સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/લોકોને જોઈએ છે સાહિત્યપારેખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સ્વરાજને સંવર્ધવાની પાત્રાતા મેળવવા માટે પ્રજાની આંતરિક તાકાત અને શુદ્ધિ વધારવાની ખાસ જરૂર છે. પ્રજાના હૈયાને ધોતા રહી એને શુદ્ધ રાખવાનું કામ બહુ જરૂરી છે. પ્રજાના હૃદયને મુલાયમતાથી સ્પર્શી તેની મૂર્ચ્છિત ચેતના જગાડવાનું કાર્ય સાહિત્યકારોનું છે. પ્રજાની આંખમાં ગંગાજળ આંજી, તેના પગમાં પ્રેય અને શ્રેયની સિદ્ધિ ભણી પ્રયાણ માટે બળ ભરી, તેનું સંસ્કારનિર્માતા-બળ બની સાહિત્ય કૃતાર્થ થવાનું છે. આવું સાહિત્ય સર્જવા માટે સાહિત્યકારોએ પોતાની સંપત્તિ વધારવાની છે, તેમ પ્રકાશદાતા સાહિત્યને ઝીલતાં વાચકવર્ગે શીખવાની જરૂર પણ મોટી છે. આપણે ત્યાં પુસ્તક-પ્રકાશનનો પારો ઝપાટાબંધ ચઢતો જાય છે. નવલરામના ‘ઓથારિયા હડકવા’ વિશેના ચર્ચાપત્રાને સંભારી આપે તેટલું બધું છપાયે જ જાય છે. આવું ઢગલાબંધ સાહિત્ય જુદી જુદી કક્ષાના વાચકોના હાથમાં જઈ પડી સારા-માઠા સંસ્કાર પાડે છે. આવી પરિસ્થિતિમાં એમાંથી સત્ત્વશાળી કલાકૃતિ કઈ અને વાચકોનાં સમય તથા ગજવા પર અત્યાચાર કરનારી કૃતિઓ કઈ, તેની યોગ્ય પરખ લોકોને માટે કરી આપનારા ચુનંદા સાહિત્યપારેખોની બહુ મોટી જરૂરત આપણે ત્યાં ઊભી થઈ છે. લોકરુચિને શિષ્ટ બનાવવા જાગરૂક વિવેચકોની ફોજ જોઈશે. મધ્યમ કૃતિઓને છાપરે ચડાવી લોકોને સાધારણતામાં જ રાચતા વામનજીઓ બનાવી ન મૂકે, એવી ગ્રંથસમીક્ષાની અસર ચોપડીઓના વેચાણ પર પણ સારી થશે. સાહિત્યક્ષેત્રે પ્રથમ પંક્તિનું સર્જન અલ્પ જ હોય. એ વારેવારે મળતું નથી. બીજી-ત્રીજી કક્ષાના સર્જનનો ફાલ જ કોઈ પણ સાહિત્યમાં વધુ ઊતરતો હોય છે. એ બીજી-ત્રીજી હરોળના સાહિત્યનેય તેના ભોક્તાઓ હોય છે. એમની સેવામાં જતા સાહિત્યનું ગુણદોષદર્શી માર્ગદર્શક વિવેચન પણ તેમની પાસે પહોંચતું થાય, તો તેમની મુગ્ધતા કમી થાય અને તેમનાં રસ-રુચિ સંસ્કારાય. આવાં કશાંક પગલાં નહીં લેવાય, તો પ્રગટ થવાને અપાત્ર એવાં પુસ્તકો ગુજરાતી સાહિત્ય-ધરતીને ચોમાસાના બિલાડીના ટોપની જેમ ભરી દેશે. [‘સાડત્રીસનું ગ્રંથસ્થ વાંગ્મય’ : પુસ્તક]