સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/સાહિત્યકાર બુદ્ધદેવ બસુ
પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર બુદ્ધદેવ બસુએ (૧૯૧૧–૧૯૭૪) આ માર્ચની ૧૮ મી તારીખે હજુ તો ઘણાં આદર્યાં અધૂરાં મૂકી, એકાએક ચિરવિદાય લીધી છે. દોઢસો ઉપરાંત પુસ્તકોના આ કર્તાનું એક એક પ્રકાશન ઘણું ખરું એક એક સાહિત્યિક ઘટના બની રહેતી. છેલ્લે છેલ્લે તે લખી રહ્યા હતા ‘મહાભારતેર કથા’ અને આત્મકથા. બુદ્ધદેવ બસુનું જે પહેલું પુસ્તક વાંચ્યાનું સ્મરણ મને તીવ્ર રૂપે થાય છે, તે છે ‘સબ પેયેછિર દેશે.’ આ પંક્તિ રવીન્દ્રનાથના એક ગીતની ધ્રુવપંક્તિ છે. સબ પેયેછિર દેશ એટલે જ્યાં બધી ઇચ્છાઓ પૂરી થાય છે તેવો દેશ – સ્વપ્નદેશ. બુદ્ધદેવ માટે આ ‘સબ પેયેછિર દેશ’ કયો ? રવીન્દ્રસાન્નિધ્યે શાંતિનિકેતન. એ પુસ્તકમાં વર્ષ ૧૯૪૧ માં બુદ્ધદેવે શાંતિનિકેતનમાં વિતાવેલા કેટલાક દિવસોની અનુભૂતિનો આલેખ છે. વાંચતાં નવાઈ લાગી હતી. એક જમાનામાં, ક હો કે દોઢેક દાયકા પહેલાં જ રવીન્દ્રવિરોધનું આંદોલન જગાવીને તરુણ બુદ્ધદેવે ઉદ્ધતાઈભરી ઘોષણા કરી હતી : રવીન્દ્રયુગ અસ્ત હયે ગેછે – રવીન્દ્ર યુગ આથમી ચૂક્યો છે. ૭૦ વર્ષને આરે પહોંચવા આવેલા રવીન્દ્રનાથ પણ ઓછા નહોતા અકળાયા આ તરુણોના વિરોધથી – વિદ્રોહથી. છતાં તરુણોની કવિતાનો સંપર્ક રાખતા અને તેને વિષે અવારનવાર પોતાનો પ્રતિભાવ, મોટે ભાગે સાનુકૂળ, આપતા આ મહાવૃદ્ધે ‘શેષેર કવિતા’ નામની નવલકથા લખીને બરાબરનો જવાબ આપ્યો. તેનો નાયક અમિત રાય છદ્મનામે કવિતા લખે છે નવી કવિતા. અને રવિ ઠાકુરની કવિતામાં ઘણાં વાંધાવચકા શોધી બતાવે છે. પોતાની નવલકથાના નાયકને મોઢે જ રવીન્દ્રનાથે પોતાની કવિતાની નિંદા કરાવી, એ નાયક દ્વારા નવા પ્રકારની કવિતા રજૂ કરીને ક્રુદ્ધ તરુણોને જાણે કે મૂગામંતર કરી દીધા. રવીન્દ્રવિરોધથી શરૂ થતી કવિતાના આંદોલનમાં પણ રવીન્દ્રનાથ મોખરે ! રવીન્દ્રવિરોધી ‘કલ્લોલ’ ગ્રુપમાં જોડાયેલા બુદ્ધદેવે ‘શેષેર કવિતા’ નો પહેલો હપ્તો અને પછી માસે માસે આવતા હપ્તા વાંચી અનુભવ્યું – જૅનો ઍકટા બન્ધ દુયાર, જા આમાદેર આનાડિ હાતેર આઘાતે કોનો ઉત્તર દેયનિ, તા ઍક જાદુકરેર સ્પર્શે હઠાત્ ખૂલે ગૅલો....(જાણે એક બંધ દરવાજો, જે અમારા શિખાઉ હાથના પ્રહારનો કોઈ જવાબ નહોતો આપતો, તે એક જાદુગરના સ્પર્શ માત્રથી એકદમ ઊઘડી ગયો). આમ, રવીન્દ્રનાથ માટે વિમિશ્ર ભાવ–એમ્બિવેલેન્સ–અનુભવતા આ તરુણોએ, તેમ છતાં, બંગાળી કવિતાને નવી દિશા આપી, બુદ્ધદેવ તેમાં અગ્રણી બની રહ્યા. જૈફ રવીન્દ્રનાથની કવિતા પણ ‘આધુનિક’ સંસ્પર્શ પામી. બંગાળી કવિતાની આ સદીના ત્રીજા દશકાની આ કાવ્યપ્રવૃત્તિ જેટલી રોમાંચક છે તેટલી નવી દિશાની પરિચાયક પણ છે. ગુજરાતીમાં ‘કોયાભગતની કડવી વાણી’ અને ‘વિશ્વશાંતિ’ નો એ ગાળો. બંગાળીમાં તે વખતે પશ્ચિમાભિમુખ દૃષ્ટિ, સાથે એલિયટનું આગમન. નવી કવિતાને માટે પત્રપત્રિકાઓનો આરંભ. શરૂમાં ‘પ્રગતિ’ પત્રિકા સાથે જોડાયા પછી તે બંધ થતાં બુદ્ધદેવે ‘કવિતા’ દ્વૈમાસિક શરૂ કર્યું. બે દાયકા કરતાં વધારે સમય સુધી બંગાળી કવિતાને દિશા આપી અને તેને વૈશ્વિક સ્તરે મૂકવાનો પ્રયાસ કર્યો. સમય જતાં બુદ્ધદેવનો રવીન્દ્રવિરોધ પણ શમિત થયો અને એ જ ‘કવિતા’ પત્રિકાનો રવીન્દ્રના ૮૦ મા જન્મદિન નિમિત્તે વિશેષાંક કાઢ્યો ! એ જ સમયે રચાયેલું ‘સબ પેયેછિર દેશે.’ બુદ્ધદેવે સાહિત્યના બધા પ્રકારો પર એકસરખી દક્ષાતાથી હાથ અજમાવ્યો છે, પણ તેઓ મુખ્યત્વે કવિ છે. પંદર જેટલા તેમના કાવ્યસંગ્રહો છે. તેમની પંદર વર્ષની વયે ‘મર્મવાણી’ નામે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો પણ ૧૯૩૦ માં પ્રગટ થતા સંગ્ર ‘બંદીર વંદના’માં કવિ બુદ્ધદેવનો સ્વતંત્ર સ્વર સફુટ થયો. તે દિવસોમાં ઢાકા વિશ્વવિદ્યાલયમાં વ્યાખ્યાન આપવા ગયેલા રવીન્દ્રનાથે વિશ્વવિદ્યાલયના છાત્ર બુદ્ધદેવની એક કવિતામાં ‘છંદ, ભાષા અને ભાવની ગૂંથણી’ જોઈ ને તેમની કવિપ્રતિભાની આગાહી કરેલી. ‘બંદીર વંદના’ કવિતામાં વિધાતાને ઉપલંભભરી વાણીમાં કવિ કહે છે કે તેં તો મને માનવસહજ વૃત્તિઓના કારાગારમાં ચિરબંદી બનાવીને સર્જ્યો છે. તેં મને અપાર લાંછિત વાસના આપી છે, લાખો વર્ષની ઉપવાસી શૃંગારકામના આપી છે તેં તો મને અમાસની રાત્રિના અંધકાર જેવી કામના આપી હતી, પણ મેં તેમાં મારી સ્વપ્નસુધા ભેળવીને તેમાંથી રચ્યો છે પ્રેમ :
તુમિ મોરે દિયેછો કામના, અંધકાર અમા-રાત્રિ સમ,
તાહે આમિ ગડિયાછિ પ્રેમ, મિલાઈયા સ્વપ્નસુધા મમ.
કવિ કહે છે કે તેં ભલે મને આવો અક્ષય ત્રુટિઓથી ભરેલો સજ્યો, પણ મેં પોતે પોતાને અમૃતાભિલાષી બનાવીને, વિશ્વના કણ કણ માધુર્યનો સંચય કરીને ‘નવો જન્મ’ આપ્યો છે.
આમ, પોતાની અનવરત સાધનાથી વિધાતાના દોષનું સંમાર્જન કરતો આ તરુણ કવિ વિદ્રોહી વાણીના જે સૂર રેલાવે છે, તેના કેન્દ્રમાં છે પ્રેમ. કવિ માત્ર પ્રેમનો કવિ હોય છે. પૂર્વસૂરિ રવિ ઠાકુર પણ પ્રેમના કવિ છે ને ! પણ બુદ્ધદેવના સમય દરમિયાન ફ્રૉઈડ આદિનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. પ્રેમના ખ્યાલ બદલાયા હતા. રવીન્દ્રનાથમાં શરીરગત પ્રેમનો અસ્વીકાર છે એવું નથી, પણ તે વધારે તો ભાવનાગત છે. તેમની નાયિકા ‘માનસી’ સવિશેષ છે. માંસલ પ્રેમના કવિ બુદ્ધદેવની નાયિકા ‘શરીરિણી’ છે – એ શરીરની મર્યાદા પણ એ જાણે છે અને છતાં તે ચાહે છે :
નતુન નનીર મતો તનુ તવ ? જાનિ, તાર ભિત્તિમૂલે
રહિયાછે કુત્સિત કંકાલ
(ઓગો કંકાવતી) X X
તબુ ભાલોબાસિ.
(તાજા નવનીત જેવું તારું શરીર છે ? જાણું છું,
તેના પાયામાં તો કુરૂપ હાડપિંજર છે, (ઓ રે કંકાવતી), તોયે ચાહું છું.)
ઉપરથી રૂપાળા લાગતા શરીરની પાછળ હાડપિંજર છે, અને તોયે વૈરાગ્ય નહિ, બલ્કે, એટલે જ પ્રેમ. શું ફ્રૉઈડ, શું પ્રિરાફેલાઈટ્સ, શું લૉરેન્સ કે શું બૉદલેર, બુદ્ધદેવની કવિતમાં આ શરીરિણી નારી છે; એ શરીરિણીના સ્પર્શની કામના છે. રવીન્દ્રનાથની એક કવિતા છે. ‘વર્ષાર દિને.’ તેનો આરંભ છે — ‘આવે દિવસે તેને કહી શકાય’ એ કવિતામાં વર્ષાના કોઈ દિવસે પોતાની પ્રેમિકા આગળ એકાંતમાં બેસી, જન્મારાથી કહેવાની મનમાં રહી ગયેલી વાત કહેવાની ઇચ્છા થાય છે. બુદ્ધદેવ રવિ ઠાકુરની આ કવિતાની આ પહેલી પંક્તિ પોતાની એક કવિતા ‘સ્પર્શેર પ્રજ્વલન’માં લે છે, પણ પછી કહે છે :
ઍખન આર કિછ બલવાર કથા નેઇ;
ઍખન શુધુ સ્પર્શેર સ્વાક્ષર,
સ્પર્શેર પ્રજવલન.
(હવે કહેવાની કોઈ વાત નથી. માત્ર સ્પર્શના હસ્તાક્ષર, સ્પર્શનું પ્રજ્વલન) અને આ સ્પર્શ તે જ ઈશ્વરનું શરીર છે. ‘દમયંતી’ કવિતામાં આ માનવસુલભ પ્રેમનો મહિમા છે. દેવતાઓના પ્રેમ કરતાં માનવીય પ્રેમ વધારે કામ્ય છે એ વાત પોતાની આત્મજાને અનુલક્ષીને કવિ કહે છે. ઇન્દ્ર, અગ્નિ કે યમને ઉવેખીને મનુજને દમયંતી કામે છે, કેમ કે નિરાવૃત્ત, વિશુદ્ધ, આદિમ પ્રેમને મૃત્યુ નથી :
જે પ્રણય,
વિવસન, વિશુદ્ધ, જાન્તવ
મૃત્યુ નેઇ તાર.
‘દમયંતી’ કવિતામાં શૃંગાર અને વાત્સલ્ય એ બે ભાવો સાથે સાથે છે. દમયંતી પોતાની પુત્રી છે તે માટેની વાત્સલ્યભાવનાનું અને પૂર્વયૌવના છે તે અનુષંગે સેન્દ્રીયતાનું નિરૂપણ છે. (રસાભાસ ? નગીનદાસ કહી શકે.) હિન્દી કવિ નિરાલા પોતાની પુત્રી વિષેના એક શોકકાવ્ય ‘સરોજસ્મૃતિ’ માં આ બે રસોનો યુગપત્ નિર્વાહ કરે છે. ‘મૃત્યુ પરે : જન્મેર આગે’ કવિતામાં વર્ષના ટૂંકામાં ટૂંકા દિવસે (હ્રસ્વતમ દિને) કવિ વિચારે છે ‘હવે ગીત શા માટે ? આ પાનખરમાં ? આ ઢળતી વયે ? વિચારતાં વિચારતાં કવિ કહે છે તે તેમણે આજીવન પ્રેમની કવિતા કરી છે. પ્રેમ કોને કર્યો છે ? તો કહે છે કે નારીને અને વાણીને. એ પ્રેમનું નિવાસ્થાન છે હૃદય. શરીર ભલે વૃદ્ધ બને, પણ હૃદયમાં પ્રેમની ઇચ્છા નિરંતર બની રહેશે. આ પ્રેમ જ ગીતનું ઉગમસ્થાન છે એટલે આ પાનખરમાં આ ઢળતી વયે પણ ગીત. હમણાં થોડાક દિવસ ઉપર ‘ઉત્તરસૂરિ’ પત્રિકાનો ૧૯૭૨નો એક અંક જોતાં બુદ્ધદેવનું એક કાવ્ય ઉદ્ધૃત કરેલું જોવા મળેલું. પ્રેમની એક સુકુમાર સંવેદના અહીં છે. અહીં પણ ગાઢ ઉત્તપ્તતા છે, પણ કેટલી તો જુદી છે અગાઉથી ! આરંભિક અંશ છે :
આજિ રાતે બાલિસ ફેલે દાઓ,
માથા રાખો પરસ્પરેર બાહુતે
શાનો દૂરે સમુદ્રેર સ્વર,
આર ઝાઉવને સ્વપ્નેર મતો નિસ્વન,
ઘૂમિયે પોડોના,
કથા બૉલેઓ નષ્ટ કોરોના ઍઇ રાતે –
શુધુ અનુભવ કરો અસ્તિત્વ.
(આજ રાત્રે ઓશીકાં દૂર કરો, એકબીજાના હાથનું ઓશીકું કરો દૂરથી આવતો સમુદ્રનો અવાજ સાંભળો અને સાંભળો ઝાઉવનમાં સ્વપ્ન જેવી નિઃસ્વનતા, ઊંઘી ન જશો, વાતો કરીને પણ બરબાદ ન કરશો આ રાત્રિ – માત્ર અસ્તિત્વનો અનુભવ કરી રહો.) કવિતામાં કવિ એક નવદંપતીને ઉદ્દેશીને આ વાત કરે છે. બે મળીને એક થવાની ‘સ્વર્ગકામના’ બુદ્ધદેવમાં અનેક વાર છે, પણ ઉત્તર બુદ્ધદેવની આ એક નમનીય ભંગી છે. બુદ્ધદેવ જેમ નારીને તેમ વાણીને ચાહે છે. પ્રેમ અને કવિતા જાણે પર્યાયો છે. એટલે કવિતાથી પ્રેમ પામે છે, પ્રેમથી કવિતા પામે છે. ‘કથા બુને, છંદ ગેંથે, શબ્દ છેને આમિ શુધુ ભાલોઇ બેસેછિ.’ —કથા વણી, છંદ ગૂંથી, શબ્દ યોજી મેં પ્રેમ જ કર્યો છે. બુદ્ધદેવને છંદ અને શબ્દલીલામાં અપરંપાર કૌતુક છે. બુદ્ધદેવ કવિતા ઘડે છે. તેમાં છંદની ગંભીરતા કે પ્રાસાનુપ્રાસની પરંપરા, શ્લોકબદ્ધતા કે કૃતિની એકત્વના અશ્ચર્ય પમાડે તેવી હોય છે. એક માત્ર ‘કંકાવતી’ કવિતા વાંચનાર પણ આ કહી શકે. ‘એક દિન : ચિરદિન’ તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ છે. ‘એનું વાહન ગદ્ય છે, અર્ન્તવસ્તુ વિશુદ્ધ કવિતા.’
✽✽
બુદ્ધદેવની કથાલેખનની પ્રવૃત્તિ તેમની કાવ્યપ્રવૃત્તિની સમાંતર જ ચાલતી રહી છે. એ ક્ષેત્રમાં એમના પુરોગામી રવીન્દ્રનાથ ઉપરાંત શરદબાબુ અને તારાશંકરની વસ્તુપ્રધાન કે ચરિત્રપ્રધાન વાર્તા-નવલકથા પછી બુદ્ધદેવ, અચિન્ત સેનગુપ્ત વગેરે લેખકો મનોવૈજ્ઞાનિક કથાસૃષ્ટિ લઈ ને આવે છે. ફ્રોઈડ સાથે સ્ટ્રીમ ઑફ કોન્સ્યસનેસ નવલકથાના પરિચયમાં તેઓ આવ્યા છે. તેમનો દૃષ્ટિકોણ તો બદલાયેલો હતો જ. નૈતિકતાનો પરંપરાગત આગ્રહ સેવવા કરતાં, તેઓ પોતાનાં ભીતરી સંવેગોનું પ્રામાણિક આલેખન કરવા ચાહે છે, તેમાં છે જાતીય આવેગ અને ઉન્માદ, નીતિની સીમાઓ ઓળંગી જતો અવૈધ પ્રેમ. ‘નષ્ટનીડ’ માં રવીન્દ્રનાથે ક્ષિતિજ દેખાડી હતી, ત્યાં જઈ આ નવોદિતો ઊભા. મનોવૈજ્ઞાનિક નિરૂપણરીતિમાં ગૂંથાયેલા જાતીય આકર્ષણની વાર્તા-નવલકથાઓએ ખળભળાટ મચાવ્યો. અચિંત્ય સેનગુપ્તે ‘કલ્લોલયુગ’ પુસ્તકમાં ‘કલ્લોલ’ માં બુદ્ધદેવની પહેલી વાર્તા ‘રજની હલો ઉતલા’ છપાતાં તે વખતના બંગાળી સમાજમાં ‘તુમુલ હાહાકાર’ થયાની વાત નોંધી છે. લોકોને લાગ્યું – ‘ગયું , ગયું, બધું ગયું, સમાજ ગયો, સાહિત્ય ગયું, ધર્મ ગયો, સુનીતિ ગઈ.’ ‘કલ્લોલ’ પર પસ્તાળ પડેલી. જોકે આ વાર્તા આજે વાંચતા આટલી પ્રભાવક કે વિસ્ફોટક લાગતી નથી. ૧૯૩૩માં બુદ્ધદેવનો એક વાર્તાસંગ્રહ ‘એરા આર ઓરા એવં આરઓ અનેક’ સરકારે જપ્ત કરેલો. ૧૯ માર્ચ ૧૯૭૪ના ‘બંગાળી આનંદ બજાર’ પત્રિકા દૈનિકમાં, ૧૯૩૩માંં સરકારી જપ્તીના વિરોધની જે નોંધ હતી, તેનો ઉતારો ટાંક્યો છે. તેમાં તરુણ બુદ્ધદેવની શક્તિ બિરદાવી, સાહિત્યરસિકો માટે આસ્વાદ્ય તે વાર્તાઓ છે એવું કહી પછી સરકારી પોલીસતંત્રની ટીકા કરી છે : ‘ઍમન એકખાના ભાલો બઇ – અરે એઇ પુલિસી જુલુમ પુલિસેર કર્તા એવં તાંહાદેર પરામર્શદાતાર નિબુર્દ્ધિતા, સ્પર્ધા ઓ કથાસાહિત્ય સંપર્કે અજ્ઞતારઇ પરિચાયક.’ (આવી એક સારી ચોપડી પર પોલીસનો જુલમ, પોલીસ ઉપરી અને તેના સલાહકારના ભોટપણા, ગુસ્તાખી અને કથાસાહિત્યના અજ્ઞાનનો પરિચાયક છે.) આ વાતાસંગ્રહ ૨૫ વર્ષના તરુણ બુદ્ધદેવની રચના હતી. એ રચના જેવું જ ભાગ્ય નિર્માયું હતું ‘રાત ભ’રે વૃષ્ટિ’ નવલકથાનું. ૬૨ વર્ષના બુદ્ધદેવની એ રચના ૧૯૭૦માં તેના પર નીચલી કૉર્ટમાં ખટલો ચાલ્યો. બુદ્ધદેવને દંડ થયો, પુસ્તક જપ્ત થયું. આરોપીના પાંજરામાં મુદતે મુદતે ઊભા રહેતા આ સર્જકની યંત્રણા કલ્પી શકાય છે. છેવટે હાઈકોર્ટ તથાકથિત અશ્લીલતાના આરોપમાંથી નવલકથાને મુક્ત જાહેર કરી. વાસ્તવમાં એ પુસ્તક વાંચતાં અશ્લીલતાની આવી કોઈ છાપ કોઈ રસજ્ઞના ચિત્તમાં ભાગ્યે જ ઊઠે. ‘રાત ભ’રે વૃષ્ટિ’ રવીન્દ્રનાથની ‘ઘરે બાહિરે’ની રીતિ પર લખાઈ છે. વિષય પણ એ જ છે – પરિણીતા નારીનો અન્ય પુરુષાશ્રિત પ્રેમ. પણ રવીન્દ્રનાથ વિમળા અને સંદીપનો સંબંધ એક સીમા સુધી લઈ જઈ, તેમાંથી વિમળાની મુક્તિનાં ચિહ્નોનો અણસાર આપી થંભી જાય છે. આ નવલકથા તેની નાયિકા માલતી અને તેના પતિના મિત્ર જયંતનો શરીરસંબંધ થયા પછી શરૂ થાય છે. ફ્લૅશબૅકની ટૅક્નિક છે. માત્ર એક જ રાતની વાત છે. તે આખી રાત સમી સાંજથી શરૂ થયેલી વૃષ્ટિ અનરાધાર ચાલતી રહે છે. માલતીના કથનથી વાર્તા શરૂ થાય છે : હ’યે ગેછે–ઓટા હ’યે ગેછે–એખન આર કિછુ બલાર નેઇ. આમિ, માલતી મુખો–પાધ્યાપ, ઍક જનેર સ્રી, આર ઍક જનેર મા, આમિ ઓટા કરેછિ, કરેછિ જયંતેર સંગે, જયંત આમાકે ચેયેછિ, આમિઓ તાકે...
ભાલો લાગે છે એખન બેશ ભાલો લાગેછે અમાર.
(થઈ ગયું છે – તે થઈ ગયું છે – હવે બીજું કંઈ કહેવાનું નથી. હું, માલતી મુખોપાધ્યાય, એક જણની પત્ની અને એક સંતાનની મા – મેં એ કર્યું છે, કર્યું છે જયંત સાથે, જયંત સાથે, જયંત મને ચાહતો ચાહતો હતો હું તેને... સારું લાગે છે, હવે ઘણું સારું લાગે છે મને.) માલતીને પરપુરુષ જયંત સાથે સૂવામાં સખ્લન લાગતું નથી, બલકે અતૃપ્ત રહી ગયેલા નારીજીવનની – નારીદેહની ચરિતાર્થતા લાગે છે. લેખક પોતાના પાત્રના મના ઊંડાણોમાં ઊતરે છે. પોતાના પતિ નયનાંશુ પ્રત્યેની એની લાગણી ધીમે ધીમે કેવી રીતે જયંત તરફ ઢળતી ગઈ છે અને શરીરસંબંધની કક્ષાએ આવે છે તેનું પ્રતીતિકર મનોવૈજ્ઞાનિક નિરૂપણ છે. નયનાંશુ સુંદર છે, વિદ્વાન છે. પણ એ ‘પોથીપંડિત’ (બઇ પડા આદમી) છે. લગ્ન પછીના દિવસે માલતીને કવિતાઓ સંભળાવે છે, પુરાણ ઇતિહાસમાંથી વીણી વીણીને પ્રેમવાર્તાઓ સંભળાવે છે, પ્રેમ કરવાના સમયે પ્રેમની વાતો કરી સમય નષ્ટ કરે છે. (આપણને સુન્દરમ્ની ‘નાગરિકા’ વાર્તા બરાબર યાદ આવશે. આ નયનાંશુ સુન્દરમ્ની ‘નાગરિકા’નો જ એક રીતે નાયક જોઈ લો.) એટલે માલતી આજે જયંત સાથે સૂઈ ગયા પછી, જાણે પોતાને ન્યાય્ય ઠેરવવા કહે છે : ‘સાત સંતાનની મા થઈને પણ કોઈ નારી કુંવારી રહી શકે.’ પતિ નયનાંશુએ તેને પુત્રી આપી છે, પણ માલતીના જીવનમાં ન સમજાય છે. એ કહે છે : ‘હું તો મનુષ્ય છું, નારી છું. મારું પણ લોહીમાંસનું શરીર છે...’ તે કહે છે : યદિ અન્ય કોનો પુરુષ ઍમન કિછુ દિતે પારે જો સ્વામી પારે ના, ના, દિતે ચાયના, તાહલે કેન આકાશ પડબે ? આમિ અન્યાય ભાવછિ ! (જો કોઈ પરપુરુષ એવું કશુંક આપી શકે, જે પતિ આપી શકતો ન હોય, અથવા આપવા માગતો ના હોય, તો શું આકાશ ટૂટી પડવાનું હતું ? મારી વાત ખોટી છે ?) તે પછી નયનાંશુની ઉક્તિમાં, માલતીના ‘સખ્લન’નો અણસાર તેને મળી જવા છતાં, એક વિચિત્ર ઔદાર્ય દેખાય છે, એ માલતીને કળવા દેતો નથી કે પોતે બધું કળી ગયો છે. પણ એક ભયંકત અંતર્દ્વન્દ્વ તેના મનમાં ચાલે છે, જે તેના આજ સુધીના પ્રેમવિષયક ખ્યાલોની ભૂમિકા પર પણ લઈ જાય છે. એનો ‘ભવ્યતા બોધ’, ‘શાલીનતા બોધ’ પ્રેમનો રોમાન્ટિકક ખ્યાલ બધું દળેદળ ખૂલે છે. માલતીનો જયંત સાથે પરિચય પણ તેણે કરાવેલો અને પછી ધીરે ધીરે તેની આંખ નીચે જ બન્ને વચ્ચે એક ગોપન ફલ્ગુધારા વહેતી થયેલી તે પણ તે પામી ગયેલો. નયનાંશુની અપ્રતિમ શાંત વ્યથા માલતીની વધતી જતી વિમુખતાથી ઊંડી બનતી ગઈ છે. પરિણામે બન્ને વચ્ચે ન પુરાય તેવી તિરાડ જન્મી છે. દામ્પત્યજીવન ઉપરથી સુષ્ઠુ સુષ્ઠુ લાગવા છતાં અંદરથી વેરણછેરણ થઈ રહ્યું છે, તે તે જોઈ શક્યો છે. માલતીને લાગે છે કે નયનાંશુ એટલો આત્મકેન્દ્રી છે, આત્મરત છે કે તેણે તેને કદી ચાહી જ નથી. તેણે માલતીના વ્યક્તિત્વનો સમદર કર્યો નથી, તે જાણે નયનાંશુના વ્યક્તિત્વની પૂર્તિ માટે જ છે. એટલે ધીમે ધીમે માત્ર વિરાગ જ નહિ. નયનાંશુ માટે મનોમન ધિક્કાર જન્મે છે. બેડરૂમમાં બન્નેના પલંગ અલગ અલગ કરવાથી માંડી અલગ અલગ રૂમમાં સૂવાની વાતથી ઘણું બધું સૂચવાય છે. નયનાંશુના સ્પર્શ માત્રથી તે જાણે ‘થીજી’ જાય છે, એને ચીતરી ચઢે છે ! જ્યારે જયંત, માલતી કહે છે :
આમાર આલો, આમાર રોદ, આમાર જયંત
(મારો પ્રકાશ, મારો તડકો, મારો જયંત.)
કરુણતા તો એ છે કે આમ છતાં, પતિ-પત્નીને સાથે રહેવું પડે છે. નયનાંશુને છૂટાછેડાના વિચારો આવી જાય છે, પણ એની ‘શાલીનતા’, ‘ભદ્રતા’ આડે આવે છે; એનામાં અદેખાઈ પણ જાગે છે. એ માલતીને છૂટાછેડા આપ્યા વિના તેને આમ છિન્ન-ભિન્ન થતી જોવામાં ‘બદલો’ લેવાની ભાવનાની પરિતૃપ્તિ પામવા ચાહે છે. આમ માલતી વિચારે છે, આમ નયનાંશુક વિચારે છે. બહાર અનરાધાર વરસાદ વરસે જાય છે. એક જ ઘરમાં પતિપત્ની વચ્ચે માઈલોનું અંતર છે. બન્નેએ મનથી તો એકબીજાને છૂટાછેડા આપી દીધા છે, પણ ભદ્ર સમાજમાં તેઓ પતિપત્ની છે. જીવન સાથે પરાજયની સમજૂતી જ છેવટે શું ? એકબીજાને ધિક્કારીને એકબીજાને સાથે જ જીવ્યે જવાનું ? —સવાર થાય છે, તડકો આવે છે, નયનાંશુને શું એ નવા દિવસનું વળી પાછું અભિવાદન કરવાનું છે ? એક બાજુ પ્રેમની પરિતૃપ્તિની અને બીજી બાજુ છિન્ન દામ્પત્યની ‘રાત ભ’રે વષ્ટિ’ કરુણ કથા છે. બુદ્ધદેવની અન્ય નવલકથાઓની જેમ આ નવલકથા પણ કાવ્યધર્મી છે. માલતી અને નયનાંશુના મનના ભીતરી પ્રવાહોના આલેખનમાં સૂક્ષ્મતાની સાથે ગંભીરતા છે. ભાષા બટકણા છટકણા મનોભાવોને લીલયા રજૂ કરે છે. પોતાના પુરોગામીની ટૅક્નિકનો સહારો લઈને, બુદ્ધદેવે એ ટૅક્નિકને એક નવી ધાર આપી છે. કથાવિકાસનો ‘ઘરે બાહિરે’થી અહીં વિપર્યય છે. અંતથી શરૂ થઈ અંત સુધી, એક રાતના સમયપટ પર વિસ્તરિત આ ઊર્મિ-પ્રવણ-નવલકથા, ઉત્તમ કલાકૃતિ બની રહે છે.
✽✽
વિવેચનક્ષેત્રે બુદ્ધદેવની સહ્રદયતા અને પાંડિત્યનો વિનિયોગ જોવા મળે છે. રવીન્દ્રોત્તર બંગાળી કવિતાનો માર્ગ પ્રશસ્ત કરવા નવી કવિતા વિષે અવિરામ લખ્યે ગયા છે. જ્યારે જીવનાનંદ દાસની કવિતા ઉપેક્ષા અને વિશેષ તો કઠોર ભર્ત્સના પામી રહી હતી ત્યારે બુદ્ધદેવે ઉમળકાથી તેનો ‘કવિતા’ના પૃષ્ઠો પર પુરસ્કાર કર્યો છે; જીવનાનંદ ઉપરાંત પોતાના લગભગ બધા સમકાલીનોની કવિતા વિષે અકુંઠિત ભાવે સમભાવપૂર્વક લખ્યું છે. સમકાલીનોની એ વિવેચનાનો સંગ્રહ પછી ‘કાલેર પુતુલ’ નામે પ્રગટ થયો છે. તેમણે પોતાના સમકાલીનો વિષે જે ભાવે, જેટલું લખ્યું છે, તેટલું તેમના સમકાલીનોએ તેમને વિષે કદાચ નથી લખ્યું. તેમની પત્રિકા ‘કવિતા’ એક પ્રકારનું પ્લૅટફોર્મ હતી, જ્યાં નવા કવિઓ આવી મળતા, જ્યાં વાદવિવાદ થતા, પત્રચર્ચાઓ થતી. કવિતા જ્યાંથી પ્રગટ થતી તે તેમના નિવાસ ૨૦૨, રાસબિહારી ઍવન્યુ, ‘કવિતાભવન’માં સર્જકોની મજલિસ જામતી. રવીન્દ્રનાથની કવિતા અને કથાસાહિત્ય વિષે સમતોલ અને મર્મગામી વિવેચન પણ બુદ્ધદેવે આપ્યું છે. બંગાળી ભાષાથી અપરિચિત વાચકોને તેમણે રવીન્દ્રનાથ વિષે મુંબઈ યુનિવર્સિટીમાં આપેલાં અને પુસ્તકાકારે પ્રગટ થયેલાં વ્યાખ્યાનો – ‘ટાગોર – પોટ્રેટ ઑફ ધ પોએટ’—નું વાચન આનંદપ્રદ બનશે. બુદ્ધદેવના વિવેચનમાં એક વિશાળ તુલનાત્મક અભિગમ હોય છે. બૉદલેરની રોમાન્ટિકતા વિષે લખતા હોય તો સમગ્ર રોમાન્ટિક ધારા અને ઘરઆંગણાના રવીન્દ્રનાથની રોમાન્ટિકતાનો સંદર્ભ તેમાં હોય. રવીન્દ્રનાથનું મૂલ્યાંકન કરતી વખતે હ્યુગો, વડર્ઝવર્થ, શેલી, કીટ્સ અને ગટેની વાત આવે. બુદ્ધદેવમાં કોઈ સામાજિક કે રાજકીય પ્રતિબદ્ધતા નથી. તેમનાં વિવેચનો આવા કોઈ અભિગમથી મુક્ત છે. પણ તેમના વિવેચનમાં ફ્રોઈડવાદી અભિગમ છે. તેમણે કરેલું ‘મેઘદૂત’ નું વિવેચન ઉદાહરણરૂપે છે. તેમ છતાં તેઓ મુખ્યત્વે કલાવાદી છે. આધુનિકોમાં આદ્ય હોવા છતાં બુદ્ધદેવની રુચિનું ક્ષેત્ર માત્ર આધુનિક સાહિત્ય પૂરતું સીમિત નથી. આપણને આશ્ચર્ય થાય તેટલા વિશાળ કૅનવાસને તેઓ આવરી લે છે. એ વાત તેમના અનુવાદો વાંચતાં પણ સમજાય છે. અનુવાદના ક્ષેત્રમાં પણ તેમણે એક માનદંડ સ્થાપિત કરી આપ્યો છે, તેમના અનુવાદોએ બંગાળી કવિતાને ઉર્વર કરી છે. તેમણે બૉદલેર, હોલ્ડરલીન અને રિલ્કેની કવિતાના પ્રસ્તાવના, ટિપ્પણ સાથેના સુંદર બંગાળી અનુવાદો આપ્યા છે. કાલિદાસના ‘મેઘદૂત’નો તેમનો અનુવાદ પણ એટલો જ આવકાર પામ્યો. અનુવાદ પણ એટલો જ આવકાર પામ્યો. અનુવાદ સ્વતંત્ર રચના તરીકે આસ્વાદ્ય બને તે તેમનો ઉપક્રમ હોય છે. (તે વખતે વિષ્ણુ દેએ બંગાળીમાં એલિયટને ઉતાર્યો અને સુધીન્દ્રનાથે માલાર્મે વાલેરીને ઉતાર્યા). બંગાળી નવી કવિતાના પ્રોત્સાહન અને પથદર્શનમાં આમ, બુદ્ધદેવના સંપાદન, વિવેચન અને અનુવાદોનું પ્રદાન મહત્ત્વનું છે.
✽✽
નાટ્યલેખન બુદ્ધદેવની સાહિત્યિક કારકિર્દીમાં ઉત્તરાવસ્થામાં પ્રવેશ પામે છે. ૧૯૬૭માં ‘તપસ્વી ઓ તરંગિણી’ તેમનું પ્રથમ નાટક પ્રગટ થયું. (વિદ્યાર્થી–વયમાં ‘રાવણ’ નામે એક નાટક લખેલું.) નાટકને સાહિત્ય અકાદેમીનો ઍવોર્ડ મળ્યો. ઋષ્યશૃંગના પૌરાણિક આખ્યાન પર લખાયેલા આ નાટકમાં પણ કામતત્ત્વની પુણ્યપ્રતિષ્ઠા છે. સમાન્ય રીતે વગોવાતો કામ અહીં બે વ્યક્તિઓને પુણ્યને માર્ગે લઈ જાય છે. આમ તો નાટક પૌરાણિક છે, પણ તેમાં આજના માણસનાં સંઘર્ષ, વેદના અને રોમાન્ટિક આવેગ જોઈ શકાય. ચાર અંકના આ નાટકમાં ગ્રીક નાટ્યશિલ્પનો પણ સુમેળ છે. નાટકની મંચનક્ષમતા નિર્વિવાદ છે. વારંગના ‘તરંગિણી’નું પાત્ર બુદ્ધદેવનું, બંગાળી શબ્દ વાપરીએ તો, એક ‘અપરૂપ’ સર્જન છે. નાટકની ભાષા પણ એટલી જ સજીવ અને કવિત્વમંડિત છે. ‘પ્રથમ પાર્થ’ અને ‘કાલસંધ્યા’ મહાભારત પર આધારિત નાટકો છે. કાલસંધ્યા બે અંકનું, પૂર્વરંગ અને ઉત્તરકથન ધરાવતું પદ્યનાટક છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી ગાંધારીએ કૃષ્ણને શાપ આપ્યો હતો કે તમે જેમ કુરુપાંડવનો વિનાશ સર્જ્યો છે, યાદવોના નાશના નિમિત્ત પણ તમે બનશો. તમારું પણ અપમૃત્યુ થશે. અહીં એ સમય અને ઘટના છે. કૃષ્ણ સમજી ગયા છે કે હવે યાદવોના આંતરકલહનો સમય આવ્યો છે. સુભદ્રા, સત્યભામાને એની જાણ કરે છે. અર્જુન આવે છે, અર્જુનને પણ એ આસન્ન ઘટનાની જાણ કરે છે, અને અંતઃપુરની સ્રીઓને સાચવીને લઈ જવાનું કહે છે, રસ્તામાં દસ્યુઓના આક્રમણમાં અર્જુન નિષ્ફળ નીવડતાં ગ્લાનિથી ઘેરાઈ જાય છે. સ્રીઓ હરાય છે, જાતે ચાલી જાય છે, કૃષ્ણને પોકારતાં, માત્ર ‘શાન્ત હઓ પાર્થ’ એવી કૃષ્ણવાણી અર્જુનને સંભળાય છે. છેવટે આત્મગ્લાનિજર્જર અર્જુન વ્યાસદેવ પાસે જઈ પરિતાપ કરે છે. વ્યાસદેવ કહે છે : ‘હવે તમારા મહાપ્રયાણનો સમય આવી ગયો છે, એક વર્તુળ પૂરું થયું.’ બુદ્ધદેવે આ બે ઉપરાંત અન્ય નાટકોથી નાટ્યક્ષેત્રે પણ નવો ઉન્મેષ દાખવ્યો. સ્વ. જયંતી દલાલનું મહાભારતના લગભગ આ જ કથાનક પર આધારિત ‘જાણતે છતે’નું સ્મરણ થશે. સ્વ. જયંતીભાઈ છેલ્લે છેલ્લે મહાભારતના અભ્યાસમાં હતા. મેં તેમને તે દિવસોમાં બુદ્ધદેવના આ નાટકની વાત કરેલી, ત્યારે તેમણે એવા ભાવનું કહેલું, કોણ જાણે પણ આપણા સર્જકો હમણાં મહાભારત ભણી વળ્યા છે. બુદ્ધદેવે મહાભારતના અભ્યાસરૂપે ‘દેશ’ સાપ્તાહિકમાં લખેલા લેખો ‘મહાભારતેર કથા’ને નામે પ્રગટ થયા છે. આ અધ્યયન પણ વિશ્વસાહિત્યની પૃષ્ઠભૂમિ પર સ્થાપિત છે. ‘મહાભારત’ વિષે ચાલતા લેખનની સાથે તેઓ પોતાની આત્મકથા પણ લખી રહ્યા હતા. તેમાં ‘આમાર છેલબૅલા’ (મારું બચપણ) પ્રગટ થયું છે. જ્યારે ‘આમાર યૌવન’ નું પહેલું પર્વ પ્રગટ થવામાં છે તેમની આત્મકથાના ઉજ્જવળ અધ્યાયો હવે આપણને નહિ મળે. આમેય તે આત્મકથાને કોણ છેલ્લા અધ્યાય સુધી પહોંચાડી શક્યું છે ? બુદ્ધદેવ એટલે વૈવિધ્ય અને વૈપુલ્ય. બુદ્ધદેવ એટલે અનવરત શબ્દસાધના. સાહિત્યને જ આરાધ્યસ્થાને સ્થાપિત કરનાર આ સર્જકની એકાએક ચિરવિદાય આપણને રંજથી ભરી દે છે.
૧૯૭૪
(‘પૂર્વાપર’)
૦૦૦