સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/નવી પેઢીના વત્સલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          વડીલ ગુજરાતના કીર્તિતમંત પંડિતયુગના મહારથીઓમાં બળવંતરાય ઠાકોર વધુ નસીબદાર એ બાબતમાં કે અનુગામી નવી પેઢી ઉપર પ્રભાવક અસર પાડી તેના માર્ગદર્શક સાહિત્યાચાર્યનાં આદરસન્માન તે પામી ગયા. ભાવિ સિદ્ધિની શક્યતા દેખાડનારા નવીનોને પારખી પકડી, તેમની જોડે દાદા-પેઢીના ઊંચા બેસણેથી નીચે ઊતરી, વત્સલ વડીલના નાતે એ નાની પેઢીના મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક બની જવાની દક્ષતાનો એમને સાંપડેલ બહુમાનમાં સારો હિસ્સો. કલાના અનભિજ્ઞો, અલ્પાધિકારીઓ અને અનધિકારીઓ ઉપર ઠેરઠેર પ્રહાર કરનાર ઠાકોરે રમણલાલ દેસાઈ, ચંદ્રવદન મહેતા, હંસાબહેન મહેતા, ત્રિભુવન વ્યાસ, ‘સ્નેહરશ્મિ’, વિનોદિની નીલકંઠ જેવાં અનુગામી પેઢીનાં લેખકોની વત્સલ ભાવે પીઠ થાબડી તેમના ગુણાંશો પ્રગટ કર્યા છે. તો સૌની કોઈ કોઈ ઊણપો ચીંધી બતાવવામાં કશું ઊણું ન જ ચલાવી લેનારી તેમની સાહિત્ય-ચોકીદારની વૃત્તિની આપણને પિછાન થાય છે. આપણા જ્વલંત પંડિતયુગના સાહિત્યમહારથીઓની પહેલી હરોળમાં આસનના અધિકારી, બહુમુખી પ્રતિભાશાળી આ સાહિત્યકાર જે સેવા બજાવી ગયા છે, તેની કદર એમના જીવતાં ગુજરાતે ઓછી બૂઝી નથી. વિદ્વાનોએ તથા સર્જકોએ એમને જ્ઞાનવૃદ્ધ સાહિત્યનેતા તથા કવિગુરુ તરીકે ઘણા આદરથી સન્માન્યા હતા. આજના કવિઓ-વિવેચકો અને સાહિત્યના અભ્યાસીઓ એમનાં લખાણોનું પારાયણ કરી નાખશે તો પોતાનાં અત્યાર સુધીનાં કર્યાં-કારવ્યાંથી “પુણ્યશાળી અસંતોષ” અનુભવી નવા વિક્રમ માટેની સ્ફુરણા મેળવશે.