સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્/જેલસાહિત્યમાં ઉમેરો
[‘ઇન્સાન મિટા દૂંગા’, કર્તા – કૃષ્ણલાલ શ્રીધરાણી,
પ્રકાશક – શ્રી દ. મૂ. પ્ર. મંદિર, ભાવનગર, કિં. રૂા. ૦-૬-૦]
ભાઈ શ્રીધરાણીનું ‘ઇન્સાન મિટા દૂંગા’ આપણા જેલ સાહિત્યમાં એના ગુણાવગુણની વાત બાજુએ રાખતાં પણ સારો ઉમેરો કરે છે. ગાંધીજીના અહિંસાત્મક કાર્યક્રમને લીધે આપણી જેલભાવનાએ પલટો લીધો અને ત્યારથી એને સમભાવથી જોતા આપણે થયા છીએ. કાયદાની દૃષ્ટિએ ગુનેગાર ઠરેલાઓ માટે જ જેલો અત્યાર સુધી નિર્મિત થયેલી. અને એ ગુનેગાર છતાં માનવતાવાળાં મૂક પ્રાણીઓમાં પોતાનો અવાજ એ જેલસંસ્થાની દીવાલોની બહાર આ ‘નિર્દોષ’ ‘સત્યપ્રતિષ્ઠ’ સમાજને પહોંચાડવાની શક્તિ ન હતી. એ તો આપણે ‘બોલતા’ કે ‘લખતા’ લોકો અંદર ગયા ત્યારે એને વિષેય બોલવા ને લખવા માંડ્યું. પણ લખવાબોલવામાં પણ આપણે આપણી જ વાતો કરતા હતા. ત્યાં રહેનારની દર્દમય કથની થોડાકે જ કહી. ગુજરાતીમાં એ પ્રકારની કથનીઓમાં શ્રીધરાણીની જેલકથા કાલક્રમે બીજે કે ત્રીજે નંબરે આવે. ગુણદૃષ્ટ્યા કદાચ પહેલી આવે. એમ તો ગાંધીજીએ પોતાના આફ્રિકાના અને યરવડાના જેલ-અનુભવો આપણને કહ્યા છે. કાકાસાહેબે ‘ઓતરાતી દીવાલો’ની ભેટ આપી છે, શ્રી રાજગોપાલાચાર્યની ‘જેલડાયરી’ પણ આપણને ગુજરાતીમાં મળી છે. ‘ગુનેગારોના ગામમાં’ શ્રી કલ્યાણજીભાઈએ આપ્યું છે જ.[1] છતાં આપણને ‘ખરી જેલ’નો ખ્યાલ કોઈએ નથી આપ્યો. ‘ગુનેગારોના ગામમાં’ કદાચ અપવાદ હોય, કારણ હું એ વાંચી નથી શક્યો. પણ ગાંધીજી કે રાજાજી એમણે સત્યપ્રિય આત્માઓએ જેલજીવન કેમ જોગવ્યું તે જ મુખ્યત્વે કહ્યું છે. કાકાસાહેબે એ કાળદીવાલોની પ્રાછળ પણ તરવરી રહેલી પ્રકૃતિનું સૌંદર્ય અનુભવ્યું અને જેલની જીવનકથા કરતાં એક કાવ્યકથા આપી. ખરી જેલ કોઈએ ન બતાવી. શ્રી મોહનલાલ ભટ્ટે ‘લાલ ટોપી’માં ખરી જેલની બારી ખોલવા પ્રયત્ન કર્યો. અને શ્રીધરાણીએ ત્યાં બારણું પાડી આપ્યું એમ કહેવાય. જેલજીવન વિષે લખવું અને એને વિષે જેટલી અસરપૂર્વક જેટલું કહેવું જોઈએ તેટલું કહેવું એ માટે ઉત્તમ કલાકારનું ભેજું જોઈએ છે. જેલ એવી વસ્તુ છે કે એનો ખ્યાલ કોક અસાધારણ કલમથી લખાયેલાં શબ્દચિત્રો જ આપી શકે. છતાં પણ એના સંપૂર્ણ પરિચય માટે તો તેને જાતે જ સેવવી પડે. જેલનું જે ભય, સત્તા, લાલચ, ખંધાઈ, દીનતા વગેરે ભાવોથી ભરેલું વાતાવરણ છે એ કલમમાં પકડાવું મુશ્કેલ છે. એ તો બાયરન જેવો કવિ ‘ધ પ્રિઝનર ઑવ શિલોં’ જેવા કાવ્યમાં કે ટૉલ્સ્ટૉય જેવો સમર્થ શબ્દચિત્રકાર ‘રિસરેક્શન’ ને એવી બીજી કૃતિઓમાં જ સર્જી શકે. ઇન્સાન મટાડી દેનાર આ જેલસંસ્થાઓની ઘાતકતા યુરોપે સૈકાઓથી જાણેલી છે, અને ત્યાં સાચા સાહિત્યે એનાં ક્રન્દનોને ક્યારનાંય ઝીલીને લોકહૃદયને હચમચાવ્યાં છે. પદ્ય, ગદ્ય અને નવલોમાં એનાં સર્જનો મૂર્ત થઈ ગયાં છે. ક્વેકરોની ‘રેકર્ડો’, સ્કૉટની કેટલીક નવલકથાઓ, બાયરનની કવિતા વગેરે અંગ્રેજી સાહિત્યની આ તરફની સજગતા બતાવે છે. ફ્રાન્સ વગેરે દેશોમાં પણ આ છે જ. રશિયાનું સાચું જીવન તો જેલમાં જ ઘડાયું છે. તેના આગેવાન સાહિત્યકારો, રાજપુરુષો, આ મહાકાલિના ધામને સેવી આવ્યા છે. ડૉદોસ્ટોયેવ્સ્કી તો બંદૂકથી વીંધાતો સહેજમાં બચીને પાછો આવ્યો. અને એ લોકોના જેલજીવનમાં કપરામાં કપરાં પાસાના અનુભવમાંથી જેલના સાચા વાતાવરણથી ધબકતાં સર્જનો તેમણે આપ્યાં. એટલે જ આજે એ અમાનુષી સંસ્થાઓ એ રૂપે ત્યાંથી વિદાય પણ થઈ ચૂકી છે. આપણે ત્યાં સાહિત્યજાગૃતિના તેમજ પ્રજાજાગૃતિના ગણેશ તેમને મુકાબલે ઘણા મોડા મંડાયા કહેવાય. અને એટલે સમગ્ર જીવનના એક અગત્યના ભાગ તરીકે આપણું એ તરફ ધ્યાન મોડું જ જાય. અંગ્રેજોએ ક્વેકરો તરફ, ઝારસત્તાએ ક્રાન્તિવાદીઓ તરફ, જેટલો અમાનુષ વ્યવહાર રાખ્યો તેટલો આપણા સત્યાગ્રહીઓ તરફ, કોક અપવાદો સિવાય. અહીંની સરકારે નથી રાખ્યો. બલ્કે આપણા આગળથી એણે જેલની કાળામાં કાળી બાજુને છુપાવી લેવા જ પ્રયત્ન કર્યો છે. એમાં પોતાની સાખ ખોતાં ડરતા વાણિયાના જેવી કુશળતા છે. નાગપુર સત્યાગ્રહના કેદીઓ સિવાય બીજા સત્યાગ્રહીઓને એ જોવાનું મળ્યું નથી. એટલે એ બાબતોનો સાચો પડઘો પડવો આપણે ત્યાં હજી બાકી જ છે. જેલના વ્યવહારને સર્વથા અમાનુષ કહી શકાય. પણ એ વિશેષણ જેલને વિષે બધું નથી કહી શકતું. કદાચ કોઈ પણ વિશેષણ નહિ કહી શકે. એવી સ્થિતિમાં શ્રીધરાણીનું પુસ્તક આપણને ઠીક દિશાસૂચન આપે છે. અધૂરાં તોપણ એ કાળભૂમિનાં આછાં દર્શન કરાવી આપે છે. એમણે જેટલું ઓઝલપડદામાં રહી જોયું અને કાન ખુલ્લા રાખીને સાંભળ્યું તેટલું સારી રીતે કહેવા પ્રયાસ કર્યો છે, અને આવી દિશામાં ૫રમાર્થતયા પ્રયાસ કરવા માટે એમને ધન્યવાદ ઘટે. જેમણે જેલનાં દર્શન નથી કર્યાં, કે આ જિંદગીમાં કરવા જવાની જેમનામાં હિંમત નથી, તેમણે નવાં પુસ્તકો લખાય ત્યાં સુધી વાટ ન જોતાં શ્રીધરાણીનું ‘ઇન્સાન મિટા દૂંગા’ જેવું છે તેવું પણ વાંચી લેવું જ જોઈએ. એથી એ મહાવ્યથિત માનવજાત તરફ એમને સદ્ભાવ થાય અને તેમને માટે તેઓ પ્રાર્થના કરવા પ્રેરાય તોય બસ.
વાર્તા વિષે થોડુંક
શ્રીધરાણીની પ્રસ્તુત વાર્તા વિષે ઝાઝું કહેવાની જરૂર નથી. એમની કલમ પાછળ ‘વડલો’ની પ્રતિષ્ઠા છે, અને જેલજીવનનો આછો-પાતળો અનુભવ છે. તે બંનેને લીધે એમની વાર્તા વાંચવા જેવી બની છે. જેલજીવનની નાની છતાં અસરકારક બને એવી કથા તથા વાર્તા તરીકેની ગુણવત્તા એ બે દૃષ્ટિએ હજી વાર્તામાં ઘણું ઉમેરવા-ઘટાડવાનું રહે છે. ભાષાલેખન ઉપર સહેજ અંકુશ રાખી, વાર્તાના બનાવોની ગૂંથણીમાં વધારે નિકટતા, ઘનતા લાવી, તથા આ ને આ જ પાત્રોના ઇતિહાસોને તથા તેમના બનાવોને પૂરતા પ્રમાણમાં બહલાવીને, અને બીજા અનાવશ્યક લાગણીના પ્રસંગો ઘટાડીને, તેમ જ કેટલીક હકીકતોને સંપૂર્ણ રીતે આપીને તેઓ આખી વાર્તાને વધારે સારી રીતે જેલનું વાતાવરણ ખડું કરતી, સમર્થ અને વાર્તા તરીકેના ગુણવાળી કરી શક્યા હોત. આ વાતમાં આ નથી, પેલું નથી, ત્યાં ચૂક છે, પેલું સુધારવું જોઈતું હતું – એવું વીણી વીણીને કહેવા બેસીએ તો લેખક કહેશે કે, આટલી બધી આશાઓ બાંધવાનું મેં ક્યારે કહ્યું હતું? અને એ વાત કદાચ ખરી હોય. આ વાર્તા અંગુલિનિર્દેશ જ છે એમ લેખકે પોતાના ‘કથિતવ્ય’માં કહેલું છે. એટલે વાર્તામાં આટલું તો સંભાળપૂર્વક સુધારવું જોઈતું હતું એ વાત તરફ અમે પણ અંગુલિનિર્દેશ જ કરી લઈશું. આપણા વાર્તાસાહિત્યમાં પ્રચલિત એક જાતની લાગણીવશતા આ વાર્તામાં પણ છે. વાર્તાને કરુણ બનાવવા માટે કરુણરસનાં સાચાં ઉત્પાદક મનોવ્યથા અને માનવશક્તિથી પર કોઈ શક્તિના હાથમાં જીવનની નિઃસહાયતા, એવાં તત્ત્વોનો આશ્રય લેવાને બદલે બહારના કૃત્રિમ વિરોધો (‘કૉન્ટ્રાસ્ટસ’) એમને સેવવા પડ્યા છે. સંતરામના હરણાનો પ્રસંગ, કંઈક અંશે જીવતના ગંગારામથી વિખૂટા પડવાનો પ્રસંગ, અને બીજા નાના નાના પ્રસંગો લાગણીવશતાનાં ઉદાહરણ છે. જેલરનું ખૂન, અને કથાને અંતે ઉમરનું ખૂન, તથા ગંગારામ સૂબેદારનું મરી જવું આ પ્રસંગો કરુણા કરતાં કમકમાટી વધારે ઉપજાવે છે. વાચકની વૃત્તિઓ કરુણરસનો અનુભવ કર્યા વગર માત્ર બનાવની ઘાતકતાથી જ દાઝી ઊઠે છે. જેલ અતિભયાનક વસ્તુ છે એ તદ્દન સાચું છે છતાં એ એક જ વાત ઠોકી ઠોકીને કહેવાના ઇરાદાથી ઘણાં પાત્રો જીવંત બનવાને બદલે અમુક ક્રૂર ભાવોનાં વાહક જ બની ગયાં છે. એટલે આખું વાતાવરણ ઘણું જ તંગ રહે છે. આમ અનાવશ્યક રીતે લાગણી ઉશ્કેરવાને બદલે પાત્રોના દરેક કૃત્યની પાછળના મનોભાવોનાં ચિત્રો માનસશાસ્ત્રની દૃષ્ટિએ નિરૂપી વધારે ઘાટી અસર ઉપજાવી શકાઈ હોત. સૂબેદાર જીવતનું ખૂન કરી બેસે છે જાણે અકસ્માતથી જ. એને બદલે એમાં સૂબેદારનું ખુન્નસવાળું માનસ બતાવ્યું હોત તો એનું વધુ ક્રૂરતાભર્યું ચિત્ર ઊઠત. ગંગારામ, ગન્નુ વગેરેમાં ખૂન કરવાની વૃત્તિઓના વિકાસક્રમ પણ માનસનિરૂપણના અચ્છા પ્રસંગો છે. આ અને આવા પ્રસંગો જવા દઈ કરુણાજનકતાની છાયા ગાઢ કરવા વાર્તાનો અંત અતિ ભયાનક બનાવી દીધો છે. વાચકની લાગણી બિનજરૂરી રીતે ઉશ્કેરાઈ છે. વાર્તાના વસ્તુમાંથી આવો અંત રસદૃષ્ટિએ અવશ્યમેવ ફલિત થતો નથી. એ રીતે કૃતિનો ઘણો ભાગ ‘મેલોડ્રામેટિક’ થઈ ગયો કહેવાય.
વિગતની કેટલીક ભૂલો
કેટલીક વિગતની ભૂલો સહેજ કાળજીથી ટાળી શકાઈ હોત. સુલેમાન પહેલી વાર કહે છે પોતે ચોથી વાર જેલમાં આવ્યો. પછી કહે છે ત્રીજી વાર આવ્યો. સૂબેદાર સોટી ચમચમાવતો સોટી ફટકારવાનો એક પણ પ્રસંગ જવા દેતો નથી. પણ બંધ ખોલીમાં સાંકડા સળિયાની પાછળ બેઠેલા જીવત કે ગંગારામને તે સોટી મારે છે એ શક્ય નથી. સળિયા પાછળ રહેલો માણસ સહેજે અંદર જતો રહી સોટી ટાળી શકે. સિવાય કે તે માર ખાવાને સામે જતો હોય કે બેધ્યાન હોય. ગંગારામ ફાંસી ખોલીમાં કામ પ્રસંગે એકલો જઈ ચડે છે. આ પ્રસંગ ઉપર વાર્તાનું એક મિજાગરું ફરે છે. એ દૃષ્ટિથી એ બરોબર દોરાયો નથી. કેદીને વૉર્ડર વગર ફરવાની છૂટ જ હોતી નથી. અને તેમાંયે ફાંસી ખોલી જેવા લત્તામાં તો ખાસ. ગન્નુ વૉર્ડર થયા પછી પાટી વણે છે. વૉર્ડરો તો અધિકારીઓ જેવા હોય છે તેઓ આવું કામ ભાગ્યે જ કરે છે. સિવાય કે ખાસ શોખ હોય તો, ફટકા મારવાનો જે પ્રસંગ આપ્યો છે તે વિગતોની બાબતમાં અધૂરો છે. જેલર જાતે વીફરીને ફટકા મારે છે. પણ મોટે ભાગે એવા કામ માટે કેદીઓમાંથી ખાસ માણસો જ હોય છે. એવું જોખમ અધિકારીઓ માથે નથી લેતા. સિપાઈઓ પણ ફટકા મારતા નથી. વળી સીધા વાંસામાં સોટા ગમે તેમ સબોડાતા નથી. એ માટે ગુનેગારને ત્રણ પાયાની ઘોડી પર બાંધી નિતંબ ઉપર એક જ જગ્યાએ ફટકો પડે એ રીતે મારવામાં આવે છે. તે વેળા જેલના ડૉક્ટરે હાજર રહેવું જોઈએ. ડૉક્ટર જેને જેટલા પાસ કરે તેને તેટલા જ ફટકા મારી શકાય. એટલે ‘ત્યાં કયો ન્યાયાધીશ જોવા ઊભો હતો!’ એ કથન પૂર્તિ માગી લે છે. એક રીતે આ ફટકાનો પ્રસંગ વધુ કરુણાજનક છે. તેને વિશેષ વર્ણનથી રજૂ કરવો જોઈતો હતો. આવી જ રીતે જેલના હુલ્લડનો પ્રસંગ બહુ ટૂંકાણમાં પતવી દીધો છે. જેલનું હુલ્લડ બહુ રસિક વસ્તુ છે. ફોજદારી ગુનાવાળા કેદીનાં તોફાન જુદી જ જાતનાં હોય છે. અહીં તો એક નાની ચર્ચાપરિષદ અને પછી થોડા તોફાન જેવું જ થઈ બધું સમેટાઈ જાય છે. જેલરના ખૂનની ભૂમિકા પણ વધારે સારી અપાઈ હોત તો ઠીક. રેવા નદી પર મણિનગરમાં જેલનું સ્થાન આપ્યું છે તે પણ ઠીક નથી. ગુજરાતની નર્મદા જ રેવાથી અભિપ્રેત હોય તો તે ભૌગોલિક સત્યથી વિરુદ્ધ જાય છે. શૈલીને વધારે ચિત્રાત્મક કરવાના ઇરાદાથી ખોટાં વર્ણનો લેખક કરી બેસે છે. સંતરામ ‘બૅરેક’ના ભાગ્યે એકબીજાની આંખો જોઈ શકાય એવા પ્રકાશમાં આંખો ચમકાવે છે. ભર અંધારી રાતે જીવતને દાટતાં તેનાં કાળાં જુલ્ફાં અંધારામાં લટકતાં દેખાય છે! ભાષાના કેટલાક વ્યાકરણ દૃષ્ટિએ શિષ્ટ ન કહેવાય તેવા પ્રયોગો પણ છે. ગડદી, કડચલી, શાનીક, એ બધા પ્રાંતીય પ્રયોગો છે. હાથનું બહુવચન હાથો કરવું એ પણ સારું નથી. આખી વાર્તામાં ખરો કરુણ પ્રસંગ ગંગારામ અને તેની પત્ની તથા પુત્રવધૂની મુલાકાતનો છે. જીવત મરી ગયો છે છતાં તેને પેલો જીવતો માને છે, અને ગંગારામ તે જાણે છે છતાં તે કહી શકતો નથી, એવી પરિસ્થિતિની વિષમતા કરુણાથી ભરપૂર છે. વરસાદ આવી સ્ત્રીઓની મુશ્કેલી વધારી મૂકે છે. પણ તે વિના પણ પ્રસંગની અસર ઓછી થતી નથી. રઘુવીર, ગન્નુ, ઇસો, ધનો વગેરેના ઇતિહાસો, વાર્તા સાથે ગૂંથાઈને એક થઈ શક્યા નથી, છતાં સ્વતંત્ર રીતે પણ રસિક અને જેલજીવનના સૂચક છે. સંતરામનું પાત્ર સહેજ અતડું પડી જાય છે. કદાચ એના હરણાને લીધે. વાર્તાનો અંત જોઈએ તેવો ન કહેવાય. એમાં બીભત્સ રસ જ છે. ત્યાં આપણે કોક ભૂતચુડેલની દુનિયામાં હોઈએ તેવું લાગે છે. વાર્તાલેખનની સહેજ કુશળતા અને સાવચેતીથી આ બધું ટાળી શકાયું હોત. જેલની દરેક ચીજ પાછળ આપણાથી ન કલ્પાય તેવું વાતાવરણ અને વ્યક્તિત્વ બંધાયેલું છે, પ્રેતલોકની દુનિયા જેવું. તેની ભૂગોળ, ભાષા, વ્યવસ્થા, આરોગ્યચિકિત્સા, દવાખાનું, ધંધાપ્રવૃત્તિઓ, અધિકારીઓ, નિયમના કાયદા, રજા, માફી, લડાઈઓ, હુલ્લડો, ચોરીઓ, લાંચો, ગુંડાબાજી, વ્યભિચાર, વ્યસનો, અને તેનાં આશ્વાસનો : એ અને એવાં બધાં તત્ત્વો સ્વતંત્ર વ્યક્તિત્વ અને અનોખા વાતાવરણનાં છે એટલું જ અહીં તો ટૂંકમાં કહી શકાય. જેલની કંઈક વાસ જ એવી છે જે તેના સુપરિન્ટેન્ડેન્ટથી માંડી તેના ભગી સુધી, કોટથી માંડી કાંકરી સુધી, દરેક વસ્તુમાંથી નીકળ્યા જ કરે. અને એ બધું રજૂ કરવું એ માટે વિક્ટર હ્યુગો કે ટૉલ્સ્ટૉય જેવા જ જોઈએ. શ્રીધરાણીએ એમાંનું જે કાંઈ આ૫ણને આપ્યું છે તે માટે તેમનો આભાર. (‘કૌમુદી’, માર્ચ ૩૩)
પાદનોંધ :
- ↑ ‘ફૂલછાબ’માં આવતી તે(ઘણું કરી રા. મેઘાણીકૃત) ‘જેલની બારી’ તથા આ પત્રમાં આવી ગયેલા ‘કેદી કાળીદાસના પત્રો’ પણ અહીં ગણાવી શકાય. – તંત્રી
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.