સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/ગણદેવતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘ગણદેવતા’
એક તુલનાત્મક અભિગમ

એક માત્ર સાહિત્યને જ ધર્મ માનનાર તારાશંકર બેનરજી (૧૮૯૮–૧૯૭૧) સંખ્યાબંધ ગ્રંથોના લેખક છે, જેમાં મુખ્યત્વે નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ છે. તેમની એક પણ ટૂંકી વાર્તા કે નવલકથા વાંચનાર એ વાતનો સૌ પ્રથમ અનુભવ કરશે કે ગ્રામજીવનની માટીમાંથી ઊગી આવેલા આ સર્જકની શિરાએ શિરામાં માટીનો પ્રાણરસ ભળી ગયો છે. પદ્માવતીચરણચારણ કવિ જયદેવની ભૂમિ વીરભૂમ, તે તારાશંકરની ભૂમિ. સત્યજિતે જેને કચકડામાં કંડારી અમર કરી તે ‘જલસાઘર’ નામની તેમની વાર્તામાંની ત્યારે અસ્તમિત થઈ રહેલી જમીનદારીના એક પ્રતિનિધિ તરીકે જાણે જન્મ્યા, અને એ ભૂમિના પ્રાણરસથી પોતાના જીવનને પલ્લવિત કર્યું. પોતાના સમયના અનેક તરુણોની જે, કૉલેજના અભ્યાસકાળના આરંભમાં જ રાજનૈતિક આંદોલનમાં ઝુકાવ્યું. વળી પાછો ફરી અભ્યાસ શરૂ કરે ત્યાં અનારોગ્યથી સદાને માટે અભ્યાસ અટકી ગયો. નોકરી, વ્યવસાયના થોડા અખતરા પછી સાહિત્યસાધના એ જ ધર્મ અને એ જ આજીવિકા બની રહી. ૧૯૩૫ની આસપાસથી તેમના સર્જનનો ધોધ વહેવા લાગ્યો, પહેલાં ટૂંકી વાર્તા અને પછી નવલકથા. ટૂંકી વાર્તાના દોઢ ડઝન જેટલા વાર્તાસંગ્રહોમાં વિષયવૈવિધ્ય અચરજ પમાડે તેવું છે. મોટા ભાગની વાર્તાઓ સંધેડાઉતાર કલાકૃતિઓ સમી. (‘મૂગું રુદન’ એ નામે એક વાર્તાસંગ્રહ ગુજરાતીમાં શ્રી રમણીક મેઘાણીએ આપ્યો છે.) ‘તારિણી માઝિ’ અદ્‌ભુત વાર્તા છે. મોત પ્રત્યક્ષ આવતાં આત્મરક્ષા અને પ્રેમ વચ્ચેના દ્વન્દ્વમાં આત્મરક્ષા, જિજીવિષા કેવી તો જીતી જાય છે, તે કઠોર સત્યનું નિરૂપણ છે – તારિણી નામને સાર્થક કરતા એક તરવૈયાના પાત્ર દ્વારા. ‘નારી ઓ નાગિન’ નારી અને નાગણ – (બન્ને સ્રીજાતિ–)ના વિદ્વેષની વાર્તા કુશળતાથી કહેવાઈ છે... એમની કોઈ પણ વાર્તા લો. શ્વાસોચ્છ્‌વાસની સહજગતિથી કહેવાઈ હોય એમ લાગે છે. તારાશંકરની એ સિદ્ધિ છે, કલાકાર તરીકે ટૂંકી વાર્તાના લેખક તારાશંકર નવલકથાકાર તારાશંકરથી ચડિયાતા ગણાય છે. ૧૯૪૦માં ‘કાલિન્દી’ નવલકથા પ્રગટ થઈ તે પછી ઉત્તરોત્તર એક એકને અતિક્રમી જાય તેવી મનને મુગ્ધ કરી જતી નવલકથાઓ તેમણે આપી. ‘કવિ’ નવલકથામાં, બદનામ ગુનાહિત ડોમજાતિમાં જન્મેલો એક છોકરો નિતાઈચરણ એકાએક કવિ તરીકે પ્રગટ થાય છે. અહીં બંગાળના ગ્રામમેળાઓમાંની ગાનમંડળીઓની અને કવિતા હરીફાઈઓની ભૂમિકામાં પ્રણયની કરુણ ગીતિ આલેખી છે. તો ‘રાધા’ નવલકથામાં મુગલ સામ્રાજ્યના પતનકાળની વાતા સાથે, તે સમયની ધાર્મિક પોકળતાની ભૂમિકામાં ઈર્ષ્યા, દ્વેષ અને અનાચારના ચિત્રણ સાથે ગોવિન્દમોહિનીની – રાધાની મર્મભેદક પ્રેમકથા છે. ‘વસંતરાગ’ અને ‘સપ્તપદી’ માં તારાશંકર બંગાળની ધરતી બહાર નીકળી દક્ષિણ ભારતની પૃષ્ઠભૂમિ લે છે. "જીવનમાં વસંતરાગ માત્ર એક વાર જ આવે છે. પણ પછી હંમેશને માટે મિથ્યા થઈ જાય છે – માત્ર સ્મૃતિ રહી જાય છે–" એ સત્યનો સાક્ષાત્કાર સંગીતાચાર્ય રંગનાથન્‌ અને શબરકન્યા લલ્લાનાં ચરિત્રો દ્વારા કરાવ્યો છે, જ્યારે લઘુનવલ ‘સપ્તપદી’ ઍન્ગ્લો-ઇન્ડિન પાત્રની ભૂમિકામાં પ્રણયના ઉન્નયનની ભવ્યકરુણ કથા બની રહે છે. ‘હાંસુલી બાંકેર ઉપકથા’ નામની નવલકથાઓ તેમને બંગાળમાં વિશેષ પ્રસિદ્ધિ આપી, પણ બંગાળ બહાર વધારે પ્રસિદ્ધ થયા ‘ગણદેવતા’થી. જોકે તારાશંકરની કીર્તિદા નવલકથા તો રહેશે ‘આરોગ્ય નિકેતન’. તારાશંકરની કેટલીક કથાઓની તાજગી સમયના વહેવા સાથે મુરઝાય એવી સંભાવના ખરી, ‘આરોગ્યનિકેતન’ સદાબહાર રહેશે. એલોપથી અને આયુર્વેદિક – એ બે ઉપચારપદ્ધતિઓના પડછે લેખક આલેખે છે પ્રેમ અને મૃત્યુના જુદા જુદા ચહેરા. તેમાં ‘મૃત્યુ’ના તો કેટલા ચહેરા ! જીવન મહાશય — નદી ઘાટે ઊભેલા એક ખખડધજ વૃક્ષ જેવા જીવન મહાશય – તારાશંકરનું અવિસ્મરણીય પાત્ર છે. ‘આરોગ્યનિકેતન’ના સ્થાપક જગબંધુ મહાશયનો આ પુત્ર હાઈસ્કૂલમાં ભણી મેડિકલ કૉલેજમાં પ્રવેશવાને બદલે મંજરીના પ્રેમમાં પ્રતિસ્પર્ધી ભૂપી બોસને મારી ફટકારી, ગામ પાછા આવી બાપ પાસેથી પરંપરાગત વૈદક શીખે છે, ગુરુ રંગનાથ પાસેથી એલોપથી પણ શીખે છે. પણ એમની સિદ્ધિ તો છે નાડીપરિક્ષા. નાડી પકડીને તે મૃત્યુનાં પગલાં સાંભળી શકતા. પોતાના એકના એક પુત્રના મૃત્યુની જેમ આગાહી કરી હતી, તેમ અનેકના મૃત્યુની. છદ્મવેશી, અવગુંઠન ધારીને આવતા મૃત્યુને તે ઓળખી જતા. આ બધા વચ્ચે રહી રહીને જે ચહેરો ચમકી જતો તે તો મંજરીનો. એ કહેતા આ ‘મંજરી’ એ જ એમનું મૃત્યુ છે. જેને દ્વાદશ વર્ષે પણ ષોડશી રૂપે જોઈ હતી, તે મંજરીની વૃદ્ધ વયે નાડી પકડીને તેના મૃત્યુની આગાહી કરવાનો પ્રસંગ આલેખી તારાશંકરે વિધિવક્રતાની ચરમસીમા બતાવી છે. અણે છેવટે પોતાની નાડી પકડીને મૃત્યુનો અણસાર પારખી લેતા જીવનમશાય દિવસો સુધી ચિત્તમાંથી ખસતા નથી. તારાશંકરની રચનાઓમાં જીવનનું એક કરુણદર્શન (ટ્રેજિકવિઝન) છે. આમ તો તેમની બધી રચનાઓમાં પ્રબળ જીવનશકતિનો આવિષ્કાર છે. પણ એક બાજુ કઠોર નિયતિ અને બીજી બાજુ આખર સુધી તેની સામે ઝઝૂમતા મનુષ્યની અસહાયતામાંથી આ કરુણદર્શન જન્મયું છે, અને તેથી તો તેમનાં પાત્રો તેમની કરુણાભરી દૃષ્ટિનો શીતલ અભિષેક પામતાં રહ્યાં લાગે છે. ‘ગણદેવતા’[1] નાં પૃષ્ઠો વચ્ચેથી પસાર થતાં એ વાતની સતત પ્રતીતિ થયા કરતી હતી કે લેખકને બંગાળના પલ્લી(ગ્રામ)- જીવનનો અનુભવ અને અનુરાગ અત્યંત ગાઢ છે. તરત જ શરદબાબુનું, પન્નાલાલનું, પેંડસેનું, રેણુનું સ્મરણ થઈ આવ્યું. વિભૂતિભૂષણ પણ હતા અને થોડાક ટૉમસ હાર્ડી પણ હતા સ્મરણમાં. એક ક્ષણ તો જાણે આ બધા સાહિત્યકારોને ‘ગણદેવતા’માં આવતા કાલીપુર ગામના કેન્દ્ર ચંડીમંડપના ચોતરા પર એક સાથે બેઠેલા જોયા. અને શરદબાબુના ‘પલ્લી સમાજ’નું કુંઆપુર, પ્રેમચંદના ‘ગોદાન’નું બેલારી, મરાઠી નવલકથાકાર પેંડસેનું ગારંબી, હિન્દી નવલકથાકાર રેણુની ‘મૈલા આંચલ’નું મેરીગંજ અણે ‘ગણદેવતા’નું આ કાલીપુર – આ બધાં ભારતાનાં દૂરદૂરનાં ગામો પોતાની અલગ અલગ મુદ્રાઓ ધરાવવા છતાં જાણે એક બીજામાં ભળી જતાં લાગ્યાં. બંગાળના એક પ્રાન્તનું કાલીપુર નામનું આ ક્ષુદ્ર ગામડું મેન ગ્રામવાસિની ભારતમાતનું સમગ્ર દર્શન કરાવી ગયું, જેવું દર્શન કુંઆપુર, બેલારી, મેરીગંજ કે ગારંબી પણ કરાવી જાય છે. ‘ગણદેવતા’ એક આંચલિક (પ્રાદેશિક) નવલકથા છે, અને એ બાબતમાં સૌથી નિકટ કોઈ નવલકથા પાસે જઈને બેસતી હોય તો તે છે ફણીશ્વરનાથ રેણુની ‘મૈલા આંચલ’. કારણ કે શરદબાબુના ‘પલ્લી સમાજ’માં પલ્લી જીવનની યથાર્થ છબી અંકિત ભલે થતી હોય, પણ શરદના કુંઆપુરની કથા એ કુંઆપુરનીક નહિ રમા અને રમેશના પ્રણયની કથા છે. ‘ગોદાન’માં ભારતીય : કિસાનની, ‘હોરી’ જનો પ્રતિનિધિ છે તેની, કથા – એક વર્ગની કથા વિશેષ બને છે, અને પેંડસેની નવલકથામાં ગારંબી કરતાં એના બાપુની કથા વધારે ઊંચા સૂર પર રહે છે. શરદ, પ્રેમચંદ કે પેંડસે વ્યક્તિપાત્રો વિષે વધારે સજગ છે, જ્યારે તારાશંકરમાં કે રેણુમાં વ્યક્તિપાત્ર નહિ સમગ્ર ગ્રામાંચલનું વ્યક્તિત્વ ઊભરે છે – વ્યક્તિ ગૌણક છે, પણ એમાં આવતી બધી વ્યક્તિઓ મળીને ગ્રામમાતાનો ચહેરો ઉપસાવે છે, સમુદાયના-ગણદેવતાના ચહેરાનું દર્શન કરાવે છે. એ ચહેરાનું દર્શન ઉદાસ છે, વેદનાગ્રસ્ત છે, ભલે તેમાં ઉજ્જવળ ભવિષ્યની આછી રેખા અંકિત હોય. ‘ગણદેવતા’ની કથા એટલે કાળાના પરિમાણમાં નહિ, સ્થળના પરિમાણમાં કદાચ વિસ્તરે છે. સ્ફીત – વિખરાયેલું કથાનક છે – ખંડખંડના દર્શન દ્વારા અ-ખંડની આકૃતિ ઉપસાવવામાં આવી છે, એક કલાત્મક ભાતીગળ ‘મોઝેઈક’ આકૃતિ જેવી. તારાશંકરના આ કાલીપુર ગામની કથા આમ તો આ શતાબ્દીના ત્રીજા દાયકાના સમયપરિમાણમાં વિસ્તરેલી છે. અસહકારની વાતનો એકાદ વાર ઉલ્લેખ આવે છે, કારણ કે તે બધાં આંદોલનોથી હજીય જાણે અસ્પૃષ્ટ છે આ ગામ. પરન્તુ લેખકની સામે જે પ્રશ્ન છે તે તો આ ગાળા સુધીમાં બદલાતી જતી આર્થિક વ્યવસ્થાને પરિણામે છિન્નભિન્ન થઈ જતા ગ્રામજીવનને આલેખવાનો છે. લેખકની સામે જાણે છેક વેદના વારાથી ચાલ્યા આવતા આદર્શ ગ્રામજીવનનું – અતીતની માધુરીના સ્પર્શથી યુક્ત એવું – ‘નૉસ્ટૅલ્જિક’ ચિત્ર છે, અનેએ ચિત્રની પડછે પ્રત્યક્ષ એવું આ ગામનું ‘સંકીર્ણ, આત્મકેન્દ્રિક, પરસ્પર પ્રતિ ઈર્ષ્યાપરાયણ’ ચિત્ર છે–અને લેખક પણ જાણે આ કથામાં આવતા સ્કૂપંડિત દેવનાથ ઘોષની જેમ ચાલી આવતી વર્ણધર્મની વ્યવસ્થા તૂટવામાં કારણભૂત અન્યાયનું મૂળ જાણવા છતાંય જાણે ગામની સમાજશૃંખલા જળવાય એ માટે પક્ષપાત કરવા જણાય છે, એમની શ્રદ્ધા એ પ્રત્યે છે. કૃષિનિર્ભર સમાજમાં, જેને આપણે ‘વસવાયાં’ કહીએ છીએ–અર્થાત્‌ જેમને બહારથી લાવીને ખાસ વસવાટ અપાયો છે–તેવા લુહાર, સુથાર, મોચી, હજામ ઇત્યાદિના સહકાર વિના કેવી રીતે ચાલે ? પણ આ વસવાયાંને વર્ષ આખાના કામ પેટે અપાતા અનાજનું પ્રમાણ અલ્પ છે અને એમાંય બેદરકારી થતાં એમનું ભરણપોષણ ન થતાં તે કામ કરવાનો ઇન્કાર કરે છે. ગામ માટે એ ગંભીર સ્થિતિ છે : અનિરુદ્ધ લુહારે અને ગિરીશ સુથારે ઘરાકવટીમાં કામ કરવાની ના પાડી દીધી હતી, અને બાજુના કસ્બામાં પોતાની દુકાન કરી હતી, ધર્મસમ્મત એવી સામાજિક વ્યવસ્થા તૂટતી હોવાનો આ આરંભિક અણસાર છે, અને ત્યાંથી કથાનો આરંભ થાય છે. ચંડીમંડપમાં ગ્રામજનોની આ બાબતમાં સભા મળે છે. સભામાં બધાંને હાજર થવું પડે છે. અનિરુદ્ધ અને ગિરીશને પણ આવવું પડે છે. ચંડીમંડપ એ કેન્દ્ર છે ગામનું. વર્ષોથી ત્યાં સભા થાય, કથાકીર્તન થાય. ક્રિયાકર્મ, અન્નપ્રાશન, વિવાહ, શ્રાદ્ધ અને સલાહપરાર્મશનું કેન્દ્ર – પણ હવે ચંડીમંડપના દીવસો આથમી રહ્યા હતા. આ સભામાં વૃદ્ધ દ્વારકા ચૌધરી આવે છે, સમ્પતિશાળી પણ પ્રતિષ્ઠાહીન હીરુપાલ ઉર્ફે શ્રી હરિપાલ આવે છે, સ્કૂલપંડિત દેવનાથ ઘોષ આવે છે, હરેન્દ્ર ધીલાલ છે, હરીશ મંડપ છે, અન્ય વૃદ્ધો છે, હરિજનો છે. સભામાં ઘણો વાદવિવાદ થયો, પણ સુથારે અને લુહારે ઘરાકવટીમાં કામ કરવાની ના સંભળાવી. હિરુપાલનું અપમાન થયું. બીજે દિવસે અનિરુદ્ધના ખેતરની તમામ ડાંગર કોઈ કાપી ગયું હતું ! અને પછી ગામમાં સ્વાભાવિકપણે આ ઘાત-પ્રતિધાતથી પ્રસંગો બનતા જાય છે. પાતુ મોચી અને તારો હજામ પણ ઘરકવટીમાં કામ કરવાની ના સંભળાવી. હિરુપાલનું અપમાન થયું. બીજે દિવસે અનિરુદ્ધના ખેતરની તમામ ડાંગર કોઈ કાપી ગયું હતું ! અને પછી ગામમાં સ્વાભાવિકપણે આ ઘાત-પ્રતિઘાતથી પ્રસંગો બનતા જાય છે. પાતુ મોચી અને તારો હજામ પણ ઘરાકવટીમાં કામ કરવાની ના પાડે છે. તારા હજામે તો અડધી હજામત પછી રોકડા પૈસા માગ્યા અને ન મળતાં કહ્યું કે પૈસા આવશે ત્યારે બાકીની હજામત થશે – બિચારો હજામત કરાવનાર ‘અર્ધનારીશ્વર’ની સ્થિતિમાં શું કરે ? આ વાત સાંભળી કોઈ હસે છે. ત્યારે હરીશ મંડપ કહે છે : ‘હાસિસના તોરા, હાસિર વ્યાપાર એટા નય.’ (હસશો ના તમે, એ હસવાની વાત નથી.) એણે આગમનાં એંધાણ પારખી લીધાં હતાં. હિરુપાલ હરિજનવાસનાં ઝૂંપડાં સળગાવે છે. પછી તેમને વત્તીથોડી મદદ કરી પોતાના ઉપકાર તળે લાવે છે. પછી ગામના એક પછી એક તહેવારો આવે છે – ધાન્યલક્ષ્મીની પૂજા, ઈતુ લક્ષ્મીનું પર્વ, લક્ષ્મીની પૂજા.... લક્ષ્મીની પૂજાને દિવસે જ લૅન્ડ સેટલમેન્ટની નોટિસ આવે છે. હજી તો ડાંગર ખેતરોમાં છે અને ખેતરોની મોજણી શરૂ થાય તો સોનાની ડાંગર રગદોળાઈ જાય. પણ સાંભળે કોણ? વિરોધ થતાં દેવું પંડિતને જ જેલમાં જવું પડે છે પણ તેથી એક નવી શક્તિનો ઉદય થાય છે. હિરુપાલની જોહુકમી વધતી રહે છે, પણ નજરબંધની સજા પામીને કાલીપુર આવેલા જતીનની મદદથી પ્રજાસમિતિની સ્થાપના થાય છે. પછી તો હિરુપાલ અને દેવનાથ અર્થાત્‌ જમીનદારની જૂની જોહુકમી અને તેનો પ્રતિકાર સામેસામે આવે છે. ગામમાં કૉલેરા આવે છે અને દેવનાથ સેવામાં ને સેવામાં પોતાની પત્ની અને પુત્ર ખોઈ બેસી એકલો બની રહે છે – પણ હવે દેવનાથની પંચ ગામમાં પૃચ્છા છે. એક દિવસ યતીન પણ જ્યારે વિદાય લે છે, ત્યારે દેવુંને આલિંગન આપતાં દેવુના હૃદયમાં સ્પંદિત અભયની વાણીનો તે અનુભવ કરી રહે છે. નવલકથામાં કથાનો તંતુ ઘણો પાતળો છે. તે જટિલ પણ નથી. ગણદેવતાની છબી ઉપસાવવા માટે અનેક પાત્રોની અવતારણા નવલકથામાં થઈ છે. એ બધામાં યથાર્થની અનેક ભૂમિકા પર આવતું પાત્ર તે હિરુપાલ ઉર્ફે શ્રી હરિપાલ છે. જમીનદારી પ્રથાનું તે અનિષ્ટ તત્ત્વ છે. એ આરંભમાં જમીનદાર નથી, સંપતિશાળી છે, પણ ધીમે ધીમે જમીનદારોનો ગુમાસ્તો થઈ, પછી જમીનદારી પણ ખરીદી લે છે. તે લંપટ છે, ચોર છે, અત્યાચારી છે, ગણદેવતાના ચહેરેા પરનો અસાધ્ય વિકૃત ડાઘ છે. અત્યંત રૂપાળી અને સ્વૈરચારિણી દુર્ગા મોચણ સાથે એ સંબંધ રાખે છે, અપમાનનો બદલો લેવા તે અનિરુદ્ધની ડાંગર કાપી જાય છે. અનિરુદ્ધની પત્ની પદ્મમણિ પ્રત્યે એને આસક્તિ છે, આશ્રય આપવાને બહાને તે અન્ય રખાત પણ રાખતાં અચકાતો નથી, પોતાનો અધિકાર જમાવવા તે બધા જ કાવાદાવા અજમાવે છે. તારાશંકરનો આ શ્રી હરિપાલ, જે હરિઘોષ એવું સન્માનનીય નામ ધારણ કરે છે, તે રક્તમાંસનો માનવી લાગે છે. બીજી બાજુ આ હિરુપાલની પત્નીની કરુણ મૂર્તિ પણ વિસરાતી નથી. કથાની રીતે, અત્યંત ગૌણ પાત્ર છે. સાત બાળકોમાંથી હયાત માત્ર એક અપંગ અને એક કરુણ બાળકની મા છે. હિરુપાલના શત્રુ અનિરુદ્ધ પત્ની પદ્મવહુ પાસે ચૂપચાપ આવીને કહે છે : ‘મારા બે છોકરાને ગાળ ન દઈશ બેન, જે કરે છે તેને ગાળો દેજે, બીજું શું કહું તને?’ પણ નારી પાત્રોમાં સૌથી વધુ ઉજ્જવલ રીતે જે અંકિત થઈ છે તે તો દુર્ગા મોચણ. એ સ્વૈરિણી છે, વિલાસિની છે. અત્યંત સુંદર સુગઠિત શરીર, ગૌર વર્ણ. એના રૂપમાં એક સુલભ માદકતા છે, જે દુર્નિવાર રીતે માનવ મનને આકૃષ્ટ કરે છે. એ અનેક પુરુષો સાથે વ્યાવસાયિક સંબંધ રાખે છે, દેવું પંડિતનો એ આદર કરે છે, પણ અનિરુદ્ધ લુહાર સાથે તો એ સંબંધ બાંધી દે છે. હા, તે વ્યાવસાયિક નથી. અનિરુદ્ધની બીમાર પદ્મવહુની તે સેવા કરે છે કે જેલવાસી દેવનાથ પંડિતની પત્ની અને બાળકની શુશ્રૂષા કરે છે. દુર્ગાનું એક નવું જ રૂપ જોવા મળે છે. દેવનાથ કહે છે : ‘સ્વૈરિણી વિલાસિનીનું આ રૂપ ક્યાં હતું ? કેવી રીતે ગોપવી રાખ્યું હતું ?’ દેવનાથના શબ્દોમાં ‘દુર્ગા વિચિત્ર છે; દુર્ગા અદ્‌ભુત છે, દુર્ગા અતુલનીયા છે.’ અનિરુદ્ધની સ્રી પદ્મમણિ શ્યામળા વાનની છે, દીર્ઘાઙ્‌ગી છે, પરિપૂર્ણ યૌવન છે, તેનામાં રૂપ નહિ પરંતુ શ્રી છે, તીક્ષ્ણ સાંસારિક બુદ્ધિ ધરાવે છે, પણ એ અનિરુદ્ધના વ્યવહારથી હિસ્ટીરીયાનો ભોગ બને છે. નિઃસંતાન પદ્મની જે મૂર્તિ ઊપસતી જતી હતી નવલકથામાં તે એકાએકક જાણે કુંઠિત બની રહે છે. પણ છેવટે બે અનાથ બાળકો પર એની પ્રીતિ ઢળે છે. નવલકથામાં રાંગાદિદિ બહુ ઓછી આવે છે, પણ તેમનું વિસ્મરણ થઈ શકે તેમ નથી. દેવનાથ પંડિતને જ્યારે અટકમાં લેવામાં આવે છે ત્યારે રાંગાદિદિનો ગુસ્સો સમાતો નથી. એમને વારે છે શ્રીહરિ. કહે છે : ‘તમે ચૂપ રહો, જે હશે તે અમે કરીશું, તમે બાઈ–માણસ છો.’ રાંગાદિદિ ઉત્તર આપે છે : ‘મને સાડા ત્રણ કોડી વર્ષ થયાં, કેમ લ્યા, હજુ અમે બાઈમાણસ છીએ ?’ નવલકથામાં દેવનાથ પંડિતનું પાત્ર કેન્દ્રમાં રહે છે. એ નીડર, નિર્ભય છે. ગામ માટે કશુક કરી છૂટવાની તેને હોંશ છે. સ્કૂલપંડિત છે. સુખી એનો ઘરસંસાર છે, પણ લેન્ડ સેટલમેન્ટના અધિકારીઓની તોછડાઈથી ઉત્તર આપતાં એને કોઈ ને કોઈ બહાને અટકમાં લેવામાં આવે છે અને જેલવાસ મળે છે. જેલમાંથી પાછો આવે છે ત્યારે દેવનાથ પોતાના ગામની ધૂળ માથે ચઢાવે છે. એ વિચારે છે : ‘ગામ અને મા એ બે સરખાં, હા, મા. આ પલ્લી (ગામ) એ જ તેની મા.’ જતીનની પ્રેરણાથી પ્રજાસમિતિનો ભાર લે છે. શ્રી હરિ જ્યારે ગોચરમાં ચરતી ગોવાળોની ગાયોને પકડાવી થાણે લઈ જાય છે, ત્યારે દંડ પેટે દેવનાથ પોતાનાં કડાં વેચીને તે ગાયો છોડાવી લાવે છે. ગામમાં કૉલેરા આવે છે ત્યારે તે સેવા કરવા નીકળી પડે છે અને એની આ સેવાને પરિણામે ઈનામ રૂપે મળે છે પત્ની અને પુત્રનું મૃત્યુ. એનું જીવન થોડી વાર માટે તો નિઃસ્વ, રિક્ત થઈ ઊઠે છે. સુખદુઃખની અનુભૂતિ પણ જાણે મરી જાય છે. મન જડ થઈ જાય છે. એનું ભવિષ્ય જાણે એને વિલુપ્ત, નિશ્ચિહ્ન લાગે છે. પણ એક દિવસે દેવુના મનમાં હતું કે પાંચ ગામમાં એની પૃચ્છા થાય – એની એ ઇચ્છા હવે આટલા બલિદાન પછી સિદ્ધ થાય છે. જતીન થોડી વાર રંગભૂમિ પર આવે છે. એ કલકત્તાનો યુવક છે. અહીં કાલીપુરમાં નજરકેદી તરીકે આવે છે. એને હતું ગામડા ગામમાં કેમ ફાવશે ? પણ એ રવીન્દ્રનાથની પંક્તિઓ યાદ કરે છે :

સબ ઠાઈ મોર ઘર આછે
ઘરે ઘરે આછે પરમાત્મીય.
(બધાં સ્થળે મારું ઘર છે
ઘરે ઘરે પરમ સ્વજનો છે.)

એને આખો બંગાળ દેશ આ ગામડાના ક્ષુદ્ર આયતનમાં રૂપાયિત થયેલો લાગે છે. એ ગામડામાં નવચેતન લાવે છે. પ્રજામાં સમિતિની સ્થાપના કરે છે. ‘ગણદેવતા’માં જતીનનો અવાજ અને દૃષ્ટિ તદ્દન ભિન્ન છે. જતીન આગન્તુક છે. બહારથી આવેલો જતીન જ ગ્રામોત્કર્ષ વિષે વિચારી શકે છે. લેખકે આ બહિરાગન્તુક જતીન પાસે ગામ દુર્દશાના વિચારો રજૂ કરાવ્યા છે : ‘ગામડાનું પ્રત્યેક ઘર જીર્ણ છે, શ્રીહીન છે; માણસો મૂગા છે, પશુઓ દુર્બલ...આશ્ચર્ય, આવામાં પણ માણસ જીવી શકે છે !’ – વિશેષ તો કહે છે – ‘આ જીવવું પ્રેતનું જીવવું છે. અથવા ક્ષયરોગગ્રસ્ત રોગીનું દિવસો ગણતાં ગણતાં જીવવું છે.’ જતીને એક અનાથ બાળકને આશ્રય આપ્યો છે. એને જોઈને એ વિચારે છે : ‘આ છે ગામનો ભાવી પુરુષ. નિઃસ્વ, રિક્ત, ગૃહહીન, સ્વજનહીન, આત્મસર્વસ્વ.’ જતીન ભાંગતી જતી ગ્રામીણ અર્થવ્યવસ્થાને જોઈ શક્યો છે અને તેની સાથે નૂતન મહાગ્રામની રચનાનાં એંધાણ પણ એ પારખે છે. તૂટી ગયેલી ગ્રામવ્યવસ્થા વિષે એ વિચારે છે : ‘એ સમાજશૃંખલાનું બધું જ તો ભાંગી ગયું છે. ગામની સનાતન વ્યવસ્થા – હજામ, લુહાર, કુંભાર, સુથાર, વણકર, આજે સ્વકર્મત્યાગી, સ્વકર્મહીન છે. એક ગામથી પંચગ્રામનાં બંધન, પંચગ્રામથી સપ્તગ્રામ, નવગ્રામ, દશગ્રામ, વીશગ્રામ, શતગ્રામ સહસ્રગ્રામની બંધનરજ્જૂ ગાંઠે ગાંઠે છૂટી ગઈ છે.’ પણ તે સાથે નૂતન ગ્રામની રચના વિષે પણ એ આશાસ્પદ છે. એ વિચારે છે : ‘માનુષ બાઁચિબ. ભય નાઈ. ભય નાઈ.’ (માણસ જીવશે. ભય નથી, ભય નથી.) ‘ગણદેવતા’ નવલકથાના આ ‘ચંડીમંડપ’ પર્વમાં ન્યાયરત્ન માત્ર એક બે વાર આવે છે. મહોપાધ્યાય શિવશેખર ન્યાયરત્ન દેવનાથ પંડિતે ગાયો છોડાવવા વેચી દીધેલાં પોતાના પુત્રનાં કડાં, લેનાર પાસેથી લઈ, પાછાં દેવનાથને આપવા આવે છે. બીજી વાર જ્યારે દેવનાથ પોતાની પત્ની અને પુત્રને ખોઈ બેસે છે ત્યારે ન્યાયરત્ન આવે છે. ન્યાયરત્ન સનાતન ધર્મી છે. ન્યાયરત્નની ગંભીર, સ્નેહાળ મૂર્તિ ભૂલી શકાય તેમ નથી. પરંતુ આ ન્યાયરત્નની સનાતન ધર્મપ્રિયતાનો પ્રસંગ તો ‘પંચગ્રામ’ નામની આ નવલકથાના બીજા અંશમાં આવે છે. ન્યાયરત્નનો પુત્ર શશિશેખર અત્યંત પ્રસિદ્ધ સંસ્કૃત પંડિત હતો, પણ પિતાથી છાનેમાને તેણે અંગ્રેજી અધ્યયન પણ કર્યું હતું. પિતાએ જ્યારે એક વખતે પુત્રને અંગ્રેજીભાષા – મ્લેચ્છ ભાષા – બોલતો સાંભળ્યો ત્યારે અત્યંત વિચલિત થઈ પુત્રને કહ્યું : "આજથી હું જાણીશ કે હું પુત્રહીન છું. સનાતન ધર્મને જે આઘાત પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તે ધર્મહીન છે. ધર્મહીન પુત્રના મૃત્યુ સિવાય બીજું કશું કરવા યોગ્ય કલ્યાણ અને બીજી કોઈ કામના હું કરી શકતો નથી." પરિણામે પુત્રે આત્મહત્યા કરેલી. પણ હવે એમનો જ પૌત્ર વિશ્વનાથ ‘ગણદેવતા’માં લગભગ નાસ્તિક રૂપે જ આવે છે. એ કહે છે : એ યુગે ઓ ચંડીમંડપ આર ચલબે ના – આ યુગમાં હવે ચંડીમંડપ ચાલશે નહ. એને સ્થાને એ કો-ઑપરેટિવ બૅન્ક કરવાની વાત કરે છે ! આ સિવાય અનેક નાનામોટાં પાત્રોની સૃષ્ટિ આ નવલકથામાં છે. આ નવલકથામાં તારાશકંર પાત્રની ભીતરમાં ભાગ્યે જ પ્રવેશ કરે છે, એમના પાત્રો ક્યારેક વૃદ્ધ દ્વારકા ચૌધરીની જેમ મનોમન વિચારે છે, પણ ભાગ્યે જ કશા અંતર્દ્વન્દ્વમાંથી પસાર થતાં જોવા મળે છે. પાત્રોનો મનોવિશ્લેષણાત્મક અભિગમ તારાશંકર પાસે નથી. મોટા ભાગનાં પાત્રો બહિર્સંઘર્ષમાં ખપી જતાં હોય છે, અથવા માત્ર વિચાર કરતાં, સ્મરણોમાં ખોવાયેલાં જોવા મળે છે. નવલકથામાં આમ તો નાયક કોઈ નથી એમ કહેવાય, પણ દેવનાથ ઘોષનું પાત્ર મુખ્ય બની રહે છે. (એ દેવનાથનું પાત્ર પછીની નવલકથા ‘પંચગ્રામ’માં વિસ્તરતું રહે છે.) એના જીવનમાં અંતર્દ્વન્દ્વને અવકાશ છે, લેખકનો એક બે સ્થળે અણસાર પણ છે, પણ કદાચ તારાશંકરની એ રીતિ નથી. ઘણાં બધાં પાત્રો ‘ટાઈપ’ બનીને રહે છે. તારાશંકરને પન્નાલાલ, રેણુ કે પ્રેમાનંદની જેમ બાળપણથી ગ્રામીણ ધરતીની ઓળખ છે. ‘આમાર લેખાજીવન’ એ નામની એમની આત્મકથા વાંચતાં તારાશંકરની ગ્રામધરતી સાથેની પ્રીતિની વાત જાણવા મળે છે. ગ્રામજીવનના અંતરંગબહિરંગને એ પારખે છે, પરંતુ તારાશંકર રોમાન્ટિક પ્રકૃતિના લેખક છે. એમની પ્રસિદ્ધ નવલકથાઓ ‘આરોગ્યનિકેતન’ કે ‘કવિ’ વાંચતાં કે લઘુનવલ ‘સપ્તપદી’ વાંચતાં આ વાત વધારે દૃઢ થાય છે. ગામડાનું એ વાસ્તવિક આલેખન કરે છે. પરંતુ એમનું વાસ્તવ રોમાન્ટિકતાથી સભર છે. ક્યારેક હળવી ભાવુક્તા પણ જોવા મળે છે. એમની આત્મકથા પરથી જણાય છે કે એમના સાહિત્યિક જીવનનો આરંભ કવિતાથી થયેલો. નવલકથાકાર તારાશંકરની વચ્ચે આ કવિ ડોકિયાં કરે છે, અને તેથી જે વાસ્તવિકતા સાથે એમનો નક્કર સંસ્પર્શ છે, તેય ભાવાળુ બની જતાં વાર નથી લાગતી. વળી તે સાથે તેમની વિચારસૃષ્ટિ પણ ભળે છે. ગ્રામજીવનની તૂટતી વ્યવસ્થા વિષેના એમના વિચારો એક યા અન્ય પાત્ર દ્વારા નવલકથામાં વેરાયેલા દેખાશે. ‘ગણદેવતા’ની આંચલિક સૃષ્ટિ જીવંત છે, કવિની કલમનો સંસ્પર્શ એમાં વરતાય છે. ગણદેવતાનો એક ચેહરો ઉપસાવતાં રોજબરોજના જિવાતા જતા જીવનમાંથી આવતાં સરલ સહજ પાત્રોની સાથે સમગ્ર પરિવેશ નદી, ખેતર, વૃક્ષવેલી, તળાવ, ઋતુઓ અને ઋતુએ ઋતુએ આવતા ઉત્સવો – સમગ્ર દેવતાનાં સુખદુઃખ સાથે જીવંત થઈ ઊઠ્યાં છે. આપણે જ્યારે ‘મૈલા આંચલ’, ‘ગારંબીનો બાપુ’, ‘માનવીની ભવાઈ’ આદિ નવલકથાઓની વાત કરીએ છીએ અને તેની હરોળમાં ‘ગણદેવતા’ રાખીએ છીએ ત્યારે ‘ગણદેવતા’ કોઈ અનન્યસાધારણ નવલકથા લાગતી નથી. આ નવલકથા લોકપ્રિય થાય તેવી ઘણી બધી વિશેષતા તેનામાં છે, પરંતુ નવલકથા લોકપ્રિય થાય તેવી ઘણી બધી વિશેષતા તેનામાં છે, પરંતુ નવલકથા કોઈ ગહન પરિણામ આપતી નથી એ નવલકથાના પ્રકાશન પછી આજે અઢી દાયકા પછીના વાચકને એનું વાંચન કદાચ ઝણઝણાવી નહિ મૂકે, સ્વયં તારાશંકરની ‘કવિ’ કે ‘આરોગ્ય નિકેતન’ જેવી નવલકથાઓની તુલનામાં નવલકથા તરીકે ‘ગણદેવતા’ ઓછી ઊતરવાનો સંભવ છે. એક બંગાળી વિવેચક તારાશંકરને ‘ગ્રામજીવનના ચારણ કવિ’ કહે છે ત્યારે તેની આ ઉક્તિમાં નવલકથાકાર તારાશંકરની પ્રશંસા અને મર્યાદા બન્નેનો ઉલ્લેખ નથી વાંચી શકાતો?

  1. અહીં માત્ર ‘ગણદેવતા’ના ચંડીમંડપ અંશની ચર્ચા કરી છે. એકાદ પ્રસંગે માત્ર ‘પંચગ્રામ’માંથી ઉલ્લેખ કર્યો છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

૧૯૬૭/૧૯૭૧
(‘પૂર્વાપર’)

૦૦૦