સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/શિરીષ પંચાલની વિવેચના

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિરીષ પંચાલની વિવેચના

સર્જનાત્મક લખાણોથી સાહિત્યજગતમાં પ્રવેશનાર અને પછી વિવેચનને જ પોતાનું મુખ્ય કાર્ય ગણી પોતાની કારકિર્દીના આરંભથી લઈ નિવૃત્તિપર્યંત આજ સુધી વિવેચન-સંપાદન- સંશોધનને સમર્પિત શિરીષ પંચાલ ગુજરાતી વિવેચનમાં આધુનિકતાનાં પગરણ કઈક પ્રસન્ન રીતે થઈ રહ્યાં હતાં ત્યારે પ્રવેશ કરે છે. ચાર દાયકાથી એકધારું અને ઉત્તમ કક્ષાનું વિવેચન કરવું એ મોટો પડકાર ગણાય. શિરીષ પંચાલ ગુજરાતી વિવેચન જગતમાં એવા સમયે પ્રવેશ કરે છે જ્યારે આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદનાં ઉછળતાં અને ઓસરતાં પાણીમાં ગુજરાતી વિવેચન અટવાયેલું હતું. ગુજરાતી વિવેચનમાં આ વાદોએ જે વાવંટોળ ઊભો કર્યો હતો એનું બરાબરનું પ્રચલન કરવું જરૂરી હતું. આ ઉપરાંત આ એ સમય હતો જ્યારે સાહિત્યકળાએ પોતાના વજુદને સાબિત કરવા જાત-તપાસ પણ કરવાની હતી. ઉપરાંત સુધારકયુગથી માંડી આધુનિકયુગ સુધીમાં અનેક પ્રકારે ગુજરાતી વિવેચને આ સમયગાળાના સાહિત્યની પુનઃતપાસ પણ કરવાની હતી. આ સમયે આવું કામ કરનારા ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી જેવા પુરોગામી, ચંદ્રકાંત ટોપીવાળા, રમણ સોની જેવા સમકાલીન વિવેચકો ગુજરાતી વિવેચનમાં સક્રિય હતા. આ સમયે શિરીષ પંચાલ એમના પુરોગામી અને સમકાલીન વિવેચકોથી થોડું જુદું કામ લઈને આવે છે. મીનલ દવે ‘વાત આપણા વિવેચનની’ પુસ્તકના અવલોકનમાં શિરીષ પંચાલનું કામ બીજાથી કઈ રીતે જુદું છે તેનાં કારણો આપે છે. ‘શિરીષ પંચાલની વિચરણાનું કેન્દ્ર વર્ગખંડ છે. એમણે વિદ્યાર્થીઓ અને નવા અધ્યાપકોને સજ્જ કરવા માટે જે વ્યાખ્યાનો આપેલાં અને લેખો લખેલા એનાથી એમની વિભાવના ઘડાઈ છે. નવાં નવાં પ્રસ્થાનો, નવી સંજ્ઞાઓ અને નવીન સાહિત્યસ્વરૂપો ઉપરાંત કળા, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વગરેની પાયાની સમજ સાથે તેઓ વિવેચન પાસે ગયા છે. અને નવી પેઢી પણ એ રીતે જાય તે માટે મથ્યા છે. એમણે કળા અને સાહિત્યની માફક વિવેચનને પણ માનવવિદ્યાની પ્રવૃત્તિ તરીકે સ્વીકારી છે. પશ્ચિમની કાવ્ય વિચારણા અને સાહિત્યને આત્મસાત કરવાની સાથે એમણે ભારતીય અને ગુજરાતી સાહિત્ય અને મીમાંસાનું મહિમાગાન કર્યું છે. વિદ્વિતાના ભાર વિનાની સહજ અને સરળ ભાષાની મદદથી એમણે વિવેચન નામની ભારેખમ પ્રવૃત્તિને હળવી અને રસપ્રદ બનાવી છે.’૧[1] નરસિંહરાવ દિવેટિયા અને રામનારાયણ પાઠકે સાહિત્યકલાના વિવેચનમાં અન્ય કલાની જાણકારીની જરૂરિયાતની જે જીકર કરેલી એ પ્રમાણે શિરીષ પંચાલની વિવેચના આ બધી વિદ્યાઓને સાથે રાખે છે, ઉપરાંત સાહિત્ય વિવેચનના સાંપ્રત વૈશ્વિક પ્રવાહોની જાણકારી પણ એમને છે. એટલે એમનું વિવેચન એકાંગી બનતું નથી. એમના વિવેચનની ભૂમિકાનું ઘડતર આમ તો સુરેશ જોષીના પ્રભાવતળે થયું. એ જમાનામાં સુરેશ જોષીનાં કાર્યોનો પ્રભાવ ક્યાંક નકારાત્મક અને ક્યાંક પ્રભાવક સાબિત થયો. આવા સમયે ઘણા વિવેચકોએ એનો પ્રભાવ ઝીલ્યો, ઘણાએ વિરોધ કર્યો તો ઘણાએ તેમનું તટસ્થતાથી અવલોકન કર્યું. આવું સ્વબુદ્ધિથી અવલોકન કરનાર શિરીષ પંચાલ કેવા જુદા પડે છે, એનો ખ્યાલ આપતા હર્ષવદન ત્રિવેદી નોંધે છે. ‘સુરેશ જોષીને પોતાના વ્યક્તિત્વ અને કૃતિત્વના પ્રબળ પ્રભાવથી ગુજરાતી સર્જન-વિવેચનમાં એક નવા જ યુગનો સૂત્રપાત કર્યો. ભાયાણીએ તેને સજાગ અને સતર્ક સમર્થન આપ્યું. તેમના શિષ્યો અને સહયોગીઓ સુમન શાહ, ચંદ્રકાંત ટોપીવાળા વગેરેએ સૈધ્યાંતિક તેમજ પ્રત્યક્ષ વિવેચન દ્વારા તેને એક સંપ્રદાયનું સ્વરૂપ આપ્યું. સુરેશ જોષીના વિદ્યાર્થી તરીકે તેમનું અનુગમન કર્યું. પણ આંખો મીંચીને નહિ, તેમણે સ્વબુદ્ધિનો સતત ઉપયોગ કર્યો.’૨[2] શિરીષ પંચાલનું મોટાભાગનું કૃતિલક્ષી વિવેચન અગ્રંથસ્થ છે. એમણે વીસમી સદીના છેલ્લા ત્રણ દાયકામાં મોટેભાગે કૃતિલક્ષી વિવેચન કર્યું. એ સમયનાં ‘ઉહાપોહ’, ‘એતદ્’, ‘ફાર્બસ ત્રેમાસિક’, ‘સાયુજ્ય’ જેવાં સામયિકોમાં પ્રસિદ્ધ કરેલા લેખો અપ્રગટ છે. જયેશ ભોગાયતાએ ‘શિરીષ પંચાલ અધ્યયનગ્રંથ’ના એમના એક લેખમાં આ યાદી આપી છે. આ યાદીમાં અરધોઅરધ લેખો વિવેચન વિષયક છે. બાકીના કૃતિના સર્જનાત્મક કૃતિઓને મૂલવતા લેખો છે. આમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, સુન્દરમ્ , વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, હરિવલ્લભ ભાયાણી, સુમન શાહ જેવા વિવેચકોના વિવેચનસંગ્રહો અને ભગવતીકુમાર શર્મા, જયંત ગાડીત, હરીન્દ્ર દવે, જેવા નવલકથાકારોની નવલકથાઓની તપાસ છે. એમણે સમકાલીન નવલકથાઓ ‘અનાગત’, ‘અસૂર્યલોક’ ‘આવૃત’ની સમીક્ષાઓ કરી. ગુજરાતી નવલકથા સંદર્ભે એમનું એક નિરીક્ષણ ધ્યાનાર્હ છે. આપણા સર્જકો પહેલેથી જ અભિધામાં રચાતા આવ્યા છે કારણ કે તેમને મન ટેકનિકનો પ્રશ્ન ગૌણ છે. વાચકોને અવબોધ પ્રાપ્ત થાય તે મહત્વનું છે. શિરીષ પંચાલ એમનાં મોટાભાગનાં વિવેચનોમાં કૃતિને કૃતિ તરીકે મૂલવવાના મતના છે. સમકાલીન વિવેચનમાં પણ એમને ઘણી ત્રુટિઓ દેખાઈ છે. એ અનંતરાય રાવળની વિવેચનામાં રહેલી મર્યાદાઓનું ઝીણવટથી વિવરણ કરે છે. ‘કૃતિને મૂલવવાનાં ધોરણો કૃતિબાહ્ય બુદ્ધિએ ઊભી કરેલી અન્ય પરિભાષાઓથી નહીં, પણ કાવ્યનિર્માણમાં સક્રિય તેના ઘટકતત્વની સંયોજનાના સંદર્ભે થવાં નક્કી જોઈએ. કૃતિને બદલે જીવન પર ભાર મૂકવાને કારણે નીતિ, વાસ્તવિકતા, સુંદરતા, શિષ્ટતા, જીવનદર્શન, પ્રતીતિકરતા જેવી સંજ્ઞાઓ વારંવાર સ્થાન પામી છે. કવિતાને સંવેદનાની ભૂમિકા પરથી અંતસ્ફૂરણાની ભૂમિકા પર લઈ જવાને કારણે દર્શન, પ્રેરણા, રસસમાધિ, શ્રદ્ધા, ઉપાસના જેવી સંજ્ઞાઓ અથડાયા કરે છે.’૩[3] આવા પ્રકારની વિવેચન પ્રણાલી સાહિત્યકલાને મૂલવવામાં સહાયરૂપ બનવાને બદલે અડચણરૂપ બને છે, એમ એ માને છે. સમકાલીન સાહિત્યની તપાસ સાથે જુદાં જુદાં નિમિત્તો તળે વિવેચકે અમુક અનિવાર્યપણે કરવાનાં કાર્યો હોય છે. આ કામ શિરીષ પંચાલે બરાબર કર્યાં છે. એમાં પ્રથમ ગુજરાતી વિવચનની શરૂઆતથી લઈ એમના સમકાલીન નોંધપાત્ર વિવેચકોનાં કાર્યોનું મૂલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન કરવાનું કાર્ય. બીજું પોતાના સમયમાં થઈ રહેલ વિવેચનપ્રવૃત્તિનું સમયાનુસાર તોલન કરવું અને ગુજરાતી સાહિત્યવિવેચનને સમયાન્તરે જુદાં જુદાં દૃષ્ટિકોણે સતત તપાસતું રહેવાનું કામ. આ બંને કાર્યોનો હિસાબ એમનાં એકવીસમી સદીના આરંભે પ્રકાશિત થયેલાં ‘વાત આપણા વિવેચનની’ (પૂર્વાર્ધ અને ઉતરાર્ધ) આ બે પુસ્તકો થકી મળે છે. એમાં પહેલા ભાગમાં ગુજરાતી સાહિત્યમાં વિવેચનક્ષેત્રે લગભગ યુગપ્રવર્તકની ભૂમિકા ભજવનારા ને ગુજરાતી વિવેચનને પોતાના સમયમાં એક ડગલું આગળ લઈ જનારા નોંધપાત્ર વિવેચકો નવલરામ પંડ્યા, બળવંતરાય ઠાકોર, રા. વિ. પાઠક, વિશ્વનાથ ત્રિવેદી, ઉમાશંકર જોશી, સુન્દરમ્, હરિવલ્લભ ભાયાણીની વિવેચનાનું મૂલ્યાંકન–પુનઃમૂલ્યાંકન કર્યું. શિરીષ પંચાલ જે-તે વિવેચકની વિવેચનાને યુગના પરિપેક્ષ્યમાં તપાસે છે. ઉપરાંત વિવેચકના સાહિત્યવલણને ઘડનારાં પરિબળોની ચર્ચા કરે છે. વિવેચકની કળાવિભાવનાનાં મુખ્ય વાંક-વળાંકોનો ખ્યાલ આપી એમની વિવેચનચનપદ્ધતિ કેવા પ્રકારની છે તેનો ખ્યાલ આપે છે અને તેની વિવેચનામાં એની રુચિનાં ધોરણો શી રીતિ પ્રતિબિંબિત થાય છે એ પણ બતાવી આપે છે. એમાંય રસપ્રદ વાત એ છે કે શિરીષ પંચાલ સંયોગવશ ક્યારેક વિવેચકના વિવેચનને વર્તમાન સાહિત્યવલણો સાથે સરખાવે છે. તે આમ કરે છે ત્યારે પોતાની સાહિત્યરુચિનો ખ્યાલ તો આવે જ છે, સાથે સાથે એમાં એમનાં સાહિત્યવલણો પણ પ્રતિબિંબિત થાય છે. સુન્દરમ્ ની વિવેચનાની તપાસના આરંભે કહે છે. ‘જેવી રીતે સર્જકની તપાસ કરતી વખતે આપણે એનાં મૂળિયાં જોઈએ છીએ એવી રીતે વિવેચકની તપાસ કરતી વખતે પણ આપણે એનાં મૂળિયાં તપાસવાં જોઈએ.’૪[4] એમણે દરેક વિવેચકની આ રીતે કરેલી તપાસ વિવેચકના કાર્યના મૂલ્યાંકન માટે એક નક્કર પીઠિકા તૈયાર કરી આપે છે. પછી જે-તે વિવેચકની પ્રથમ તો સિદ્ધાંતવિચારણા તેમના વિવેચનને સમજવાની અને તપાસવાની ચાવીરૂપ ભૂમિકા તૈયાર કરી આપે છે. રા. વિ. પાઠકના કળાઅભિગમનો ખ્યાલ આપતા નોંધે છે ‘રા. વિ.પાઠકનો જીવન પ્રત્યેનો અભિગમ કળા પ્રત્યેના અભિગમથી સાવ જુદો છે એમ કહી નહીં શકાય. મનુષ્યની ગતિ ઉર્ધ્વલોક પ્રત્યેની હોવી જોઈએ એવી એમની પ્રબળ માન્યતા તેમની કલાવિભાવના પાછળ રહેલી છે.’૫[5] ઉમાશંકર જોશી પાસેથી સિદ્ધાંતચર્ચા કરતાં લેખો ઓછા મળવાનું કારણ એ ‘એમણે મોટે ભાગે કૃતિ વિવેચન જ કર્યું છે’ એવું આપે છે. તો ‘ઉમાશંકર જોશીએ પંડિતયુગની વિવેચના સાથે જ એ વિવેચનાની મર્યાદાઓને ઓળંગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો’ એમ કહે છે. એમણે દરેક વિવેચકની વિવેચનાનું તટસ્થ આંકલન કરીને તેમની વિવેચનાના વિશેષોની સાથે તેમના વિવેચનની સીમાઓ પણ બતાવી છે. આના કારણે તેમનો વિવેચનવ્યૂહ સમગ્રલક્ષી બની રહ્યો છે. સુરેશ જોષી અને રા. વિ. પાઠકની વિવેચનામાં ક્યાંક દેખાતા આંતરવિરોધો તેમની દૃષ્ટિ તરત પકડે છે. જેવી રીતે ઉમાશંકર જોશીએ પોતાના સમયની આધુનિક કૃતિઓ વિશે દુર્લક્ષ સેવ્યું હતું તેમ સુરેશ જોષીની આવી દુર્લક્ષતા વિશે અંગુલીનિર્દેશ કરતાં કહે છે. ‘સુરેશ જોષીને હંમેશાં ગુજરાતી નવલકથાની તુલનામાં ટૂંકી વાર્તામાં સર્જકતાનું પ્રમાણ સવિશેષ વરતાયું હતું - જોકે તેમણે કિશોર જાદવ, મધુ રાય જેવા વાર્તાકારોની રચનાઓના સંદર્ભે ભાગ્યે જ કશો વિવેચાનાત્મક પ્રતિભાવ આપ્યો હતો.’૬[6] પોતાની સાહિત્યરુચિના ઘડતર પાછળ જેનાં પ્રેરણા અને પ્રોત્સાહન હતાં એવા સુરેશ જોષીની મર્યાદાઓ પણ એ જોઈ શક્યા હતા. એમાં એમની તટસ્થ દૃષ્ટિનાં દર્શન થાય છે. આપણી ભાષાના આ પ્રતિનિધિ વિવેચકોના વિવેચનને વિશાળ દૃષ્ટિકોણે તપાસી ગુજરાતી વિવેચન સાહિત્યની આગવી તાસીર આપણી સામે મૂકી આપી. આ કાર્ય દ્વારા શિરીષ પંચાલે ગુજરાતી સાહિત્યવિવેચનનો એક પ્રમાણભૂત આલેખ કહો કે ગુજરાતી સાહિત્યવિવેચનનો ઇતિહાસ-આલેખ રજૂ કરી આપ્યો છે. તો ‘વાત આપણા વિવેચનની’ (ઉત્તરાર્ધ)માં શિરીષ પંચાલ જુદા જુદા સમયગાળાનાં વિવેચન સ્તબકોના આલેખો આપે છે. જેમાં એમણે જુદાં જુદાં નિમિત્તોતળે ગુજરાતી વિવેચનના સમયદર્શી આલેખો દોરી આપતા લેખો સમાવ્યા છે. એનાં માત્ર શીર્ષક જોઈશું તો પણ તેના વિષયવસ્તુનો આછો અંદાજ આવી જશે. (વીસમી સદીના) ‘વિવેચનમાં કટોકટી’, ‘છેલ્લા દાયકાનું વિવેચન’ અને ‘નવમા દાયકાની વિવેચના’, ‘ગુજરાતી વિવેચન : બીજું સ્તબક’, ‘ગુજરાતી સાહિત્યવિવેચન : કેટલાંક નવાં પરિમાણ’, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યવિવેચન’ વગેરે આમાં પહેલા લેખમાં જગતના સાહિત્ય પ્રવાહોમાં ગુજરાતી સાહિત્ય વિવેચન ક્યાં ઊભું છે તેનો ખ્યાલ આપતાં લખે છે. ‘...ત્રણ પેઢીની વિવેચના પર દૃષ્ટિપાત કરતાં એવા વસ્તુલક્ષી નિષ્કર્ષ પર આવી પહોંચાય કે ગુજરાતી વિવેચન આજે પણ કલ્પના, પ્રતિભા, અનુભૂતિ, કળાગત વાસ્તવ, ચૈતન્ય, કૃતિનાં ઘટકોની પરસ્પર ઉપકરકાતા અને સમગ્ર કૃતિ સાથે એ ઘટકોના સંવાદ–વગેરેને સૂચવતી ભાષાની વાત કરી રહ્યું છે.’૭[7] જોઈ શકાશે કે શિરીષ પંચાલ આપણાં કૃતિ વિવેચનનાં પરંપરિત ધોરણો અને એમાં નાવીન્યના અભાવ પ્રત્યે અંગુલીનિર્દેશ કરી રહ્યા છે. આપણું વિવેચન આજે પણ કૃતિઓમાં અર્થ શોધે છે અને વિષયવસ્તુનો અહેવાલ આપતું નજરે પડે છે. ઉમાશંકર જોશી હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષી અને પછીના સુમન શાહના વિવેચન લેખોનો હવાલો આપી એ સમયની વિવેચનની તાસીર અને અને તસ્વીર આપણી સામે મૂકી આપણા વિવેચનમાં વરતાઈ રહેલી કટોકટીની વાત કરતાં લખે છે. ‘સાહિત્યતત્ત્વને પારખ્યા વિના જ જે સર્જકભક્તિ પ્રગટી રહી છે તેનાં પરિણામો કલ્પી લેવાં જોઈએ. વળી બ. ક. ઠાકોરની જેમ ગુણ અને દોષ કોને કહેવા તેનું જાણે શાસ્ત્ર જ નથી એવું શા માટે ઉચ્ચારવું પડે છે? ઉત્તમ સાહિત્યકૃતિઓના પરિચય પછી જે પ્રકારનું વ્યક્તિત્વ પાંગરવું જોઈએ તે કેમ નથી પાંગરતું?’૮[8] ગુજરાતી સાહિત્યના આઠમા દાયકાના વિવેચનની તપાસ કરતી વખતે શિરીષ પંચાલ આ સમયગાળામાં વિવેચન સામેના પ્રશ્નોની ઝીણવટથી ચર્ચા કરે છે. અહીં એમનો પ્રશ્નોના મૂળ સુધી જવાનો પ્રયત્ન દેખાઈ આવે છે. વિવેચનને સાહિત્યેતર પ્રશ્નો પણ કેવી રીતે પ્રભાવિત કરી શકે તેનો અંદાજ આમ આપે છે. ‘આધુનિક સાહિત્યમાં હતાશા, વિરતી, કદર્યતા, આદિમતાનું આલેખન થયું, એ આલેખન કલાત્મક રીતે થયું છે કે નહિ એની ચર્ચા કરવાને બદલે એ ભાવનાઓ સામે જ આક્રોશ ઠાલવવામાં આવ્યો; એ બધું આપણા સાંસ્કૃતિક સંદર્ભની બહારનું છે એમ માની મનાવીને આવા વિવેચકોએ માંગલ્ય, આદર્શમાં રાચતા ગૌરવ ગાયું અને હતાશાની વાત કરતાં સર્જકોને બાજુ ઉપર મૂકી દીધા. દુર્ભાગ્યે આવા વિવેચકોનું વર્ચસ સંસ્થાઓ ઉપર હતું, એ વર્ચસની સામે ઝૂઝી ન શકનારા સર્જકોએ સમાધાનનો માર્ગ અપનાવ્યો. સર્જનાત્મક સ્થિતિ વધુ દરિદ્ર બની. એનો પ્રભાવ વિવેચન પર પડ્યો. આમ આ વિષચક્ર ચાલતું રહ્યું.’૯[9] અહીં જોઈ શકાશે કે વિવેચનનું મંદપ્રાણ થવું- સાહિત્યસર્જનને પણ મંદપ્રાણ બનાવે છે. એ વાત કરીને એમણે વિવેચનની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. કાલાન્તરે દરેક કળાઓમાં પરિવર્તનો આવતાં રહેતાં હોય છે. આ પરિવર્તનોને પારખવાનું કામ વિવેચને કરવાનું હોય છે. આ કાર્ય બરાબર ન થાય તો અવળાં ધોરણો સ્થપાય અને આખરે આપણી સાહિત્યકળા મંદપ્રાણ બને અથવા સાહિત્ય સમાજ-સંદર્ભ ગુમાવી બેસે. સર્જકે કૃતિનું સર્જન કર્યું એટલે એનું કર્તવ્ય પૂર્ણ થાય છે, એનું આકલન કરી એને કસોટીએ ચડાવવું એ વિવેચનની જવાબદારીમાં આવે. આ કામ વિવેચકથી તટસ્થ અને વસ્તુલક્ષી પદ્ધતિથી ન થાય તો સાહિત્ય માટે કેવું ઘાતક સાબિત થાય એનો શિરીષ પંચાલ ખ્યાલ આપે છે. આવી બાબતમાં વિવેચકના અંગત ગમા-અણગમા કે સ્વાર્થ પ્રેરિત કાર્ય કેવું નુકસાન કરે તેની વાત પણ કરે છે. વિવેચનમાં અંગતતા ભળે તો કળાસિદ્ધાંતો કેવા દુષિત બનતા હોય તેની વાત એ બીજા એક લેખ ‘નવમા દાયકાનું વિવેચન’ માં કરે છે. ‘જે સર્જકો પ્રસ્તાવના લખાવવા વિવેચકો પાસે આવે છે તેમને ખૂબ જ ઉદારતાથી પ્રમાણપત્રોની લહાણ કરવામાં આવે છે, આવી લ્હાણીને આધારે જો કોઈ સાહિત્યવિભાવના ઘડવા જાય તો સાવ માંદલી- પાણીપાતળી વિભાવના આપણી સામે આવે. આ વિવેચકો સામે ચાલીને ભાગ્યે જ કૃતિ પાસે જતા હોય છે.’૧૦[10] કોઈકે વિવેચકને મધુકર સાથે સરખાવ્યો છે. વિવેચકે કૃતિ પાસે જવાનું છે. સાહિત્યસંસારમાં અનેક લોકો આવી ચઢતા હોય છે, એમાંથી એણે પહેલા તો સત્ત્વશીલ સર્જકોને જુદા તારવવાનું કાર્ય કરવાનું છે. પસંદ કરેલા આવા સત્ત્વશીલ સર્જકોના સર્જનમાં પણ ઉતારચઢાવ આવતા હોય છે, તેની પરખ કરી એના સર્જનને દોરવણી આપવાનું કાર્ય પણ વિવેચકે કરવાનું આવે. આવું કરવામાં વિવેચકે સાહિત્યના સાંપ્રત વૈશ્વિક પ્રવાહોને નજર સામે રાખવાના છે. એના આધારે પોતાની આગવી પ્રજ્ઞાથી સર્જક માટે સર્જન માટેની નવીન શક્યતાઓને ચીંધીને સર્જન માટેનું પોષક વાતાવરણ ઘડી આપવું રહ્યું. આ બાબતમાં શિરીષ પંચાલની ભૂમિકા ગુજરાતી વિવેચનમાં ઠીક ઠીક અગત્યની ગણી શકાય. શિરીષ પંચાલનો વિવેચનવ્યાપ ગુજરાતી સાહિત્ય વિવેચનના આરંભથી લઈ સાંપ્રત વિવેચન સુધી વિસ્તરેલ નજરે પડે છે. એ દસમા દાયકાના ત્રણ (‘અપૂર્ણ’- નીતિન મહેતા, ‘નિમિત્ત’ – રાજેશ પંડ્યા, ‘કથાનુસંધાન’- જયેશ ભોગાયતા) પ્રતિનિધિ વિવેચનસંગ્રહો વિશે વાત કરે છે. ‘ગુજરાતી સાહિત્યવિવેચન : કેટલાંક નવાં પરિમાણ’ નામક લેખમાં નીતિન મહેતા રાજેશ પંડ્યા અને જયેશ ભોગાયતાની વિવેચનાને અવલોકે છે. એમને ગુજરાતી વિવેચનની કટોકટીભરી સ્થિતિમાં આ ત્રણ યુવા વિવેચકોનાં કાર્યોમાં ઊર્જા દેખાય છે. આ ત્રણેયનાં કાર્યોનું બરાબર મૂલ્યાંકન કરીને અંતે નોંધે છે. ‘આ ત્રણે વિવેચનગ્રન્થ ગુજરાતી વિવેચનની સમૃદ્ધ આવતીકાલની ઝાંખી કરાવે છે, અલબત આ ત્રણે આપણી સમગ્ર ગુજરાતી સાહિત્યિક પરંપરાના સાક્ષી હોવાને કારણે જ આ સમૃદ્ધિની ઝાંખી કરાવી શક્યા છે.’૧૧ [11]એમના મનમાં સાહિત્ય માટે સર્જક કરતાં પણ વધારે જવાબદારી વિવેચકની છે. નબળો સર્જક કદાચ ચલાવી શકાય પણ નબળો વિવેચક નહીં. ગુજરાતી વિવેચક કેવો હોય એનો વિષદ ખ્યાલ એમના મનમાં સ્પષ્ટ છે થોડી વધારે પડતી અને આદર્શ કહેવાય તેવી એમની ગુજરાતી વિવેચક પાસેની અપેક્ષા આ જે તો અનઅપેક્ષિત લાગે તેમ છતાં આ ક્ષેત્રે જીવન સમર્પિત કરનારને પ્રેરણા પૂરી પાડે તેવી છે : ‘સંસ્કૃત-પ્રાકૃત –અપભ્રંશ-જૂની ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી ભાષા અને એના સાહિત્યનો જ્ઞાતા હોય, પશ્વિમનાં સાહિત્યની ઉત્તમ કૃતિઓના વાચન-પરિશીલનથી એની રુચિ ઘડાઈ હોય, સાહિત્ય માટે જરૂરી એવી નિકટની વિદ્યાઓ તથા ઇતિહાસ, માનવશાસ્ત્ર, લોકવિદ્યા, સામાજિક શાસ્ત્રો અને માનવવિદ્યાઓ, ભાષાસાહિત્ય અને એની વિચારણા કરતાં શાસ્ત્રો જેવાં કે ભાષાવિજ્ઞાન, સૌન્દર્યશાસ્ત્ર, શૈલીવિજ્ઞાન, ફિલસૂફી વગેરેનો પણ એને પૂરતો પરિચય હોય.’૧૨[12] એમણે બાબુ સુથારે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં ગુજરાતી સાહિત્યમાં વિવેચનની પરંપરાને આગળ લઈ જનાર આવતી કાલનો વિવેચક કેવો હોય એની અપેક્ષા પણ રાખી છે. ‘સાહિત્યના બધા પ્રકારો પ્રત્યે જે વ્યક્તિ પૂરેપૂરી નિસબત ધરાવતી હોય, દૃશ્યકળાઓ પ્રત્યે ઠીક-ઠીક રુચિ કેળવેલી હોય, ભાષા અને પ્રદેશના સીમાડાઓને વળોટી જઈને જે સર્જનાત્મક સાહિત્યમાંથી પસાર થતી હોય અને માનવવિદ્યાઓ વિશે સંતોષકારક જાણકારી ધરાવતી હોય એવી વ્યક્તિઓ કેટલી છે?’૧૩[13] એમણે રાખેલી અપેક્ષા કોઈ કાળે ક્યાં પૂરી થઈ છે? પણ આ જ બાબત એમને પોતાને લાગુ પાડીએ તો ઘણા અંશે સાચી લાગે છે. એમની વિવેચન પ્રજ્ઞા સાહિત્યનાં સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક તમામ સ્વરૂપોમાં ફરી વળે છે. એમણે પૂર્વની તેમ પશ્વિમની કાવ્યવિચારણાઓને આત્મસાત તો કરી જ, એના આધારે ગુજરાતી વિવેચન પરંપરાને મૂલવવાનું થોડું અઘરું કામ પણ વિશદતાથી કરી બતાવ્યું છે. આ બધું ક્યારે થાય જ્યારે વ્યક્તિ જે તે ક્ષેત્રે પોતના કામને એક તપ ગણીને કરે ત્યારે. આવું કામ એમણે પૂરી નિસબતથી કર્યું છે. ગુજરાતી કથાવિશ્વનું મહત્વકાંક્ષી સંપાદનકાર્ય એમની ક્ષમતાના એક નવા જ પાસા તરફ આપણું ધ્યાન દોરે છે. એમણે કરેલું ગુજરાતી સાહિત્ય વિવેચન ચીલાચાલુ અને પ્રયોજિત ન રહેતાં સાહિત્યકલા પ્રત્યેની અનર્ગલ નિષ્ઠાનું પરિણામ લાગે છે. એમણે પોતાનું વિવેચનકાર્ય ગુજરાતી સાહિત્યને હમેશાં તાજું અને અપડેટ રાખવા માટે કર્યું. એમની વિવેચન વિચારણા સમયાન્તરે ‘સમીપે’ ત્રેમાસિકના સંપાદકીય ‘વાત આપણા સૌની’ શીર્ષકતળે રજૂ થતી રહે છે. શિરીષ પંચાલની વિવેચન પ્રવૃત્તિ સાતમા દાયકામાં આરંભાય છે, જે આજ પર્યંત એકધારી ગતિએ શરુ છે. એક વિવેચક જે રીતે ચડિયાતાં કામ આપતો જાય એ રીતે એમણે ગુજરાતી સાહિત્યમાં વિવેચકે કરવાનાં કાર્યો કર્યાં છે. એમની આજના જમાનામાં એક ઊડીને આંખે વળગે એવી વિશેષતા હોય તો અંગ્રેજી ભાષાની જાણકારી છે. એમની સાહિત્યરુચિના ઘડતરમાં અને વિકાસમાં એમની જગતસાહિત્યને આત્મસાત કરવાની અદમ્ય ઝંખનામાં જોઈ શકાય છે. ગુજરાતી સર્જન વિવેચન સાહિત્યમાં અંગ્રેજી ભાષાની જાણકારી દહાડે દિવસે આછી અને ઓછી થતી જાય છે ત્યારે શિરીષ પંચાલ આપણા વિવેચનને વૈશ્વિક પરિપેક્ષ્યમાં તપાસવા તરફ વળે છે એમાં એમને આ ભાષાની જાણકારી બહુ ઉપયોગી બની છે. તેઓ પોતાના અભ્યાસકાળથી સતત અંગ્રેજી વાંચતા રહ્યા છે. માત્ર વાંચતા જ રહ્યા એટલું જ નહીં, એમને જે કંઈ ઉપયોગી લાગ્યું એને ગુજરાતીમાં લખતા ગયા, અને પોતાની સમજશક્તિને વિકસાવતા પણ રહ્યા. તેઓ ગુજરાતી સાહિત્યવિચારણાને એમના સમયમાં તો તપાસે છે પછી પશ્વિમની વિવેચનાના અનુલક્ષમાં તપાસવાનું પણ કરે છે. ગુજરાતમાં જે થોડા વિવેચકોને પશ્વિમની સાહિત્ય વિચારણાની જાણકારી છે એમાં શિરીષ પંચાલ એક છે. એમની વિવેચના સામાન્ય રીતે સમદર્શી રહી છે. એમણે ઘણી જગ્યાએ ગુજરાતી સાહિત્યવિવેચનની ક્ષતિઓનો નિર્દેશ કર્યો છે. એમનું વિવેચન સર્જક વિવેચકને વ્યક્તિગત રીતે નિશાન બનાવતું નથી. તેમ છતાં એમણે કૃતિઓનાં જમા ઉધાર પાસાંઓને સામે રાખીને વાસ્તવલક્ષી રીતે જેમને ટકોર કરવા જેવી લાગી ત્યાં ટકોર કરી વિધાયકતાથી દોરવણી આપવાનું કાર્ય કર્યું છે. એમની સુક્ષ્મ દૃષ્ટિ વિવેચકોનાં મંતવ્યોમાં રહેલા આંતરવિરોધોને તરત પારખી લે છે. એમનું વિગતો વિધાનોને પોતાની તર્કદૃષ્ટિએ તપાસવાનું વલણ એમની વિવેચનાને આધારભૂત બનાવે છે. શિરીષ પંચાલનું કાર્ય કૃતિ વિવેચન કરતાં વિવેચનનું વિવેચન કરવા તરફ વધારે ઢળતું લાગે છે. વિવેચનનું વિવેચન કરવામાં કૃતિ વિવેચન કરતાં બમણી સજ્જતાની અપેક્ષા રહે છે. આ પ્રકારની વિવેચનામાં વિવેચકે જે દૃષ્ટિકોણે વિવેરણ કર્યું હોય; પહેલાં તો એને સમજીને પછી એણે ઊભા કરેલા મુદ્દાઓને તર્કદૃષ્ટિએ તપાસી જોઈને એનું મૂલ્યાંકન કરવાનું હોય છે. આવું કાર્ય એમણે સાતત્યપૂર્ણ રીતે નિભાવ્યું છે. એમની વિવેચનાનું આના કરતાં સાવ જુદું જ પાસું એમની વિદ્યાર્થીલક્ષી વિવેચના છે. એ એક બાજુ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તપાસે છે તો બીજી તરફ વિવેચનનો ઇતિહાસ. એમણે ઊભા કરેલા પ્રશ્નોમાં એક મોટા ગજાના વિચારક- મીમાંસકની ઊંચાઈને આંબવાનો યત્ન દેખાઈ આવે છે. આ રીતે જોતાં શિરીષ પંચાલની વિવેચનાને ગુજરાતી સાહિત્ય વિવેચનને દોરવાના અને દિશા આપવાના એક નિષ્ઠાભર્યા પ્રયાસરૂપે જોઈ શકાય. આ ઉપરાંત એમની વિવેચનામાં માનવતાવાદી અભિગમનાં દર્શન થાય છે. આ સંદર્ભે કહી શકાય કે તેઓ સાહિત્યવિવેચક કરતાં સાહિત્યચિંતક વધારે લાગે છે.

પાદટીપ

  1. (૧) શિરીષ પંચાલ અધ્યયનગ્રંથ, પૃ. ૧૭૯ -૧૮૦.
  2. (૨) એજન પૃ. ૭૮
  3. (૩) ‘ઊહાપોહ’ સામિયક અંક નં. ૧૬,૧૭, અને ૧૮, ઈ. સ. ૧૯૭૦-૭૧.
  4. (૪) વાત આપણા વિવેચનની (પૂર્વાર્ધ) પૃ. ૧૬૦.
  5. (૫) એજન, પૃ. ૫૫.
  6. (૬) ગુજરાતી સાહિત્યવિવેચન શ્રેણી : ૮ સુરેશ જોષી પૃ. ૩૮
  7. (૭) વાત આપણા વિવેચનની (ઉત્તરાર્ધ) પૃ. ૪
  8. (૮) એજન પૃ. ૯
  9. (૯) એજન પૃ. ૧૩
  10. (૧૦) એજન પૃ. ૫૦
  11. (૧૧) એજન પૃ. ૯૭
  12. (૧૨) વાત આપણા વિવેચનની (પૂર્વાર્ધ) પૃ. ૨૩૮
  13. (૧૩) સન્ધિ-૧૪ (ગુજરાતી સામયિક) ૨૦૧૦