સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અંબુભાઈ શાહ/“પૂરા પૈસા આપીએ તોય…?”
કેળવાયેલું અને આગળ પડતું કુટુંબ. એમના નિવાસસ્થાન આગળ એક મરી ગયેલું કૂતરું દુર્ગંધ મારતું સડતું, આગલા દિવસથી પડ્યું હતું. ગ્રામસેવક ત્યાંથી પસાર થતા હતા, તેમણે આ દૃશ્ય જોઈને કુટુંબના વડાને પૂછ્યું કે “આ મરેલા કૂતરાનો નિકાલ કેમ નથી થયો?” કુટુંબના વડા સજ્જન પુરુષ હતા. એમણે ખુલાસો કર્યો કે, “ભાઈ! કાલથી એના નિકાલ માટે પ્રયત્ન કરું છું. ભંગીવાસ, હરિજનવાસ, વાઘરીવાસ એમ બધે અકેક-બબ્બે આંટા મારી આવ્યો. આવું-આવું કરે છે, પણ હજુ કોઈ આવતું નથી. હવે તમે કંઈ કહો ને આવે તો!” ગ્રામસેવકે કહ્યું : “આપણાથી કોઈને ફરજ તો પાડી શકાય નહીં. આવવું ન આવવું એમની ઇચ્છાની વાત છે.” “પણ આપણે ક્યાં મફત કરાવવું છે? એમને પૈસા આપીશું.” “તમારી વાત ઠીક છે કે તમે મફત કામ નથી કરાવવા માગતા. પણ પૈસા લઈનેય કરવું કે ન કરવું તે તો એમની ઇચ્છા ઉપર આધાર રાખે છે ને?” “પણ મોંમાગ્યા પૈસા આપીએ પછી એમને ક્યાં વાંધો આવે છે?” “માની લો કે તમને જ કોઈ કહે કે મોંમાગ્યા પૈસા આપીએ, તમે આ મરેલું કૂતરું ખેંચીને ગામ બહાર નાખી આવો, તો તમને કંઈ વાંધો ખરો?” “પણ… પણ…” કુટુંબના વડાને તરત કંઈ જવાબ સૂઝ્યો નહીં. પણ પછી તરત એ બોલ્યા, “પણ એ આપણું કામ છે?” “તો શું એ એમનું જ કામ છે? પણ અત્યારે તો ચાલો આ દુર્ગંધને અહીંથી બહાર નાખી આવીએ.” એમ કહીને ગ્રામસેવકે એક દોરી મંગાવી, મરેલા કૂતરાના પગે બાંધી ઢસરડીને ગામ બહાર દૂર જઈ દાટી આવ્યા. જે કામની સમાજમાં પ્રતિષ્ઠા છે તે કામ તે કરવા માણસ ઇચ્છે છે. પણ તેવું કામ ન મળે તો પછી જીવવા ખાતર જેવું મળે તેવું હલકું ગણાતું કામ પણ તે કરતો હોય છે. મેલું ઉપાડવું, મરેલાં પશુ તાણવાં વગેરે હલકાં ગણાતાં કામો ભંગી, હરિજન કે વાઘરી કરે છે ખરા, પણ એમનું મન એ કામ કરવા બિલકુલ તૈયાર નથી. અને એનું કારણ એ છે કે એ કામને આપણે હલકું ગણ્યું છે, અને હલકું કામ કરનારને પણ આપણે હલકા ગણીએ છીએ, એનો તિરસ્કાર કરીએ છીએ. સમાજઉપયોગી દરેક કામ કરનારની પ્રતિષ્ઠા હોવી જોઈએ, અને પ્રતિષ્ઠિત માણસોને પણ એ કામ કરવામાં શરમ કે નાનમ ન લાગવી જોઈએ. [‘વિશ્વવાત્સલ્ય’ પખવાડિક : ૧૯૭૭]