સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/વિવેચક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિવેચક-પરિચય

મણિલાલ દ્વિવેદી

Manilal Dwivedi portrait.jpg

ચાળીસેક વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ કવિતા, નાટક, નિબંધ, નવલકથા, વિવેચન, સંશોધન, ભાષાંતર, તત્ત્વજ્ઞાન, પત્રકારત્વ વગેરે ક્ષેત્રોમાં સત્ત્વશાળી પ્રદાન કરનાર મણિલાલ નભુભાઈ (૧૮૫૮–૧૮૯૮) ગુજરાતી સાહિત્યના પંડિતયુગના એક પ્રતિભાસંપન્ન સર્જક અને સમર્થ તત્ત્વચિંતક તરીકે આગવું સ્થાન ધરાવે છે.

મણિલાલ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. એમનું જીવનદર્શન અને તત્ત્વદર્શન મૂળતઃ શાંકર અદ્વૈતના વિચારથી પ્રભાવિત છે. એમણે આ દર્શનના વ્યાપક સ્વીકારને પોતાના જીવનનો એક હેતુ માન્યો હતો. એમના સાક્ષરજીવનનો એક બહુ મોટો હિસ્સો આ દર્શનને વ્યાપક માન્યતા અપાવવા માટે ખર્ચાયો હતો. અને એ કારણે એમનાં લખાણોમાં અભેદવિચાર એક અથવા બીજી રીતે દેખા દે છે. ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી પોતાનાં ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ સામયિકોમાં લેખો લખીને ગુજરાતી પ્રજાને સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે જાગૃત કરવાનો એમણે સમર્થ બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો.

૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ‘પાર્લમન્ટ ઑફ વર્લ્ડ રિલિજન’માં પેપર વાંચવા માટે એમને આમંત્રણ મળ્યું હતું, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ નહોતા જઈ શક્યા. છતાં એમણે મોકલેલો લેખ ત્યાં વાંચવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદે આ પાર્લમન્ટમાં હાજરી આપી ત્યારબાદ તેઓ એક વિદ્વાન તત્ત્વજ્ઞ તરીકે વિશ્વસ્વીકૃતિ પામ્યા હતા. મણિલાલે જો આ પાર્લમન્ટમાં હાજરી આપી હોત તો કદાચ ગુજરાતી સાહિત્યનો જ નહીં પણ સમગ્ર ભારતીય તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ કૈંક અલગ હોત. – અનંત રાઠોડ