સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/હાસ્યરસની એક વિશિષ્ટતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૮. હાસ્યરસની એક વિશિષ્ટતા

Laugh and the world laughs with you, weep and you weep alone: આ ઉક્તિનું તાત્પર્ય એ છે કે સુખમાં ઘણા સહભાગી બને છે. દુઃખમાં કોઈક, અને એમાં સત્ય છે એ તો લગભગ સૌના અનુભવની વાત છે. જીવનમાં એવું જ બને છે કે આનંદ ઉત્સવના અને વિનોદના પ્રસંગમાં ભાગ લેનારા ઘણા મળે, પણ આપણા દુઃખે દુઃખી થનારો મિત્ર વિરલ હોય છે. આવું બને એ નવાઈ નથી; એ તો સંસારનો ક્રમ છે, જનસ્વભાવનું લક્ષણ છે. સુખ ઉપાદેય છે અને દુઃખ હેય છે; હર્ષ આકર્ષે છે, સત્કાર પામે છે; શોક નથી આકર્ષતો, કોઈ સામે ચાલીને શોકને નથી સત્કારતું. હર્ષશોકને સમાન ગણવા, ‘સુખદુઃખે સમે કૃત્વા’ વ્યવહરવું, એવી સ્થિતપ્રજ્ઞતા તત્ત્વજ્ઞાને ઉપદેશેલો આદર્શ છે અને રજસ્‌તમસ્‌ને દબાવીને આગળ આવેલા સત્ત્વગુણના આધિક્ય વડે જ શક્ય છે. લૌકિક અનુભવ આવો છે, પણ કાવ્યનાટકાદિ સાહિત્યથી થતી રસાનુભૂતિ એથી વિલક્ષણ છે લૌકિક વ્યવહારમાં મનુષ્ય સાધારણ રીતે કાર્યસાધક સ્વાર્થપરાયણ, વૃત્તિથી પ્રવૃત્ત થાય છે. એના જીવન વ્યવહારમાં બહુધા રજોગુણનું, ક્વચિત્‌ તમોગુણનું, પ્રાધાન્ય હોય છે, પરંતુ કાવ્યના રસાનુભવને અવસરે મનુષ્ય કાર્યસાધક, સ્વાર્થપરાયણ નથી હોતો. જીવનવ્યવહારમાં પ્રસંગે પ્રસંગે જે ભાગ એ લે છે એનાં પરિણામો એને માણવાવેઠવાનાં હોય છે, એનાથી એ અસંપૃક્ત નથી રહી શકતો જ્યારે કાવ્યગત પ્રસંગોના પરિણામો વાચકને, નાટકગત પ્રસંગોના પરિણામો પ્રેક્ષકને, એના લૌકિકજીવનમાં ભોગવવા પડતા નથી. એ એનાથી અસંપૃક્ત રહે છે, તટસ્થ રહી શકે છે. પણ આ તટસ્થતા પરિણામ પરત્વે છે. કાવ્યનાટકથી વ્યક્ત થતા મનોભાવના અનુભવમાં તો એ તે તે પાત્ર સાથે તદ્‌ભાવભાવન કરે છે, સમભાવ અનુભવે છે. એવો સમભાવ, એવું તદ્‌ભાવભાવન એ તો સહૃદયતાનું લક્ષણ છે. સહૃદય પ્રેક્ષકનું લક્ષણ ભરતમુનિએ આપ્યું છે :

यः तुष्टो तुष्टिमायाति शोके शोकमुपैति च।
दीने दीनत्वमभ्येति स नाट्ये प्रेक्षकः स्मृतः।।

આવું તદ્‌ભાવભાવન, આ હૃદયસંવાદ, આ સહૃદયતા રજસ્તમસાવૃત લૌકિક વ્યવહારમાં સર્વત્ર જોવામાં ન આવે. તેથી જ રસાનુભવને અલૌકિક—લૌકિક અનુભવથી જુદા પ્રકારનો – ગણવામાં આવે છે. કાવ્યનાટકના રસાનુભવ દરમ્યાન સહૃદયના અન્તઃકરણમાં રજસ્‌ તમસ્‌ની નડતર હોતી નથી, મોહનું નિબિડ આવરણ હોતું નથી, સત્ત્વનો ઉદ્રેક હોય છે. કાવ્યાનંદની આ અલૌકિકતાનું – સત્ત્વ પ્રધાનતાનું પરિણામ એવું આવે છે કે વાચક અથવા પ્રેક્ષક હર્ષમાં તેમજ શોકમાં એકસરખો સમભાગી બને છે. Laugh and the world laughs with you, weep and you weep alone એ કથન લૌકિક વ્યવહાર પૂરતું ખરું છે; પણ કાવ્યનાટકના અનુભવ પરત્વે એ ખરું નથી; એમાં તો – Laugh and the world laughs with you. એ જેટલું ખરું છે તેટલું જ ખરું છે weep and the world weeps with you. કાવ્ય નાટકના રસાનુભવમાં હર્ષ ઉપાદેય છે, તેમ કરુણરસગત શોક પણ ઉપાદેય છે, કરુણરસની કલાકૃતિ પ્રત્યે પણ મનુષ્ય વારંવાર આકર્ષાય છે. આ પ્રમાણે શૃંગાર અને વીરની માફક શોકભાવથી નિષ્પન્ન થતા કરુણરસમાં પણ પ્રેક્ષક તદ્‌ભાવભાવન કરે છે – લૌકિક ઉપાધિથી અબાધિત રહીને રસાનુભૂતિજન્ય સત્ત્વપ્રધાન આનંદ અનુભવે છે. હાસ્યરસમાં પણ હાસભાવનું એવું તદ્‌ભાવભાવન શક્ય છે. પણ હાસરસ અન્ય રસોથી એક વાતમાં જુદો પડે છે તે એ કે ઉક્ત ત્રણ રસોમાં સર્વત્ર એવું તદ્‌ભાવભાવન થાય એવી સામગ્રી હોય છે, પણ હાસ્યમાં સામગ્રી પૂર્ણ નથી હોતી છતાં હાસનો અનુભવ પ્રેક્ષકને થાય છે. To laugh with some one શક્ય છે તેમ to laugh at some one પણ શકય છે – એમાં આ ભેદનું કારણ રહ્યું છે. હાસ્યરસ અનેકવાર સામગ્રીની બાબતમાં અન્ય મુખ્ય રસોથી શી રીતે જુદો પડે છે એ જોવા માટે આપણે ઉદાહરણ રૂપે પ્રથમ શૃંગારરસને અને વિક્રમોર્વશીય નાટકને લઈએ. એમાં રતિભાવનો આશ્રય અનુભવનાર પાત્ર, પુરૂરવા છે; ઉર્વશી એના રતિભાવનું આલમ્બન છે; યથાવસર સામગ્રી એ ભાવનું ઉદ્દીપન કરનારા વિભાવ બને છે. પુરૂરવાનો રતિભાવ એના અનુભાવ દ્વારા વ્યક્ત થાય છે, અને પ્રેક્ષકગણ એ ભાવનું ભાવન કરે છે. પ્રેક્ષકના અંતઃકરણમાં પુરૂરવાનો રતિભાવ પ્રતિફલન પામે છે. વીર અને કરુણરસમાં પણ એ રસનો સ્થાયીભાવ નાયકરૂપ આશ્રયમાં રહ્યો છે, અને એના અભિનયરૂપ અનુભાવથી વ્યક્ત થઈને પ્રેક્ષકમાં સંક્રાન્ત થાય છે. નાયકનો જે ભાવ હોય તે જ પ્રેક્ષક અનુભવે છે. અર્થાત્‌ પ્રેક્ષક તદ્‌ભાવભાવન કરે છે. હાસ્યરસમાં પણ આવો વ્યાપાર નથી થતો એમ નહિ, થઈ શકે છે. દાખલા તરીકે વિદૂષક હાસ્યરસના સ્થાયીભાવ હાસનો આશ્રય છે, અને આલંબન-ઉદ્દીપનાદિ સામગ્રીથી પરિપુષ્ટ થયેલો એનો હાસભાવ પ્રેક્ષકમાં સંક્રાન્ત થાય છે.[1] પણ આ પ્રકારના વ્યાપારની સર્વ સામગ્રી કોઈકવાર ન હોય એવું પણ હાસ્યરસની બાબતમાં બની શકે છે. વિદૂષક પોતે હાસનો ભાવ વ્યક્ત કરતો હોય, હસતો હોય અને પ્રેક્ષકને હસાવતો હોય ત્યારે એ પોતે હાસનો આશ્રય છે, આલંબન અન્ય કોઈ પાત્ર હોય. પણ પાત્રવ્યવસ્થા જુદા પ્રકારની હોય, જેના પ્રતિ પ્રેક્ષકે હસવાનું છે એ પાત્ર પોતે હસતું ન હોય, એ પોતે હાસ્યજનક દશામાં આવી પડે અને હાસ્યપ્રેરક બને પણ પોતે હસે નહિ એવી વ્યવસ્થા હોય, તો એવી વ્યવસ્થામાં એ પાત્ર હાસ્યનું આલંબન છે, આશ્રય નથી. શૃંગારવીરકરુણરસની નિષ્પત્તિમાં ભાવનો આશ્રય અને ભાવનો આલંબનવિભાવ એ દ્વિવિધ સામગ્રી સંપૂર્ણ હોય છે. પણ હાસ્યરસની નિષ્પત્તિમાં એ બંને સામગ્રીતત્ત્વો ન પણ હોય. આવી શક્યતા પંડિત જગન્નાથના ધ્યાન બહાર નથી રહી. અને એણે એ મુદ્દાનો વિચાર કરીને કહ્યું છે કે કોઈ હસનારા પાત્રની હાજરી ત્યાં માની લેવાની હોય છે. હાસ્યપ્રેરક પાત્ર પોતે તો હાસ્યનું પાત્ર બને છે – હાસ્યનું આલંબન બને છે, પણ એ પોતે હસતું નથી, હાસનો આશ્રય બનતું નથી. પ્રેક્ષકમાં સંક્રાન્ત થતો હાસનો ભાવ એ પાત્રમાં નથી – તો પછી પ્રેક્ષકમાં જે હાસભાવ પ્રતિબિબિંત થયો એ ક્યાંથી થયો? આનો ખુલાસો પંડિત જગન્નાથે યોગ્ય રીતે કર્યો છે. એ કહે છે કે આવા પ્રસંગોમાં એ હસનીય પાત્ર પ્રત્યે હસનાર એવા એક પાત્રની હાજરી માની લેવાની હોય છે. હાસભાવનો આશ્રય બનેલો એ દ્રષ્ટા હસે અને એનું હાસ્ય પ્રેક્ષકમાં પ્રતિફલિત થાય. આ રીતે જગન્નાથ, દ્રષ્ટપાત્રવિશેષની હાજરી હોય છે એમ કહીને, આશ્રય અને આલંબન એવી દ્વિવિધ સામગ્રી પૂર્ણ કરે છે. પરંતુ પંડિત જગન્નાથનો આ ખુલાસો જ્યાં લાગુ ન પડે એવા પણ હાસ્યરસના પ્રસંગો હોય છે. હાસ્યનું કારણ બનનારું પાત્ર તો હોય પણ હસનારું અન્ય પાત્ર કોઈ હાજર ન હોય એટલું જ નહિ, રંગભૂમિ ઉપરના એ પ્રસંગમાં એક પણ પાત્ર એવું ન હોય કે જેને એ પ્રસંગમાં હસવાનું કારણ દેખાતું હોય. અર્થાત્‌ એ સમગ્ર પ્રસંગ જ એવો હોય કે એમાં ભાગ લેનારાં પાત્રો શોક, ક્રોધ, આશ્ચર્ય વગેરે અનેક કે એમાંથી એકાદ ભાવ અનુભવે, પણ હાસરૂપ ભાવ લેશ પણ ન અનુભવે. એ પ્રસંગમાં એ પાત્રોની દૃષ્ટિએ હાસ્યનું તત્ત્વ જ ન હોય અને છતાં પ્રેક્ષકને આ પ્રસંગમાં હાસ્યાસ્પદ અંશ પરખાય અને પ્રેક્ષકો હસે; બીજી રીતે કહીએ તો એ પ્રસંગમાં ન હોય કોઈ હાસના ભાવનો આલંબનવિભાવ, ન હોય કોઈ હાસનો આશ્રય (હસનાર પુરુષ), ન હોય કોઈ હાસના ભાવનો અભિનયગત અનુભવ, અને પ્રસંગગત પાત્રની દૃષ્ટિએ – ન હોય હાસ્યની સામગ્રી; અને છતાં પ્રેક્ષક હસે છે – તો ત્યાં, પાત્રગત હાસભાવના અત્યંત અભાવમાં, પ્રેક્ષકના હાસવ્યાપારને તદ્‌ભાવભાવન કહી શકાય. આવા પ્રસંગમાં હાસના ભાવનું રંગભૂમિ ઉપર અસ્તિત્ત્વ જ નથી હોતું જેમ નાટકમાં તેમ અન્ય સાહિત્યપ્રકારમાં પણ આવી પરિસ્થિતિ હોવી શક્ય છે. એનું ઉદાહરણ શ્રી ધનસુખલાલ મહેતાની ‘નાટક’ નામની વાર્તામાં મળી રહે છે. એમાં પ્રસંગગત, પાત્રગત, કારુણ્ય છે – એમાંના પાત્રોની દૃષ્ટિએ; છતાં એમાં સૂક્ષ્મ હાસ્યનાં તત્ત્વો છે –વાચકોની દૃષ્ટિએ, નાટકમાં આ પ્રકારનું. રંગભૂમિ ઉપર હાસ્યનો ભાવ ક્યાંય કોઈ પાત્રમાં ન હોય છતાં પ્રેક્ષકને એ પ્રસંગમાં હાસ્યની ઉદ્દીપન સામગ્રી પરખાય એવાં હાસ્ય પ્રસંગનું, ઉદાહરણ જોઈએ, રાજાની આજ્ઞાથી એક વીર સૈનિક શત્રુનો વધ કરીને એનું મસ્તક લઈ આવવાનું કાર્ય સ્વીકારે છે. શત્રુને મારીને, એનું માથું પોતાના થેલામાં મૂકીને, એ પાછો ફરે છે. રાજા સભા ભરીને બેઠો છે ત્યાં એ પ્રવેશ કરે છે, પોતે બજાવેલા કર્તવ્યનું નિવેદન કરે છે –અને થેલામાંથી શત્રુનું મસ્તક કાઢીને રાજાની સમક્ષ ધરે છે. પણ થેલામાંથી નીકળે છે તડબૂચ! પાછો ફરતાં માર્ગમાં એ સૈનિક જ્યાં રોકાયો હશે ત્યાં કોઈએ થેલામાંથી શત્રુનું મસ્તક કાઢી લઈને તડબૂચ મૂકી દીધું હશે! તડબૂચ નીકળે છે ત્યારે રંગભૂમિ ઉપર કોઈ હસતું નથી. કોઈ હસે એ અશક્ય છે. રાજા ઉગ્ર ક્રોધ અનુભવે છે અને દરબારીઓ રાજાના અપમાનથી થતી ક્રોધ, તિરસ્કાર કરુણા વગેરે અનેક વૃત્તિ અનુભવે છે. ભર દરબારમાં રાજાની હાજરીમાં હસવાની કોઈની તાકાત નથી. પરાક્રમ કરીને પાછો ફરેલો એ વીર સૈનિક એ ક્ષણે પોતે હાસનો ભાવ ન જ અનુભવે, પણ એની કરુણતમ દશા અન્ય દરબારીઓમાં પણ હાસ્ય નથી ઉપજાવતી. આખો પ્રસંગ કટોકટીનો બની જાય છે. છતાં – મસ્તકને બદલે તડબૂચ નીકળે એ ક્ષણે પ્રેક્ષક હસે છે. આ હાસનો આલંબન વિભાવ કે એનો કોઈ આશ્રય (હસનાર) રંગભૂમિ ઉપર નથી – તેથી પ્રેક્ષકનો હાસ્યાનુભવ આ પ્રસંગે તદ્‌ભાવભાવન નથી. છતાં પ્રેક્ષક હસે છે. રંગભૂમિ ઉપરનો પ્રસંગ, એની સર્વ સામગ્રી, રંગભૂમિગત પાત્રોમાં હાસ્યનું ઉદ્દીપન નથી કરી શકતી કારણ કે રાજાના અપમાનનો, ક્રોધનો અને સૈનિકની અવદશાનો એ પ્રસંગ છે. છતાં એ સમગ્ર ઘટના પ્રેક્ષકની દૃષ્ટિએ હાસના ભાવનું ઉદ્દીપન કરનારી બને છે. અર્થાત્‌ રસનિષ્પાદન માટેની સામગ્રીમાંના આશ્રય, આલંબન વિભાવ, અને આશ્રય-આલંબનની દૃષ્ટિએ ઉદ્દીપનવિભાવ, એ તત્ત્વો વિદ્યમાન નથી. છતાં એ સમગ્ર પ્રસંગ – રંગભૂમિના પાત્રોમાં હાસ સિવાયના અન્ય ભાવો ઉપજાવતો એ પ્રસંગ – પ્રેક્ષકને હાસનો અનુભવ કરાવી જાય છે. હાસ્યરસની આવી અન્ય રસોથી વિશિષ્ટતા છે. One may weep with someone else-not at someone else! પણ one may either laugh with, or at, someone else.

(વાઙ્‌મયવિમર્શ)
પાદટીપ

  1. વડોદરા કૉલેજના બી. એ.ના વર્ગમાં મેં તા. ૪ સપ્ટેમ્બરે આપેલા વ્યાખ્યાનનો ટૂંક સાર એક વર્તમાન પત્રમાં પ્રકટ થયો હતો એમાં આવું એક વાક્ય છે : “આપણે હાસ્યરસ અનુભવીએ છીએ તે પાત્ર એ હાસ્યને નિષ્પન્ન કરવાને સર્જાયું હોતું નથી, તે પાત્રમાં એ હાસ્ય નિષ્પન્ન થયો હોતો નથી.” મારું કથન એવું નહોતું. મારો આશય એ હતો અને છે કે ‘સર્વત્ર’ એમ હોતું નથી. આ લેખમાં એ મુદ્દાની સ્પષ્ટતા છે.)

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.