચાવ માટે ઊભાં કરવામાં આવેલાં આ ધોરણો છે. લોકપ્રિયતાના સૌંદર્યશાસ્ત્રના પાયામાં બે તત્ત્વો છે : તિરસ્કાર અને ઉપેક્ષા. એ જલદીથી ભુલાઈ જવા સર્જાયેલી કલા છે. વેપારીવૃત્તિથી, વેપારમાં ખપ લાગે એ રીતે રસમીમાંસાનાં કેટલાંક લક્ષણો ખૂબીથી યોજવાની પ્રયુક્તિઓ લોકપ્રિય સાહિત્યની રચના કરનારને આવડતી હોવી જોઈએ. આ લોકપ્રિયને પોતાની આગવી ભાષા અને વ્યાકરણ છે. અહીં જાણે કે ઉપભોક્તા અને ઉત્પાદક વચ્ચે વણલખ્યા કરાર કર્યાની સમ્મતિ મળેલી છે. માન્ય સિદ્ધાંતોની જાણે કે અહીં મજાક કરવામાં આવે છે. કલાવાદીઓ તથા આધુનિકોએ વાસ્તવિકતા વિશેના જે ખ્યાલો ઊભા કર્યા એની સમાંતરે, વિરુદ્ધ દિશાનો, પલાયનવાદી તત્ત્વો ધરાવતો ખ્યાલ લોકપ્રિય સાહિત્યે ઊભો કર્યો. અહીં સમાંતર વાસ્તવિકતા એ છે કે એમાં સામાન્ય બુદ્ધિ અને પાગલપણું એકબીજાનાં સમ્બન્ધી જેવાં વિશેષ લાગે છે. સમાજના નૈતિક અંશને જાણે કે રસમીમાંસાના સાંસ્કૃતિક પ્રશ્ન તરીકે લોકપ્રિય સાહિત્યમાં રજૂ કરવામાં આવે છે. સમકાલીન સમાજમાં જે કંઈ ચાલે છે તેને મનોરંજનના માળખામાં ક્ષણિક ગોઠવી અને તેની ભંગુર છબી ઉપસાવવામાં આવે છે. વિદ્રોહી સાહિત્ય કરતાં આ અર્થમાં એનું સ્વરૂપ જુદું છે. લોકપ્રિય સાહિત્ય માત્ર વર્તમાનમાં જે છે એની ઉજવણી કરવામાં માને છે. ઔદ્યોગિક અને શહેરીજીવનના ઇતિહાસ જોડે એના તાણાવાણા વણાયેલા છે. પ્રકૃતિનાં બદલાતાં રૂપો અને માનવસ્વભાવના ક્ષણજીવી આવ-જા કરતા સંચારીભાવો વિશેષ રાહે આ સાહિત્યમાં આલેખાય છે. લાગણીના ક્ષણજીવી ઊભરાઓ, સનસનાટીભરી વીગતો, શૃંગારભર્યો રોમાન્સ, હિંસ્રતા અને કપોલકલ્પિત જેવાં તત્ત્વોની આવનજાવન આ સાહિત્યનાં સ્વાભાવિક લક્ષણો છે. એના આલેખનમાં આનુપુર્વી કે તાર્કિકતાની અને એકતાની ભાગ્યે જ પરવા કરવામાં આવે છે. ટી.વી. ચેનલોનાં સર્ફિંગ જોડે અથવા વીડિયોમાં આવતી એક પછી એક ઝડપથી બદલાતી ઇમેજ જોડે આને સરખાવી શકાય. જેમાં પાત્રો, જાહેરાતો, ઇમેજ વસ્તુઓ ઇત્યાદિ વચ્ચે ભાગ્યે જ કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય છે. ફ્રેડરિક જેમ્સન આને વિલક્ષણ પ્રકારનો અતિવાસ્તવવાદ કહે છે. આવી રીતે ઘટનાઓ, બનાવો કે પ્રસંગો, અકસ્માતો, પ્રેમ, લાગણીઓ આ બધાંનું આલેખન લોકપ્રિય સાહિત્યમાં કોઈ પણ જાતના બોજા વિના, હળવાશથી અને પ્રમાણભૂતતાના દાવા વિના સીધી અસરકારક શૈલીમાં મુક્ત રીતે થાય છે. એમાં દસ્તાવેજીકરણ, સત્યઘટનાઓ વગેરેની પરિચિતતા જોડે વાચકો મેળવતા જાય છે. આ બધાં પાછળ કળાકીય સંરચના સિદ્ધ કરવી એનો આશય હોતો નથી. જોકે લોકપ્રિય સાહિત્યની પોતાની આગવી સંરચના હોય છે ખરી પણ સંરચના સિદ્ધ કરવી એ જ એનો મુખ્ય અર્થ થતો નથી. ક્લાઇવ બ્લૂમ જેવા વિવેચક માને છે કે ‘અતાર્કિક રીતે આવતી બોલકી માંદલી લાગણીઓના ઊભરાઓ, ખોવાયેલા અતીતની ઝંખના અને ઝુરાપો, સનસનાટીભર્યા અદ્ભુતનું આલેખન, ઉન્માદક શૃંગારભર્યો રોમાન્સ, ક્યારેક ભયાવહ હિંસાત્મક અને ગગનગામી ઉડ્ડયનો અથવા કપોલકલ્પિત – આ બધાં લોકપ્રિય સાહિત્યની આધારભૂમિ છે.’ આ સાહિત્ય વધારે પડતું બોલકું, ઉદ્ધતાઈભર્યું, ઉતાવળિયું, ઊંડાણના અભાવવાળું અને તામસી હોય છે. તેમાં વજનદાર ઘટનાઓ જેવી કે અવૈધ યૌનસંબંધ, ખૂન, બળાત્કાર, આપઘાત જેવા બનાવોની છુટ્ટે હાથે લહાણી કરવામાં આવે છે. એમાં વારંવાર deflated realityનો અનુભવ થાય છે. (સુરેશ જોષી કૃત ‘નિધુવન’ અને ‘અથવા’ નામની ન લખાયેલી નવલકથાઓની ઉપજાવી કાઢેલી વિવેચના, ઊહાપોહ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૭૦). આ કૃતિઓમાં ઘણી વાર સપાટી પરનાં છબછબિયાં હોય છે. વાસ્તવિકતાનું હ્રસ્વીકરણ અને હીનીકરણ હોય છે. ક્યારેક તો વાસ્તવિકતાની માત્રાનો અતિરેક હોય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં તેને વાસ્તવિકતાનો ફુગાવો કહી શકાય. ક્યારેક તો એમાં સામગ્રીને જ કલા માનવાનો આગ્રહભર્યો આત્મવિશ્વાસ હોય છે. એક પ્રયુક્તિ તરીકે કલાકૃતિના પ્રગટીકરણ માટે જેમ ગંભીર કથાવાર્તાઓ અનુકરણનો આધાર લે છે એ જ અનુકરણનો આધાર લઈ મનોરંજન કરવાનું કામ લોકપ્રિય કૃતિઓ કરતી હોય છે. બંનેનાં કાર્યો આમ તો જુદાં છે છતાં બંનેના માર્ગો તો એક જ છે – અનુકરણના. લોકપ્રિય કૃતિમાં શરીર એ પ્રાણભૂત અંતર્ગત રૂપક છે. અહીં નિરૂપાતાં હિંસા, પ્રેમ, જાતીયતા, નૈતિકતા આ બધાં સાથે શરીર વિશેષ રૂપે સંકળાયેલું જોવા મળે છે. મૃત્યુ, સમાજ, કુટુંબ જેવી વિભાવનાઓ અંતર્ગત રીતે શરીરને જ કેન્દ્રમાં રાખી આલેખાતી હોય છે. અથવા તો શરીર એ radical metaphor રૂપે આ કૃતિમાં પ્રયોજાતું હોય છે. લોકપ્રિય કૃતિમાં સાધારણ રીતે પુનરાવર્તિત થતી સંરચનાઓ જોવા મળે છે. તેથી પોતાની કે અન્યની આગળની કૃતિઓના કેટલાક પાઠોની એમાં શબ્દાંતરે સેળભેળ થતી રહેતી હોય છે. આ કૃતિઓનું માહિતીવિશ્વ પરિવર્તનશીલ છે પણ અંદરનું વિશ્વ કાલગ્રસ્ત, ચલણી વિચારોથી સ્થગિત થયેલું હોય છે. આ વિચારો નવા વાઘાઓ સાથે, થોડાં રંગરોગાનો સાથે વારંવાર આવ્યા કરતા હોય છે. પરંપરાગત જ્ઞાનને, ઉપદેશો અને નીતિવચનોને લોકપ્રિય સાહિત્યકૃતિઓ મનોરંજનમાં ફેરવી નાખે છે. આ બધાંનું એ વ્યાપારીકરણ કરે છે. તેમાં ચિંતનનાં ચબરાકિયાં હોય છે. મૌલિક સંવેદનોનો અભાવ હોય છે તો જીવનવિચાર, નીતિશાસ્ત્ર અને માહિતી ઇત્યાદિનું કોકટેલ હોય છે. આ રીતે જનપ્રિય સંસ્કૃતિના એક ઘટક લોકપ્રિય સાહિત્ય વિશે આવાં મંતવ્યો ધરાવનાર અભ્યાસીઓનો એક વર્ગ છે. તો બીજી બાજુ અનુઆધુનિક સાહિત્ય અને કલાવિચારમાં સાહિત્યો વચ્ચે જોવા મળતા પ્રભેદોને કે અંતરોને ઘટાડવાની વાતો પણ વારંવાર થાય છે. કેટલાક અભ્યાસીઓ માને છે કે સાહિત્યનો અનુભવ અને જીવનના અન્ય અનુભવો વચ્ચેનાં આ અંતર અને અંતરાયો ઓછાં થવાં જોઈએ. સાહિત્ય વિશેષ મૂલ્ય ધરાવે છે અને જીવનની બીજી બાબતો અલ્પ મહત્ત્વ ધરાવનારી છે. આવાં મૂલ્યોના ભેદાત્મક વલણોને અનુઆધુનિક સાહિત્યવિચાર સાશંક દૃષ્ટિએ જુએ છે. તેઓનું એવું પણ માનવું છે કે ‘કલા ખાતર કલા’ની વિભાવનાએ સમૂહ અને કલા વચ્ચેના સંબંધમાં એક ખાઈ નિર્માણ કરી છે. કલાની ઘણી પ્રયુક્તિઓ અને લોકભોગ્ય લખાણની ઘણી પ્રયુક્તિઓ મુક્તપણે એકબીજાની સરહદમાં પ્રવેશે તો અત્યાર સુધી એકહથ્થુ શાસન ધરાવનાર શુદ્ધ કલાવાદીઓએ નાકનું ટીચકું ચઢાવવાની જરૂર નથી. (જોકે અહીં સામગ્રીના રૂપાંતરનો પ્રશ્ન તો રહે જ). વળી, આ અભ્યાસીઓ એવું પણ વિચારે છે કે કલાને લોકપ્રિય ને વર્ગપ્રિય ખાનામાં વહેંચી નાખવાની જરૂર નથી. જનપ્રિય સંસ્કૃતિની અનેકસ્તરીય સંરચનાઓ અને કલા વચ્ચે સતત આદાનપ્રદાન થતું રહે, સંવાદ નિર્માણ થાય તો વિવેચનવિચાર પણ ઉઘાડા છેડાવાળો બને તથા સાહિત્યકળાનો અનુભવ જીવનના અન્ય અનુભવો કરતાં કોઈ વિશિષ્ટ દરજ્જો ધરાવે છે એવી સંકીર્ણ વિચારસરણીમાંથી મુક્ત થઈ ભાવનની અનેક ક્ષિતિજોના પ્રદેશમાં ગતિ કરી શકાય. જોકે high brow અને low brow જેવું ભાગ્યે જ હોય છે એવી વાતો એક બાજુથી થાય છે તો પણ સાહિત્યનું ભેદ પાડનારું રાજકારણ હજીયે પોતાની સત્તા વડે હુંકાર કર્યા કરે છે અને લોકપ્રિય સાહિત્યને ઉતારી પાડવાના, જૂના કાલગ્રસ્ત માપદંડોને સજાવ્યા કરે છે. આનો એક અર્થ એ થયો કે ઉચ્ચ સાહિત્ય, શિષ્ટ સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય વચ્ચે તાણનો સંબંધ યથાવત છે. પરન્તુ પ્રશ્ન તો એ છે કે જેમ ધર્મનો અનુભવ લેવો એ ફિલસૂફી નથી તો કલાનો અનુભવ લેવો એ વિવેચના પણ નથી તેથી કોઈ પણ લોકપ્રિય કે વર્ગપ્રિય રચનાના વાચનના અનુભવને શું કહેશું? વળી, લોકપ્રિય, શિષ્ટ, ઉત્તમ, કલાત્મક કે અકલાત્મક કૃતિઓ તો સૈદ્ધાંતિક વિચારણાના માપદંડોને સ્વીકાર્યા પછી જ અસ્તિત્વમાં આવે છે. કેટલાકને માટે અન્ય મૂંઝવણ એ પણ છે કે આપણામાં એકસાથે અનેક વાચકો અસ્તિત્વ ધરાવે છે એટલે જીવન કે કલાના આપણા અનુભવો હંમેશાં ખંડિત કે અપૂર્ણ જ હોય છે. મોરિશ બ્લાંશોના મત પ્રમાણે તો આપણે fragmented poeticsના જમાનામાં જીવી રહ્યા છીએ. આપણામાં એક સાથે અનેક અસ્તિત્વ ધરાવનાર વાચક સામાન્ય કક્ષાની ફિલ્મનો આનંદ માણે છે; ટીકા-ટિપ્પણ કરતાં કરતાં પણ એક સરખા વાર્તાતત્ત્વવાળી ટી.વી. સિરિયલો ને નવલકથાઓનો આનંદ માણે છે. રામાયણ, મહાભારત, ઉત્તર-રામચરિત, કાફકા, સિમેનોન, જ્હોન બાર્થ, ઈટાલો કાલ્વીનો, કુન્દેરા, કૃષ્ણમૂર્તિ, ઝેન, ખૂની ખંજર, ચાંદામામા ને છેલછબો એ સતત વાંચતો રહેતો હોય છે. કિશોરી આમોનકરનો શુદ્ધ માલકૌંસ ને રશીદખાનનો બાગેશ્રી કે મલ્લિકાર્જુન મન્સૂરનો બિલાવલ, કન્ટ્રી મ્યુઝિક, લોકગીતો, જૂની રંગભૂમિનાં ગીતો ને સુગમ સંગીત એ સાંભળે છે તો સાથે સાથે બિથોવનની નવમી સિમ્ફની સાંભળે છે; તેમ જ તલત મહેમૂદ ને જગજિતસિંહની ગઝલો, રફીનાં કરુણ ગીતો ને અદનાન સામીનાં કરુણ કે મસ્તીવાળાં ગીતો એ સાંભળતો હોય છે. અનેક પ્રકારની ગ્રાહકતાનાં ધોરણો પોતાનામાં સંઘરી બેઠેલો, એકમાં અનેક ભાવકો રૂપે શ્વસતો ભાવક ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, લોકભોગ્ય, શિષ્ટ ને જેને ભદ્ર વિવેચક લોકપ્રિય રચનાઓ કહે છે એ રચનાઓના સતત સંપર્કમાં રહેતો હોય છે ત્યારે અલગ અલગ કેન્દ્રો તરફ એ ફંટાઈ જાય છે કે કેમ એ પ્રશ્નોના ઉત્તરો રસમીમાંસાની અનેકકેન્દ્રી વિભાવનાઓ જ આપણને આપી શકે. કલા કે કલાનુભવને માત્ર નિશ્ચિત ઠરાવેલા માપદંડોથી જોવી કે સમગ્ર જીવનના સંદર્ભે જોવી એ કોયડાના ઉત્તરો અનેક કેન્દ્રો પર રહી, ઉઘાડા મનથી શોધવાના રહેશે. સારું છે કે લોકપ્રિય રચનાની સ્થાયી કે એકકેન્દ્રી વિભાવના આપણે શોધી શક્યા નથી તો સાથે સાથે ઉત્તમ, શિષ્ટ રચના કોને કહેવી એ વિશે પણ આપણી વચ્ચે સારી એવી માત્રામાં અસંમતિ પ્રવર્તી રહે અને આ ઊહાપોહ સતત ચાલ્યા જ કરવો જોઈએ જેથી આપણે નિદ્રાધીન ન બનીએ, એટલું જ હાલ તો નોંધીએ.
કેટલાક મહત્ત્વના સંદર્ભો
૧. Cult Fiction Popular Reading and Pulp Theory : Clive Bloom
૨. The Cultural Turn : Fedric Jameson
૩. Reading Popular Narrative : Edited by Bob Ashley
‘પરબ’ : ૩, ૨૦૦૩
(‘નિરંતર’)