સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/તુલનાત્મક ભારતીય સાહિત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તુલનાત્મક ભારતીય સાહિત્ય

આપણી યુનિવર્સિટીઓમાં જુદી જુદી ભારતીય ભાષાઓના સાહિત્યનું સ્નાતક–અનુસ્નાતક કક્ષાઓ સુધી અધ્યાપન અને સંશોધન ચાલે છે. ભાષાને અભ્યાસના મુખ્ય વિષય તરીકે લેનાર વિદ્યાર્થીને બીજા એક ગૌણ વિષયની પસંદગી પણ કરવાની હોય છે. આ ગૌણ વિષય બીજી કોઈ પ્રાચીન–અર્વાચીન ભાષા પણ હોઈ શકે (કૉલેજમાં તે વિષયના શિક્ષણની સુવિધાનુસાર) કે પછી સમાજશાસ્રનો કોઈ એક વિષય–મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ર કે ઇતિહાસ પણ હોઈ શકે. આ ગૌણ વિષયની પસંદગીમાં પોતાના મુખ્ય વિષય સાથેની તેની ઉપયોગિતાનો વિચાર એટલો મુખ્ય નથી હોતો જેટલો વિષય ‘સ્કોરિંગ’ હોવાનો કે ‘ઓછી મહેનતવાળો’ હોવાનો વિચાર હોય છે. તેમાં ક્યારેક તે તે વિષય શીખવતા અધ્યાપકે આપેલાં પ્રલોભનો પણ હોય છે. (મુખ્ય વિષયની પસંદગીમાં પણ આવું નથી બનતું એમ નથી. વિદ્યાર્થી પોતાની ક્ષમતા અને રુચિ અનુસાર જ વિષય પસંદ કરે છે એવું કહી શકાય તેવી સ્થિતિ નથી !) પરિણામે મુખ્ય વિષય અને ગૌણ વિષય એ બે અલગ અલગ જલાચલ (વૉટરરાઈટ) વિભાગો બની જાય છે. ભાષાનો મુખ્ય વિષય લેનાર વિદ્યાર્થી ગૌણ વિષયની પસંદગીમાં એ વિવેક દાખવે તો તે કદાચ બીજી કોઈ ભાષાને ગૌણ વિષય તરીકે સ્વીકારે. (આમાં અંગ્રેજી પણ હોઈ શકે.) એટલે આપને ત્યાંની પરિસ્થિતિની વાત કરીએ તો મુખ્ય વિષય ગુજરાતી પસંદ કરે તો ગૌણ ભાષામાં તેને પ્રાચીન ભાષા–સંસ્કૃત, પ્રાકૃત કે પછી હદમાં હદ હિન્દી, ઉર્દૂ જેવી અર્વાચીન ભારતીય ભાષા સુધીમાં સીમિત રહેવું પડે છે. પરંતુ આ પછી પણ એ બે ભાષાઓના સાહિત્યનો અભ્યાસ અલગ અલગ થતો રહે છે અને બન્ને વચ્ચે કોઈ સંબંધ સ્થપાતો નથી, અભ્યાસક્રમમાં એવો કોઈ સંબંધ અપેક્ષિત પણ હોતો નથી, એટલે એ માટે કોઈ પ્રેરક વલણ જણાતું નથી. પણ તેનો મોટો દોષ કદાચ અધ્યાપકને ફાળે જાય છે. અધ્યાપક પોતે પોતાની રુચિને સીમિત રાખે છે કે પછી પૂર્વગ્રહદૂષિત રાખે છે. થોડાક જ અપવાદો બાદ કરતાં અંગ્રેજીનો અધ્યાપક બીજી ભારતીય ભાષા–પોતાની માતૃભાષા સુધ્ધાં–પ્રત્યે અંગ્રેજો જેમ ભારતીયો તરફ જોતા તેમ જુએ છે! એક તુચ્છતાનો ભાવ તેમનામાં હોય છે. ગુજરાતીના અધ્યાપક કદાચ અંગ્રેજીમાં રસ લે છે; પણ બીજી ભારતીય ભાષા–પોતાની માતૃભાષા સુધ્ધાં–પ્રત્યે અંગ્રેજો જેમ ભારતીયો તરફ જોતા તેમ જુએ છે! એક તુચ્છતાનો ભાવ તેમનામાં હોય છે. ગુજરાતીના અધ્યાપક કદાચ અંગ્રેજીમાં રસ લે છે; પણ બીજી ભારતીય ભાષામાં નહિ. ગુજરાતીના અધ્યાપક મિત્રોમાં કેટલાક એવા છે, જેઓ હિન્દી સાહિત્યમાં વાંચવા જેવું કશું નથી એવી એક કૂપમંડૂક માન્યતા ધરાવવામાં ગર્વ લે છે. હિન્દીના અધ્યાપક જેઓ હિન્દીભાષી છે, તે વર્ષોથી ગુજરાતમાં રહેવા છતાં પૂરું ગુજરાતી બોલીયે શકતા ન હોય ત્યાં તેના સાહિત્યની પરિચિત હોવાથી વાત દૂર જ રહે છે. ખરેખર તો કોઈ પણ ભાષાનું સાહિત્ય ભણાવતો અધ્યાપક વ્યાપક અર્થમાં સાહિત્યનો અધ્યાપક છે એ જો સ્મરણમાં રહે તો આવી સ્થિતિ સરજાય નહિ. તે પોતે જે ભાષા–સાહિત્યનો અધ્યાપક છે, તેના ઉપરાંત અન્ય ભાષા–સાહિત્યમાં જે વિશિષ્ટ કામગીરી થતી હોય તેને તે નજરઅંદાજ નહિ કરવાનો. ગુજરાતી નાટકની વાત કરતાં એ કદાચ સંસ્કૃત અને પાશ્ચાત્ય નાટ્યશૈલીની વાત કરે જ, પણ તે સાથે આજની બંગાળી, મરાઠી રંગભૂમિની પણ વાત કરવા લલચાય. કન્નડ નાટકકાર ગિરીશ કારનાડ કે હિન્દી નાટકકાર મોહન રાકેશ પણ એના સંદર્ભપરિધની બહાર નહિ રહે. એ જેમ આજની આપણી નાટ્યપ્રવૃત્તિના ઉત્સરૂપ ‘એબ્સર્ડ’ આદિ નાટ્યપરંપરાના સર્જકો સાથે પરિચય કેળવે, તેમ આપણી અન્ય ભાષાઓમાં એનાં કેવાં પરિણામ નીપજ્યાં છે તે જોવાને પણ અધીર રહે. આથી તેની પોતાની જાણકારી તો વિસ્તરે છે, તે સાથે તેની સાહિત્ય મૂલ્યાંકનની વિવેકશક્તિ પણ કુશાગ્ર બને છે. આ એક આદર્શ અને ઇષ્ટ સ્થિતિ છે. હકીકતે તો રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ ભણાવનાર અધ્યાપક ‘મૃચ્છકટિક’ કે ‘દરિદ્રચારુદત્ત’ વાંચવાનું કષ્ટ નહિ કરવાનો, તો પછી પોતાના વિદ્યાર્થીઓમાં એની રુચિ જગાડવાનો તો પ્રશ્ન જ ઊભો નહિ થાય. એવી જ રીતે સંસ્કૃતનો અધ્યાપક ભાગ્યે જ એ જિજ્ઞાસા રાખતો જોવા મળશે કે ‘શર્વિલક’ કેવા પ્રકારનું નાટક થયું છે. સંસ્કૃતના ઘણાખરા અધ્યાપકો એ સાહિત્યના અધ્યાપનમાં સરજાતા સાહિત્યનો સંદર્ભ કે નવા અભિગમ અપનાવવામાં હીણપત સમજે છે. આ વસ્તુ સાહિત્યના સિદ્ધાંતો આદિનાક અભ્યાસક્રમમાં વધારે તીવ્ર રીતે ખૂંચે છે. વાસ્તવિક ઉદાહરણ આપું. હું જે સંસ્થામાં શિક્ષક છું તે ભાષા–સાહિત્ય ભવન છે. તેમાં અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, પ્રાકૃત, ફારસી અને ભાષાવિજ્ઞાનના અભ્યાસની જોગવાઈ ચે. તેમાં અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી,–એ ભાષાઓમાં સાહિત્યના સિદ્ધાંતોનું પ્રશ્નપત્ર છે. અંગ્રેજીના અધ્યાપક અંગ્રેજીના અંગ્રેજના વિદ્યાર્થીઓ પૂરતા સીમિત, સંસ્કૃતના સંસ્કૃત પૂરતા સીમિત. જ્યારે પ્રશ્નપત્ર લગભગ ૫૦ ટકા એકસમાન અંગ્રેજી ગુજરાતી હિન્દી કે સંસ્કૃત ગુજરાતી, હિન્દીમાં છે. સંસ્કૃતના કાવ્ય શાસ્રના અધ્યાપક ગુજરાતી–હિન્દીના વિદ્યાર્થીઓને એ પ્રશ્નપત્ર ભણાવી ન શકે, કે ન અંગ્રેજીના અધ્યાપક ભણાવી શકે, કેટલાક અભ્યાસના મુદ્દા (ટૉપિક) એકદામ સરખા કહો કે એક હોવા છતાં ! એટલે એક જ વિવેચન વિભિન્ન ભાષાઓમાં કેવી રીતે પ્રવૃત્ત થાય છે તે જોવા જાણવાની સુવિધા હોવા છતાં વંચિત રહેવું પડે છે, એટલું જ નહિ, સંસ્કૃત કાવ્યશાસ્ર અને પાશ્ચાત્ય કાવ્યશાસ્રમાં મૂળભૂત વિભિન્નતાઓ ઉપરાંત સમાનતાઓ પણ છે, ને કઈ છે અને આજના સંદર્ભમાં તે કેટલી વ્યવહાર્ય છે, તેની પરીક્ષા કરવાનો ઉદ્યમ પણ ઓછો છે. આટલી સુવિધા હોવા છતાં આમ હોય તો દૂર દેશના ખૂણે આવેલી ભાષાઓને જાણવાની અને તેના સાહિત્યની ગતિવિધિથી પરિચિત રહેવાની અપેક્ષા કેવી રીતે રાખવી? તેનો અર્થ એ થાય કે એવો ખાસ અભ્યાસક્રમ જ જોઈએ, જે અનિવાર્યપણે વિભિન્ન ભાષાઓના સાહિત્યના સંપર્કમાં રેહવાને બાધ્ય કરે. અહીં એ પ્રશ્ન પૂછી લેવો જરૂરી છે કે એકાદ ભારતીય ભાષાસાહિત્યના અભ્યાસમાં આવી તુલનાત્મક પદ્ધતિની શી અનિવાર્યતા છે? ગુજરાતી ભાષા–સાહિત્યનો અભ્યાસ કરનારને મરાઠી કે બંગાળી સાહિત્યના પરિચય વિના કોઈ એકેડેમિક ઊણપ રહેવાની નથી; એટલે કે આજ સુધી તો જણાઈ નથી. સંસ્કૃત આવશ્યક પ્રમાણમાં જાણ્યા વિના કોઈ પણ ભારતીય ભાષા–સાહિત્યના અધ્યાપક થઈ શકાય છે, એટલું જ નહિ, ક્વચિત્‌ મધ્યકાલીન કે જૂની ગુજરાતીમાં સંશોધન પણ કરી શકાય છે! પરંતુ આ સ્થિતિએ અને મનોદશાએ ભાષા–સાહિત્યના–અધ્યયન–અધ્યાપન–સંશોધનને પુન વિચાર કરવાની સ્થિતિમાં લાવી મૂક્યાં છે. દિવસે દિવસે ભાષા–સહિત્યના અધ્યયનનું તેજ ક્ષીણ થતું જાય છે. અને સીમાઓ સંકુચિત થતી જાય છે. જે કેટલાક રુચિવાળા અને અભ્યાસપ્રિય ભાષા–સાહિત્યના વિદ્યાર્થીઓ હજીય આવે છએે, તેમને નિરાશામાંથી બચાવવાની જરૂર છે–તેમના અધ્યયનને એક વ્યાપક ભૂમિકા પર મૂકી આપવું જોઈએ. એફ. આર. લેવિસે ભાષા–સાહિત્યનાં સંશોધનને પ્રાકૃતિક વિજ્ઞાનોનાં સંશોધનથી જરાય ઊતરતાં ન ગણવા માટે હિમાયત કરી છે ખરી, પણ તે માટેની સજ્જતા કેળવવા એક વિશિષ્ટ શિસ્તની જરૂર પણ એટલી જ છે. ઉપરાંત એક એવી મનોદશા પણ ઘર કરતી જાય છે કે આપણે ત્યાં છે તે સૌથી ઉત્તમ છે. બંગાળીઓ રવીન્દ્રનાથને આગળ ધરવાના. હિન્દીવાળા તુલસીદાસને વાલ્મીકિ કરતાં, દુનિયાના કોઈ પણ કવિથીય મોટા ગનવાના, તો ગુજરાતી મરાઠી લોકોમાંના ઘણાખરા હિન્દીમાં કશુંય વાંચવા યોગ્ય નથી એમ કહેતા મળવાના. ઘણી વાર તો એવું લાગે કે આપણે આપણી દરિદ્રતાનો મોખરો લેવાની હોડમાં તો નથી ને ? ‘આ અમારો હોમર’ કે ‘આ અમારો ચૉસર’ કે ‘આ અમારો શેક્‌સ્પિયર’ કે ‘આ અમારો ચેબૉવ’ કહી રાચવામાં ગૌરવ તો નથી જ. ખરેખર તો સાહિત્ય એક વિશિષ્ટ ભૂમિ સાથે નાતો તોડી શકતું ન હોવા છતાં સીમાડાઓ ભૂંસતું હોય છે–એ વાત ભૂલી જવાય છે. આપણા દેશને ભાષાઝનૂનથી પડેલી તિરાડો પૂરવામાં સાહિત્ય સહાયક બની શકે. અર્થાત્‌, એક શૈક્ષણિક વિષયના સ્તર ઉપરથી જોઈએ તો ભાષાસાહિત્યનો તુલનામૂલક અભ્યાસ આપણા ભારતીય ભાષાના સંદર્ભમાં એક ભારતીય ભૂમિકા પરથી અભ્યાસ – સાહિત્યવિષયક જાણકારી અને રુચિનો વિસ્તાર તો કરશે જ, મૂલ્યાંકનની એક તુલનાત્મક દૃષ્ટિ પણ કેળવશે; કેમ કે સાહિત્યના વિવેચનનું એક મુખ્ય શાસ્ત્ર તુલના છે; એટલું જ નહિ, પરંપરા સાથે અનુસંધાન બતાવી જે તે ભાષાના સાહિત્યના અભ્યાસને સઘન પણ બનાવશે; પ્રાંતીયતાતી સંકુચિત ક્ષિતિજો મોકળી થશે અને પારસ્પરિક સહાનુભૂતિનો ફલક પણ વિસ્તરશે. આ દિશામાં વિચારવા જતાં એક ‘ભારતીય સાહિત્ય, જેવી સંજ્ઞાનો વિચાર કરવો પડશે. આપણે ત્યાં ગુજરાતી, હિન્દી, મરાઠી, તામિલ સાહિત્ય છે, પણ જેને ‘ભારતીય સાહિત્ય’ કહી શકાય એવી અલગ કોઈ વિભાવના છે? આપણી સાહિત્ય અકાદમીનો ધ્યાનમંત્ર છે– ‘વિભિન્ન ભાષાઓમાં લખાવા છતાં ભારતીય સાહિત્ય એક છે.’ પરદેશમાં ગયેલા ભારતના લેખકોમાંના ઘણાએ પોતાનો પરિચય આપતાં કોઈ એ હિન્દી સાહિત્યકાર, કોઈ એ બંગાળી સાહિત્યકાર એમ પરિચય આપ્યો ત્યારે શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું કે ‘ગુજરાતી ભાષામાં લખતા ભારતીય લેખક — ‘ઇન્ડિયન રાઈટર, રાઈટિંગ ઈન ગુજરાતી.’ એટલે કે ભલે ભાષાઓ અલગ અલગ હોય પણ એક ‘ભારતીય સાહિત્ય’ જેવું કોઈક તત્ત્વ છે, અને એટલે એક ભાષામાં લખાયેલા સાહિત્યનો પરિચય અન્ય ભાષાઓના સાહિત્યના પરિચય વિના અપૂરતો રહેશે કે ખંડરૂપ રહેશે. પરંતુ એક ‘ભારતીય સાહિત્ય’નો આ ખ્યાલ જરા ગંભીરતા પૂર્વક વિચારવો જોઈએ. કશાંક બર્હિગત સામ્યોથી પ્રેરાઇ ને આવો ખ્યાલ બાંધી દેવામાં જોખમ છે; ખાસ તો એટલા માટે કે એક તો દરેક ભાષા, ભલે તેમનો ઊગમ એક હોય, અલગ મુદ્રા ધરાવતી હોય છે અને એ ભાષા માત્ર માધ્યમ જ નથી, એથીય વિશેષ છે. સાહિત્ય સરજાય છે. એટલે ‘સાહિત્ય’ ‘કન્ટેન્ટ’ છે અને ભાષા ‘કન્ટેઇનર’ કે પાત્ર છે—એવી ભ્રમણાથી આપણે બચવાનું છે. બીજું, જેમ ભાષા તેમ પ્રદેશવિશેષના તળપદ રંગો પણ અલગ અલગ હોય છે. અને એ જળવાય એ આવશ્યક છે. ‘એક રાષ્ટ્ર’નો આપણો ખ્યાલ ઘણોબધો અર્વાચીન છે—આપણી સાંસ્કૃતિક પરંપરા લગભગ એક હોવા છતાં . અને તેમ છતાં આ વિભિન્નતાઓ કરતાં સમાનતાઓ મળવાની સંભાવનાઓ વધારે છે. આપણે જાણીએ છીએ કે ઈ.સ. ૧૦૦૦ સુધી સમગ્ર ભારત વર્ષમાં સાહિત્યનું માધ્યમ એક જ હતું – સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશ. બંગાળનો કવિ અને ગુજરાતનો કવિ સાહિત્યરચના માટે એક જ માધ્યમ અપનાવતા. (તામિલ, અલબત્ત, બહુ પ્રાચીન કાળથી અલગ ખેડાતી આવી છે.) એટલે ૧૦૦૦ સુધી અને તે પછી પણ આ ભાષાઓ સાહિત્યના માધ્યમ તરીકે વપરાતી રહી ત્યાં સુધીનો એ વારસો આપણે સહિયારો વારસો છે. તે એક ‘ભારતીય સાહિત્ય’ છે. ૧૧ મી–૧૨ મી સદીથી પ્રાંતીય ભાષાઓ અસ્તિત્વમાં આવતી ગઈ અને ૧૫મી – ૧૬મી સદીથી તો તે તે ભાષાનું પોતાનું આગવું સાહિત્ય સરજાતું ગયું અને તે ભાષાઓની વારસાગત સમાનતાઓ ઓછી થવા લાગી તથા તે અલગ અલગ ભાષાઓ બની રહી. આમ છતાં ખૂબી તો એ છે કે જે સાહિત્ય સરજાયું તે લગભગ સમાન હતું, કેમ કે આખા દેશને એકજ પ્રકારની સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય આબોહવા સ્પર્શતી હતી. આ સાહિત્ય મોટે ભાગે ધાર્મિક કે લૌકિક છે. ક્યાંક રીતિકાલ જેવી પ્રવૃત્તિઓ પણ આવી છે. ભક્તિનો જુવાળ તો એકસાથે આખા દેશમાં હતો—

ભક્તિ દ્રાવિડ ઉપજી લાયે રામાનંદ
પ્રગટ કિયા કબીરને સપ્તદ્વીપ નવખંડ.

આપણી પરિવ્રાજક સંસ્કૃતિએ ભાષાઓની અલગતા વચ્ચે ભાવાત્મક એકતા સાચવી રાખી હતી. એક રામાયણી કથા લઈએ તો એક વાત જલદી સમજાશે. લગભગ બધી ભાષાઓમાં રામાયણની રચના થઈ છે, અને તે તે ભાષામાં તેનું ઘણું મહત્ત્વ રહ્યું છે, કથા–કલેવર ઘણુંબધું સરખું હોવા છતાં સ્થાનીય રંગોની જે તળપદી ભાત તેમાંથી ઊપસી આવે છે, તે આસ્વાદ્ય તો છે પણ તેથી અધિક તો તેને વધારે જીવંત બનાવે છે–અને કહેવતરૂપ બનેલી ઉક્તિ–‘વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા’ને ચરિતાર્થ કરે છે. આમ, આપણી આ બધી ભાષાઓ સંસ્કૃત, પ્રાકૃત અણે અપભ્રંશના વારસા સાથે ચાલી છે. ‘ગાથા સપ્તશતી’નો દુહો હિન્દી કવિ બિહારીમાં વ્રજભાષાની ભંગીમાં ઊતરી આવે. કથાસરિત્સાગર, રામાયણ, ભાગવત, અને મહાભારત – આ ચાર ગ્રંથો લગભગ ૧૯મી સદી સુધી ભારતીય ભાષાઓમાં લખાતા સાહિત્યના ઉપજીવ્ય ગ્રંથો રહ્યા છે. આપણું ત્યાં સુધીનું કાવ્યશાસ્ર પણ એ જ રહ્યું છે. એટલે કે સાહિત્ય અને એનાં મૂલ્યાંકનનાં ધોરણો લગભગ સમાન રહ્યાં છે. તે પછી અંગ્રેજોના આગમન અને પાશ્ચાત્ય સાહિત્યશિક્ષણના સંપર્કમાં પણ બધી ભાષાઓ વહેલી મોડી આવી. આમ બાહ્યઆંતરિક પરિબળો સમાન ભૂમિકા પરનાંહોવાથી એક ભારતીય ભૂમિકાએ આપણા સાહિત્યનો સ્વીકાર કહી શકાય. એટલે એલિયટ લેખક પાસે હોવી જોઈતી ઇતિહાસદૃષ્ટિની વાત કરી કહે છે કે તે ઇતિહાસદૃષ્ટિ (યુરોપના) લેખક માટે, ‘હોમરથી માંડીને યુરોપનું સમગ્ર સાહિત્ય અને તેમાં પણ તેના પોતાનું દેશનું સમગ્ર સાહિત્ય સાથોસાથ અને સમકાલીન અસ્તિત્વ ધરાવે છે’–અને એવી લાગણીથી લેખકના સંદર્ભમાં કહી શકીશું. ભારતીય લેખક પણ જ્યારે લખતો હોય ત્યારે ઋગ્વેદથી માંડી સમગ્ર ભારતીય સાહિત્ય અને એની પોતાની ભાષાનું સાહિત્ય સાથોસાથ અને સમકાલીન અસ્તિત્વ તેને માટે ધરાવતાં હોવાં જોઈએ. અને તો પછી એ સાહિત્યનું અધ્યયન–અધ્યાપન કરતી વખતે આપણી પાસે પણ આ ઇતિહાસદૃષ્ટિ રહે તે જરૂરી છે. અહીં યુરોપીય સાહિત્ય વિષેની વાત આપણા ભારતીય સાહિત્યના કેસને મજબૂત બનાવશે. એલિયટે એક સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે : ‘માઈન્ડ ઑફ યુરોપ’ યુરોપમાં જુદી જુદી ભાષાઓ છે; એટલું જ નહિ, એ ભાષાઓ જુદા જુદા રાષ્ટ્રોમાં બોલાતી ભાષાઓ છે. દરેક ભાષા સાથે ‘રાષ્ટ્ર’ – અભિમાન કે અસ્મિતા જોડાયેલાં છે; તેમાં વળી પૂર્વ યુરોપ એક રીતે અલગ પણ તરી આવે છે. તેમ છતાં એવી કેટલીક સમાનતાઓ, એવી કેટલીક સર્વસાધારણ પરંપરા છે, જેથી એલિયટે પ્રયોજેલી સંજ્ઞાની સાર્થકતા સમજાશે. યુરોપમાં પણ રાષ્ટ્રીયતાનો ખ્યાલ આવ્યો તે પહેલાં જ અંગ્રેજ–જર્મન કે રોમન સમુદાયની કે સ્લાવોનિક પરિવારની ભાષાઓમાં સાહિત્ય લખવાનું શરૂ થઈ ગયું હતું. અને એ કવિઓ—લેખકો સ્વભાવિક અસ્મિતા ધરાવવા સાથે પોતાને ગ્રીક કે રોમની ક્લાસિકલ પરંપરાના માનવામાં ગૌરવ અનુભવતા. એટલે કે યુરોપમાં પારસ્પરિક રીતે અનેક મતભેદો હોવા છતાં એવું લાગે કે વિચાર અને ભાવનાના સ્તર પર ભાષાભાષી ત્યાંના વિભિન્ન સર્જકો એક બિરાદરીમાં બેસી શકે. યુરોપની કોઈ પણ ભાષાનો લેખક ગ્રીક–લેટિનની ગૌરવશાળી પરંપરાથી પોતાને નહિ ચાલે. પણ સભાન રીતે ગટેએ ‘વિશ્વસાહિત્ય’ શબ્દ યોજીને અન્ય ભાષાઓના સાહિત્ય સાથેનો અનુબંધ બાંધી આપવાની પહેલ સભાનપણે કરી પરિણામે યુરોપની કોઈ ભાષાના સાહિત્યનો અભ્યાસ આ વિશાળ યુરોપીયભૂમિકા પર કરવાની આવશ્યકતા સમજાવા લાગી એ માટે એક વલણ બંધાતું ગયું. ‘કમ્પેરેટિવ લિટરેચર’ હવે વિદ્યાશાખાનો એક વિષય યુરોપ અને અમેરિકામાં બને છે. અંગ્રેજી ભાષામાં લખાયેલું એક પુસ્તક મને કોઈ વિદ્વાનના વારસોઓએ વેચી દીધેલાં પુસ્તકોમાંથી એક દુકાનમાંથી મળી આવ્યું. મને આશ્ચર્ય થયું. પુસ્તકનું નામ હતું –કેમ્પરેટિવ લિટરેચર. લેખક હતા હચિંશન મૅકોલે પોઝનેટ. ૧૮૮૬માં લખાયેલું અને દ ઈન્ટરનેશનલ સાયન્ટિફિક સિરિઝમાં પ્રગટ થયેલું. આ ઉલ્લેખ એટલા માટે છે કે પહેલી વાર તુલનાત્મક સાહિત્યને શાસ્રીયતા આપવાનો પ્રયત્ન છે; એટલું જ નહિ, ઓગણીસમી સદીના અંતભાગમાં યુરોપમાં આ દિશામાં મૅથ્યુ આર્નલ્ડ વગેરેના કેવા પ્રયત્નો હતા તેનો નિર્દેશ પણ જોવા મળે છે. ભારતમાં રવીન્દ્રનાથે એક લેખ લખ્યો–‘વિશ્વસાહિત્ય’. તેઓ લખે છે : "મારા ઉપર જે આલોચના કરવાની જવાબદારી નાખવામાં આવી છે, તેને અંગ્રેજીમાં ‘કમ્પેરેટિવ લિટરેચર’ નામ આપ્યું છે. તેને આપણી ભાષામાં ‘વિશ્વસાહિત્ય’ને નામે ઓળખીશું." તેઓ પોતાનો આ વિષેનો ખ્યાલ આપતાં કહે છેઃ "ત્યારે સાહિત્યને આ રીતે જોવું જોઈએઃ "વિશ્વમાનવ પોતે રાજમિસ્રી બનીને આ મંદિર ઊભું કરી રહ્યો છે; લેખકો અનેક દેશ અને અનેક કાળમાંથી આવીને તેના મજૂરો તરીકે કામ કરી રહ્યા છે. સમસ્ત ઇમારતનો નકશો (પ્લાન) શો છે, તે બધાની સામે ભલે નથી, પરંતુ જેટલી ભૂલ થાય છે, તેટલું વારંવાર ભાંગી જાય છે. પ્રત્યેક મજૂરે પોતાની સ્વાભાવિક શક્તિ પ્રમાણે પોતની રચનાને સમગ્રની સાથે બંધબેસતી કરીને અદૃશ્ય નકશાની સાથે મેળવી લેવી પડે છે. આમાં જ તેની શક્તિનો સાચો પરિચય મળે છે અને આછી જ તેને કોઈ સાધારણ મજૂર જેવું વેતન નહિ આપે, પરંતુ તેનું માન ઉસ્તાદના જેટલું જ જળવાશે." રવીન્દ્રનાથ એક ‘વિશ્વમાનવ’ને પામવા માટે આ વિશ્વસાહિત્યનો માર્ગ કાપવાની વાત કરે છે, તુલનાત્મક સાહિત્યની જે અધ્યયનશાખા છે, આજે કદાચ તેની સાથે આ દૃષ્ટિકોણની સંગતિ બહુબહુ તો ભાવનાત્મક સ્તરે છે. આપણે ત્યાં ‘તુલનાત્મક સાહિત્ય’નો અભ્યાસ હજુ પ્રારંભિક અવસ્થામાં છે, યુનિવર્સિટીઓએ પોતાના વિષય તરીકે સ્વીકારવામાં વિલંબ કર્યો છે. જાદવપુર યુનિવર્સિટીએ બી.એ., એમ. એ.ની કક્ષાએ તુલનાત્મક સાહિત્યના અધ્યપન–અધ્યાયનની જોગવાઈ કરી છે. હવે એ દિશા વધારે ખૂલવાની સંભાવના છે.

પણ ફરી એક વાર, હું અહીં તુલનાત્મક સાહિત્યને હાલ પૂરતું સીમિત રાખવા માગું છું. ‘વિશ્વસાહિત્યને’ને બદલે ‘ભારતીય’ સાહિત્ય પૂરતું. વિશ્વસાહિત્યના અભ્યાસની તુલનાત્મક પદ્ધતિઓ કમ્પેરેટિવ મેથડૂજ આપણી સામે છે અને તે દ્વારા માન્ય ચૌદ ભાષાઓ કરતાંય વધારે ભાષાઓવાળા આપણા દેશમાં ‘માઈન્ડ ઓફ ઈન્ડિયા’—‘ભારતચિત્ત’ જેવું વધારે નક્કરતાથી કહી શકાય તેમ છે. આ ‘માઈન્ડ ઑફ ઇન્ડિયા’–‘ભારતચિત્ત’નું અન્વેષણ કરવાનો એક માર્ગ ભારતીય સાહિત્યના અભ્યાસનો છે. અને આ અભ્યાસ એક ‘એકેડેમિક ડિસિપ્લિન’ તરીકે થવો જોઈએ; એટલે કે એક વિષય તરીકે તેનો અભ્યાસ થવો જોઈએ : અને આ અભ્યાસ તુલનાત્મક સાહિત્યની ભૂમિકા પર થવો જોઈએ. આ દિશામાં વિચારવાનો અને વ્યવહારમાં મૂકવાનો એકાદ પ્રયત્ન થયો છે. ૧૯૬૯માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને બેંગ્લોર યુનિવર્સિટીના આશ્રયે એક ગ્રીષ્મ–અભ્યાસક્રમનું આયોજન કર્યું હતું. તે પછી સિમલાની ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ તરફથી મે–૧૯૭૦માં ભારતીય સાહિત્ય વિષેનો એક આયોજિત સેમિનાર થયો હતો. સાહિત્ય અકાદમી અને નેશનલ બુક ટ્રસ્ટે આ દિશા માટે જરૂરી સાહિત્યનાં પ્રકાશન કર્યાં છે, કરે છે. અકાદમીનું ઈન્ડિયન લિટરેચર નામે સામયિક, કે સેન્ટર ફોર ઇન્ડિયન રાઈટર્સ પૂના તરફથી પ્રગટ થતું ઇન્ડિઅન રાઈટિંગ ટુડે, જોશી ફાઉન્ડેશન–દિલ્હી તરફથી ૧૯૭૩થી શરૂ થયેલું. ‘વાગર્થ’, તેમણે ‘ભારતીય સાહિત્ય’ નામના એક પદાર્થને ઘાટ આપવાની દિશા આરંભી છે. આજે આપણને પડોશી ભાષા મરાઠીના સાહિત્યનું જ્ઞાન પણ શરમજનક સ્થિતિમાં નાખનારું છે, પછી ભલે ને આપણે દૂર–સુદૂરના યુરોપીય લેખક સાથે અનુસંધાન કેમ ન ધરાવતા હોઈએ? તાત્પર્ય એટલું કે ‘ભારતીય સાહિત્ય’નો એક અભ્યાસક્રમ એક એકેડેમિક વિષય તરીકે યુનિવર્સિટીઓએ આપવો જોઈએ કે નહીં? આપણે આ અંગે વ્યવહાર્ય ભૂમિકા પર વિચારીએ. શ્રી કે. આર. શ્રીનિવાસ આયંગરે એક ભારતીય સાહિત્યની હિમાયત કરવા છતાં એક સ્વતંત્ર અને પૂરેપૂરા વિષય તરીકે તે શીખવવાનું અશક્ય અને અનિચ્છનીય માન્યું છે. તેમને મતે આવો અભ્યાસક્રમ કોઈ એક ભારતીય ભાષા–સાહિત્યના અભ્યાસ સાથે સાંકળવો જોઈએ. એટલે કે જે તે ભારતીય ભાષાના સાહિત્યને સમગ્ર ભારતીય સાહિત્ય–વૈદિકથી આજ સુધી–ની વિશાળ ભૂમિકામાં ભણાવવું જોઈએ. તેમણે એક રાષ્ટ્રીય પશ્ચાદ્‌ભૂમિકા સાથે નજીકના પ્રાદેશિક વિભાગોની પશ્ચાદ્‌ભૂમિકા સાથે નજીકના પ્રાદેશિક વિભાગોની પશ્ચાદ્‌ભૂમિકા સ્વીકારવાનું પણ સૂચવ્યું છે. એટલે કે દક્ષિણનો એક ભાગ દ્રાવિડભાષાપરિવારનો; કાશ્મીરી, પંજાબી, હિન્દી ઉર્દૂનો ઉત્તર ભાગઃ ગુજરાતી, મરાઠી, સિન્ધી, રાજસ્થાનીનો પશ્ચિમ ભાગ; બંગાળી, ઓડિયા, અસમિયાનો પૂર્વ ભાગ-એવી ભાગોની ભાષાઓ પારસ્પરિક રીતે સાહિત્યનો પરિચય વધારે નૈકટ્યથી કરી શકે. શ્રી આયંગરે કોઈ પણ નવો અભ્યાસક્રમ દાખલ કરતાં શંકાશીલ–સ્કેપ્ટિક બનવાની ઉચિત દૃષ્ટિ દાખવી છે, અને આપણે પણ અત્યારે એક પૂરા અભ્યાસક્રમની જોગવાઈ અંગે શંકાશીલ બનીએ તેમાં કદાચ શ્રેય હશે; પરંતુ તેને આજે જે ચોકઠું છે તેમાં ગોઠવવો હોય તો ગૌણ વિષય તરીકે એટલે કે બે પ્રશ્નપત્રોમાં ગોઠવીને શીખવવાનો વિચાર કરી શકીએ કે નહિ? ડૉ. વી. કે. ગોકાકે અનુસ્નાતક કક્ષાએ ભારતીય સાહિત્યનાં બે પ્રશ્નોપત્રો રાખવાની શક્યતા તત્પરતા બનાવી છે. પરંતુ આયંગરે જે વિભાગો પાડ્યા છે તે કૃત્રિમ છે. એવા ચાર વિભાગોમાં વહેંચી નજીકના ભાષા–સાહિત્યના અભ્યાસ પર ભાર મૂકવા કરતાં, જરા દૂરની ભાષાના અભ્યાસની આવશ્યકતા તુલનાત્મક સાહિત્યમાં સ્વીકારવામાં આવી છે, તે ખ્યાલમાં રાખીએ. ધારો કે બે પ્રશ્નપત્રો રાખીએ, તો એનું સ્વરૂપ કેવું હોય? ભણનાર પાસેથી કઈ કઈ અપેક્ષાઓ રાખવામાં આવે? અપેક્ષાનો વિચાર કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન તુલનાત્મક ભારતીય સાહિત્ય લેનાર પાસેથી ભાષાજ્ઞાનના પ્રમાણ – પરિમાણનો આવે. વિદ્યાર્થીએ કેટલી ભાષાઓ જાણવી? આપણે જોયું તેમ, વિદ્યાર્થી એક મુખ્ય ભાષા તો લે છે, એટલે એ ભાષાનું તલસ્પર્શી જ્ઞાન તો જરૂરી રહ્યું. ઉપરાંત, આપણો વિદ્યાર્થી કડી–ભાષા હિન્દીનું જ્ઞાન ધરાવતો હોય છે. હિન્દી ભાષા તેને તુલનાત્મક સાહિત્યની સામગ્રી માટે વધારે સહાયક થાય. તેનું જેટલું વધારે સારું જ્ઞાન, તેટલું તેને માટે લાભદાયક રહે. આ ઉપરાંત ભારતીય સાહિત્યની પરંપરાની વાહક ભાષા સંસ્કૃતનો અભ્યાસ પણ જરૂરી છે. કેટલાક પ્રદેશોમાં સંસ્કૃત અનિવાર્ય ભાષા તરીકે શીખવાતી નથી. એટલે વિદ્યાર્થી અનુસ્નાતક કક્ષાએ આવે ત્યાં સુધી સંસ્કૃત શીખવાનું ન મળ્યું હોય એમ પણ બને. આપણે ત્યાં પ્રમાણમાં સ્થિતિ સારી છે. આઠમા ધોરણથી કૉલેજમાં વિનયનના બીજા વર્ષ સુધી અનિવાર્ય પણે તે સંસ્કૃત શીખતો હોય છે. એટલે એટલી ભૂમિકા ચાલી શકે. હવે આ સિવાય બીજી ભાષા તેને શીખવી રહી. આ ભાષા નજીકના સમુદાયની હોય કે દૂરના સમુદાયની, અથવા વિદ્યાર્થીને ગમતી ભાષા હોય. બધી જ ભાષાઓના અભ્યાસની જોગવાઈ ન હોય તેવી સ્થિતિમાં યુનિવર્સિટી શરૂઆતથી જ બે કે ત્રણ ભાષાઓનાં અભ્યાસની જોગવાઈ કરી શકે. આ ભાષામાં તે પોતાની મુખ્ય ભાષામાં હોય તેટલો નિષ્ણાત બની જાય એવી અપેક્ષા નથી, પણ મૂળના સાહિત્યનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકે તેટલું પ્રાવીણ્ય હોય તે જરૂરી ગણાય. એ માટે અલગ સર્ટિફિકેટ ડિપ્લોમાની જોગવાઈ પણ કરી શકાય. તે ભાષામાં બોલચાલની ક્ષમતા કરતાં વાંચવાની અનુવાદ કરવાની ક્ષમતા ખીલવવા પર ભાર મૂકી શકાય. આ માટે ભાષાપ્રયોગશાળા અને ટેપરેકર્ડરો વગેરેનો ઉપયોગ સહાયક બને. એટલે કે, ટૂંકમાં, ગુજરાતી મુખ્ય વિષય લેનાર વિદ્યાર્થી ભારતીય સાહિત્યને ગૌણ વિષય તરીકે લે તો, હિન્દી–સંસ્કૃત તો એ જાણે જ છે; ઉપરાંત મરાઠી, બંગાળી કે તામિલ, તેલુગુ જેવી એકાદ ભાષા સર્ટિફિકેટ કક્ષાએ જાણે. એક વિદ્યાર્થી માટે કદાચ આ વધારે પડતું લાગે, પણ ભાષાના અભ્યાસને પણ ઉચ્ચ ભૂમિકાએ સ્થાપિત કરવામાં વિદ્યાર્થીએ આટલી સજ્જતા તો કેળવવી જ રહી. એટલે તરત જ પ્રશ્ન થશે અધ્યાપકની સજ્જતાનો. તુલનાત્મક ભારતીય સાહિત્ય ભણાવનાર અધ્યાપકની લાયકાતો શી હોવી જોઈએ? ડૉ. ગોકાકે આવા અધ્યાપક બે સાહિત્યોમાં અનુસ્નાતક ડિગ્રી ધરાવતા હોવા જોઈએ એમ કહ્યું છે; જેમ કે, અંગ્રેજી અને આધુનિક ભારતીય ભાષાના સાહિત્યમાં કે સંસ્કૃત/અરબી અને આધુનિક ભારતીય ભાષાના સાહિત્યમાં, કે પ્રાકૃતો અને આધુનિક ભારતીય ભાષાના સાહિત્યમાં અથવા બે ભારતીય ભાષાઓના સાહિત્યમાં અનુસ્નાતક ડિગ્રીઓ જોઈએ. આપણી યુનિવર્સિટીઓમાં કદાચ આવી યોગ્યતાવાળા અધ્યાપકો ન મળે. ત્યારે, ડિગ્રી ન હોવા છતાં બીજી ભાષાના સાહિત્ય વિષે ગણનાપાત્ર ગુણવત્તાભર્યું કામ કર્યું હોય, તે પણ ગણતરીમાં લઈ શકાય. પ્રશ્નપત્રોનું સ્વરૂપ કેવું હોય? જો અગાઉ કહ્યું તેમ એ પ્રશ્નપત્રો રાખીએ તો એક પ્રશ્નપત્રમાં ભારતીય સાહિત્યનો ઋગ્વેદથી માંડીને ઈતિહાસ હોય. આ ઈતિહાસની સાથે એક ચયનિકા પણ હોય, અથવા એમ કહીએ કે ઈતિહાસ સોદાહરણ ભણાવવામાં આવે તેટલું જ પૂરતું ન ગણાતાં પારસ્પરિક સંબંધો, અસરો, સમાનતાઓ, વગેરેના ક્રોસ રેફરન્સ આપવામાં આવે તો એક વિશાળ કેનવાસ તૈયાર થાય. બીજા પ્રશ્નપત્રમાં બે વિકલ્પો રાખી શકાય : એક તો બીજા પ્રશ્નપત્રમાં તે પોતાની મુખ્ય ભાષા સિવાયની ભાષાની નીવડેલી રચનાઓનો અભ્યાસ કરે. તેના જવાબ તેની મુખ્ય ભાષામાં લખી શકે એવી છૂટ રહે, પણ તે સંજોગોમાં અનુવાદકાર્ય પર ભાર જોઈએ. બીજો વિકલ્પ ભારતીય સાહિત્યની નીવડેલી રચનાઓ રાખવાનો છે. એમાં ધારો કે આઠ જેટલાં પુસ્તકો હોય તો દરેક ભાષામાંથી એક–બે રાખવામાં આવે. એમાંથી એક–બે તેણે સ્વીકારેલી બીજી ભાષામાં, મૂળમાં ભણે અને બાકીનાં તે હિન્દી કે અંગ્રેજી કે પોતાની મુખ્ય ભાષામાં અનૂદિત સ્વરૂપમાં ભણે. અહીં પણ અનુવાદકાર્ય પર ભાર મુકાવો જોઈએ. પૂરા એક વિષય તરીકે છ પ્રશ્નપત્રોનું સ્વરૂપ વિચારીએ તો જુદી જ રીતે વિચાર કરવાનો રહે અને બીજી ભાષાના નૈપુણ્યની ગુણવત્તા પણ વિચારવાની રહે. તુલનાત્મક ભારતીય સાહિત્યનો અભ્યાસક્રમ આપણે શરૂ કરીએ તે પહેલાં તેને માટેની સામગ્રી તૈયાર કરવી પડે. જોકે અનુભવથી એવું જણાયું છે કે અભ્યાસક્રમ અમલમાં આવ્યા પછી માગણીને કરાણે અભ્યાસનાં સાધનો તૈયાર થાય છે. તેમ છતાં સૌથી પહેલાં તો જે તે ભાષાના નિષ્ણાતો પાસેથી મહત્ત્વપૂર્ણ પુસ્તકોની સૂચિ તૈયાર કરવામાં આવે અને વિશાળ પાયા પર તેના અનુવાદનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે. બધી ભાષાઓના સાહિત્યની રૂપરેખાઓ તૈયાર કરવામાં આવે, અને કંઈ નહિ તોયે કડીરૂપ ભાષામાં તે ઉપલબ્ધ થાય તેની સગવડ કરવામાં આવે. કવિતાનાં પુસ્તકોની તો દ્વિભાષીય આવૃત્તિઓ તૈયાર કરવી જોઈએ. સામે પાને મૂળ ભાષા જે તે ભાષાની લિપિમાં હોય અને બીજે પાને તેનો અનુવાદ હોય. માત્ર કવિતાઓની ચોપડીઓ સિવાય પૅન્ગ્વિને જેમ ‘પેરેલલ ટેકસ્ટ–’ની શ્રેણી યોજી છે તેમ, ગદ્યરચનાઓની પણ આવી દ્વિભાષીય આવૃત્તિઓ તૈયાર કરી શકાય. આ સિવાય સાહિત્ય અકાદમી અને નેશનલ બૂક ટ્રસ્ટ જેવી સંસ્થાઓના સહયોગથી આ દિશામાં ઘણું વિચારી શકાય. પુસ્તકો ઉપરાંત ટેપરેકર્ડૉની લાઈબ્રેરી ઊભી કરી શકાય. રેકર્ડૉની લાઇબ્રેરીની સાથે સમાંતર ટેક્સ્‌ટ ટ્રાન્સલેશનનું પ્રકાશન ઘણું ઉપયોગી થાય. ભારતીય તુલનાત્મક સાહિત્યનો આ અભ્યાસક્રમ પ્રારંભમાં પ્રાયોગિક ધોરણે દાખલ કરી શકાય; વિદ્યાપીઠ જેવી સંસ્થામાં એને માટે અનુકૂળતાઓ પણ છે. એ પ્રયોગને આધારે પછી એના પૂરા અભ્યાસક્રમની યોજના વિચારી શકાય. લાગે છે કે હવે સમય આવી ગયો છે અને આ દિશામાં કદમ ઉપાડવાં જોઈએ.*[1]


૧. હવે તે પ્રકટ થતું નથી.

  1. * યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સહાયથી આયોજિત ‘ભાષા સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ પરિસંવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં રજૂ કરેલું વક્તવ્ય.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(કાલપુરુષ)

૦૦૦