સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/માલાર્મે-વાલેરીની કાવ્યવિચારણા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માલાર્મે અને વાલેરીની કાવ્યવિચારણા

આધુનિક ફ્રેન્ચ કવિતામાં સ્તેફાન માલાર્મે (૧૮૪૨–૧૮૯૮ અને પૉલ વાલેરી (૧૮૭૧ – ૧૯૪૫) નાં નામ અંગ્રેજી કવિતામાં એજરા પાઉન્ડ અને ટી. એસ. એલિયટનાં નામની જેમ સંકળાયેલાં છે. ૧૮૯૦ કવિતાના ઉંબર પર ચરણ ધરતો ઓગણીસ વર્ષનો તરુણ વાલેરી ફ્રાન્સના એક ખૂણામાંથી પરિણતપ્રજ્ઞા કવિ માલાર્મેને પત્ર લખે છે : Dear Master A young lost in the depths of the provinces, whom rare fragments, discovered by chance in reviews, have permitted to guess at and love the secret splendor of your work, dares to introduce himself... અને તરત જ માલાર્મેનો ઉષ્માભર્યો પ્રત્યુત્તર વાલેરીને પહોંચી જાય છે. માલાર્મે વાલેરીના મિત્ર અને માર્ગદર્શક બની જાય છે, અને પછી તો વાલેરી એક દિવસ પેલી પ્રસિદ્ધ મંગળવારની બેઠકમાં માલાર્મેને ત્યાં પહોંચી જાય છે. આ બંને કવિઓ, તેમના પુરોગામી કવિ બૉદલેરની જેમ અમેરિકન કવિ, વાર્તાકાર અને વિવેચક એડગર એલન પોની કાવ્યવિચારણાથી પ્રભાવિત છે. એટલે સૌ પ્રથમ આપણે પોની કાવ્ય વિચારણાના મુખ્ય મુદ્દા સમજી લઈ એ. કાવ્યવિચારણા સંબંધી પોના બે નિબંધો ફ્રેન્ચ કવિઓને પ્રભાવિત કરી ગયા છે. એક છે : The Philosophy of Composition અને બીજો છે : The Poetie Principle. પહેલા નિબંધમાં પોએ પોતાની એક કવિતા The Ravenની રચના પોતે કેવી રીતે કરી, તેની સર્જનપ્રક્રિયાનો અહેવાલ આપ્યો છે, જે નિબંધ કવિતાસર્જનની પ્રક્રિયાને ગૂઢ આવરણમાંથી બૌદ્ધિક અને પૃથક્કરણાત્મક ભૂમિકા પર લાવે છે. પોતાના બીજા નિબંધ The Poetic Principleમાં કવિતા સંબંધી તે પોતાના ખ્યાલ રજૂ કરે છે. પો કવિતા પાસેથી રખાતી બોધતત્ત્વની અપેક્ષાને ઈન્કારે છે, એટલું જ નહિ કવિતાને કવિતા સિવાયના તમામ તત્ત્વોમાંથી મુક્ત રાખવાની ઉદ્‌ઘોષણા કરે છે. આ રહ્યા કેટલાક વિચારો : માત્ર કવિતા માટે જ લખાતી કવિતા૧ — કવિતા સાથે સંગીતનો મેળ કવિતાના વિકાસનું ક્ષેત્ર વ્યાપક બનાવશે.૨ આધુનિક યુગમાં દીર્ઘ કવિતા ન સંભવી શકે.૩ બૉદલેર ફ્રેન્ચ કવિતામાં સૌથી પહેલાં પોની કાવ્યવિચારણાનો આવિષ્કાર કર્યો. શુદ્ધ કવિતા માટેનો પોનો આગ્રહ અને કવિતાના સંગીતનો સુમેળ સાધવાની વાત બૉદલેરને અનુકૂળ આવી. એમ કહી શકાય કે પોથી પ્રભાવિત થવાને બદલે પોના વિચારો સાથે તેની વિચારધારાનીદ સંગતિ બેઠી. બૉદલેરે પોને ફ્રેન્ચમાં ઉતાર્યો. માલાર્મે પણ પોની કવિતાને ફ્રેન્ચ ભાષામાં ઉતારે છે. વાલેરી બૉદલેર કરેલો પોનો સટીક અનુવાદ વાંચે છે જેની ભૂમિકામાં શુદ્ધ કવિતાના વિચારને પ્રથમ વાર ખાસ મહત્ત્વ આપેલું હતું. અહીં વાલેરીને વિચારણાનું બીજ મળે છે, જે પછી તેની રૂપનિષ્ઠ (Formal) કલાની વિભાવનામાં પલ્લવિત થાય છે. આ ફ્રેન્ચ કવિઓની કવિતાવિચારણા પર પોના પ્રભાવની વાત વિષે એલિયટનો અભિપ્રાય જાણવા જેવો છે. પોના "Philo sophy of Composition"માં The Raven કવિતાના આપેલા કવિકર્મના અહેવાલ વિષે એલિયટ કહે છે કે એ કવિતા આટલી ગણતરીપૂર્વક લખાઈ હોત તો જે છે તેના કરતાં સારી રીતે લખાયેલી હોવી જોઈએ૪ તે ઉપરાંત એ કહે છે : "આ ફ્રેન્ચ કવિઓએ પોના જે વિચારો ગ્રહણ કર્યા તે તેઓની પોની વિચારણાની ગેરસમજમાંથી આવ્યા છે; કારણ કે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ત્રણેમાંથી અંગ્રેજી ભાષાને કોઈ સારી રીતે જાણતા નહોતા."૫ એલિયટનો પો વિષે કંઈક પૂર્વગ્રહ હોવાનો સંભવ છે, ગમે તેમ પણ આ ફ્રેન્ચ કવિઓએ પોના આધારે પોતાને ઉચિત કલાશાસ્ર (Aesthetics) ઘડી લીધું છે. માલાર્મે પોની પાસેથી કવિતામાં ‘care’ અને ‘calculation’ શીખે છે અને માલાર્મે પરના પત્રમાં ‘I prize the theories of Poe...’ એમ કહી વાલેરી તેના સિદ્ધાન્તોમાં પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે. આધુનિકોમાં આદ્ય કવિ બૉદલેરની પરંપરામાં એક બાજુએ રેમ્બો, વેર્લેન અને બીજી બાજુએ માલાર્મે– વાલેરી આવે છે. ઓગણીસમે વર્ષે કવિતાના ક્ષેત્રમાંથી તદ્દન નિવૃત થનાર ‘કિમિયાગર’ રેમ્બો અનેક નવાં પ્રતીક લઈ આવે છે અને રોમાન્ટિક ભાવાભિનિવેશનો બહિષ્કાર કરે છે. તેના સાથી (ક્વચિત્‌ શત્રુ) વેર્લેનની કવિતા સંગીતતત્ત્વને પુરસ્કારે છે. ‘આર્ટ પોયેટિક’ કવિતાની પ્રથમ પંક્તિમાં તે કહે છે : ‘સૌથી પહેલું સંગીત.’૬ વેર્લેને કવિતાની શ્રાવ્યતાપર ભાર મૂક્યો. ‘કવિતા ચોપડીનાં પૃષ્ઠો પર છપાયેલી વાંચવા માટે નહિ, મોટેથી સાંભળવા માટે છે.’૭ બૉદલેરના મૃત્યુના ત્રણ વર્ષ પહેલાં ૧૮૬૪માં માલાર્મેએ કહ્યું કે તે પોતાની કવિતામાં વસ્તુનું ચિત્રણ કરવા નથી માંગતો, તે તો તે વસ્તુએ નિપજાવેલી અસર ચિત્રિત કરવા માગે છે.૮ માલાર્મે કવિતામાં વ્યંજનાનો પુરસ્કાર કરે છે. કવિતાનો આનંદ તો ધીરે ધીરે અનુમાન કરવાની પ્રક્રિયામાં રહેલો છે. સીધા કથનથી તો કવિતાનો ત્રીજા ભાગનો આનંદ દબાઈ જાય છે. વ્યંજના દ્વારા કહેવાય તે જ આદર્શ છે.૯ માલાર્મે કવિતા દેવીનો ઉત્તમ સાધક છે. તેને મન કવિતા પવિત્રમાં પવિત્ર વસ્તુ છે અને તેથી એક ભક્તની હેસિયતથી તેની સાધના કરવામાં માનતો૧૦. તે પોતાને પ્રથમ ‘શુદ્ધકવિ’ તરીકે ઓળખાવે છે. માલાર્મે કવિતા માટે અધિકારી સહૃદયની અપેક્ષા રાખે છે. પૃથક્‌જન માટે કવિતા નથી. કવિતાના આસ્વાદ માટે પણ એક પ્રકારની સજ્જતાની આવશ્યક્તા છે. ભાવકની સજ્જતા વિના તેને માટે કવિતાનું રહસ્ય આવૃત્ત રહે છે. ૧૮૬૨માં માલાર્મે જાહેર કરે છે : ‘દરેક પવિત્ર વસ્તુ, જે પવિત્ર રહેવા માગે છે તે રહસ્યાવૃત રહેવી જોઈએ.’ ધર્મની જેમ કલા પણ પવિત્ર છે. સંગીતને તેનાં રહસ્યો છે, तो पछी कवितानां शा माटे नहि? સજ્જતા કે સંસ્કાર વિના ગમે તે માણસથી ખરી કવિતા વાંચી શકાય એવો ખ્યાલ લોકોએ કાઢી નાખવો જોઈએ.૧૧ સંસ્કૃત કાવ્યશાસ્રમાં પણ કાવ્યાસ્વાદના ખરા અધિકારી પર વિશેષ ભાર ક્યાં મૂકવામાં નથી આવ્યો? અભિનવગુપ્ત કહે છે તેમ : ‘अधिकारी चात्र, विमलप्रतिभानशाली सहृदय’ વિમલ પ્રતિભાથી યુક્ત એવો સહૃદય જ રસાસ્વાદનો ખરેખરો અધિકારી છે. માલાર્મે ‘કલા બધા માટે છે’ (Art for all) એવા વિચારને Artistic Heresy માને છે. બૉદલેરથી આરંભી તમામ પ્રતીકવાદી ફ્રેન્ચ કવિઓએ કવિતામાં સંગીતને પ્રાધાન્ય આપ્યું છે. વાગ્નરના સંગીતનો જાદુ માલાર્મેએ માણ્યો હતો, અને કવિતા દ્વારા પણ તે સંગીતના જેવી અસરો જેવી રીતે નિપજાવી શકાય તે વિષે માલાર્મે અભિનિવેશ પૂર્વક વિચાર્યા કરતો. (આપણે ત્યાં કવિતા અને સંગીતની જે રીતે ચર્ચા થઈ છે, તે વિચારણા આ વિચારણાથી વેગળી છે, જુદી દિશાની છે, તે ભાગ્યે જ કહેવાનું હોય.) જો કે અહીં કવિતાને સંગીતની કક્ષા સુધી લઈ જવાની જે વાત છે તેનો અર્થ હરગિજ એવો નથી કે શાસ્રીય સંગીતની જેમ કવિતાએ સ્વરોનો આરોહ-અવરોહ લઈ આવવો જોઈએ. પરંતુ સંગીતના નાદ માધુર્યથી સહૃદય શ્રોતાની જે ભાવસ્થિતિ તૈયાર થાય છે, તેવી ભાવસ્થિતિ જગાવવાની કવિતામાં શક્તિ આવવી જોઈએ. કવિતામાં સંગીતાત્મકતા લાવવાના માલાર્મેના આત્યંતિક વલણને લીધે તેની કવિતામાં અર્થબોધનું સ્થાન જાણે ગૌણતર થતું ગયું. માલાર્મેની કવિતા દુર્બોધ બનતી ગઈ. પોતાની મંગળવારની બેઠકમાં એની ‘ચુંગીના ધુમાડા સાથે એની કવિતા વિષે શબ્દો પણ એના મોંમાંથી નીકળતા’—પણ હવે ‘માલાર્મેના અભ્યાસીઓને એવું લાગે છે કે કવિ અને ભાવક વચ્ચે ધૂમ્રનું આચ્છાદન માત્ર શેષ રહ્યું છે. ઘણા વિવેચકોને મન માલાર્મેની કવિતા ‘unopened strong box’૧૨ જેવી છે. આ બંધ મજબુત તિજોરીને ખોલવાની ચાવી છે ખરી? એવા પ્રશ્નો પણ પૂછાય છે. એની કવિતા ખરેખર ધારણા–અનુમાન (guessing)નો વિષય બની ગઈ છે. માલાર્મે એવું માનતો પણ ખરો કે સંગીતની જેમ કવિતાનાં એક કરતાં વધારે અર્થઘટન થઈ શકે. કવિતામાં રહેલા નાદસંગીતથી જ પ્રથમ તો ભાવક જિતાઈ જવો જોઈએ. એના નાદમાધુર્યથી જ કવિતામાં રહેલા ભાવનો અનુભવ જાગવો જોઈએ, એટલે કે કવિતાનો આસ્વાદ અને અવબોધન સૌ પ્રથમ નાદમાધુર્યથી થાય, શબ્દાર્થથી પછી. માલાર્મેના આ અભિનિવેશને કારણે તેની પોતાની સર્જન શક્તિ જાણે ઠરી જતી હતી. એની મહત્ત્વાકાંક્ષી કાવ્યરચના "Herodiat" હે વર્ષો સુધી એના મનમાં રમ્યા કરતી હતી, તે પણ પૂરી ન રચી શક્યો. માલાર્મેની સંગીત વિષયક આત્યંતિકતાને વાલેરી વ્યવહાર્ય ભૂમિકા પર લઈ આવે છે. માલાર્મે કવિતા વિચારણામાં કાવ્યબાની (diction) પણ એક મહત્ત્વની બાબત છે. વાલેરીએ માલાર્મેનાં કાવ્યોની સ્તુતિ કરતી વખતે કહ્યું હતું કે આ કવિએ જાણે પોતે જ ભાષા ઘડી હોય તે રીતે તેણે તેનો ઉપયોગ કર્યો છે.૧૩ તો ચાર્લ્સ મોરાં કહે છે કે માલાર્મેની ભાષા પરદેશી છે : ફ્રેન્ચભાષીને ફ્રેન્ચ ભાષામાં પરદેશી અને અંગ્રેજને અંગ્રેજી અનુવાદમાં પરદેશી લાગે છે.૧૪ અગાઉ કહ્યું છે તેમ માલાર્મે એક અભિનવ કાવ્યબાની શોધે છે, જે એણે ઘડેલા કાવ્યશાસ્રને આધારે પ્રગટે છે. એ જ્યારે એમ કહે છે કે વસ્તુના ચિત્રણને બદલે તેણે નિપજાવેલી અસરને તે ચિત્રિત કરવા માગે છે, ત્યારે તે આ કાવ્યબાનીના વિનિયોગની વાત કરે છે. "કાવ્યપંક્તિ શબ્દોથી નહિ પણ આશય (intentions)થી રચાવી જોઈએ અને અર્થબોધ થાય તે પહેલાં બધા શબ્દોએ પોતે ભૂંસાઈ જવું જોઈએ.’ અહીં ‘કવિની ભાષા’નો સવાલ આવીને ઊભો રહે છે. રોજબરોજની વ્યવહારની ભાષા–જેને વાલેરી ‘everyday maid’ સાથે સરખાવે છે—થી કાવિનું કામ ચાલી શકતું નથી. કવિનું કામ માત્ર વર્ણન કરવાનું કે શિખામણ આપવાનું નથી–કવિ તો દૃશ્યમાન જગતની મૂર્ત વાસ્તવિકતાને સ્થાને એક અમૂર્ત વાસ્તવનું આલેખન કરવા માગે છે. એ માટે વ્યંજનાનો આશ્રય લે છે. આ વ્યંજનાને કારણે કવિતા એક નિશ્ચિત અર્થમાં સીમિત થઈ જતી નથી. કવિતાની આ અસ્પષ્ટતાને માલાર્મે કવિતાનું એક લક્ષણ માને છે. આમ માલાર્મે પ્રતીકવાદી કાવ્યધારાનાં આ ત્રણ લક્ષણોની જાણ સ્થાપના કરે છે : (૧) વ્યંજનાનો પુરસ્કાર (૨) અભિનવ કાવ્યબાની (૩) સંગીતતત્ત્વ માલાર્મેએ પોતાની ઉત્તરવયમાં એક કાવ્ય પ્રગટ કર્યું – વિચિત્ર અને દુર્બોધ. (એ કાવ્ય તે A Throw of the Dice)૧૫ એમાં તે ટાઈપોગ્રાફીનો રચનારીતિ તરીકે પ્રયોગ કરે છે, જુદા જુદા આકારના અને કદના ટાઈપ. લગભગ ૭૦૦ શબ્દોનું વીસ પાનામાં પથરાયેલું આ કાવ્ય છે. ક્યારેક આખા પૃષ્ઠ પર માત્ર એક જ શબ્દ છે ; ક્યારેક લાગાતાર પંક્તિઓ, જાણે કોઈ પાગલનો અસંબદ્ધ પ્રલાપ. પરંતુ સંભવ છે માલાર્મે આવા પ્રકારના મુદ્રણથી એક નવી રીતિ નિપજાવવાનો પ્રયત્ન કરતો હોય. માલાર્મેના અભ્યાસીઓએ માલાર્મેના આ પ્રયોગને બિરદાવ્યો છે. આન્દ્ર જિદે તો કહ્યું : "The most extreme point to which the human spirit has ventured."

માલાર્મેનું સ્વપ્ન હતું એક એવા પુસ્તકનું – ‘that would be a book, architectural and premeditated, and not a collection of chance inspirations however marvelous in themselves.’ માલાર્મેના શિષ્ય વાલેરીની કવિતા અને કાવ્યવિચારણા આ દિશાની છે. વાલેરી પણ કહે છે ‘I find it outrageous to write in state of enthusiasm...I should infinitely prefer to write something mediocre in full consciouness and in a state of complete lucidity, rather than a masterpiece in a state of trance.’ ૧૮૯૮ માં માલાર્મેનું અવસાન થયું ત્યારે તેના અવસાનની સાથે તેની કાવ્યવિભાવનાનો પણ વિલય થશે કે કેમ તેવી સ્થિતિ ફ્રેન્ચ કવિતામાં હતી. વાલેરીનો તે સમયે કવિતાના ક્ષેત્રમાં ‘અલ્પવિરામ’ હતો. પરંતુ તરુણ વાલેરીમાં માલાર્મેએ જે બીજક વાવ્યાં હતાં, તેના અંકુર ફૂટ્યા સિવાય રહ્યા નહિ. આમ તો માલાર્મેના અવસાન પછી લગભગ ૨૦ વર્ષ સુધી વાલેરીની કોઈ કવિતા પ્રગટ થઈ નહોતી. ૧૯૧૭માં તે પોતાની La Jeune Parqe કવિતા લઈ ને ઉપસ્થિત થાય છે, અને શુદ્ધ કવિતાની દિશામાં ફ્રેન્ચ કવિતાની ધારા પ્રવાહિત થતી રહે છે. સી. એમ. બાવરા કહે છે તેમ–વાલેરી કવિતાની કવિતાનો કવિ છે. એની ઘણી કવિતાઓ કવિતા વિષે છે. ઉદાહરણ તરીકે જોઈએ : વાલેરીની ‘Les Pas’ (The Foot-steps) કવિતા વાંચતાં એવું લાગે કે કવિ પોતાની પ્રિયતમાના પદધ્વનિની પ્રતીક્ષા કરી રહ્યો છે :

Pure being, shadow–shape divine–
Your step deliberate; how sweet !
God ! — every gift I have imagined
Comes to me on those naked feet.

પણ વાસ્તવમાં તો કાવ્યસર્જકનના પ્રારંભમાં કવિતાની પ્રતીક્ષા કરતા કવિની આ ઉક્તિ છે. પ્રિયતમાની પ્રતીક્ષાના જેવી આનંદપૂર્ણ કવિતાની પ્રતીક્ષા છે, એટલે છેલ્લી ચાર લીટીમાં એ કહે છે :

Oh, hasten not this loving act,
Rapture where self and not–self meet :
My life has been the awaiting you,
Your foot-fall was my own heart’s beat.
(C. Day Lewis—નો અનુવાદ)

સજગ અને સભાન રીતે કાવ્યવ્યાપારમાં પ્રવૃત રહેવામાં વાલેરી માને છે. પ્રેરણાના આવેગમાં કવિતાદેવી કશુંક લખાવી જાય, કવિતાદેવી ‘કવિતાનું પુષ્પ’ કવિના હાથમાં આપી જાય, તે વાલેરીને માન્ય નથી. કાવ્યસર્જન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, એમ તે માને છે, અને તેથી એડગર એલન પોના ‘Philosophy of Composition’નો એને મન મહિમા છે. એની કેટલીય કવિતા કવિકર્મનો અહેવાલ પણ રહે છે. વાલેરીની કાવ્ય વિચારણા બધાને સ્વીકાર્ય નથી. કોઈ એને સારો કવિ કહેવા તૈયાર છે, પણ કલાગુરુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. પણ ખરેખર તો વાલેરી પણ માનતો કે બધા કાવ્યસિદ્ધાંતો બધે બંધબેસતા ન આવી શકે. All theories of art can have no universal application. વાલેરીના સિદ્ધાંતો તેણે પોતે પોતાની કવિતા માટે રજૂ કર્યાં છે, એને વખોડનારા વિવેચકો આ મહત્ત્વની હકીકત ભૂલી જતા હોય છે, એટલે કોઈ એવા toolની નિન્દા કરી શકે – ‘not knowing that it was made for a man with only three or perheps six fingers.’ શુદ્ધકવિતાનાદ આગ્રહી વાલેરીની કાવ્યવિચારણામાં નિમ્ન લિખિત લક્ષણો આગળ તરી આવે છે :

૧. કાવ્યસર્જનમાં પ્રેરણાશક્તિનો ઇન્કાર ૨. કવિકર્મને કવિતા કરતાંય પ્રાધાન્ય ૩. રૂપનિષ્ઠ કવિતા માટે આગ્રહ ૪. શુદ્ધતર ભાષાનો વિનિયોગ ૫. કવિતામાં સંગીતને મહત્ત્વ

અગાઉ જણાવ્યા પ્રમાણે વાલેરીની કાવ્યવિચારણા એક સર્જક તરીકેના તેના આદર્શ અને તેની કામગીરીમાંથી ઉદ્‌ભવતી ગઈ છે. કવિતા વિષે સૈદ્ધાન્તિક ભૂમિકાપર ચર્ચા કરવી એક વાત છે અને સર્જક તરીકે તે સિદ્ધાંતોનો વિનિયોગ કરવો બીજી વાત છે આ બંનેનું સામંજસ્ય રાખવું દુષ્કર છે, અને તેમ છતાં વાલેરી આ બાબાતમાં જાણે કે દૃઢપ્રતિજ્ઞ રહેવા મથે છે, પણ વડર્‌જવર્થની જેમ વાલેરીના કાવ્યસિદ્ધાંતને એની કવિતા ઘણી વાર અતિક્રમી જતી હોય છે. વાલેરી પહેલાંના કવિઓ અને ખાસ કરીને તો રોમાન્ટિક ભાવધારાના કવિઓમાં પ્રેરણાનું સ્થાન ઘણું મોટું છે. પ્રેરણા વિના કવિતા લખાતી નથી, અને પ્રેરણા સૂકાઈ જાય એટલે કવિની કવિતા લખાતી બંધ થઈ જાય છે, અથવા તણખાની જેમ આવતી પ્રેરણા ધીમે ધીમે બુઝાતી જતી જાય છે–આવા ખ્યાલોનું સ્થાન વાલેરીના કાવ્યવિચારોમાં નથી. હોમર જેવો કવિ :

Of the wrath of the son of Peleus —
Of Achilles — Goddess, sing —

એમ દેવીનું આહ્‌વાન કરી પોતાના કાવ્યનો આરંભ કરે છે, અને મિલ્ટન પણ આદમ ઈવની સ્વર્ગચ્યૂતિની કથા કહેતાં ‘Sing Heav’nly Muse‘ કહીને Muse ને આહ્‌વાન કરે છે આ Goddess કે Muse એ એક રીતે પ્રેરણાનું જ બીજું નામ છે. પણ વાલેરી તો આરંભમાં જ નોંધેલી એની ઉક્તિ પ્રમાણે આવી પ્રેરણાના ‘ટ્રાન્સ’માં લખાતી ઉત્તમ કવિતા કરતાં સભાન રીતે લખાયેલી સાધારણ કવિતાને પસંદ કરે છે. વાલેરીને મન કવિપણ ગાણિતિક છે–‘કૂલ એલજિબ્રિસ્ટ.’ પોએ પોતાની ‘રેવ્હેન’ કવિતાના કવિકર્મનું જે પૃથક્કરણ કર્યું છે, તેમ વાલેરીએ પણ પોતાની કેટલીક પ્રસિદ્ધ થયેલી કવિતાના કવિકર્મને અહેવાલ આપવાનો પ્રયત્ન કર્યોં છે, જે તપાસવા જેવો છે. ખરેખર તો એમ કહી શકાય કે વાલેરી આવી કશીક પ્રેરણાના સદંતર અસ્તિત્વને ઇન્કારતો નથી. પણ એને રાજરાણીના સિંહાસન પરથી ઉતારી માત્ર એના ઉચિત સ્થાને એને પ્રતિષ્ઠિત કરે છે. એ બે પ્રકારની કાવ્યપંક્તિની વાત કરે છે : les vers donnes — the verses given les vers calcules — the verses calculated ‘(પ્રભુ) દીધી પંક્તિઓ’ની વાત વાલેરી પણ કહે છે. પણ એ તો કવિતાના આરંભનું એક નિમિત્ત માત્ર બને છે. ‘પ્રભુદીધી’ પંક્તિ એટલે વાલેરીને મન શું એનું એણે La Pythie નામની કવિતાના કવિકર્મના અહેવાલમાં કે Cimetiere Marin (સમુદ્રતટે કબ્રસ્તાન) કવિતાના સર્જનના અહેવાલમાં આપ્યું છે. જેમાં, પ્રથમ કવિતામાં એકાએક સ્ફુરી આવેલી એક પંક્તિની આગળ પાછળ તેણે કામ કર્યું અને આખી કવિતા લખાઈ કે બીજી કવિતામં માત્ર ‘લય’ સ્ફૂર્યો અને લયોચિત શબ્દોની પૂરવણી દ્વારા જાણે સમગ્ર કવિતા કરી. પહેલી કવિતામાં ‘પંક્તિ’ બીજીમાં ‘લય’ doones છે. પણ આમ doones પંક્તિ કે લય પછી તો કવિએ અત્યંત સજાગ રહી, બરાબર, ગણતરીપૂર્વક પોતાના ઉપાદાનનો વિનિયોગ કરવાનો હોય છે. વાલેરીને મન પ્રેરણા અથક પરિશ્રમથી વિશેષ નથી. વાલેરીએ તારુણ્યમાં થોડીક કવિતા લખેલી, અને પછી અંતરિયાળ ૨૦ વર્ષો સુધી તે ગણિતશાસ્રના અધ્યયનમાં રત રહ્યો. આ દરમિયાન પણ કવિતા એના આકર્ષણનું કેન્દ્ર હતી. તે પ્રથમ ‘અલ્પવિરામ’ બાદ ૨૦ વર્ષે La Jeune Parque કવિતા લઈ આવે છે. કહેવાય છે–આ કવિતાના તેણે ૨૫૦ ખરડા કરેલા ! ચાર પાંચ વર્ષો સુધી વર્ષે લગભગ સો પંક્તિના હિસાબે તેણે આ કવિતા લખેલી ! હવે અહીં તરત જ આ કવિકર્મના બરાબર સામેના ઉદાહરણ તરીકે કોલરિજની ‘કુબ્લાખાન’ કવિતાની રચનાપ્રક્રિયા યાદ આવશે. એક જોરદાર ‘ટ્રાન્સ’માં લખાતી આ કવિતા વચ્ચે વ્યવધાન આવતાં ત્યાં જ અધુરી રહી ગઈ. પણ જ્યારે વાલેરીય vers donnes નો સ્વીકાર કરે છે ત્યારે તેની સાથે એવા તત્ત્વનો પણ સ્વીકાર કરે છે, જે ‘ચાન્સ’ પર આધારિત હોય. એટલે સભાન, ગણતરીપૂર્વક લખાતી કવિતા આવા તત્ત્વોનો સ્વીકાર કરે છે ત્યારે એમ કહી શકાય કે વાલેરી પ્રેરણા જેવા તત્ત્વનો એકદમ નિષેધ નથી ફરમાવી શકતો. પણ આ પ્રેરણા માત્ર pre–poetic છે, જે સમગ્ર કવિકર્મમાં ગુણ છે. આ સંબંધી વિશેષ ચર્ચા કરતાં વાલેરી કહે છે કે જો કોઈ આ રીતે કવિ અને કવિતાનો સંબંધ વિચારે કે કવિને તો આજ્ઞાતમાંથી જે મળે છે તે અજ્ઞાત લોકો સુધી પહોંચાડવાનું છે, તો પછી એ શું લખે છે, તે તેને સમજવાની જરૂર રહેતી નથી, એટલું જ નહિ એવું પણ બને કે તેને ન આવડતી ભાષામાં પણ તે કવિતા લખી શકે.૧૬ એટલે મોટે ભાગે રહસ્યમય ગણાતી સર્જનપ્રક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજવાનો અને સમજાવવાનો વાલેરીનો ઉપક્રમ કદાચ ઘણાને નવાઈ પમાડે. વાલેરીને જેટલો કવિકર્મમાં આનંદ છે, તેટલો કવિ કર્મના પરિપાક રૂપે નિપજતા પરિણામમાં કદાચ નથી. The Art of Poetry નામના ગ્રથમાં Memoirs of a Poem, Concerning Le Cimatiere Marin વગેરે નિબંધોમાં પોતાની કેટલીક કવિતાઓની સર્જનપ્રક્રિયાને વૈજ્ઞાનિક ભૂમિકા પર મૂકવાનો પ્રયત્ન તે કરે છે. કવિકર્મના એના અહેવાલ આપણને કવિની કોઢમાં લઈ જાય છે. વાલેરી રૂપનિષ્ટ કલાનો આગ્રહી છે. એ ‘ફોર્મલ પોએટ્રી’ રૂપનિષ્ઠ કવિતાની વાત કરે છે. જ્યારે જ્યારે તે કવિતાના રૂપનો વિચાર કરે છે, ત્યારે અન્ય લલિતકલાઓમાંથી સ્થાપત્યકલા અને સંગીતકલા સાથે રાખી તેનો વિચાર કરે છે. એમાંયે સ્થાપત્યકલા તો તેની વિચારણામાં બહુ પહેલેથી આવે છે. કારણ કે આ બે કલાઓમાં વિભિન્ન વિભાગોનું સંયોજન અને અલગ એકમોનો તેની સમગ્રતા સાથેનો સંબંધ હમેશાં ચોક્કસ હોય છે અને તેનો અનુભવ થતો હોય છે. વાલેરી કવિતાના ફોર્મ–રૂપ પરજ ભાર મૂકે છે, વસ્તુનું એને મન વિશેષ મહત્ત્વ નથી. તેની ‘સમુદ્રતટે કબ્રસ્તાન’ નામની કવિતા વિષે વાત કરતાં કહે છે કે પહેલાં તેને તે કવિતાનો માત્ર ‘લય’ મળ્યો, અને પછી તેને ‘ફોર્મ’ રૂપ આપવા માટે તેમાં વિચાર વગેરે ઉમેરાયાં. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે કવિને કૈંક લાગણી, વિચાર સ્ફુરે છે અને પછી તેને છંદમાં કે અછાંદસમાં ઉતારવાનો તે પ્રયત્ન કરે છે, જ્યારે વાલેરી ‘વિચાર’ને એક ઉપાદાન તરીકે જ જોતા હોય એમ લાગે છે. તે પોતાની La Jeune Parque (Young Fate) કવિતા વિષે વાત કરતાં પોતાની આ માન્યતા સંબંધી એક મહત્ત્વની વસ્તુ નોંધે છે; ‘મેં કેટલાંક કાવ્યો એવી રીતનાં કર્યાં છે, જેના પ્રસ્થાનબિંદુ તરીકે ‘ફોર્મેટિવ’–રૂપનિષ્ઠ સંવેદનાનો એક આવેગ હોય છે, જે એક વિષય કે ખાસ વિચારની અભિવ્યક્તિ પૂર્વે આવેલ હોય છે.’૧૭ આ ‘ફોર્મલ પોએટ્રી’ રૂપનિષ્ઠ કવિતાની રચના માટે વાલેરી કવિતા માટે શુદ્ધ ઉપાદાનોના વિનિયોગની વાત કરે છે, ખાસ કરીને ભાષા સંબંધી તે વિશેષ આગ્રહી છે. વાલેરી કહે છે : ‘Literature is, and can be nothing elsa than a sort of extension and application of certain properties of language.’ ભાષા સંબંધી વાલેરીની આ ઉક્તિ કવિતાની ભાષા સંબંધી એક એવી વિચારણા આપે છે, જેના પર તેના કાવ્યશાસ્રનો મોટો ભાગ આધારિત છે. એલિયટ વગેરે કવિઓના પણ કવિતાની ભાષા સંબંધી વિચારો લગભગ આ ભૂમિકા પરના છે. ભાષા એ માનવજીવનના રોજબરોજના વ્યવહારનું સાધન છે. કવિને પણ રોજબરોજના વ્યવહારની આ ભાષા વારસામાં મળે છે. આ ભાષાનો કવિતામાં ઉપયોગ કરવા જતાં કવિને આ વ્યાવહારિક ભાષાની સીમાઓ નડે છે. વ્યાવહારિક ભાષાના આ સાધનથી કવિતા લખવાનું અવ્યાવહારિક એવું કાર્ય સિદ્ધ કરવાનું હોય છે. માલાર્મેની સામે આ પ્રશ્ન આવ્યો ત્યારે તેણે પોતાની રીતે એક માર્ગ કાઢ્યો, અને એટલે સુધી કે એની ફ્રેન્ચ ફ્રેન્ચભાષીને પણ પરભાષા લાગે. એ સામાન્ય નામે સ્થાને ભાવવાચક નામનો ઉપયોગ અપનાવશે. જેમકે ‘પાંખ’ ને સ્થાને ‘ઉડ્ડયન’નો પ્રયોગ કરશે અથવા ‘ખાલી મેદાન’ ને સ્થાને ‘નિર્જનના’ શબ્દનો ઉપયોગ કરશે. ક્યારેક તે વસ્તુમાંથી ગુણને અલગ પાડીને તે ગુણને સ્વયંપર્યાપ્ત અસ્તિત્વ આપશે. ‘ખડક જેવું વાદળ’ કહેવાને બદલે ‘કાળો ખડક’ એમ કહેશે. વાલેરી રોજબરોજની ભાષાને ‘maid-of-all work’ કહીને તેની મર્યાદા ચીંધે છે. શબ્દ જે કવિતાનું ઉપાદાન હતો તે કવિનું સાધ્ય બની રહ્યો. ભાષા વિષે વાત કરતાં વાલેરી ગદ્ય અને પદ્યની ભાષાનું પાર્થક્ય સમજાવે છે. ગદ્યની ભાષા લગભગ વ્યવહારની ભાષા છે. વિચારો સંક્રાન્ત થતાં તેનું કામ પતી જાય છે, પરન્તુ કવિતાની ભાષાનું તેમ નથી. આ માટે તે ‘વૉકિંગં’ અને ‘ડાન્સિગ’નું સાદૃશ્ય આપે છે. ગદ્યનો વિચાર વ્યક્ત કરવાનું કામ આ ‘ચાલવાની’ ક્રિયા જેવું હેતુપ્રધાન છે, પરન્તુ નૃત્યુનું પ્રયોજન તો માત્ર નૃત્ય છે. એટલે કવિતાને આપણે કવિતા ખાતર માણીએ છીએ. તેમાં શબ્દની ‘પાર’ જોવાને બદલે શબ્દ ‘પ્રતિ’ જોઇએ છીએ. એટલે વાલેરી કવિતા માટેની એક પોએટિક– ‘કાવ્યગત’ ભાષાની વાત કરે છે, જે રોમાન્ટિક અથવા સુંદર ગણાતી ભાષાથી અલગ પ્રકારની છે. વાલેરી જ્યારે કવિતામાં Pure means શુદ્ધ ઉપાદાનની વાત કરે ત્યારે એ આ કાવ્યગત ભાષા સંબંધી જ મુખ્યત્વે વાત કહે છે. આ કાવ્યગત ભાષામાં કવિ શબ્દનો ધ્વનિ અને અર્થ એ બન્ને પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભાષા વિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો તે Phonetic અને semantic એ બન્ને સાથે લાવે છે. એ પણ માલાર્મેની જેમ કવિતાના નાદતત્ત્વ પર વધારે ભાર મૂકે છે. વાલેરી કવિતામાં શબ્દના પસંદગી માટે અતિ સભાન છે, ક્યારેક પોતાને આવશ્યક એવા એક ખાસ શબ્દની પસંદગી વિષે તે કહે છે : ‘I look for a word, a word which is feminine, of two syllables, containing P or F, ending in a mute, synonymous with a break or disintegration, and neither learned nor rare. Six conditions at least.’ બૉદલેરથી આરંભી તમામ પ્રતીકવાદી ધારાના કવિઓએ કવિતામાં સંગીતના તત્ત્વને પ્રાધાન્ય આપ્યું છે, માલાર્મેના સંગીત અને કવિતા વિષયક વિચારો આપણે જોઈ ગયા. વાલેરી જ્યારે કવિતાની મૂલ્યવત્તાને નાદ અને અર્થના સયોજનમાં જુએ છે ત્યારે વળી કવિતા અને સંગીતના સંબંધનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. માલાર્મેનું વલણ આ બાબતમાં આત્યંતિક કોટિનું હતું, તેમ કહી શકાય. એ પોતાની કવિતામાં સંગીતની સમગ્ર ઓરકેસ્ટ્રાની અસર નિપજાવવા માગતો હતો, ત્યારે વાલેરીએ માત્ર અવાજની સંગીતમયતા પર ભાર મૂકી કવિતામાં સંગીતતત્ત્વના વિનિયોગને વ્યવહાર્ય ભુમિકા પર મૂકે છે. તેને મન સંગીત વિનાની કવિતા એ કવિતા નથી અને જે કવિનો કાન ‘Passive’ હોય તેને તે કવિ તરીકે બાદ ગણે છે. આમ વાલેરી કાવ્યસર્જન માટે પ્રેરણા આદિ નહિ, પણ કવિની સજગતા અને સભાનતા પર, અથક કવિકર્મ પર અને શુદ્ધતર ભાષાના વિનિયોગ પર ભાર મૂકે છે. વાલેરીના અભ્યાસી વિદ્વાન ઍગ્નેસ મૅકી કેહ છે તેમ સમગ્ર વાલેરીને તેના આ એક વાક્યમાં રજૂ કરી શકાય :

‘The greatest possible consciousness and pure means.’

નોંધો : [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11] [12] [13] [14] [15] [16] [17] (‘અધુના’)

૦૦૦


  1. ૧. This poem which is a poem and nothing more — this poem written solely for the poem’s sake.
  2. ૨. Union of Poetry with music, we shall find the widest for thfe poetie development.
  3. ૩. I held that a long poem does not exist, A long poem is simply a flat contradiction in terms.
  4. ૪. If The Raven was written with so much calculation then it ought to be better written than it is. વાલેરીના The Art of Poetry ની એલિયટે લખેલી પ્રસ્તાવના પૃ. ૨૦.
  5. ૫. We must first take account of the fact that none of these poets know the English language very well. ‘From Poe to Valery’ To Criticize The Criticમાં.
  6. ૬. ‘Music above all.’
  7. ૭. The Poetry is really intended to be heard alound, not merely seen on the printed page. સ્ટાર્કીકૃત ‘From Gautier to Eliot’ માંથી ઉદ્‌ધૃત.
  8. ૮. To paint not things, but effect they produced.
  9. ૯. To name an object is to suppress three quarters of the enjoyment of a poem, which is made up of gradual guessing; the dream is to suggest it.
  10. ૧૦. કવિતાના સતત નિદિધ્યાસનને કારણે રાત્રીઓ ઊંઘ વિના જ પાસાર થતી. Guy Michud લખે છે. : ‘he had literally not slept for ten years. Mallarme પૃ. ૧૩૫
  11. ૧૧. ‘Every thing sacred which wishes to remain so is enveloped in mystery.’ Art like religion is sacred. Music has its secrets; why then should not poetry ? The Public should be cured of the notion that authentic poetry can be read by any at all without preparation of culture.
  12. ૧૨. Guy Michaud કૃત Mallarme પૃ.૨
  13. ૧૩. This poet used the language, as if he invented it.
  14. ૧૪. Mallarme, in half his wotks at least, still persisted in speaking a foreign language. Foreign in French to a Frenchman, he remains foreign to an Englishman in English.
  15. ૧૫. આ કાવ્યની સમગ્ર ચર્ચા માટે જુઓ Guy Michaud કૃત Mallarme પૃ. ૧૩૫ થી ૧૬૨
  16. ૧૬. Art of Poetry : પૃ. ૭૬
  17. ૧૭. Art of Poetry : પૃ. ૧૧૧