સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/ઈશાનિયો દેશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઈશાનિયો દેશ
(પ્રસ્તાવના)

[ભાંગ્યાંનાં ભેરુ : પન્નાલાલ પટેલ, પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ. ૬-૫૦]

પન્નાલાલની વાર્તાને હવે કોઈ પ્રસ્તાવનાની જરૂર નથી. અને જરૂર હોય તોપણ તે મારે લખવી એ લગભગ અસ્થાને જેવી વસ્તુ છે. મારું સ્થાન તો એમની લેખનપ્રવૃત્તિના નેપથ્યમાં રહેલું છે. એ નેપથ્યમાં બેસી અમે બંનેએ એમની વાર્તાઓને વિષે અનેક રીતની ગડમથલ કરી છે. હવે પન્નાલાલ ઇચ્છે છે કે હું પ્રસ્તાવના પણ લખું. પણ એ પછી એમની વાર્તામાં આવે છે તેમ ભૂવા ને જાગરિયા એકના એક એના જેવું ન થઈ જાય તો સારું! ભલે, એમને પ્રસન્ન થયેલી કોઈ સદ્‌માતાનું સ્મરણ કરી આગળ વધીએ.

સાહિત્ય, સાહિત્યનું સર્જન, સાહિત્યનો સર્જક, સર્જકની ચિત્ત-સૃષ્ટિ, સર્જન પાછળના મનોવ્યાપારો એ હમેશાં આપણા રસ અને કુતૂહલનો વિષય રહ્યા છે. અને આજના જમાનામાં તો આપણે સર્જકના ઠેઠ ભીતરમાં પહોંચી તેના અંતરતમ રહસ્યને સમજવા માટે ઘણી ઘણી કોશિશ કરી રહ્યા છીએ. લેખકો કેમ લખે છે, લેખકની પ્રેરણા કઈ, પ્રેરકબળો કયાં, કોની કોની – કયા સાહિત્યકારની, કયા વાદની, કઈ પ્રવૃત્તિની લેખક પર અસર રહી છે એ બધું જાણવા શોધવાની આ પ્રવૃત્તિ અમુક રીતે ફલદાયક પણ છે. પણ એમાંથી જો આપણે કાર્યકારણની કોઈ પકડ મેળવી લઈ વધારે સાહિત્યકારો કે વધુ ઉત્તમ સાહિત્યસર્જન મેળવવા ઇચ્છતા હોઈએ તો તેમાં આ૫ણને બહુ સફળતા મળવાનો સંભવ નથી. કારણ કે સર્જન માત્ર – પછી તે સાહિત્યનું હો કે જીવનનું હો એ કાર્યકારણનો પ્રદેશ નથી. બુદ્ધિને દેખાતી અને સમજાતી કાર્યકારણની રીતિથી ભિન્ન રીતે જ કોઈ બુદ્ધિ-અતીત પ્રદેશનાં તત્ત્વોમાંથી જીવન સર્જાય છે, અને સાહિત્ય અને કળાનું પણ એમ જ છે. પન્નાલાલ તે આવી કાર્યકારણની આપણી જાણીતી ભૂમિકાને બાજુએ ધકેલી દઈને, સાહિત્ય માટેની કશી પૂર્વતાલીમ વિના પ્રગટી ઊઠેલા લેખક છે. એક રીતે કહીએ તો પન્નાલાલ એ આપણા આજના સાહિત્ય જગતનો એક ચમત્કાર છે. અને એ એવો ચમત્કાર છે કે એ આ૫ણને એ ચમત્કારોના મૂળ તરફ, પન્નાલાલના પોતાના શબ્દોમાં કહેતાં, જે ‘અગમના અલકમલક’માંથી આ બધું તેમનામાં ઊતરી આવ્યું છે તે અલકમલક તરફ ખેંચી જાય છે. પણ એ અગમના મલકમાં આપણે અહીં જઈશું નહિ. એ જવું સહેલું પણ નથી. અને વળી આપણે આપણી મેળે માથાકૂટ કરતાં એમાં પહોંચીએ એના કરતાં એ અગમને અહીં નીચે ઊતરી આવવું વધારે સહેલું છે, એ કામ તો એ આદિકાળથી કરતું આવ્યું છે, ‘ઊજડ આભલે અમી’ના મેહ એ હંમેશાં ઉતારતું રહ્યું છે. એટલે પન્નાલાલ જેવા લેખકને જોતાં એમ થાય છે કે સાહિત્ય જગતમાં પડતા કાળદુકાળથી આપણે જ્યારે હતાશ બની આક્રંદ કરતા હોઈશું તેવે વખતે એ અગમ એનાં અમીનાં વાદળાં લઈને આવશે તો ખરું જ. પણ આ અમીનું અવતરણ તે કોઈ એકધારી સીધીસટ ગતિ નથી, ‘હો જા બચ્ચા શીરાપૂરી’ કહેતાં થઈ જનારો ખેલ નથી, પણ આખોયે દરિયો ડહોળવાને અંતે, ભીષણ સમુદ્રમંથનને અંતે અને હાલાહલના પ્રાકટ્ય પછી પ્રગટનાર વસ્તુ છે. એ વાત પન્નાલાલે આ અમીના સ્પર્શવાળી છતાં ઘોર હાલાહલોથી ભરેલી વાર્તામાં કહી છે. ‘માનવીની ભવાઈ’ અને એના અનુસંધાનમાં આગળ વધતી આ વાર્તા ‘ભાંગ્યાનાં ભેરુ’ એ બંને મહા ભયંકર, ‘ભેંકાર’ વાતો છે. એમાં એક બાજુ માનવહૃદયમાંથી ઝમતું તો કુદરતના અકળ કરુણા પ્રદેશમાંથી કદી ધોધમાર ઊતરી આવતું અમૃત છે તો તેની સામે એ જ માનવહૃદયની અંદર રહેલી ઘોર પિશાચલીલા છે, તથા કુદરતમાંથી મોતના વરસાદ વરસાવતી કાળદુકાળની આસમાની પણ છે. અને આમ એ બંનેના, કુદરત અને માનવના અન્યોન્ય ઉપર ઝીંકાતા પ્રહારોમાંથી જીવનનો ઘાટ રચાય છે. આ ઘાટની ઘટના કેવી તો અટપટી છે, ઊલટામાંથી સૂલટું અને સૂલટાનું ઊલટું નિપજાવનારી છે, બહારથી પકડવા જાઓ, બુદ્ધિથી ગોઠવવા જાઓ તો કદી ન ગોઠવાય તેવી છે. તમે મૂંગા મૂંગા તમારા ઘડવૈયાના પ્રહારો ઝીલતા રહો, એ જિવાડે તો જીવો, એ મારે તો મરો, એ આગળ ધકેલે તો આગળ વધતા રહો, એના આપેલા કડવા ઘૂંટ અને ઝેરના કટોરા કાળજું કાઠું કરીને પી જાઓ અને જુઓ કે આ બધાયને અંતે એક કેવી તો સૃષ્ટિ રચાય છે એ આ વાર્તા બતાવે છે. ‘માનવીની ભવાઈ’ વાંચ્યા પછી થાય છે કે હવે તો આ બિચારાં દુકાળમાંથી જે કોઈ થોડાંઘણાં જીવતાં રહી ગયાં છે તેમને માટે સુખનો વારો આવશે. પણ વતનમાં પાછાં ફરેલાં એ માનવોને માટે આપત્તિઓનો એક બીજો કાળ, પહેલા કરતાંયે વધારે કારમો, રાહ જોતો બેઠેલો છે. અને એ કરતાંયે વધારે મોટો કાળ, જે દુકાળ પહેલાંયે હતો અને દુકાળની વિપતો પૂરી થયા પછી પણ છે અને ઊલટો વધારે ઘોર બને છે એ માનવના ભીતરમાં રહેલો કાળ એ તો એ બાપડાંને ક્યાંય સખ પડવા દેતો નથી. એ બેવડા કાળના અનેક અટપટા આટાપાટાઓમાં વધતી વધતી વાર્તા પૂરી થાય છે. કાળુનો જન્મ થતાંની સાથે જ જાગી ઊઠતો સંઘર્ષ અનેક રૂપે આગળ વધતો જ રહે છે, કાળુના અવતારને ખેદાનમેદાન કરવા નીકળી પડેલો નાનો પોતાની પ્રતિજ્ઞા પૂરી પણ પાડે છે, પણ નાનાના એ બધા પાસા પણ કાળુના જીવનનો એક આવનવો ઉતાર અને મોહક ઘાટ ઘડી આપે છે. આમ વાર્તામાં અમંગલ અને અનિષ્ટ, વિપત્તિ અને વિનાશ પણ જીવનનાં કેવાં સર્જક બનતાં રહે છે, ભૂંડાને પૂરેપૂરો ભૂંડાનો ભાગ ભજવવા દઈને પણ જીવનમાં રહેલી ગૂઢ સરસાઈ કેવી રીતે વિજયવંત બને છે, એ વિજયની આ વાર્તા છે. એની ભૂમિકા તદ્દન સામાન્ય માણસના જીવનની છે તોયે જીવનનાં અતલ ઊંડાણો તો કેવાં સર્વત્ર સભરાભર ભરેલાં છે, જીવનની ભીષણતાઓ અને મંગલતાઓ માત્ર કુરુક્ષેત્રમાં જ નહિ, પણ એક ચાર ફળીના ગામડામાં પણ કેવી તો પ્રચંડપણે ક્રિયમાણ બનતી રહે છે એ દર્શન આ વાર્તા આપી જાય છે. અને આ દર્શન વાર્તાકારે આપણને બોધની રીતે નહિ, પણ વાર્તાની રીતે, જીવનના પ્રવાહને એના અનેક વળાંકોમાં વહેતો બતાવીને કરાવી છે. જીવનમાં પ્રગટ થતી આ દરેક રીતની સારી અને કુત્સિત ગતિની તેમણે એક પૂરી સમજપૂર્વક નોંધ લીધી છે, માણસની ખરાબ વૃત્તિને પણ એમણે સારીના જેટલી જ વફાદારીપૂર્વક આલેખી છે. આ તો ખરાબ છે એટલે ગમે તેમ કરીને એને ઠેકાણે પાડી દો એમ નહિ, પણ એ ખરાબની પાછળ પણ જો કોઈ સત્ય રહ્યું હોય તો તે સત્યને સાકાર થવા દેવા માટે એ ખરાબ તત્ત્વને એમણે પૂરેપૂરી છૂટી લગામે વહેવા દીધું છે. નાનાની કોઈ અજબગજબની વૈરવૃત્તિને તેમણે વિજય સુધી પહોંચાડી છે અને એને અંતે એ વાત બતાવી છે કે એનો એ વિજય જ શુભના વિજયનું સાધન બન્યો છે. આથીયે વિશેષ સમજની ઊંડાઈ તો તેમણે ભીલોને વર્ણવીને બતાવી છે. ભૂખે મરતાં ભીલો આમ તો બધાની દયાને ઉત્તેજે, પણ એ જ્યારે ઊજળા લોકોનાં ઢોર લૂંટી જાય છે ત્યારે એ ઢોર વાળવા નીકળેલો કાળુ ઢોરોને મારી ખાવા મથતાં એ દુર્બળ માણસોના પ્રતિ આર્ત બની પોતાની તરવાર તેમને સાધનરૂપ બનવાને ફેંકી આપે છે, એમાં ભીલોની જ નહિ પણ સાથોસાથ કપાવા જતાં ઢોરોની પણ દયા એને પ્રેરે છે. અને એથીયે આગળ વધી, એ ભીલો જ્યારે એનું ગામ અને ઘર લૂંટી દૂર દૂર જતાં આનંદકલ્લોલ કરે છે ત્યારે પણ એનું અંતર રાચી જ રહે છે. આ ઊંડી સહાનુભૂતિ, પ્રાણીમાત્રનું સર્જન કરનાર તટસ્થ હૃદયમાં જ પ્રગટે તેવી તટસ્થ ઊર્ધ્વ અને છતાં સર્વના મર્મમાં પ્રવેશતી એક કરુણામય આત્મદૃષ્ટિ એ આ વાર્તાનું એક મુખ્ય સર્જક બળ છે. પણ આ વાર્તામાં આટલું જ છે એમ કહેવું બસ નહિ થાય. એમાં આવતી જીવનની અનેકવિધ ગતિનો ગોંફ એવો તો ગૂંથાયો છે કે એના બધા તાંતણા છૂટા પાડવા જતાં પાર ન આવે અને છૂટા પાડી શકાય તોપણ એ ગોંફનો જે રસ છે તે એ તાંતણાને છૂટા પાડવા કરતાં એ ગોંફમાં જે રીતે આ માનવતાના તંતુઓ ગૂંથાય છે, ગૂંચવાય છે ને ઊકલે છે તે પ્રત્યક્ષ જોવાથી જેટલો આવે તેટલો નહિ જ આવે. એટલે વાચકને આ વાર્તા સોંપી દઈને અટકી જાઉં એ જ ઇષ્ટ છે.

એક ‘શ્રમજીવી’ પન્નાલાલમાં વાર્તાકાર જાગતાં આપણને જે અનેક રસદાયી વાર્તાઓ મળી છે એ મોટો લાભ તો આપણા સાહિત્યને ચોપડે જમા થઈ જ ગયો છે. એમણે ‘સુખદુઃખનાં સાથી’ લખ્યું ત્યારથી જ એમનામાં રહેલી આ બેવડી સમૃદ્ધિ – શુદ્ધ વાર્તા અને જીવનના રસની પકડ – એ બે વસ્તુએ પોતાનું પોત વ્યક્ત કરેલું છે. અથવા એમ કહો કે જીવનની એમને જેટલી સાચી પકડ હતી તેટલામાંથી તો તેઓ સાચી વાર્તા સરજી શક્યા છે. કેમ કે એમને હાથે – અનેકોને હાથે એ નથી બન્યું? – અસફળ સર્જનો થયાં નથી એમ નથી. પણ એ અસફળ સર્જનો – જેમાં ખાસ કરીને હું ‘યૌવન’ અને ‘સુરભિ’ જેવી તેમની સિનેમા જીવનની કારકિર્દીમાં લખાયેલી નવલો મૂકું – પણ એકંદરે તો એમને ઉપકારક જ નીવડ્યાં છે. એને અંતે એમને પોતાનો સ્વભાવ અને સ્વ-ધર્મ હાંસલ થયો છે એમ હું માનું છું. એમણે મુંબઈ તરફ પૂંઠ કરીને વતનની વાટ લીધી એ રીતે જ એમની વાર્તા પણ એમને માટે આ બહુ સજાતીય નહિ એવા શહેરમાં જિવાતા કોઈ ઊંડા પાયા વિનાના જીવન તરફથી પૂંઠ ફેરવી જઈને જે જીવનનાં મૂળ અને ડાળાં-પાંદડાં પોતે રજેરજ પિછાને છે એવા જીવન તરફ વળી છે. અને આપણે જોઈએ છીએ કે લેખકને પોતાનો સ્વધર્મ મળી ગયો છે. અને સ્વકર્મ પણ. એ સ્વધર્મમાંથી ગતિ કરતાં તેમની વાર્તામાં વાર્તાનું બળ આવ્યું છે અને સાથે સાથે તેમની વાર્તાશક્તિએ, હરેક સાચા સર્જકનો હોય છે એમ એક લાક્ષણિક અને અનન્ય એવો આવિર્ભાવ પણ સાધ્યો છે. આપણી અનેક રીતે વિકસેલી નવલ અને નવલિકાની સૃષ્ટિમાં સાહિત્યકીય કથાનકના ગુણો ઘણા છે, પણ આપણી પાસે જે પરાપૂર્વથી વાર્તાની કળા ચાલી આવે છે તે જાણે કે ઓસરતી જાય છે. એ વાર્તાતત્ત્વ, પન્નાલાલ આ સાહિત્યકીય પરંપરામાં પલોટાયા નથી એટલે જ જાણે કે એમનામાં સહજ રીતે ફૂટી નીકળ્યું છે. પન્નાલાલની જે સફળ કૃતિઓ છે તેમને સાચી વાર્તાઓ કહી શકાય તેમ છે. ‘મળેલા જીવ’માં કહેવાતી ‘વખત અને સમા’ની વાર્તા કે ‘માનવીની ભવાઈ’માં આવતી ‘બાવાની લંગોટી’ની વાર્તા એની પાછળ જે વાર્તાકથનની શક્તિ છે તે જ જાણે કે વિશાળ રૂપે એમની મોટી વાર્તાઓ ને નવલોમાં પ્રગટ થઈ છે. અને આપણે એટલું તો કહી જ શકીએ છીએ કે આ શુદ્ધ વાર્તાઓ છે. કાંઈ નહિ તો વાર્તાને ખાતર પણ વાંચવા જેવી ચીજો છે. ઉપરાંત એ વાર્તાઓ તે આપણા સાહિત્ય જગતમાં ગુજરાતના એક લાક્ષણિક જીવનનો એક અપૂર્વ એવો આવિષ્કાર પણ છે. મેઘાણીએ જેવી રીતે આપણને ડુંગરો અને સાવજોની ભૂમિ સૌરાષ્ટ્રનો, એની બળકટ બાની અને ભાતીગળ જીવનછટાનો – સંતની અને સતીની, બહારવટિયા અને બંકાઓની કથાઓનો મઘમઘાટ આપ્યો છે એવી રીતે પન્નાલાલે ગુજરાતનો આ ઉત્તર પૂર્વનો સીમા પ્રદેશ—એ ઈશાનિયા ડુંગરોની ધરતીનો ધમકારો આપણે ત્યાં ઉતારી આણ્યો છે. પન્નાલાલને એમના સ્વ-ધર્મની ભાળ લાગી ગઈ છે એમ હું જે કહું છું તે આ અર્થમાં છે. પન્નાલાલ ટૂંકી ટૂંકી વાર્તાઓ લખતા ત્યારે શહેરના કે ગામડાના જીવનના હરેક ખૂણામાંથી તેઓ વસ્તુ વીણી લાવતા. પણ તેમની વાર્તાશક્તિ જ્યાં પગભર બની અને એથી વધીને પંખાળી બની ત્યાર પછી એણે એક જ પ્રદેશ ઉપર, અને તે પોતાના જ પ્રદેશ ઉપર સ્થિરપણે વિચરવા માંડ્યું. અને એમાં જ તે પોતાના પુરબહારમાં, પોતાની નૈસર્ગિક અનન્યતામાં ખીલવા લાગી. અને આ રીતે લખાયેલી એ ભૂમિની વાર્તાઓ ‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’, ‘ના છૂટકે’ અને હવે આ ‘ભાંગ્યાનાં ભેરુ’ એ પાંચ કથાઓ,—અને એમાં ‘પાછલે બારણે’ ઉમેરવી જોઈએ, આ એક અજબની વાર્તા કેમ ભુલાઈ ગઈ છે તે મને સમજાતું નથી – આપણી લાક્ષણિક પૂંજી છે. મોંઘામૂલી ‘ભવાઈ’ છે એમ આપણે અવશ્ય કહી શકીએ. આમાંની પહેલી બે નાનકડાં ઊર્મિકાવ્ય જેવી છે, ‘મળેલા જીવ’ આટલી બધી લોકપ્રિય છે, બળવાન છે, છતાં એની ગતિ તે એક મોટા ઊર્મિકાવ્ય જેવી જ છે. પણ આ પછીની ત્રણ મોટી કથાઓમાં ‘ઊર્મિકાવ્ય’નો સૂર મોટો થતો જાય છે, એમાંની અમુક ટોચો તો મહાકાવ્યની ગતિએ પહોંચે છે, અને વાર્તારસનો એક મજાનો ઘેઘૂર વડલો બનીને ઊભી રહે છે. આ કથાઓમાં આપણને જે ભૂમિનું અને એનાં મનેખનું જે દર્શન જોવા મળે છે એ ગુજરાતે આજ લગી કદી નહિ જોયેલા, નહિ જાણેલા પ્રદેશનો પહેલી વારનો મોહક પરિચય બની રહે છે. એ ઈશાનિયો દેશ, એના મગરિયા ડુંગરો ને ચોરા ડુંગરીઓ, એના જાંબુડિયા ધરા અને કલકલતી નદીઓ, એનાં મકાઈનાં ખેતરો ને ભેંકાર જંગલો, અને એનાં ભાતભાતનાં મનેખ, લાલપીળાં છોગાં પહેરતા જુવાન મોટિયારો, તો માત્ર કાપડું ને ચણિયો, કે ફુલાળી ઘાઘરીઓ ને મુટ્ટાદાર ગવનો પહેરતી યુવતીઓ, છીંકણીઓ સૂંઘતાં બૈરાં કે હોકા ગગડાવતા આદમીઓ, એના વાણિયા અને કણબી, એના ભીલ અને ગોવાળ, એમનાં ગાયોનાં ધણ ને ભેંસોનાં હાલરાં, એમનાં ચોપાડો અને ગુંજારોવાળાં ઘરો, તો સાંઠીઓની ભીંતો અને થાપડે છાયેલાં ખોરડાંઓ કે પછી ખેતરના કૂવા ને ઝાકળિયાં, એમના મેળા અને ચગડોળો તો લગનનાં ગીતો કે માતાની ગરબીઓ, એના બહારવટિયા અને ધાડો, હડુમ કરતી ગાજી ઊઠતી બંદૂકો ને વીંઝાતી તલવારો, એનાં ભડકાં અને કંસાર, અને આમ જન્મથી માંડી મરણ સુધીની, ખેતરમાં ને ઘરમાં, ફળીમાં ને સીમમાં, ડુંગરનાં પડખાંમાં ને જંગલોની ગોદમાં જીવતી, જાગતી અને ઊંઘતી, ઉલ્લાસતી અને વિલપતી, મોતીછડા વીર અને ભૂતપ્રેતને આરાધતી, માંલ્લાં પુરાવતી તો કૂકડાં બકરાં વધેરતી, તો અંતરમાં ઊંડે ઊતરી સાચા અંતર્યામીનું દર્શન કરતી કે જમીનમાંથી ઊગી ઊઠતાં ધાનમાં ભગવાનને હાજરાહજૂર ભાળતી એવી એક સભર સૃષ્ટિ,—પન્નાલાલે જાણે કે એ ઈશાન ખૂણાનો મોટો મેળો ગુજરાતની આલમમાં ખડો કરી દીધો છે. અને તે એ લોકોની બાનીમાં ને એમની શૈલી અને લઢણમાં જ. પન્નાલાલ આમ ચોપડીઓ અને સાહિત્ય ભણ્યા નથી તોય એમની જ વાણી સાહિત્યોચિત બધા સુસંસ્કારવાળી છે અને સ્વસ્થ વેધકતાવાળી પણ છે. પરંતુ એમની વાર્તાની જે અસલ બાની છે, કથનની જે રીત છે તે આપણી પ્રવાહપતિત સાહિત્યકીય રીતિની નહિ પણ એ લોકોની વાચામાંથી પ્રગટતી એક અનોખી, – ગુજરાતના પ્રાંતપ્રાંતની જે વિશિષ્ટ વાક્‌છટાઓ છે તેવી જ, કોઈથી પણ ઊણી ન ઊતરે એવી બલકે એની રીતે કેટલીક વાર તો મેદાન મારી જાય એવી છટાવાળી, શબ્દના અને વાક્યના ખાસ વળાંક અને બળવાળી, ખાસ અર્થશક્તિ અને વેધકતાવાળી બાનીની રીતની છે. ‘માનવીની ભવાઈ’ અને ‘ભાંગ્યાનાં ભેરુ’માં આ બાની એના પુરબહારમાં ખીલે છે, એનાં પાત્રોના મુખમાંથી એ વાણી જે શબ્દશક્તિ બતાવે છે તેની આગળ વિદ્વત્તાની વાણી ફીકી લાગે છે જાણે. અને પન્નાલાલની શૈલી પણ જ્યારે આ રીતે વહે છે ત્યારે તે વધારે કાર્યસાધક બને છે. આ બંનેય કથાઓ આ પ્રદેશનાં મનેખ જે રીતે ઊભડક જ બેઠાં બેઠાં વાતો કરતાં હોય છે, તેમ ઊભડક વાણીમાં જ વહ્યે જાય છે. ખુરશીમાં બેસીને લખતાં કે દીવાનખાનામાં વાત કરતાં માણસોની નહિ પણ ઘોડીએ પલાણીને દોડતાં, કે હાથમાં હોકો રહી જાય ને ચીપિયામાં અંગારો પકડી વાત કરતાં પાત્રોની આ વાણી છે, અને ગુજરાતમાં આ વાણી આવી રીતે આટલા સઘન સભર રૂપે ઊતરી આવે છે એ પણ આ કથાઓનો ખાસ ફાળો છે.

પન્નાલાલની આ વાર્તાઓને કે તેમના સર્જનને હજી મર્યાદા નથી એમ તો નહિ જ કહું. પણ એની વાત હમણાં નહિ કરું. મારે એ અંગે જે કહેવાનું છે તે તો હું એમને જ ખાનગીમાં કહેતો રહ્યો છું. અને પન્નાલાલ પોતે પણ એ નથી જાણતા એમ નથી. એમનેય ‘સાહિત્ય’ સર્જવાના શોખ જ્યારે જાગે છે, જાણે એ કોડ પુરાવાના બાકી હોય તેમ, ત્યારે એમની વાત કથળે પણ છે. એમને પોતાની વાર્તાને ભાતભાતના રંગે – વાદો અને વિવાદોથી રસવાનો મોહ જાગે છે ત્યારે પણ વાર્તા પછી સાચા રંગવાળી નહિ પણ થથેડેલા પાઉડરવાળી બને છે. પણ એથીયે વધારે મુસીબત તો નવા સર્જનની આરાધનામાં દરેકને નડે છે તેમ એમને પણ નડે છે. અને ‘કાબે અર્જુન લૂંટિયો’ની માફક આ મોટી નવલોના લેખકને એક નાનકડી વાર્તામાં પણ હારી જતો મેં જોયો છે. પરંતુ આવું તો હંમેશા બનવાનું. કારણ સર્જન એ જો માણસની સ્વાધીન વાત હોત તો તો ગમે ત્યારે માણસ પોતાની એ શક્તિનો સંચો ચલાવી ખરખર ખરખર કાંત્યા જ કરત. પણ દરેક સાચો કલાકાર અનુભવે છે અને પન્નાલાલે અનુભવ્યું છે તેમ આ તો કોઈ અગમની સેર જ તેનામાં ઊતરતી હોય છે. કલાકારનું પાત્ર જેટલું વિનમ્ર તેટલું જ તે વિશાળ ને સમર્થ બનવાનું. એ અગમની ઊતરતી કરુણાને તેનું સમર્પણ જેટલું વિશેષ તેટલી તેને પેલી અગમની કરુણા વધારે લાધવાની. પન્નાલાલની શક્તિનું જે મૂળ છે તે આ કરુણા છે. એમના જીવનપ્રવાહને, અને એમના સાહિત્યસર્જનને હું ઠીક ઠીક જાણતો રહ્યો છું. એક નવલકથા બની શકે તેવી પોતાની જીવનકથા પણ તેમણે મારી આગળ મોકળા મને કહી છે. આમ તેની સંસ્કારભૂમિને હું ઠીક ઠીક પિછાનું છું. પણ જ્યારે શ્રી દર્શકનું ‘માનવીની ભવાઈ’માં થયેલું સૂચન જોયું કે પન્નાલાલ તેમના અનન્ય પાત્ર ‘દેવતાઈ’ રાજાનું બી રવીન્દ્રનાથ અને શરદબાબુની સાહિત્યભૂમિમાંથી લઈ આવ્યા છે, ત્યારે મારી જાણ બહાર એ આ બીની ચોરી કરી લાવ્યા હોય તો કેમ એની ખાતરી કરવા મેં એમની પાસે એમના સાહિત્યસેવનનો હિસાબ માગ્યો. એમણે એ લખી મોકલ્યો, અને એમાં ભાઈશ્રી દર્શકે ગણાવેલી પાત્રસૃષ્ટિ કે એ સાહિત્યકારોના મહાગ્રન્થોની કોઈ જ રકમ જમા ન નીકળી. અને છેવટે એમણે લખ્યું : ‘તમે જ કો’ને હવે? મારા જેવા શ્રમજીવી માનવીમાં આ સર્જક તત્ત્વ, ભાષા અને કલ્પના, પ્રસંગો ને પાત્રો, તો કળા અને વસ્તુસંકલના વગેરે લઈને વણમાગ્યું ને વણપ્રીછ્યું એકાએક કરુણા કરતુંકને કેમ આવ્યું ને કોણે મોકલ્યું?!’ પન્નાલાલની જે રાજવણ રાજા, જગદંબા અને ચંડીનાં તત્ત્વો વ્યક્ત કરતી એક દેવતાઈ રૂપે પ્રગટી છે તે આ કરુણા કરનાર તત્ત્વનો સીધો અવતાર છે એમ કહીશું. રાજામાં પ્રેમતત્ત્વ કરતાંયે માનવીમાત્રને ચાહતું જે એક કારુણ્યનું તત્ત્વ છે, જે એને એના સુંદર શરીરની ભૂખમાંથી પણ ઉઠાવી લે છે, જે એને દુર્બળ અને દરિદ્ર પતિનો ૫ણ સંસાર મંડાવે છે, જે એને હૃદયની લાગણીઓને એક અજબ બળથી અંદર ઉતારી લઈ તેમાંથી એક નવી શક્તિ મેળવી આપે છે, જે કાળુને પણ કાળરાક્ષસ બનતો બચાવી લે છે એ તત્ત્વ, પન્નાલાલ સાહિત્ય વાંચીને કે પછી જીવનનો અભ્યાસ કરીને પણ પામી શકે તેમ નથી. એ તો એ સર્જનની ક્ષણે, સ્વતઃ આપોઆપ એની પોતાની ઉપરની ભોમમાંથી, અગમના એ અલકમલકમાં રહેતા કરુણામયના કૃપાપ્રસારમાંથી, આ રાજુમાં અને એવી બીજી અનેક રાજુઓમાં નીચે ઊતરી આવે છે. વાસ્તવિક જીવનમાં અને સાહિત્યમાં પ્રગટતા જીવનમાં પણ રાજુઓ આમ હમેશાં ઊતરતી આવી છે અને માનવ એ અગમ તરફ પોતાનાં બારણાં વાસી નહિ દેશે ત્યાં લગી હમેશાં ઊતરતી રહેશે. હું ઉપર કહી ગયો કે આ ભેંકાર વાર્તા છે, પણ એ જેટલી ભેંકાર છે તેટલી જ સુંદર પણ છે. આમાં કેટલાં બધાં માણસો મરે છે, કેવાં તે વેરઝેર અને બળાપાના અગ્નિમાં સિઝાય છે તો માણસો કેવી રીતે જીવી જાય છે, વેરઝેરનાં વખ કેવી રીતે પી જાય છે એ પણ આવે છે. એમાં માનવના હૃદયની કુરૂપતા છે તો એ હૃદયની સુરૂપતા પણ છે. એમાં દ્વેષ અને કપટનો લાવા છે તો પ્રણય અને વાત્સલ્યના નિર્મળ અને ઊંડા ઝરા પણ છે. એમાં મમતા અને મોહનાં વમળ છે તો એ મમતામાંથી નીકળી જતો તપસ્વીનો સંયમ છે, એમાં શરીર ને જોબનનાં આકર્ષણ છે તો એ આકર્ષણથી ઉપર નીકળી જતો આંતર ગહન સ્નેહ પણ છે. અને આ બધું વર્ણવતી, હર પરિસ્થિતિમાં સરખી સરસતા અને ચિત્રાત્મકતાથી કામ કરતી લેખકની મૌલિક બાની છે. એમાં આવતી આડી નહિ પણ ઊભી ઊભેલી ભૂંગળ જુઓ, ચંચળ આંખોમાંથી જ રજેરજ દેખાઈ આવતી નવી વણજારણ જુઓ, પાંચ હાથ તડો હેતનો ભરેલો રતનો વણજારો જુઓ; આમાં આવતાં વેગભર ધસતાં ભમરીઓનાં ટોળાં જેવાં ભીલોનાં ધાડાં જુઓ,કે ખેતરમાં વાવેલાં બી વીણી ખાવા વળગેલી એ જ કંગાળ ભીલોની કતાર જુઓ; આમાંની મંગળાની કારમી રીડ સાંભળો કે ભલીના વિલાપ ને પડકાર ભાળો, કે કાળુનાં અનેક રીતનાં – કરુણાનાં અને વિધિના ઘાનાં રુદન જુઓ કે સત્‌ અસત્‌નાં પારખાં લેતા કનકા ભીલની મંત્રબળવાળી ગજબની વાણી જુઓ, – -એમ હર સ્થળે વાર્તાકારે સુંદરતા પાથરી છે. એને સુંદરતા નહિ પણ એથીયે કંઈ બીજું નામ આપવું પડશે. એ છે ચિત્રલેખાની ચિત્રણ શક્તિ, પૃથ્વી પર પ્રગટેલા હરેક પદાર્થને એકસરખી તટસ્થતાથી અને સરસતાથી આલેખતી શક્તિ. અને એમ વિલાપ અને ગીત, કંકુ અને લોહીની એકસરખી છોળ ઉછાળતી આ વાર્તા અંતે એક શાંત શામક રસમાં વિરમે છે. કાળુને તેની જીવનભરની ઝંખના પૂરી થાય છે, તો એ જ પ્રસંગે વેરના અવતાર જેવો નાનો પણ નવા સારા અવતારે જન્મવા જગતમાંથી વિદાય લે છે. અને કાળુના લગનના ગીતની સાથે જ નાનાનું શ્રાદ્ધ જોડાઈ જાય છે. વિધાતાએ જગત એવું બનાવ્યું છે કે એ હજી કોઈ પણ એક રંગ અણીશુદ્ધ વહેવા દેતો નથી. પરંતુ આવી આ ભેંકાર, સુંદર અને બળવાન વાર્તા અઘરી પણ છે. શહેરમાં જ જન્મેલાં ને જીવતાં ‘મનેખ’ને એ એકદમ ન પણ સમજાય. પણ એટલે તો એમણે એ ખાસ વાંચવા જેવી છે, પણ એમને વાંચવા માટે આપણા શબ્દકોશે કેટલાયે નવા શબ્દો પણ આમાંથી પોતામાં દાખલ કરવા પડશે. અને એ રીતે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પણ આ ઈશાનિયા દેશની વાણી એક મનોહર ઉમેરો કરી જશે. આપણે ઇચ્છીશું કે પન્નાલાલની સજીવન કલમમાંથી આપણને આવી અને આ કરતાં પણ વધુ રસદાયી, જીવનનાં વધુ ઊંડાણોમાં જતી, પેલા ‘અગમ’ની સાથે વધારે હાથતાળી દઈ આવતી વાર્તાઓ મળે, અને આ હજી અધૂરી જેવી લાગતી વાર્તા જો આગળ વધીને પૂરી થાય, જીવનમાં સુખી ન દીઠેલો કાળુ વધુ સુખી થાય અને એની પછીની પરતાપ અને મંગળની પેઢી નવા જીવનના સંગ્રામો નવી રીતે ખેડે અને જીતે તો તો ‘બેટ્ટાવાળી’ જ થઈ જાય!

૨૫-૯-૫૭